કન્યા ને કેરોસીન કલ ભી -આજ ભી- કલ ભી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
હું મારા બેંક ઓફિસર મિત્રના ઘરે બેઠો હતો ત્યારે એ છોકરી ત્યાં અચાનક મળવા આવી ચઢી. પાતળી સોનેરી ફ્રેમના ચશ્માં પહેરેલી, દૂબળી-પાતળી ને ઠીંગણી.. એ કોઈક નાનકડી બેબલી જેવી દેખાતી હતી, પણ એ તો કોઇ બેંકના ક્લાર્કની પત્ની નીકળી! એનાં લગ્નને એકાદ-બે વર્ષ જ થયા હશે., પણ એનો ચહેરો સુકાઈને જાણે ફિક્કો અને સાવ ઝાંખો થઇ ગયેલો. પોતાનાં ઘરના દરવાજે ઊભેલી જોઈને ઓફિસરને ગુસ્સો આવ્યો ‘જુઓ, તમારે જે કંઈ કહેવું હોય એ ઓફિસે આવીને કહેજો. આમ અહીં ઘરે મળવા આવવાની જરૂર નથી.’
પેલી સ્ત્રીએ પોતાનાં રોદણાં રડવાનાં શરૂ કર્યાં : ‘સાહેબ, જો તમે મને કાયમી નોકરી ના આપી શકો તો મને કામચલાઉ- લીવ વેકેન્સીની નોકરીએ તો રાખી લો!’ ઓફિસરે ભડકીને કહ્યું, પહેલાં ય મેં તને ટેંપરરી રાખી હતીને? પણ હમણાં મારી બેંકની બ્રાંચમાં કોઇ પોસ્ટ ખાલી ન હોય તો હું યે શું કરું?
પેલી સ્ત્રી વધુ કરગરવા માંડી, ‘સાહેબ, મારા પતિએ ચોખ્ખું કહી દીધું છે કે જો બે મહિનામાં નોકરી નહીં મળે તો ઘર છોડીને જતી રહેજે. હું તને આમ કામકાજ વગરની, મફતના રોટલા તોડતી નહીં રાખી શકું!’ ઓફિસરે કહ્યું, ‘તારા પતિને મારી પાસે મોકલ. એ પોતે એક બેંકમાં નોકરી કરે છે ને એને ય એની પત્નીને રાખવી પરવડે એમ નથી? વાહ! પત્નીને સંભાળવાની ત્રેવડ નહોતી તો લગન જખ મારવા કર્યાં?’
પેલી સ્ત્રી રડતી જાય ને આંસુ લૂછતી જતી. ઓફિસરની પત્નીએ એને પાણી પીવડાવ્યું અને સમજાવ્યું : ‘બેન, ચિંતા ન કર, સૌ સારાવાનાં થઇ જશે.’ પછી જ્યારે એ જવા માંડી ત્યારે પેલા ઓફિસરે એને ફરીથી ઠપકો આપીને કહ્યું : હવેથી અમારા ઘરે ક્યારેય આવતી નહીં. જે વાત હોય, ઓફિસમાં આવીને જ કરવાની. છોકરીનાં ગયાં પછી પણ મારા મિત્રનું બડબડ કરવાનું ચાલુ જ હતું: ‘આ દેશમાં, સાલાં, જેને જુઓ તે નકટાની જેમ ઘરે હાલ્યા આવે છે, કામ માગવા..આવા લોકોમાં જરા ય લાજ-શરમ જેવું છે જ નહીં…’ વગેરે, વગેરે..
ખરેખર, બહુ કરુણ સીન હતો. મારા મિત્રએ પેલી સ્ત્રીને આમ ખખડાવી એ મને જરાય ગમ્યું નહીં. મેં મારા ઓફિસર મિત્રને સમજાવતા કહ્યું, અરે, જરા સમજ..ઘરમાં પતિ હાથ ધોઈને પાછળ પડ્યો હોય તો એ બિચારી ગરીબ છોકરી શું કરે? નોકરી કરીને પૈસા કમાઓ, નહીં તો બહાર નીકળી જાવ! આવી ધમકીથી મૂંઝાઇને બિચારી તારી પાસે મદદ માગે નહીં તો શું કરે?’
