ઉત્સવ

ખાખી મની-૧૨

‘ઝેર ખાઇ લીધું કે ઝેર આપી દેવામાં આવ્યું…આ બંનેમાં બહુ ફકર છે સર,’ લીચી બોલી.

અનિલ રાવલ

રાંગણેકર અને સોલંકી તાબડતોબ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચ્યા. રાંગણેકરને શંકા હતી જ કે ઝાલા સાહેબનું તેડું મહેન્દરસિંઘ બસરાના કેસ માટે જ હશે. છતાં પણ એમણે પૂછ્યું તો ઇન્સપેક્ટર ઝાલાએ એટલું જ કહ્યું ‘બસરાનો કેસ જટિલ બની ગયો છે…..તમે આવો પછી વાત કરીએ.’ રાંગણેકર અને સોલંકી પાસે અમદાવાદ જતા રસ્તામાં કેસની જટિલતા વિશે વિચારવા સિવાય બીજું કાંઇ કામ નહતું. સાદા ડ્રેસમાં પહોંચેલા રાંગણેકર અને સોલંકીએ ઝાલાને મળતાની સાથે જાણવાની કોશિશ કરી પણ ઝાલાએ જલ્દીથી બસરાના ઘરે પહોંચી જવાની વાત કરી એટલે રહસ્ય વધુ ઘેરું બન્યું.

ત્રણેય બસરાની સોસાયટીમાં પહોંચ્યા. થોડા સરદારજીઓ અને અન્ય કેટલાક લોકો ટોળે વળીને ઊભા હતા….બીજી તરફ સોસાયટીના રહેવાસીઓ ગૂસપૂસ કરી રહ્યા હતા. આ બધાથી અલગ અમન રસ્તોગી એક ખૂણામાં ઊભો રહીને બધા પર નજર ફેરવી રહ્યો હતો. થોડીવારમાં એક એમ્બ્યુલેન્સ સોસાયટીના દરવાજામાં દાખલ થઇ. અંદરથી એક હવાલદાર હાથમાં ફાઇલ લઇને ઊતર્યો. બીજા બેચાર જણે સ્ટ્રેચર બહાર ખેંચીને જમીન પર મુક્યું. રાંગણેકરે ઝાલા સામે જોયું.

‘બસરાએ ઝેર ખાઇ લીધું. પોસ્ટમોર્ટમ કરાવ્યું….’ સાંભળીને રાંગણેકર અને સોલંકી એકબીજા સામે જોવા લાગ્યા.

મેં એની વાઇફની સાથે વાત કરી…એના કહેવા મુજબ બસરા પત્ની પાસે એક વાત બોલી ગયેલો કે ‘એ લોકો મને જીવવા નહીં દે અને મરવા પણ નહીં દે.’ મેં બસરાને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે મને ખબર પડી કે એણે આત્મહત્યા કરી લીધી. ઝાલા સાહેબ થોડું અટકીને આગળ બોલ્યા: ‘મને લાગે છે કે નક્કી આના છેડા કાર અને લાશને મળે છે.’

‘એક મિનિટ ઝાલા સાહેબ….લાશને મોર્ગમાં રાખવાની વ્યવસ્થા કરો. એક મહત્ત્વની પ્રોસિજર બાકી છે.’ ઝાલા સાહેબે હવાલદારને કહીને એમ્બ્યુલન્સ રોકાવી….અને થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ બસરાની ડેડબોડી રવાના થઇ ગઇ……બસરાના અંતિમ સંસ્કાર માટે એકઠા થયેલા લોકોમાં ગુસૂરપુસૂર વધી ગઇ. જાતજાતની શંકાઓ સાથે વાતો થવા લાગી. એમ્બ્યુલન્સ આવી અને ગઇ એની વચ્ચે શું થઇ ગયું એની કોઇને ભણક પણ ન આવી. ધીમે ધીમે લોકો વિખેરાવા લાગ્યા…જેમાં ટોડીસિંઘ, અબ્દુલ્લા અને સાદા ડ્રેસમાં ઉદયસિંહ અને લીચી હતા. રસ્તોગીની નજર ઇન્સપેક્ટર ઝાલા, રાંગણેકર અને સોલંકી પર અટકી હતી. રસ્તોગી જેટલી મોટી આશા સાથે પહોંચ્યો હતો એના કરતાં વધુ મોટા ન્યૂઝ એને મળ્યા હતા….બસરાએ ઝેર શા માટે ખાઇ લીધું. પોલીસે પોસ્ટમોર્ટમ પત્યા પછી લાશનો કબજો એના સગાઓને સોંપવાને બદલે મોર્ગમાં રાખવાનો નિર્ણય કેમ લીધો….એ પણ રાંગણેકર અને સોલંકીના આવ્યા પછી. રસ્તોગી એમની પાસેથી જ બસરાનું સરનામું લઇને પહોંચ્યો હતો. કદાચ રાંગણેકર વધુ માહિતી આપવામાં મદદ કરે….અને સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે તેઓ બંને અમદાવાદ આવી પહોંચ્યા એની પાછળ પણ કોઇ કારણ હશે. રસ્તોગીએ એમની પાસે જવા પગ ઉપાડ્યા.


