ઉત્સવ

ખાખી મની-૧૪

‘પંજાબના ઘરમાં સૌ અમારું સ્વાગત લાઠીઓથી કરવા તૈયાર હતા. અમે ફળિયામાં પગ મૂક્યો અને…’

અનિલ રાવલ

‘આ છે તારો બાપ સતિન્દર’ માના મોઢામાંથી અચાનક નીકળેલા શબ્દો સાંભળીને લીચી સ્તબ્ધ થઇ ગઇ. બેઉ હાથ લમણે ટેકવીને સતિન્દરસિંઘને જોતી રહી. માથું સણકા મારવા માંડ્યું. ગળું સૂકાવા લાગ્યું.

‘કેનેડામાં બેસીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવતો ત્રાસવાદી, વગદાર રાજકારણી અને ડ્રગ માફિયા મારો બાપ છે.?’ એણે બોલવાનો પ્રયાસ કરી જોયો, પણ જીભ તાળવે ચોંટી ગઇ….આમછતાં એણે ટીવી બતાવીને ઇશારાથી પૂછવાની કોશિશ કરી કે ‘આ મારો બાપ છે…આ….આ…મારો બાપ છે.?’

ટીવી પરના ન્યૂઝ બદલાયા…લીચીએ સ્વિચ ઓફ કરી. ઘરમાં સ્મશાનવત શાંતિ પથરાઇ ગઇ. મા હજી ટીવીની સામે મોં રાખીને બેઠી હતી ને અવાચક લીચીને વાતની શરૂઆત કરવા શબ્દો મળતા નહતા. માએ વરસોથી મનમાં દાબી રાખેલા ભેદી ભૂતકાળનું એક પાનું ટીવીના માધ્યમથી ખુલ્યું. લીચીને સતિન્દરના કાળા વર્તમાનનો માત્ર આછેરો ખયાલ હતો, પણ એક બાપ તરીકેની ઓળખ માએ કરાવી. માએ એક ગુનેગારની જેમ લીચીની સામે જોયું. કહેવાની હિંમત નહોતી…બોલવા શબ્દો નહતા. એની આંખોમાંથી ભીનો પસ્તાવો દળદળ વહી રહ્યો હતો.

શું મા પણ ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે જોડાયેલી હતી.? શું મા પણ ગુનાઓથી ખરડાયેલી છે.? બાપ કેનેડા શા માટે જતો રહ્યો? બંનેએ લગ્ન કરેલા કે પછી હું એમનું અનૌરસ બાળક છું.? અને સૌથી અગત્યનો મુદ્દો: મા ગુજરાત અને બાપ પંજાબ…બંને વચ્ચેનું કનેક્શન કંઇ રીતે થયું.? આવા અસંખ્ય સવાલો લીચીને સતાવતા હતા. લીચી માને પ્રશ્ર્નો પૂછવા માગતી હતી…. દીકરી તરીકે. લીચી માને ક્યારેય દુ:ખી જોવા માગતી નહતી. પણ છેલ્લા થોડા દિવસથી માના ચહેરા પરથી ખુશી ગાયબ થઇ ગઇ હતી. એને પૈસાની બેગ કરતાં પણ વધુ ચિંતા માની આવી હાલતની હતી.

ટીવીમાં સતિન્દરને જોઇને માએ પોતે જ પોતાના રહસ્યમય ભૂતકાળ પરથી અનાયાસે પરદો ઊંચક્યો હતો…પણ લીચીને ક્યાં ખબર હતી કે પોતે જે સત્ય જાણવા માગતી હતી એ આટલું બિહામણું હશે. લીચી પાસે એ કદરૂપા સત્યને જોવા-જાણ્યા સિવાય બીજો કોઇ માર્ગ નહતો. મા સિવાય એનું આ દુનિયામાં કોઇ નહતું. ક્યારેય માનું દિલ ન દુભાવનારી લાચાર લીચી માના આંસુ જોઇ શકતી નહતી. વાત શરૂ કરતાં પહેલાં એણે પોતાની
આંખો એક ક્ષણ માટે મીંચી. એ દરમિયાન કંઇક વિચારીને એ ઊઠીને મા પાસે ગઇ. હથેળીઓમાં માનું મુખ લઇને ઊંચું કર્યું. બંનેની ભીનાશભરી આંખો મળી.

