ખાખી મની-૧

‘લીચી મેડમ, જાસૂસી વાર્તાઓ વાંચીને તમે જાંબાઝ થઇ ગયાં છો, તમારા હાઇટ બોડી પણ કોઇ ફિલ્મી પંજાબણ ડિટેક્ટીવ જેવા જ છે’
અનિલ રાવલ
ગુજરાત અને મહારાષ્ટ્રને વિભાજિત કરતી સરહદે-હાઇવે પર ગુજરાતની હદમાં થોડી અંદરની બાજુ આવેલી લીલાસરી પોલીસ ચોકીનો ઇન્ચાર્જ સિનિયર પોલીસ ઇન્સપેક્ટર ઉદયસિંહ પરમાર વારેવારે ટેલિફોન ઊંચકીને ડાયલ ટોન આવ્યો કે નહીં એ ચકાસી રહ્યો હતો. ધોધમાર વરસી રહેલો વરસાદ અટકવાનું નામ લેતો નહતો. થોડી થોડી વારે ઝબકતી વીજળી અને એની પાછળ દોડી આવતા પ્રચંડ કડાકાથી આખી પોલીસ ચોકી ધણધણી ઉઠતી હતી. વચ્ચે વચ્ચે ઉદયસિંહ પરમાર વરસાદનું જોર જોવા બારી બહાર નજર કરી આવતો ને ફરી ડાયલ ટોન ચેક કરી લેતો. ઉદયસિંહ પરમારના નવાનક્કોર મોબાઇલની બેટરી ઊતરી જતા એ દુ:ખી હતો. એ મોબાઇલ હાથમાં લઇને આવો ફાલતું ફોન ભેટમાં પધરાવનારાને મનોમન ગાળો ભાંડતો હતો. પોલીસ ચોકીની ઠપ લેન્ડલાઇન કરતા એને મોબાઇલની બેટરી ઊતરી જવાની અકળામણ વધુ હતી. અને એથીય વધુ અકળામણ એને સિગારેટ ખતમ થઇ જવાની હતી… તલબ બહુ ખરાબ ચીજ છે પછી એ મોબાઇલની હોય કે સિગારેટની, પણ ઉદયસિંહને એ વખતે શેની વધુ તલબ હતી એ કળવું મુશ્કેલ હતું…
‘વરસાદ બપોરના બાર વાગ્યાથી એકધારો મંડાયો છે, અત્યારે રાતના બાર વાગવા આવ્યા, પણ અટકવાનું નામ નથી લેતો.’ ઉદયસિંહે ફોન પછાડીને હવે વરસાદ પર ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું.
સબ-ઇન્સપેક્ટર લીચી પટેલ કોઇ સસ્પેન્સ નવલકથા વાંચવામાં એવી ખુંપેલી હતી કે મુશળધાર વરસાદ, વીજળીના તેજ લીસોટા, ઝબકારા કે કડાકાની કોઇ તાકાત નહોતી કે એને ખલેલ પહોંચાડી શકે… હા, કોઇવાર પાછલા ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને જોઇ લેતી. પોલીસ ચોકીનો હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલ ટેબલ પર માથું ઢાળીને સુવાની કોશિશ કરી રહ્યો હતો અને હવાલદાર કનુભા બીડીની ઝુડીમાં હવે કેટલી બચી છે એ જોઇ લેતો ને પછી એશટ્રેમાંથી બીડીનું એક ઠુંઠું કાઢતો… સળગાવીને બે દમ મારીને ફેંકી દેતો.
બે રાજ્યોના જોડતા હાઇવેથી થોડે દૂર… અંદરના ભાગમાં અવાવરૂ કહી શકાય એવી જગ્યાએ આવેલી લીલાસરી પોલીસ ચોકીમાં માત્ર બે રૂમ. અંદરની રૂમ ઇન્ચાર્જ સિનિયર પોલીસ ઇન્સપેક્ટરની, પણ કહેવા પુરતી… બાકી એ બહારના રૂમમાં જ બેસીને વહીવટ કરે. બહુ મોટો વહીવટ પતાવવાનો હોય તો અંદરની રૂમમાં જાય… આમ તો નાની પોલીસ ચોકીમાં મોટા કેસ આવતા નહીં… હા, કોઇને ખોંખરો કરવો હોય તો પોલીસ ચોકીની પાછળના ફળિયામાં આવેલી લોકઅપમાં લઇ જવાનો. જોકે ભાગ્યે જ કોઇને લોકઅપમાં રાખવો પડતો… કેમકે મોટા ભાગે બહાર.. બધાની હાજરીમાં જ માંડવલી થઇ જતી.
લીલાસરી બેય રાજ્યોની બોર્ડરને અડીને આવેલું નાનું ગામ. લીલાસરી પોલીસ ચોકીનું નામ આ ગામના નામ પરથી જ પડાયું હતું. લીલાસરી ગામમાં થોડી વસતિ મરાઠીઓની પણ ખરી. ગુજરાતીઓ કડકડાટ મરાઠી બોલે ને મરાઠીઓ ઠણઠણિત ગુજરાતી બોલે. લીલાસરી મૂળ રમેશ પાટીલનું ગામ. એ ત્યાં જ જનમ્યો ને મોટો થયો. કનુભાની અમરેલીથી બદલી થઇ પછી પાટીલે એને લીલાસરીમાં ભાડે ઘર અપાવ્યું હતું. લીચી પટેલ દમણમાં રહે અને ઉદયસિંહ પરમાર દાદરા નગર હવેલીમાં. બધા પોતપોતાનાં વાહનોમાં આવ-જાવ કરે. કોઇપણ જાતની આગાહી વિના ત્રાટકેલા વરસાદે બધું થંભાવી દીધું હતું. ઉદયસિંહ પરમાર, લીચી પટેલ, રમેશ પાટીલ અને કનુભા પોતાની જ પોલીસ ચોકીમાં ભૂખ્યા પેટે કેદ હતાં. આસપાસની નાનીમોટી હોટલો, લારી-ગલ્લા, પાન-બીડીની દુકાનો બંધ થઇ ગઇ હતી. લેન્ડલાઇન તો ઠપ હતી જ. બીજી બાજુ, આવ-જાવ કરતી લાઇટ સંતાકૂકડી રમવાની મસ્તીએ ચડી હતી. લીલાસરી પોલીસ ચોકીના ચાર પોલીસકર્મીઓ પોતપોતાની રીતે સમય પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. સસ્પેન્સ નવલકથા વાંચવામાં વ્યસ્ત લીચી પટેલ સિવાય બધાના મોઢા પર કંટાળો દેખાતો હતો.
‘મને તો નવાઇ એ વાતની લાગે છે કે હજી સુધી લાઇટ કેમ ગઇ નથી? બાકી તો વરસાદના એક ઝાપટા સાથે વીજળી ગૂલ થઇ જાય.’ રમેશ પાટીલે માથું ઊંચું કરતા કહ્યું. એવામાં વીજળીના ઝબકારા સાથે મોટો કડાકો થયો ને વીજળી ગૂલ થઇ.
‘પાટીલ, તમારી નજર લાગી,’ લીચી પટેલે બુક બંધ કરી
‘હાશ, તમારી સસ્પેન્સ વાર્તામાં ભંગ પડ્યો ને રહસ્ય ઘૂંટાતું અટકી ગયું. કનુભા, કબાટમાંથી ટોર્ચ અને મીણબત્તી કાઢો.’ ઉદયસિંહે કહ્યું.
‘જરા… તમારા મોબાઇલની લાઇટ કરોને સાહેબ’ પોતાના સિનિયર ઉદયસિંહના નવા જ મોબાઇલની બેટરી ઊતરી ગઇ હોવાનું જાણી ચુકેલા કનુભાએ મજાક કરી.
‘ખબર છે ને તમને કનુભા, કે મારા નવેનવા મોબાઇલની બેટરી અચાનક સાવ ઊતરી ગઇ છે’ ઉદયસિંહ ભડક્યા.
‘મેડમ, તમે મોબાઇલની લાઇટ કરોને.’ કનુભાએ હવે લીચી પટેલને મજાકનું નિશાન બનાવી.
‘તમારી પાસે માચીસ છે ને?’ લીચી પટેલે કહ્યું.