દૂર લપાઇને ઊભેલાં ઉદયસિંહ અને લીચી બસરાની લાશને એમ્બ્યુલન્સમાંથી ઉતારવા અને ફરી ચડાવવાની ક્રિયા સમજાઇ નહીં. એમની નજર પોલીસની હિલચાલ પર હતી. લાશને ફરી ક્યાં લઇ જવાઇ.?

અચાનક લીચીએ ધીમેથી કહ્યું: ‘સર, બસરાની લાશ પડી મતલબ કે મામલો આપણી કલ્પના બહારનો છે.’
‘આપણે પહોંચીએ એ પહેલા કોઇ પહોંચી ગયું,’ ઉદયસિંહે કહ્યું.

‘સર, મને એમ થયું કે તમે કામ તમામ કરી નાખ્યું.’

‘શું….નોનસેન્સ વાત કરે છે તું લીચી.?’

ઉદયસિંહ બોલ્યો અને એ જ વખતે એમની બાજુમાંથી પસાર થઇ રહેલા બે જણ વાત કરી રહ્યા હતા: ‘બસરા કાર લે-વેચનો સારો ધંધો કરતો હતો. ઝેર કેમ ખાઇ લીધું એ ખબર ન પડી.’ ઉદયસિંહ અને લીચી દંગ રહી ગયાં.

‘ઝેર ખાઇ લીધું કે ઝેર આપી દેવામાં આવ્યું…આ બંનેમાં બહુ ફરક છે સર,’ લીચી બોલી.

‘આ બસરો ઘણુંબધું જાણતો હશે અને કાં ફસાઇ ગયો હશે,’ ઉદયસિંહે કહ્યું.

‘મને શંકા હતી જ એટલે જ મારે બસરાને કોઇને કોઇ બહાને મળવું હતું. એટલે જ હું તમને ઉશ્કેરતી રહી.’

‘પણ હવે આપણે આ કેસમાં શું થાય છે એ જાણવું પડે. કદાચ કેસને દાબી દેવાશે,’ ઉદયસિંહે કહ્યું. બંનેની નજર હૂડીવાળું જેકેટ પહેરીને સરકી રહેલા અબ્દુલ્લા પર પડી.
‘આ માણસ ભેદી લાગે છે,’ લીચી બોલી.

‘મને તો અહીં આપણા સહિત બધા માણસો ભેદી લાગે છે,’ ઉદયસિંહે કહ્યું.

એ જ વખતે સરદારજીઓમાં ભળી જઇને બધાની વાત સાંભળી રહેલો ટોડીસિંઘ બધાને હાથ જોડીને રવાના થઇ ગયો.


રસ્તોગી રાંગણેકર પાસે પહોંચ્યો ત્યારે એ મોબાઇલ પર અનવરના સાળા અબુ સાથે વાત કરતો હતો: ‘તમે લોકો અમદાવાદ આવો…જેટલું બને એટલું ઝડપથી.’
‘ભલે સાહેબ, જી સાહેબ.’ અબુએ કહ્યું. રાંગણેકરે ચાંદખેડા પોલીસ સ્ટેશનનું સરનામું આપ્યું. વાત પૂરી થયા પછી રસ્તોગીએ ખૂબ નજીક જઇને કહ્યું: ‘સાહેબ, બસરા મોટો આંચકો આપી ગયો.’
‘હમમમમમ..’ રાંગણેકર વાત કરવાના મૂડમાં નહતો.

‘સાહેબ, લાશનું ફરી પોસ્ટમોર્ટ કરવાની જરૂર લાગી.?’
‘ના…એક પ્રોસિજર બાકી છે,’ રાંગણેકરે કહ્યું.

‘સાહેબ, ન્યૂઝને લાયક હોય તો મને જરૂર કહેજો…પ્લીઝ.’ રસ્તોગી હવે આજીજીના સ્તરે પહોંચી ગયો હતો.

‘ચોક્કસ….હા, કેટલાક લોકલ પત્રકારો ઝાલા સાહેબને મળી ગયા છે. એ લોકોને બહુ રસ પડ્યો છે.’

‘સાહેબ, પણ તમે મને એક્સક્લુસિવ ન્યૂઝ આપજો. ઝાલાસાહેબ હું તમને પણ મળતો રહીશ…સાહેબ..’ એણે રાંગણેકરની આંખમાં આખ નાખીને કહ્યું: ‘કારમાં પૈસા હતા….એવું મારું મન કહે છે. અમસ્તું જ બસરા ઝેર ન ખાય.’ કહીને રસ્તોગી નીકળી ગયો. એના ગયા પછી રાંગણેકરે ઝાલા સાહેબને કહ્યું: ‘આ મુંબઇનો મોટો પત્રકાર અમન રસ્તોગી છે. ઘટના મહારાષ્ટ્રની હદમાં બની છે એટલે એને આ કેસમાં બહુ રસ છે.’

‘તમને કારમાંથી કાંઇ મળ્યું નથી.?’ ઝાલા સાહેબે પૂછ્યું.

‘ના, હજી સુધી કાંઇ નહીં, પણ એક સુરાગ મળ્યો છે…જે ભેદ ખોલી આપવામાં જરૂર મદદ કરશે.’


‘અલ્લા કસમ બસરા કો મૈને નહીં ઉડાયા’ ઇમામે હાથમાંની તસ્બી ઊંચી ઉઠાવતા કહ્યું. સામે બેઠેલા ગ્રંથી હરપાલસિંઘે એમની પર નારાજગીભરી નજર ફેંકી.

‘ઉલ્ટા મુઝે લગા કી આપ નારાઝ હો કર…ઉઠ કર ચલે ગયે તો શાયદ આપને અપને બંદે કો રાસ્તે સે હટાયા’ ઇમામ મૂંડી હલાવતા બોલ્યા.

‘ક્યા બાત કર હે હો ઇમામ…હમ હમારે હી આદમી કો…..સવાલ હી પૈદા નહીં હોતા’ હરપાલસિંઘે કહ્યું.

‘કભી કભી કરના પડતા હૈ…અગર કાંટા ખુદ કો ચૂભે તો રસ્તા સાફ કરના પડતા હૈ.’
‘ઇમામ સાહબ, હમને કહ દિયા એક દફા કિ હમને નહીં કરવાયા તો નહીં કરવાયા.’ હરપાલસિંઘનો અવાજ મોટો થયો….ને દરવાજે ટકોરા પડ્યા.
અબ્દુલ્લા અંદર આવ્યો.

‘સલામ વાલેકું..’
‘વાલેકું સલામ..’ ઇમામે જવાબ આપ્યો.

‘ઇન્સપેક્ટર ઝાલા સાહબ કે સાથ દો સાદા ડ્રેમ મેં પોલીસવાલે બાત કર રહે થે. એક પત્રકાર થા….ઔર એક ઔરત ઓર એક મર્દ બિલકુલ અલગ ખડે રહ કર દેર તક બાત કર રહે થે.’
‘વો તો ઠીક તુમ હમારે યે દોસ્ત કો સમજાઓ કી બસરા કો હમને નહીં મરવાયા….હાં હમ નારાઝ ઝરૂર થે.’

હરપાલસિંઘને બસરાના મોતનું દુ:ખ હતું. એને મનમાં સતત થયા કરતું હતું કે બસરા ઝેર ખાઇ લે એવો માણસ નહતો.. હરપાલસિંઘે પૈસા ગુમાવ્યા એ કરતા પોતાનો એક માણસ ગૂમાવ્યો એનું દુ:ખ વધારે હતું. એમણે કેનેડામાં તજિન્દરસિંઘને બસરાના સમાચાર આપી દીધા હતા….એણે શાંતિ જાળવવા કહી દીધું. હરપાલસિંઘને જેમની પર શંકા હતી એ ઇમામે ખુલાસો કરી નાખ્યો….પછી બધું જ વાહે ગુરુજી પર છોડવા સિવાય એમની પાસે બીજો કોઇ વિકલ્પ નહતો.


ટોડીસિંઘે બસરાના સમાચાર સતિન્દરસિંઘને આપી દીધા હતા: ‘પાજી, બંદેને ઝહેર ખા લિયા.’
સતિન્દરે એને છેલ્લે સુધી રહીને રજેરજની બાતમી આપવાનું કહ્યું એટલે એણે ત્યાં હાજર લોકોને પૂછવાની કોશિશ કરી, પણ બસરાએ ઝેર ખાઇ લીધું એથી વિશેષ માહિતી એને મળી નહીં. સતિન્દરના આદેશથી એ પંજાબ જતો રહ્યો.


બીજે દિવસે રસ્તોગી મોર્ગમાં પહોંચી ગયો. એણે દૂરથી…ચોરીછૂપીથી રાંગણેકર, સોલંકી અને ઝાલા સાહેબની સાથે અબુ અને સલમાને જોયાં….એના માટે આ અજાણ્યા હતા અને નવું ડેવલપમેન્ટ હતું.
મોર્ગમાં રાખેલી બસરાની લાશ પરથી કપડું હટાવીને ઝાલા સાહેબે અબુ અને સલમાને ઓળખવાનું કહ્યું. ‘હા, આ જ આદમી હતો જે અનવરને મળવા આવેલો,’ સલમા તરત જ બોલી.
‘તમે એમને શું વાત કરતા સાંભળ્યા હતા?’ રાંગણેકરે પૂછ્યું.

‘કારમાં એક બેગ છે અને કારને સહીસલામત મુંબઇ પહોંચાડવાની છે…એટલું મેં સાંભળ્યું હતું.’

‘અનવર શેનો ધંધો કરતો?,’ રાંગણેકરે પૂછ્યું.

અબુ અને સલમાને ઝટકો લાગ્યો. અનવરનો મૂળ ધંધો બે નંબરનાં નાણાં પહોંચાડવાનો હતો….સાચું કહી દે તો પોલીસ બીજા કેસ ઉખેડે…એની ઝંઝટમાં પડવાને બદલે અબુએ કહ્યું કે ‘સાહેબ, સાચું કહું એ બેકાર માણસ હતો. કાંઇ કામધંધો કરતો નહીં મારી બહેનને મારતો…એટલે જ ઘર છોડીને અમારા ગામ-અલીગઢ જતી રહેલી…આ તો તમે મને કહ્યું એટલે એને તમારી પાસે લાવેલો.’
‘તમે લોકો જાઓ.’ રાંગણેકરે કહ્યું.

અબુ અને સલમા ઝડપથી બહાર નીકળીને ઓટો પકડી લીધી. પાછળ આવેલા રસ્તોગીએ પણ એક ઓટોમાં બેસીને આગલી ઓટોની પાછળ લેવા કહ્યું.

‘તારો મરદ આપણને પોલીસના લફરાંમાં ફસાવી દેવાનો….સાવ નિક્કમો આદમી….બે નંબરના પૈસા ને બે નંબરનો ધંધો.’

‘પોલીસ હવે આપણું શું બગાડી લેવાની…અનવર તો ગયો.’

‘એના પાછળ મારે પોલીસના ધક્કા ખાવાના?’ અબુ બોલ્યો. ભાઇ બહેન વચ્ચે અનવરને લઇને ગરમાગરમ ચર્ચા થઇ. સ્ટેશન આવ્યું ને બંને ઓટોમાંથી ઊતર્યા કે તરત જ રસ્તોગીએ એમને આંતરી લીધા.
‘માફ કરજો…હું પત્રકાર અમન રસ્તોગી છું. એક મિનિટ વાત કરી શકું.?’‘અમારે કોઇ વાત કરવી નથી. અમારે સુરતની ગાડી પકડવાની છે,’ અબુએ કહ્યું.

‘ઇન્સપેક્ટર રાંગણેકર કહેતા હતા કે કારમાં પૈસા હતા..તમને નહીં કહ્યું એમણે’,? રસ્તોગીએ વાત કઢાવવા દાવ ફેંક્યો.

‘અરે એનો ધંધો બે નંબરના પૈસા પહોંચાડવાનો જ હતો…એક નંબરનો નિક્કમો માણસ હતો…મારી બહેનને મારતો હતો.’ અબુએ ગુસ્સામાં બોલી નાખ્યું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી