ઉત્સવ

ખાખી મની-૧૩

નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના વાક્યમાં બે શબ્દો મહત્વના હતા. એક, ‘સ્વાગત’ અને બીજો ‘બંદોબસ્ત’

અનિલ રાવલ

બીજે જ દિવસે અમન રસ્તોગીએ મુંબઇનાં અખબારોમાં એક્સક્લુસિવ ન્યૂઝ છાપ્યા: ‘અનવર અહમદ હુસેન બે નંબરનાં નાણાંની હેરાફેરીનું કામ કરતો હતો. કારમાં પૈસા હોવાની શક્યતા: કારમાલિક મહેન્દર બસરાની આત્મહત્યા.’
સમાચાર વાંચીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો. ઇમામ અને હરપાલસિંઘના જીવ અધ્ધર થઇ ગયા…પણ સૌથી મોટો આંચકો રાંગણેકર અને સોલંકીને લાગ્યો. આ બંનેને અનવરના મૂળ ધંધાની ખબર જ નહતી..બસરા સામે ચાલીને મળવા આવ્યો ત્યારે અને અબુ સલમાને લઇને આવ્યો ત્યારે ઉતાવળમાં થોડી મહત્ત્વની બાબતો લેવાનું રહી ગયું હતું એમ ધારીને કે આ બંનેને તો ગમે ત્યારે બોલાવી શકાશે …..જ્યારે રસ્તોગીએ તો અબુ કારની લેચ-વેંચનો ધંધો કરતો હોવાનું છાપી દીધું….પણ રાંગણેકર અબુ કારની લે-વેંચનો ધંધો કરતો હોવાની વાતે ખુશ હતો….કારણ કે એને પોતાને મળેલી સુરાગમાં અબુની આ કેસમાં સંડોવણી બહાર આવે એવી એને ધારણા બંધાઇ હતી.

અમદાવાદથી પાછા વળતી વખતે સોલંકીએ એમને મળેલી સુરાગ વિશે પૂછ્યું.
‘સાહેબ, તમને કોઇ સુરાગ મળી છે એવું તમે કહેતા હતા.’
‘હા, તમે કારની પૂરી તલાશી લીધી હતી.?’
‘હા સાહેબ, બધું જ ચેક કર્યું, કાંઇ મળ્યું નથી.’
‘મને લીડ મળી છે….કદાચ ઉપયોગી બને,’ રાંગણેકરે કહ્યું.
સોલંકીને આશ્ર્ચર્ય થયું. ‘શું લીડ મળી છે સાહેબ.?’
‘એ કાર કેટલા કિલો મીટર ચાલી છે એ ચેક કર્યું.’ કહીને એમણે પોતાનો મોબાઇલ સ્ક્રોલ કરીને પોતે ખેંચેલી તસ્વીર કાઢી.

‘આ જુઓ. આ કાર માત્ર ચારસો સવા ચોરસો કિલો મીટર ચાલી છે. બસરા અનવરને મળવા સુરત ગયો….એના અંદાજે ૨૭૫ કિલો મીટર થાય..સુરતની અંદરનો એરિયા ગણી લઇએ તો. ત્યાર પછી અનવરે બીજા ૧૪૫ કિલો મીટર કાર ચલાવી હોવી જોઇએ…..એટલે ઘટના મહારાષ્ટ્રની હદ શરૂ થાય તે પહેલાં બની છે…..અને કારને મહારાષ્ટ્રના ઝાડીજંગલ વિસ્તારમાં ત્યજી દેવાઇ છે. અનવરના ખિસ્સામાંથી કે કારમાંથી કોઇ કાગળિયા મળ્યા નથી…બહુ સિફ્તથી કામ કરાયું છે.’
‘મતલબ કે આપણે ગુજરાત સાઇડના પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અને હાઇવે પોલીસમાં તપાસ કરવી જોઇએ.’ સોલંકીએ કહ્યું.
‘હાઇવે પોલીસમાં મેં મારી રીતે તપાસ કરી…..એ રાતે ભારે વરસાદને લીધે કોઇએ ડ્યૂટી કરી નહતી.’
‘સાહેબ, સીસીટીવી કેમેરાઓ પણ બંધ હતા….સૌથી પહેલાં મેં ફુટેજ માટે ટ્રાય કરી જોઇ..’ સોલંકીએ કહ્યું.