‘હા, છેને, પણ બીડીની ઝુડી ખલાસ થવામાં છે ને બાકસમાં હવે માંડ થોડી સળીઓ બચી છે’ કહેતા કનુભાએ માચીસની ટીલ્લી સળગાવી. બરાબર એ જ વખતે બારીમાંથી વરસાદના ઝાપટાં સાથે ધસી આવેલા પવને ટીલ્લી બુઝાવી નાખી… ફરી વીજળી ઝબકી. ફરી મોટો કડાકો થયો.
‘લ્યો, મારી બાકસની એક સળી ઓછી થઇ…’ એણે બારી બંધ કરી. બીજી ટીલ્લી સળગાવી. કબાટમાંથી ટોર્ચ કાઢીને ચાલુ કરવાની કોશિશ કરી, પણ થઇ નહીં. ‘આની બેટરીય ઊતરી ગઇ લાગે છે,’ કનુભાએ ઉદયસિંહની સામે જોતા કહ્યું.
‘અરે કનુભા, બાજુમાં પડેલા બેટરીના સેલ નાખો તો ચાલુ થાયને,’ લીચી પટેલ હસીને બોલી.
કનુભાએ સેલ નાખીને ટોર્ચ ઓન કરી. વારાફરતી બધાના ચહેરા પર ટોર્ચ ફેરવી.
‘કનુભા, કબાટમાંથી મીણબત્તી પણ કાઢતા આવો… ટોર્ચ ક્યાં સુધી બાળશું?’ પોલીસ ચોકીમાં આખો દિવસ મોબાઇલ મચડીને અને બીડી ફુંકીને સમય પસાર કરનારા કનુભાને ઉપરાઉપર મળી રહેલા આદેશો ખટકતા હતા, પણ હોદાની દૃષ્ટીએ સૌથી નીચલી પાયરી પર હોવાથી અંધારામાં પણ મોં બગાડીને કામ કર્યા વિના છૂટકો નહતો. કનુભાએ મીણબત્તી સળગાવી. પીગળતી મીણબત્તીના બે ટીપાં ટેબલ પર પાડ્યા ને ઝટથી મીણબત્તી એની પર ચોંટાડી. બધાએ મીણબત્તીના અજવાસમાં એકબીજાના મોં જોયા.
‘મેડમ, તમે તમારી સસ્પેન્સ વાર્તા હવે કેમ વાંચશો?’ કનુભાને ફરી મજાક સૂઝી.
‘બેસી રહીશું એકબીજાના મોઢા જોતા… બીજું શું…’ લીચી પટેલે કહ્યું.
‘આવો વરસાદ પાંચ વર્ષ પહેલા પડ્યો હતો… આખો હાઇ-વે ધોવાઇ ગયો હતો. આજે મને લાગે છે હાઇ-વે ધોવાઇ ગયો હશે,’ હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલ બોલ્યો.
‘કનુભા, તમે ચોકીના પાછળના ફળિયામાં જોઇ આવો… ત્યાંય પાણી ભરાતા વાર નહીં લાગે… એવું થશે તો મારે બાથરૂમ જવું મુશ્કેલ થઇ પડશે… તમે પુરુષો તો ઊભા ઊભા ક્યાંય પણ…’ લીચી પટેલ આગળ ન બોલી.
‘હું હમણાં ધાર મારવા ગ્યો તંયે તો જોઇ આયવો… હજી પાણી ભરાણાં નથી. હા આપણી બધાની ગાડિયું વરસાદમાં બરાબર ધોવાઇ રહી છે.’
‘તમે જ જોઇ લ્યો…’ કહીને કનુભાએ પોલીસ ચોકી અને ફળિયાને જોડતું બારણું ખોલ્યું. વરસાદ એકધારો પડી રહ્યો હતો. પોલીસ ચોકીમાંથી સીધું ફળિયામાં જવા માટેનું બારણું સામાન્ય રીતે ખુલ્લું જ રહેતું, પણ વરસાદને લીધે કનુભાએ બંધ કરી દીધું હતું.