‘મા, ઊલેચી નાખ બધું જે તેં અત્યાર સુધી તારા દિલમાં સંઘરી રાખ્યું છે….હળવીફુલ થઇ જા. દરેકનો એક ભૂતકાળ હોય છે…એમ તારો પણ છે.’
માએ લીચીને ગળે વળગાડી લીધી. રોકી રાખેલું ડૂસ્કું ફુટ્યું. એના ધ્રુસકા, ડૂસકા અને હિબકાં એણે ઝેલેલા અસહ્ય માનસિક ત્રાસ બયાંન કરી રહ્યાં હતાં. લીચી એના માટે પાણી લાવી. બે ઘૂંટડા પાણી પીને મા લીચીના ખોળામાં માથું ઢાળીને સૂતી.

‘સતિન્દર પંજાબના ગામડામાંથી બરોડા એના મામા હરનામસિંઘના ઘરે આવ્યો હતો.. મામાની દૂધ-દહીંની ડેરી…જ્યાં હું રોજ દૂધ લેવા જતી. એને ગુજરાતી બોલતા આવડતું નહીં…ને હું ખાસ એને ચીડવવા ગુજરાતી બોલતી. એને ચીડવવાની મને મજા પડતી. દાઢી-મૂછ વિનાનો ખડતલ સતિન્દર મને ગમવા લાગ્યો હતો.’ લીચીને લાગ્યું કે મા કોઇ મોટો ગુનો કર્યો હોય એમ બોલી રહી છે.

મા, તું પોલીસ સ્ટેશનમાં બયાન નથી આપી રહી. હું પોલીસ ઇન્સ્પેક્ટર નથી, તારી દીકરી છું. લીચીએ કહ્યું.

‘બપોરે મામા ડેરીએથી ઘરે જાય પછી સતિન્દર થડા પર બેસતો. એ મારી રાહ જોતો ને હું મામા ઘરે જાય એની. અમારી વચ્ચેની નિકટતા વધી. પછી દુકાને મળવાને બદલે અમે ગાર્ડનમાં મળવા લાગ્યા.. સાથે સિનેમા જોવા લાગ્યા. હું એની પાછળ એટલી પાગલ હતી કે કોલેજમાં ગુલ્લી મારીને એને મળવા દોડી જતી.’ એકવાર મેં એને પૂછ્યું.

‘તું અહીં મામાને ત્યાં વેકેશનમાં આવ્યો છે?’

પહેલાં તો એ જરા થોથવાયો, પછી બોલ્યો: ‘મુજે મામાને દત્તક લિયા હૈ.’
તો અહીં ભણવાનું શરૂ કરી દે. ગુજરાતી શીખી લે તારા મામાની જેમ.’
‘મૈં પઢતા હું ના…યહ ઢાઇ અક્ષર કા શબ્દ….પ્રેમ. એમ કહીને એણે મારો હાથ પકડી લીધો. સતિન્દર એવી મીઠી મીઠી વાતો કરતો કે હું એમાં ખોવાઇ જતી.’
મા બોલતા બોલતા ચૂપ થઇ ગઇ. કોઇ ઊંડા વિચારમાં ખોવાઇ ગઇ. લીચીએ એને વિચારવા દીધું.

‘કોઇ એક નબળી પળે અમે.’ મા બોલીને અટકી. લીચીએ માન્યું કે એ નબળી ક્ષણ મારા જન્મનું કારણ બની હશે, પણ માએ આગળ કહ્યું: ‘અમે બંનેએ છૂપી રીતે લગ્ન કરી લીધાં.’ પ્રમોદભાઇ અને ભાભીએ ઉંબરામાં પગ મૂકવા ન દીધો…ને મામાએ હોબાળો મચાવ્યો.’
‘તૂ અભી કા અભી પંજાબ વાપિસ ચલા જા. પઢાઇ લિખાઇ કૂછ કરતા નહીં થા ઇસલિયે તેરે મા-બાપને તૂજે યહાં સુધરને કે લિયે ભેજા થા…..તૂં પઢના નહીં ચાહતા થા..તો મૈને સોચા ચલો ઠીક હૈ…દસવી તક પઢ લિયા બહુત હો ગયા….મેરી કોઇ ઔલાદ હૈ નહીં….તૂં મેરા ધંધા કારોબાર સંભાલ લેગા.’