મારો મિત્ર ન માન્યો. એણે કહ્યું : ‘અરે દોસ્ત, તને ખબર નથી. આ બધાંથી મારી ઇજજત ખરાબ થાય છે- બહાર બધાંને કહેશે હું સાહેબના ઘરે જઈને મળી તો કામ થઈ ગયું’ ને લોકો એમ સમજશે કે હું ઘેર બેઠાં લાંચ લઇને નોકરીઓ આપું છું! વળી, શું કોઇનાઅંગત દુ:ખને કારણે એને નોકરી આપી દેવાની? પેલીને કારણે કોઇ યોગ્ય ઉમેદવારનો નોકરીનો ચાન્સ હું છીનવી લઉં? હું આ સ્ત્રીને નોકરી આપીને, જે પૂરેપૂરી લાયકાત ધરાવતી હોય એવી બીજી સ્ત્રીને ના આપું.?.માત્ર એટલા માટે કે એનો પતિ ઘરની બહાર તગેડવાની ધમકી નથી આપતો? વાહ, શું લોજિક છે!?’
હું ઘણીવાર સુધી વિચારતો રહ્યો, પણ વારંવાર મારી આંખો સામે એ સોનેરી ફ્રેમવાળા ચશ્મા પહેરેલી એ સ્ત્રીનો ચહેરો તરવરતો હતો. એ મને ધીમે ધીમે કેરોસીનના ડબ્બા તરફ આગળ વધતી હોય એવું લાગ્યું. બે-ત્રણ મહિનામાં ચોક્કસ એ ખુદ પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લેશે!
ભારતીય મા-બાપ વર્ષો સુધી છોકરીને દૂધ, ફળો, પૌષ્ટિક આહાર અને યોગ્ય દવાથી વંચિત રાખીને એના જ લગ્નના ખર્ચ માટે રૂપિયા ને ઘરેણાં બનાવવામાં રચ્યા પચ્યા હોય છે. એક દિવસ મોંઘા કપડા પહેરીને, સજી-ધજીને વરરાજા આવે છે અને એ દૂબળી-પાતળી, કુપોષિત, અસ્વસ્થ મનની છોકરીને..પેલા કમાઉ જમાઇને એવી લાલચ અપાય છે કે ‘અમારી દીકરી તો ભણેલી ગણેલી છે, નોકરી કરીને પૈસા કમાઇને લાવશે ’ બસ .આવું જૂઠું બોલીને પરણાવી દેવાય છે. બેરોજગારીના જમાનામાં ખોટી અપેક્ષા સાથે બિચારી છોકરીને સાસરે મોકલી આપવામાં આવે છે. લગ્ન પાછળ ભારે ખર્ચ કરીને, બાપ ને ભાઈ છોકરીને સંભળાવે છે કે એ લોકોએ પેલીનાં જીવન સાટું જેટલું કરી શકે એનાથી પણ વધારે કર્યું છે.
લાચાર દીકરી ઉપકારની સાથે સાથે મનમાં એક દોષની ભાવનાથી એટલી ભરમાઇ ગઇ હોય છે કે પતિ નામના પ્રાણીને મેળવવા માટે એણે પોતાના બાપને જેટલી સજા આપી શકતી હતી આપી ચૂકી. પછી વર સાથે ઝઘડા થયા બાદ, બાપના ઘરે પાછી ફરતા અચકાય છે. એ એના બાપને હવે વધારે પીડવા માગતી નથી. નોકરી મળતી નથી, પતિથી અલગ થવું નક્કી છે, બાપના ઘરે પાછું ફરાય એમ નથી. બસ, એક તોે કેરોસીનનો ડબ્બો- એ એક જ વિકલ્પ બચે છે! પેઢી દર પેઢી…બિચારી મહિલાઓની સમસ્યાઓનો અંતિમ ઉપાય!