પોલીસ ચોકીના પાછળના ભાગમાં પથ્થરની પાંચેક ફૂટની દીવાલ ચણેલા મોટા ફળિયામાં પોલીસની જીપ, વેન કે બાઇક આવી-જઇ શકે એ માટે ભીંતની વચોવચ એક લોખંડનો દરવાજો પડાયો હતો. ફળિયાની એક રૂમને લોકઅપમાં ફેરવી નાખવામાં આવી હતી. ફળિયાના છેવાડે એક સંડાસ હતું… લેડીઝ-જેન્ટસ માટે કોમન.
‘મેડમ, તમારું નામ લીચી કોણે પાયડું?’ કનુભાએ વરસાદી ઝાપટાંથી બચવા બારણું વાંસી દેતા પૂછ્યું.
લીચી પટેલ ખડખડાટ હસી પડતા બોલી: ‘મારી માને લીચી બહુ ભાવતી. હું પેટમાં હતી ત્યારે એણે લીચી બહુ ખાધી હતી… એટલે મારું નામ લીચી પડી ગયું.’
‘તમે આખો દિ ગુનાખોરી ને જાસૂસી ને ખુનામરકીની વાર્તા કેમ વાંચો છો… કાંઇક સારું વાંચતા હોતો’ રમેશ પાટીલને થયું કે લાગ આવ્યો છે તો ઘણા વખતથી મનમાં ઘુમરાયા કરતો સવાલ હું પણ મેડમને પૂછી જ લઉં…
‘બાળપણથી જ મને સસ્પેન્સ ને જાસૂસીની વાર્તાઓ વાંચવી બહુ ગમે… રોતલ વાર્તા નહીં, મને સાહસકથામાં પહેલેથી જ રસ.’
‘લીચી મેડમ, જાસૂસી વાર્તાઓ વાંચીને તમે જાંબાઝ થઇ ગયાં છો, તમારા હાઇટ બોડી પણ કોઇ ફિલ્મી પંજાબણ ડિટેક્ટીવ જેવા જ છે.’ હવાલદાર કનુભા બોલ્યા.
‘હા, પાછા બોલવામાં ય કેવા બિન્ધાસ્ત… તડ ને ફડ… કોઇની સાડીબારી નો રાખો,’ રમેશ પાટીલે સૂરમાં સૂર પુરાવ્યો.
‘તમે બેય આજે વરસાદી મોસમમાં મજાક-મશ્કરીના મૂડમાં લાગો છો.’ લીચી પટેલ બોલી.
‘મેડમ, આ તો બે ઘડી ટાઇમ પાસ’ કનુભાએ કહ્યું.
‘ટાઇમ પસાર કરવાનો તમારો આ સારો આઇડિયા છે,’ લીચી પટેલે કહ્યું.
વાતોનો આંનદ લઇ રહેલા ઉદયસિંહ પરમારે મજાક-મસ્તીમાં ઝંપલાવ્યું.
‘મેડમ, કનુભાની વાત તો સો ટકા સાચી છે. તમે ગુજરાતી લાગતા જ નથી, કોઇ ફિલમના જાસૂસ લાગો છો.’
‘ઓહ સર, હવે તમે પણ મજાકના મૂડમાં આવી ગયા કે શું?’ લીચી હસી.
‘અરે ના ના, આ તો ટાઇમ પાસ’ ઉદય સિંહે કહ્યું.
‘સર, ટાઇમ પાસ કરવાના બીજા પણ રસ્તા છે.’ લીચી પટેલના ચહેરા પર ગંભીરતા છલકી.
‘બહાર છેલ્લા બાર કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, હાઇ-વે ધોવાઇ ગયો છે. એફ ફૂટ દૂર ઊભેલો માણસ જોઇ શકાતો નથી. વીજળીના ઝબકારા સિવાય કોઇ પ્રકાશ નથી. ટેલિફોન લાઇનો ઠપ છે, મોબાઇલનું નેટવર્ક આવજાવ કરે છે… ત્યારે મેડમ, તમને ટાઇમ પસાર કરવાના બીજા કયા રસ્તા દેખાય છે? મને તો સામે બેઠેલા કનુભા પણ દેખાતા નથી’ ઉદયસિંહ હસી પડ્યો.