‘લેકિન અબ મૈં તુજે નહીં સંભાલ સકતા. તૂ ઔર તેરી યે લડકી જાઓ પંજાબ.’
મામાએ સતિન્દરને પાછો મોકલવાની વાત છેક પંજાબ સુધી પહોંચાડી. આત્મવિશ્ર્વાસથી છલકાતા સતિન્દરે મને કહ્યું: ‘ચલ, પંજાબ જાકે રહેંગે. મૈં કૂછ કામ ઢૂંઢ લુંગા. તુજે ખુશ રખુંગા.’
એના ભરોસે હું ભાઇ-ભાભી અને બરોડાને છોડીને પંજાબ પહોંચી. અજાણ્યું ગામ…અજાણ્યા લોકો…અલગ સંસ્કૃતિ..સાવ જુદો માહોલ, પણ મારામાં એ બધાને પોતીકાં કરી લેવાની આવડત હતી, પણ.

માએ ફરી વિસામો લીધો….પંજાબની ધરતી પર શું થયું. લીચી માના માથા પર હાથ ફેરવતા વિચારવા લાગી.

પંજાબના ઘરમાં સૌ અમારું સ્વાગત લાઠીઓથી કરવા તૈયાર હતા. અમે ઘરનાં ફળિયામાં પગ મૂક્યો કે તરત જ સતિન્દરના પિતા એને મારવા દોડ્યા…..પણ બરોડાવાળા મામા હરનામસિંઘના મોટા ભાઇ સતનામસિંઘ વચ્ચે પડ્યા. અમને ઘરમાં નહીં આવવાનું ફરમાન થયું. મોટામામા સતનામસિંઘે રસ્તો કાઢ્યો…એ અમને એના ઘરે લઇ ગયા…એમણે આશરો આપ્યો…પણ ‘એ આશરો મારા માટે ઓશિયાળો બની રહ્યો.’ મા કદાચ પંજાબના એ ઘરમાં પહોંચી ગઇ હતી. એણે નિસાસો નાખ્યો.

‘થોડા દિવસ પછી અચાનક સતનામમામા ગાયબ થઇ ગયા. એ વખતે ચાલતી ખાલિસ્તાની મૂવમેન્ટને લીધે આમેય પંજાબમાં વાતાવરણ
તંગ હતું….એમાં સતનામમામા ગૂમ થતા
ઘરનો માહોલ વધુ ગંભીર બન્યો. સતનામના ગાયબ થઇ જવા વિશે મારા સિવાય કદાચ ઘરમાં બધાને ખબર હતી…કદાચ મારાથી વાત છુપાવાતી હતી.’
એક રાતે સતિન્દરે મને કહ્યું: ‘સૂન, મૈં ઔર તજિન્દર ભાઇસાબ એક મ્યુઝિક ગ્રુપ કે સાથ કેનેડા જા રહે હૈ. વહાં સેટ હો કે મૈં તૂજે બુલા લુંગા.’
‘મને પણ તારા મ્યુઝિક ગ્રુપમાં સાથે લઇ જાને’
‘અરે પગલી, મેરા ચાન્સ ભી સતનામ મામા કે કારન લગા હૈ. બહુત પૈસે દિયે હૈ ઉન્હોને કેનેડામાં..’
‘સતનામ મામા કેનેડામાં છે?’
‘હા, લેકિન તૂ કિસી કો બતાના મત. છેહ મહિના…બસ, છેહ મહિના દે મુજે. ફિર તૂ ભી કેનેડા આ જાયેગી.’
‘સતિન્દરના એ છ મહિના ક્યારેય ન આવ્યા….ન એ આવ્યો….ન એની કોઇ ખબર આવી…..એના ખબર મળ્યા તો આજે આ ટીવીમાંથી મળ્યા….ખાલિસ્તાની મૂવમેન્ટનો લીડર…દાઢી-મૂછવાળો એક પાક્કો શીખ સરદાર. હું એને ઓળખી ગઇ, પણ અફસોસ કે પહેલાં ન ઓળખી શકી.’
લીચીએ જોયું કે હૈયું ઠાલવી દેવાથી મા હળવી થઇ રહી છે. લીચી એને બોલવાનો..વધુ ખુલવાનો અવકાશ દેતી રહી.
‘સતિન્દરના કેનેડા ગયા પછી મારી સાથેનો મામીનો વર્તાવ બદલાઇ ગયો.’
‘સતિન્દર તુજે કેનેડા બુલાયેગા યે બાત તૂ તેરે દિમાગ સે નિકાલ દે, મામીએ એક દિવસ મને કહ્યું.’
‘સતિન્દર મુજે સચ્ચા પ્યાર કરતા હૈ.’
‘પ્યારબ્યાર કૂછ નહીં….યહાં આવારાગર્દી કરતા થા….સુધારને કે લિયે ઉસે હરનામભાઇ સાબ કે પાસ બરોડા ભેજા’
‘હરનામ મામાને ઉસે દત્તક લિયા થા ના.?’
‘દત્તક….કૌન બોલા તુજે.?’
‘સતિન્દરને બતાયા મુજે.’
‘વો ઝુઠ બોલા. વો નહીં સુધરેગા.’
કોણ જાણે કેમ પણ સતિન્દર વિશેની વાતો હું માનવા લાગી હતી. મામીના બળાપામાં મને સચ્ચાઇ દેખાવા લાગી હતી, પણ મારે સતિન્દરની સચ્ચાઇ પારખવાની હતી.
એની ગેરહાજરીમાં હું લાચાર હતી….એ મને
કેનેડા બોલાવે એની મારે રાહ જોવાની હતી. લીચીના મોબાઇલની રીંગે વિક્ષેપ પાડ્યો. મા
અટકી ગઇ. લીચીને મોબાઇલમાં રસ નહતો…એણે જોયા વિના જ કટ કર્યો. બંને થોડી ક્ષણો શાંત રહ્યાં.