‘ગુજરાત તરફની પોલીસ ચોકીઓ અનો પોલીસ સ્ટેશનોની લિસ્ટ તપાસીએ,’ રાંગણેકરે કહ્યું.

‘સાહેબ, જ્યારે હાઇવે પોલીસે જ ડ્યૂટી કરી નહોતી તો બીજી કોઇ પોલીસ શા માટે ફરજ બજાવે.? એમની પાસેથી શું માહિતી મળે? બધા દારૂ પીને સૂઇ ગયા હશે.’
‘યાદી તૈયાર કરો, સોલંકી. આપણે હાઇવે સુધી લાંબા થવું પડશે.’ એણે મોબાઇલ પરથી એક કોલ લગાડ્યો: ‘અબુ, મને આપવાની માહિતી તેં રસ્તોગીને આપી દીધી. અલિયાપુર પોલીસ ચોકીએ હાજર થઇ જા. હા, આ વખતે તું એકલો આવજે.’


ઇમામ પાસેથી હરપાલસિંઘના ગયા પછી પણ અબ્દુલ્લા ત્યાં જ ઊભો હતો..કોઇ ખાસ કારણસર.
‘બોલ’, ઇમામે કહ્યું.
‘મૈને ઉનકો કહા કી અગર પુલીસ પૂછે તો ઇમામ કા નામ નહીં બોલને કા…..અગર મેરી ગોલી સે બચના હૈ તો યહ ગોલી ખા લેના…લેકિન મૂંહ નહીં ખોલને કા.’
‘અચ્છા હુઆ…ઉસને અપના રાસ્તા ઢૂંઢ લિયા, તેરી એક ગોલી બચ ગઇ.’ ઇમામે એને જવાનો ઇશારો કરીને હાથમાં તસ્બી લીધી…પછી અચાનક કંઇક યાદ આવતા કહ્યું: અબ્દુલ્લા, તું કહે રહા થા વહાં ઇન્સપેક્ટર ઝાલા કે સાથ મેં દો પોલીસવાલે થે….ઔર દૂર કોને મેં એક આદમી ઔર એક ઔરત ખડી થી.’
‘હાં….થે વહાં.’
‘ઉન પર નઝર રખો.’


‘ઓ માય લવવવવવ..’ અમન રસ્તોગીએ રાધિકાને અખબાર બતાવતા કહ્યું કે ‘મારા બોસલોકો હવે ખુશ છે….મારું અનુમાન સાચું પડી રહ્યું છે…કારમાં પૈસા હતા….બસરાના સુસાઇડ અને અનવરના મોતને સંબંધ છે…કોઇ તો કનેક્શન છે….અનવરની લાશ મળી ને બસરાએ પોઇઝનની ગોળી ખાઇ લીધી. આ બધું કારમાં પૈસા હતા એનું પરિણામ છે….શોધવું એ છે કે પૈસા કોના હતા…અને હું એની જડ સુધી પહોંચીને રહીશ.’
‘બેબી, તું ત્યાં સુધી નહીં પહોંચી શકે…કેમ કે પૈસા ડ્રગ્સના હતા કે હીરાવાળાના કે રાજકારણીઓના…..એ બેગ તો કોઇ ઉઠાવી ગયું છે…અને બસરા અને અનવર નામના જાણભેદુને રસ્તામાંથી હટાવી દીધા છે. હવે એ લોકો બેગના ઉઠાવગીરને શોધી રહ્યા હશે….કાં થોડો વખત ચૂપ રહેશે.’ રાધિકાએ કોફીનો મગ અમનને આપતા કહ્યું.

‘રાધી, તું કહેતી હતી કે પોલીસ પાર્ટીમાં એ રાતે એક પોલીસ ઇન્સપેક્ટર પણ હતી.’
‘હા, સો ટકા..લેડી પોલીસ ઇન્સપેક્ટર હતી.’ રાધિકાએ કહ્યું.