‘અને હું રસ્તો બતાઉં તો’ સબ ઇન્સપેક્ટર લીચી પટેલે કહ્યું.
‘બોલોને… અત્યારે આપણી પાસે ટાઇમ પસાર કરવા સિવાય બીજું કાંઇ કામ ક્યાં છે?’ ઉદયસિંહ પરમારના હાસ્યમાં થોડો કટાક્ષ પણ હતો.
‘ચાલો, ઊભા થાઓ બધા… ને ચાલો હાઇ વે પર.’ લીચી પટેલના આ શબ્દોથી ઉદયસિંહ જ નહીં, કનુભા અને રમેશ પાટીલ પણ હલી ગયા.
‘શું વાત કરો છો… મેડમ, ટાઇમ પાસ કરવાના આવા તે કાંઇ રસ્તા હોતા હશે?’ કનુભાએ કહ્યું.
‘અને હાઇ-વે પર જઇને કરવું શું?’ રમેશ પાટીલે પૂછ્યું.
‘આવતી-જતી ગાડીઓનું ચેકિંગ’ લીચી પટેલે ટોર્ચ લઇને બધાના મોઢા પર લાઇટ ફેંકી.
‘મેડમ, તમને આવી સસ્પેન્સ વાર્તાઓ વાંચીને આવા બધા તૂત હુજે છે.’ કનુભાએ સસ્પેન્સ વાર્તાની બુક બતાવતા કહ્યું.
‘મેડમ, આ કામ હાઇ-વે પોલીસનું છે ને આવા અનરાધાર વરસાદમાં હાઇવે પોલીસેય આવું સાહસ નો કરે… આપણને કાંઇ લાગે નઇ ને વળગે નઇ. ને હાઇ-વે પર આવતી-જાતી ગાડીયું રોકીને ચેકિંગ કરવાનું,’ કનુભાએ કહ્યું.
‘હા, એ આપણું કામ નથી એ સાચું, પણ આપણે તો ગાડીઓ રોકીને ચેકિંગ કરવાની મજા લેવી છે… ટાઇમ પાસ કરવો છે.’ અત્યાર સુધી બધાની વાતો સાંભળીને મનોરંજન માણી રહેલા સિનિયર પોલીસ ઇન્સ્પેકટર ઉદયસિંહ પરમારને જોમ ચડી ગયું.
‘લીચી પટેલ, મને તો ટાઇમ પાસ કરવાનો તમારો આઇડિયા બહુ ગમ્યો. ચાલો, ઊભા થાઓ. ટાઇમ પાસ કરીએ, કનુભા, જીપ કાઢો.’ ઉદયસિંહે રેઇન કોટ પહેરતાં ચાવી કનુભા તરફ ફેંકી.
‘હું બાથરૂમ જઇ આવું.’ લીચી પટેલ રેઇનકોટ ચડાવીને બહાર ફળિયામાં ગઇ. સાહેબનો હુકમ માથે ચડાવીને કનુભા અને રમેશ પાટીલે રેઇનકોટ પહેરી લીધા… મેડમ આવે ત્યાં સુધીમાં કનુભા ઝુડીમાં સાંચવી રાખેલી બીડીઓમાંથી એક સળગાવીને ઝડપથી દમ મારવા લાગ્યા.
‘બાઇ માણસને વાર બહુ લાગે’ કનુભાએ અકળાઇને કહ્યું ને મીણબત્તી બુઝાવીને જીપમાં બેસી ગયા.
કનુભાએ વાઇપરને પણ હંફાવતા વરસાદની વચ્ચે હાઇ-વે પર જઇને જીપ સાઇડમાં ઊભી રાખી. રમેશ પાટીલની સાથે મળીને રસ્તાની વચ્ચોવચ્ચ આડશો ગોઠવી દીધી. હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલે હાથમાંની ટોર્ચ ઓન કરી. હાઇવે પર બધું જ ધૂંધળું દેખાતું હતું. વાહનોની અવરજવર નહીંવત હતી. તડાતડ પડી રહેલા વરસાદમાં ટોર્ચનો પ્રકાશ પણ ઝાંખો થઇ જતો હતો.
‘મેડમ, ટોર્ચ પર વાઇપર લગાડવાની જરૂર છે.’ રમેશ પાટીલને મજાક સૂઝી.
‘હવે જીપનું વાઇપર કામ કરતું નો’તું, એમાં તમે ટોર્ચને વાઇપર લગાડવાની વાત ક્યાં કરો છો’ કનુભાએ મજાકને આગળ ચલાવી.
‘મેડમ, ટાઇમ પાસ કરવાની વાતમાં મૂકો પૂળો ને પાછા ચાલો પોલીસ ચોકીમાં.’ કનુભાએ વરસતા વરસાદની ધારમાં પેશાબની ધાર મારીને આવ્યા બાદ કહ્યું.
‘કનુભા, ટાઇમ પાસ કરવો જ છે તો પૂરો કરીએ… ને આનંદ લઇએ,’ ઉદયસિંહે મેડમની સામે જોતા કહ્યું.
‘પાટીલ, ટોર્ચ મારો સામે… જુઓ ગાડીની લાઇટ દેખાઇ.’ લીચી પટેલના ચહેરા પર આશાનો પ્રકાશ રેલાયો. બધા સાબદાં થઇ ગયા. રમેશ પાટીલે કાર સામે ટોર્ચ હલાવી. વરસાદને લીધે ધીમી ગતિએ આવી રહેલી કારની ગતિ વધુ ધીમી પડી. કાર પોલીસની આડશ તરફ સરકી રહી હતી. અર્ધ ગોળાકારમાં ગોઠવેલી બે આડશનું અડધું ચક્કર પૂરું કરીને બીજું પસાર કર્યું. સામે જ ઊભા રહી ગયેલા ઉદય સિંહ, લીચી પટેલ, રમેશ પાટીલ અને કનુભાથી પાંચેક ફૂટ દૂર કાર થોભી. લીચી પટેલે આગળ જઇને કારનો કાચ ઉતારવાનો ઇશારો કર્યો. કારનો કાચ નીચે સરક્યો.
‘બહાર આવો.’ લીચી પટેલે કહ્યું.
ડ્રાઇવર બાજુની સીટ પર પડેલી છત્રી લઇને બહાર આવ્યો. રમેશ પાટીલે કારમાં બધે ટોર્ચ ફેરવી. ડેસ્કબોર્ડ ખોલાવીને ચેક કર્યું.
‘ક્યાંથી આવો છો.?’ ઉદયસિંહે પૂછ્યું.
‘સુરતથી.’ જવાબ મળ્યો.
‘ક્યાં જવાના?’ લીચી પટેલેએ સવાલ કર્યો.
‘મુંબઇ.’
‘લાઇસન્સ અને ગાડીના પેપર્સ છે?’
ડ્રાઇવરે લાઇસન્સ અને પેપર્સ આપ્યા. લીચી પટેલે પોતાના ખિસ્સામાં મુકી દીધા.
‘મોબાઇલ આપો.’ ડ્રાઇવરે લીચી પટેલને અચકાતા મોબાઇલ પણ આપ્યો.
‘ડીકી ખોલો.’ ઉદયસિંહએ કહ્યું. લીચી પટેલ અને ઉદયસિંહ એને લઇને કારની પાછળ ગયાં. લીચી પટેલે ડીકીનો દરવાજો ઊંચો કરવાનો ઇશારો કર્યો. ડ્રાઇવરે સહેજ પણ ખચકાટ વિના ખોલ્યો.
‘શું છે આમાં?’ અંદર પડેલી મોટી બેગ જોઇને ઉદયસિંહે પૂછયું.
ડ્રાઇવરે જવાબ ન આપ્યો એટલે લીચીએ કહ્યું: ‘બેગ ખોલો.’
ડ્રાઇવરે ધીરે ધીરે બેગની ઝીપર ખોલીને કવર પાછળ ધકેલ્યું. પાછળ આવીને ઊભા રહી ગયેલા હેડ કોન્સ્ટેબલ રમેશ પાટીલે ટોર્ચ કરી. બેગ રૂપિયાથી ભરેલી હતી. રૂપિયાની નોટોએ ચારેયની આંખોમાં આશ્ર્ચર્યનું અજવાળું પાથરી દીધું. (ક્રમશ:)