‘કેટલીક વાતો મને ખટકતી કે સતનામ મામા કબૂતર બનીને કેનેડા ગયા છે અને ત્યાંથી ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવે છે એની જાણ મારા સિવાય આખા ગામને, આખા ઘરને હતી.’ લીચીનો ફોન ફરી રણક્યો. એણે આ વખતે જોઇને કટ કર્યો.

‘એવામાં એક દિવસ મારી તબિયત બગડી…મને ઉલટીઓ થવા લાગી…..અને મામીને શંકા ગઇ….હું પ્રેગ્નન્ટ છું એવી ખબર પડી કે તરત જ એમણે મને કાઢી મૂકી.’
‘અબ મૈં તૂજે યહાં એક મિનિટ નહીં રખુંગી’
હું એક શીખની દીકરી છું. જેનો બાપ કેનેડા ભાગી ગયો છે…..પત્નીને છોડીને…દગો આપીને.લીચી મનોમન વિચારવા લાગી.

‘મારા માટે બધા રસ્તાઓ બંધ થઇ ગયા હતા. સતિન્દરના માતા-પિતા, ભાઇ-ભાભી, હરનામમામા, સતનામમામા. મામીએ મારાથી પીછો છોડાવવા મને ટિકિટભાડાના પૈસા આપ્યા. હું મારા બાપુજીના એક ખાસ દોસ્ત પાસે સુરત પહોંચી. એમની ત્રણ માળની હોટલ હતી. મેં એમને બધી વાત કરી. કામ માગ્યું. એમણે મને રિસેપ્શનિસ્ટ તરીકે કામ આપ્યું ને હોટલમાં રહેવાની જગ્યા.’ લીચીની આંખમાંથી આંસુનું એક ટીપું ખોળામાં માથું રાખીને બોલી રહેલી માના ગાલ પર પડ્યું.

‘તું જન્મી પછી મેં રહેવા માટે એક ઘર ભાડે લીધું.’ લીચીના મોબાઇલની રીંગ ફરી વાગી. એણે જોઇને કટ કર્યો. ફરી વાગી….એણે ફરી કટ કર્યો. અંતે ગુસ્સામાં એણે ફોન નહીં કરવાનું કહેવા મોબાઇલ લીધો અને સામેથી અવાજ આવ્યો: ‘મેડમ, કનુભા બોલું છું. તમે ફોન કાં નથી ઉપાડતા. કોઇ માણસ લીલાસરી ગામમાં પાટીલને તમારા માટે પૂછતો હતો.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો