ઉત્સવ

ખાખી મની-૧૫

‘સાહેબ, અનવરે મને કાર મુંબઇમાં પહોંચાડવાનું કહ્યું, બે લાખની લાલચ છતાં મેં ના પાડી હતી,’ અબુ બોલ્યો

અનિલ રાવલ

કોઇ માણસ લીલાસરી ગામમાં પાટીલને તમારા માટે પૂછતો હતો.

સાંભળીને લીચીએ સ્વસ્થસ્વરે કહ્યું: ‘ઠીક છે. મળીને વાત કરીએ’ લીચીને એ વખતે બીજી કોઇ વાતમાં રસ નહતો. એણે વરસોથી જે રહસ્ય જાણવાની રાહ જોયેલી એ રહસ્ય પરથી મા પડદો ઊંચકી રહી હતી. માનો ભૂતકાળ, એનો સંઘર્ષ, એની વ્યથા, એનું દુ:ખ, યાતના, પીડાના પડ એક પછી એક ઊખડી રહ્યા હતા. માનો એક એવો ભૂતકાળ જેની લીચીએ ક્યારેય કલ્પના કરી નહતી. પીડાનો એ પડછાયો ખાલિસ્તાની ચળવળ બનીને ગુજરાતથી પંજાબ અને ત્યાંથી કેનેડા સુધી લંબાયેલો હતો. મુગ્ધાવસ્થાના પ્રેમએ માને આપેલી એ સૌથી કષ્ટદાયક પીડા હતી..જેમાં એ આજ દિવસ સુધી કણસતી રહી હતી. પંજાબમાં નાનકડું ઘર બનાવીને મા સાથે ઘરસંસાર માંડીને રહેવાના સપના બતાવનારો બાપ કેનેડામાં બેસીને અલગ ખાલિસ્તાન બનાવવાની વાત કરી રહ્યો હતો. માની પીડાની આ પરાકાષ્ઠા લીચી માટે અકલ્પ્ય હતી.

મા, તું ચુપ કેમ થઇ ગઇ?, લીચીએ પૂછ્યું. ખોળામાં માથું ઢાળીને પડેલી મા ઊભી થઇ. આંખ પર થીજી ગયેલાં આંસું લૂછતાં બોલી: ‘તું જા. તારું કામ જવાબદારીવાળું છે.’
‘મા, તારી અધૂરી વાત પૂરી કર…પછી જઇશ.’ લીચીએ કહ્યું.

ફરી ક્યારેક. મારા ભૂતકાળની ડાયરીના એ પાનાં ફરી ક્યારેક ખોલીશ.’
મા બોલી ને લીચી વિચારમાં પડી ગઇ: ‘શું લખ્યું હશે એ ડાયરીમાં.?’


લીચીની કાર અને વિચાર હાઇવે પર પૂરપાટ દોડી રહ્યા હતા. લીચી લીલાસરી ગામે જઇને પોતાને શોધવા નીકળેલા પેલા માણસ વિશે કનુભા પાસેથી જાણવા માગતી હતી, પણ એનું મન માની વાતોમાં વીંટળાયેલું હતું.

વરસાદી રાતે હાથ લાગેલો દલ્લો જોઇને પહેલાં તો લીચીએ પૈસાની બેગની વાત જાહેર કરીને મોટું નામ કમાઇ લેવાની ઇચ્છા કરેલી…પણ પછી વિચાર બદલી નાખ્યો હતો. એણે મા માટે મન બદલી નાખ્યું હતું. એણે આખી જિંદગી ઝઝૂમીને, દુ:ખી થઇને…ઓશિયાળું જીવન જીવીને મને મોટી કરી. હું માને એ તમામ સુખ અને સિક્યોરિટી આપીશ જેનો એને સપનેય અંદાજ નહીં હોય. માએ એને ઘણીવાર પૈસાની બેગ વિશે પૂછા કરેલી, અનીતિનો પૈસા ઘરમાં નહીં લાંવતી એવી ટકોર પણ કરેલી, પરંતુ લીચીએ ખોટી ખાતરી આપી હતી કે આ નાણાં કોઇની અમાનત છે.

લીલાસરી પહોંચતા પહેલાં એણે કનુભાને ફોન કરી દીધો હતો. કનુભા પાટીલને સાથે રાખીને મેડમની રાહ જોતા ઊભા હતા. મેડમની કારને દૂરથી આવતી જોઇને કનુભાએ આસપાસ નજર કરીને કોઇ જોતું નથી એની ખાતરી કરી લીધી. મેડમે એમના પગ પાસે બ્રેક મારી. બંનેને કારમાં બેસવાનો ઇશારો કર્યો. એ લોકો જેવા બેઠા કે તરત જ કારે હાઇ વેનો રસ્તો પકડ્યો.

કનુભાની ક્યારની સળવળી રહેલી જીભ ખુલી: ‘મેડમ, એ માણસ પાટીલને મળ્યો. એણે પૂછ્યું કે આસપાસના પોલીસ સ્ટેશનમાં કોઇ મહિલા પોલીસ કામ કરે છે.?’
‘પાટીલ તમે બોલો શું કહ્યું એણે? કોણ હતો એ.?’ લીચીનું ધ્યાન હાઇવે પર હતું.

મેડમ, એણે મને મરાઠીમાં કહ્યું કે પત્રકાર છું…મુંબઇથી આવું છું. મને આસપાસના પોલીસ સ્ટેશનોમાં કોઇ મહિલા પોલીસ કામ કરતી હોય તો એની માહિતી જોઇએ છે.’ પાટીલે કહ્યું.
‘એણે એના અખબારનું અને પોતાનું નામ ન કહ્યું.?’ લીચીએ પૂછ્યું.

‘એણે એનું નામ અમન રસ્તોગી કહ્યું.’
લીચીએ સ્પીડ હળવી કરીને કાર સાઇડમાં લીધી. મોબાઇલ કાઢીને સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. મળી આવેલી કાર અને લાશ વિશેના છેલ્લામાં છેલ્લા ન્યૂઝ જોયા છાપનારા અખબારનું નામ વાંચ્યું: ‘ફ્રીડમ એક્સપ્રેસ’..જેના પર ચીફ રિપોર્ટર અમન રસ્તોગીનું નામ હતું.

‘અમન રસ્તોગી ફ્રીડમ એક્સપ્રેસનો પત્રકાર છે. એ તમારા સુધી કઇ રીતે પહોંચ્યો.?’ લીચીએ પૂછ્યું.

‘એક લોકલ પત્રકાર ગજાનનએ મારું નામ આપ્યું.’ પાટીલ બોલ્યો.

‘અમન રસ્તોગીએ બીજું શું પૂછ્યું.?’

‘કાંઇ નહીં….મહિલા પોલીસને શોધવામાં મદદ માગી ને કહ્યું કે મોઢે માગ્યા પૈસા મળશે.’
લીચી હસી પડી. ‘પાટીલ, મારું નામ આપવાના તમને બહુબધા રૂપિયા મળે તો નામ આપી દેજો. બાકી…તમારો કરોડોનો હિસ્સો મારી પાસે સલામત છે….હા, મોં ખોલશો તો એની કિંમત ચૂકવવી પડશે,’ લીચીએ બંનેની સામે જોતા કહ્યું.


અબુ અલિયાપુર પોલીસ ચોકીના બાંકડા પર બેસીને રાંગણેકર અને સોલંકીની રાહ જોતો બેઠો હતો. સૌથી પહેલાં સોલંકી આવ્યો. એ અબુની સામે જોયા વિના જ અંદરની કેબિનમાં જતો રહ્યો. હવાલદારે અબુને થોડીવાર બેસી રહેવાનો ઇશારો કર્યો. પૂછપરછ માટે આવેલા આરોપીઓને અકળાવી મૂકવાનો પોલીસનો આ એક સરળ રસ્તો છે….એમને બહાર બાંકડા પર બેસાડી રાખવાના. બપોર સુધી ભૂખ્યો-તરસ્યો બેસી રહેલો અબુ વારેવારે હવાલદારની સામે લાચાર આંખે જોતો. હવાલદાર થોડીથોડીવારે એજ ઇશારો કરતો. અચાનક રાંગણકરને પ્રવેશતા જોઇને એ ઊભો થઇ ગયો. રાંગણેકર પણ એની તરફ નજર નાખ્યા વિના અંદર જતા રહ્યો.

થોડીવાર પછી હવાલદારે અબુને અંદર મોકલ્યો.

‘પત્રકારને તેં બધું બકી દીધું એમને.’ અબુ ખુરસીમાં બેસે તે પહેલાં રાંગણેકરે કહ્યું.

‘સાહેબ તમે પૂછ્યું નહીં…તમે ઉતાવળમાં હતા…હું તો મારી બહેનને લઇને બધું કહેવા જ આવેલો.’
‘તો હવે બકવા માંડ….બોલ શું કહેવું છે તારે.’ સોલંકીએ કહ્યું.

‘મારો ધંધો ગાડીઓની લે-વેંચનો તો છે જ, પણ મારું એક ગેરેજ પણ છે.’
અબુ બોલતા અટકી ગયો.

‘આગળ બોલ મારી પાસે ટાઇમ નથી’, રાંગણેકરે કડક અવાજે કહ્યું.

‘સાહેબ, અનવરે એ દિવસે મને કાર મુંબઇમાં કોઇને પહોંચાડવાનું કહ્યું, પણ મેં ના પાડી. એણે મને બે લાખ આપવાની લાલચ પણ આપેલી.’ રાંગણેકર અને સોલંકી આ વાત સાંભળીને અવાક રહી ગયા.

‘કાર પહોંચાડવાનાં બે લાખ.? કારમાં કાંઇ તો હોવું જોઇએ.’ બંનેના મનમાં એક સાથે ઝબકારો થયો.

‘તેં કેમ ના પાડી.?’ સોલંકીએ પૂછ્યું.’
‘સાહેબ, અનવર મારો જીજાજી હતો. હું એને સારી રીતે ઓળખુંને. મને અને મારી બેનને એના આવા બે નંબરી કામો ગમતા નહીં. એટલે જ એનાથી તંગ આવી જઇને ઘર છોડીને જતી રહી. હું મુંબઇ ગયો હોત તો એની જગ્યાએ મારી લાશ મળી હોત.’
‘તું કારની લે-વેંચનો ધંધો કરે છેને.? કાર જૂની હોવાછતાં રનિંગ માંડ ૪૦૦-૪૫૦ કિ. મીટર જ બતાવે છે ને કાગળિયા બસરાને નામે છે. આ સમજાયું નહીં. તું તો જાણકાર માણસ છો. જરા મને સમજાવને.’
અબુ ચૂપ થઇ ગયો. નીચું જોઇ ગયો. રાંગણેકરને થયું કે અબુ હજી ઘણું જાણે છે. જરા ખોતરવાથી કાંઇક નીકળશે.

‘કાર વિશે તું જાણે છે અબુ.?’ રાંગણેકરે બહુ જ પ્રેમથી પૂછ્યું.

‘સાહેબ, કાર મારી પાસે ઘણા વખતથી ગેરેજમાં પડી હતી. અનવર જીજાએ કારનો સોદો બસરા સાથે કરાવી આપેલો. મેં એને કહ્યું કે મારી પાસે કોઇ કાગળિયા નથી. તમે તમારે જોખમે કાર ખરીદીને વાપરો. એમણે થોડા મહિના પહેલાં જ મારી પાસેથી કાર ખરીદી હતી. સાહેબ, પછી એણે કાગળિયા કઇ રીતે કરાવ્યા…ને એના કિ.મીટર કઇ રીતે બદલી નાખ્યા એની મને ખબર નથી સાહેબ.’
‘તેં હમણાં કહ્યું કે તારા જીજુ અનવરે તને કાર લઇને મુંબઇ જવાનું કહ્યું હતું.’
‘ત્યાં કોને મળવાનું…કાર કોને આપવાની એનું નામ-ઠામ, સરનામું આપ્યું હશેને.’
‘સાયન કોલીવાડા….પીર બાબાની જગ્યા એવું કાંઇક બોલેલો.’ અબુએ કહ્યું.
‘કારમાં શું હતું તને ખબર છે.?’ રાંગણેકરે પૂછ્યું.

‘ના સાહેબ, અલ્લા કસમ…મને કાંઇ જ ખબર નથી.’ અબુ બોલ્યો.

તું જઇ શકે છે…..પણ એક વાત યાદ રાખજે કે અમારી સાથે થયેલી કોઇ વાત તારે ક્યાંય કરવાની નથી…અને બોલાવું એટલે તરત જ હાજર થવાનું,’ રાંગણેકરે અચાનક વાત પર પરદો પાડી દીધો.
રાંગણેકરે અંધારામાં છોડેલું તીર એના સાચા નિશાન પર જઇને ચોંટી ગયું.

મહેન્દરસિંઘ બસરાનો દોસ્ત અનવર. એનો સાળો અબુ. અબુએ અનવરની સાક્ષીએ કાર બસરાને વેંચી. બસરાએ અનવરને કાર મુંબઇ લઇ જવાનું કામ સોંપ્યું. અનવરે એ કામની પોતાના સાળા અબુને ઑફર કરી, પણ એણે ના પાડી. અંતે વરસાદી રાતે અનવર ખુદ કાર મુંબઇમાં પહોંચાડવા નીકળ્યો. કાર મહારાષ્ટ્રની હદમાંથી મળી આવી…અનવરની લાશ સાથે.

‘રાંગણેકર સાહેબ, તમે એને જવા કાં દીધો. એ બીજું ઘણું જાણતો હશે.’ સોલંકીએ અબુના ગયા પછી કહ્યું.

અબુ અબુધ છે…મેં એને ઢીલ આપીને બાંધી રાખ્યો છે….એણે કહેલી વાતનો સાર એટલો જ કે અબુએ બસરાને કાર વેંચી. બસરાએ કોઇ રીતે કાગળિયા પોતાને નામ કરાવ્યા…ઇન્ડીકેટરમાં કિલોમીટર પણ બદલ્યા…હકીકત એ છે કે કાર મુંબઇના સાયન કોલીવાડામાં…પીરબાબાની દરગાહ પાસે કોઇ જગ્યાએ મોકલવાની હતી. બસરાએ કોઇ ચોક્કસ ઉપયોગ કરવા પૂરતી જ કાર ખરીદી હતી. અનવરની લાશ કારમાં કોઇ કિમતી વસ્તુ હોવાનો પુરાવો છે. કારમાં પૈસા હોવાનું અમન રસ્તોગીનું અનુમાન કદાચ સાચું હોવું જોઇએ. પત્રકારોની ઘ્રાણેન્દ્રિય પોલીસ કરતાં પણ વધુ તેજ હોય છે.’


સરદાર સંધુની ફ્લાઇટ મોડી હતી. એરપોર્ટની બહાર એક જણ એના નામનું પાટિયું લઇને ઊભો હતો. જેથી સરદાર સંધુને પોતાનું સ્વાગત કરવા આવનાર પાસે જવામાં સરળતા રહે. થોડીવારમાં સંખ્યાબંધ સરદારજીઓ એરપોર્ટ પર ચડી આવ્યા. કોઇપણ જાતની નારાબાજી નહીં, કોઇ શોરશરાબા નહીં. શિસ્તબદ્ધ રીતે પોતાના સરદારની રાહ જોતા ઊભા રહ્યા. બે સામસામી કતારોમાં પંચરંગી પાઘડીઓ ઊડીને આંખે વળગવા લાગી. હાથમાં પાટિયું લઇને ઊભેલા શખસે નજીકના ડસ્ટબીનમાં પાટિયું નાખી દીધું ને કોટનો કોલર સહેજ ઊંચો કરીને એરપોર્ટ પરના પોતાના સાથીઓને ઑપરેશન પડતું મૂકવાની સૂચના આપી.

સરદાર સંધુ બહાર આવ્યો. એક આગેવાને એને હાર પહેરાવ્યો. એણે પોતાના ટેકેદારોની સંખ્યા જોઇને પોતાના ખભા ઉછાળ્યા. બે કતારની વચોવચ ગજગજ છાતી ફુલાવીને ચાલી રહેલા સરદાર સંધુને કારમાં બેસાડીને હંકારી જવાયો.


ગ્રંથી તજિન્દરસિંઘની સામે બેઠેલા સરદાર સંધુએ કહ્યું: ‘તું ભી કમાલ હૈ તજિન્દર, મૈંને બતાયા થા સતિન્દર કો કિ મૈં પહોંચ જાઉંગા. ઇતની સિક્યોરિટી ભેજને કી ક્યા ઝરુરત થી.? મુઝે સિક્યોરિટી કી કોઇ ઝરૂરત નહીં.’
‘પાજી, તુજે માલૂમ નહીં…યહાં કા મામલા ગરમા ગયા હૈ.’


દિલ્હીમાં નેશનલ સિક્યોરિટીના ચીફ અભય તોમારના ફોનની બેલ વાગી.

તોમારે ફોન ઊંચક્યો ને સામેથી રોના ચીફ બલદેવરાજ ચૌધરીનો અવાજ આવ્યો ‘સર, ઑપરેશન રોકના પડા હૈ.’
‘કોઇ બાત નહીં. ઓર એક મૌકા ઢુંઢિયે.’ તોમારે ફોન કાપી નાખ્યો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button