‘ગુજરાત-મહારાષ્ટ્રની હદમાં લેડી પોલીસ ઇન્સપેક્ટર ફરજ બજાવતી હોય એ પોલીસ સ્ટેશન શોધવું રહ્યું.’ અમન રસ્તોગીએ કોફીની સિપ મારી.


સતિન્દરસિંઘે કેનેડાના પોલીસ ખાતામાં બબ્બરના મોતની ઊંડી તપાસની માગણી કરીને પોતાની રાજકીય વગનો પૂરો ઉપયોગ કર્યો. એની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ પોલીસ સ્ટેશન પહોંચી ગયું. પોલીસ સ્ટેશનની અંદર જતા પહેલા એણે બહાર પોતે જ બોલાવી રાખેલા પત્રકારો સમક્ષ રજૂઆત કરી: ‘અમારી ખાલિસ્તાનની માગણીનું આ પરિણામ છે ભારતની રો એજન્સીના માણસોએ બબ્બરનું મર્ડર કર્યું છે. બબ્બરનું મોત નેચરલ ડેથ નથી….મેપલ લેકમાં ડૂબાડીને મોત નિપજાવ્યું છે….આ મર્ડર છે. અમે શાંતિથી અમારી રજુઆત કરવા માટે અહીં આવ્યા છીએ.’
જોકે એક પરિચિત પોલીસ ઓફિસરે આ વગદાર રાજકારણી અને ડ્રગ્સ માફિયાને પોતાની કેબિનમાં બેસાડીને સમજાવટથી કામ લીધું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવીને કહ્યું કે ‘બબ્બરનું મોત લેકમાં ડૂબી જવાથી થયું છે. રિપોર્ટને માન્ય રાખ્યા સિવાય બીજો કોઇ રસ્તો નથી. તમે એક કામ કરી શકો. આપણી કેનેડિયન સરકારમાં આ મુદ્દો ઉઠાવીને ભારતની ગુપ્તચર સંસ્થા રો પર આક્ષેપ કરાવો….કેનેડા અને ભારતની સરકારોને ભીડાવી દો.’ પોલીસ ઓફિસરની અંગત સલાહે સતિન્દરસિંઘને વિચારતો કરી દીધો હતો.


સતિન્દરસિંઘ પોલીસ સ્ટેશનમાં બહાર આવ્યો પછી એના પર એક ફોન આવ્યો.

‘છોટે, તુઝે કબ સે ફોન લગા રહા હું. તું ઉઠાતા હી નહીં.’
‘સત શ્રી અકાલ સરદાર પાજી, માફી ચાહું. પોલીસ સ્ટેશન મેં થા… ઉઠા નહીં પાયા.’
‘જી કોઇ ગલ નહીં. મૈં કાલ આ રહા હું….અપને ડેમોન્ટ્રેશન મેં હિસ્સા લેણ દે વાસ્તે.’
‘જી સરદાર પાજી, અબ આપકો લીડ કરના હૈ..આપને બોલા ઇસ કારન હમને અપના ડેમોન્સ્ટ્રેશન કા પ્રોગ્રામ પોસ્ટપોન કિયા’ સતિન્દરસિંઘે કહ્યું.

સરદાર સંધુનું મૂળ પંજાબ. અમેરિકા અને કેનેડાની સિટિઝનશિપ ધરાવે. અમેરિકામાં પંજાબી ફૂડની ચેઇન ઓફ હોટેલ્સ ચલાવે, પણ સાથે ડ્રગ્સનો ધંધો કરે…જેમાં સતિન્દર ભાગીદાર. ગ્રન્થી તજિન્દરસિંઘની સાથે પણ એની ખૂબ સારી યારીદોસ્તી….અલગ ખાલિસ્તાનનો એક ઝંડો સરદાર સંધુએ અમેરિકામાં ઝાલ્યો હતો.
‘હાં લેકિન બબ્બર કે બચ્ચે યશનૂર કો સાથ રખના હૈ. આ કર તય કરતા હું. બડી પ્લાનિંગ કરની હૈ.’


‘ભાઇ સાબ, કલ અમરિકા સે સરદાર સંધુ આ રહે હૈ….ફોન આ ગયા ઉન કા.’ સતિન્દરસિંઘે ભાઇ તજિન્દરસિંઘને ફોન કરીને જાણ કરી.

‘ઉનકો એરપોર્ટ લેને જાને કા ઇન્તેજામ કર લેના…ફુલ સિક્યોરિટી કે સાથ.’ તજિન્દરસિંઘે કહ્યું.

‘ભાઇ સાબ, ઉનકો સિક્યોરિટી કી કોઇ ઝુરુરત નહીં..વો ખુદ સિક્યોરિટી હૈ.’ કહીને સતિન્દરસિંઘ હસ્યો.
‘ઓર હાં વો સીધે આપકે ઘર પહોંચેંગે…એસા કહા હૈ.’


રોના ચીફ બલદેવરાજ ચૌધરીએ નેશનલ સિક્યોરિટી એજન્સીના ચીફ અભય તોમારને કોલ લગાડ્યો: ‘સર, સરદાર સંધુ કેનેડા જા રહા હૈ.’
‘ઉનકે સ્વાગત કા બંદોબસ્ત કરો.’ નેશનલ સિક્યોરિટી ચીફ અભય તોમારના વાક્યમાં બે શબ્દો મહત્ત્વના હતા. એક, ‘સ્વાગત’ અને બીજો ‘બંદોબસ્ત.’


લીચીની મા ટીવી પરના ન્યૂઝ જોયા પછી આખો દિવસ ઉદાસ રહેવા લાગી હતી. લીચીના પૂછવા છતાં ટીવીમાં કોને જોયો એની સ્પષ્ટ વાત કરવાનું ટાળતી રહી. એને ફરી એ ન્યૂઝ જોવા હતા…એમાં જોયેલો માણસ ફરી જોવો હતો….પણ લીચીની ગેરહાજરીમાં…લીચી ઘરમાં આવે એટલે એ ટીવી બંધ કરી દેતી.

‘મા, તેં ટીવીમાં કોને જોયો. તું મને નહીં કહે તો કોને કહીશ.’ લીચીએ એનો ઉદાસ ચહેરો જોઇને ફરીવાર વાત ઉચ્ચારી. ‘એ કોણ હતો જેણે તને…મારી માને દુ:ખી કરી.?’ લીલીએ કોઇ જવાબ ન આપ્યો.

‘મા તું કેટલું ધરબીને રાખીશ તારા મનમાં.? તેં મારાથી અજાણ્યો એક ભૂતકાળ તારા મનના એક ખૂણામાં સાચવી રાખ્યો છે. ઠાલવી દે બધું ને હળવી થઇ જા.’
‘મને કાંઇ નથી થયું, ચિંતા નહીં કર. તું માળિયા પર મુકેલા પૈસાનો મામલો જલ્દી નિપટાવી લે.’
મારી હાજરીમાં મા ટીવી જોવાનું ટાળે છે. મતલબ કે આ મામલો પૈસાની બેગનો નથી. લીચીએ વિચાર્યું.

‘મા, તું મારી હાજરીમાં ટીવીમાં એ માણસને જોશે તો તને મારી કે તારી પર ખતરો લાગે છે.? તું ભૂતકાળમાં કોઇ ગુનામાં સંડોવાયેલી હતી.? મારા બાપનું તું નામ નથી લેતી કે બતાવતી તો શું ટીવીમાં દેખાયેલા એ માણસે મારા બાપનું મર્ડર કર્યું હતું.? કોણ છે મારો બાપ? ક્યાં છે એ.? મા તું ટીવી ચાલુ રાખ ને બતાવ કે કોણ છે એ માણસ જેણે તેં ટીવીમાં જોયો.’ લીચીએ ઉશ્કેરાટમાં આવી જઇને ઝટથી ટીવીની સ્વિચ ઑન કરી.

ટીવી પર ન્યૂઝ ફ્લેશ થયા: સતિન્દરસિંઘ પોલીસ સ્ટેશનની બહાર પત્રકારોને સંબોધી રહ્યો હતો. ને એ સાથે જ લીલી મોટેથી બોલી: ‘આ છે તારો બાપ..સતિન્દર.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો