કશ્મીર આતંકવાદ… છત્તીસગઢ ને ઝારખંડમાં નકસલવાદ નાથવા… મરદ જોઈએ, અણધડ સરકારી અધિકારીઓ ન ચાલે!
અણધાર્યા વિસ્તરી રહેલાં ત્રાસવાદ પર અંકુશ મેળવવા સરકાર પાસે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના નથી કે નથી કોઈ નક્કર પ્લાનિંગ. પરિણામે વધુને વધુ લશ્કરી જવાનો અને નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે…
કવર સ્ટોરી -વિજય વ્યાસ
જમ્મુ – કશ્મીરમાં હવે આતંકવાદનો ખતરો રહ્યો નથી અને આતંકવાદીઓ હતાશ થઈ ગયા છે એવી સરકારની ડંફાશો વચ્ચે કશ્મીરમાં આતંકવાદની ઘટનાઓમાં અચાનક ઉછાળો આવી ગયો છે. ગંભીર વાત એ છે કે, પહેલાં કશ્મીર ખીણ પૂરતો મર્યાદિત આતંકવાદ હવે જમ્મુ રિજિયનમાં પણ ફેલાયો છે. અહીં હિંદુ-શીખોની બહુમતી છે.
આતંકવાદીઓ એમને ટાર્ગેટ કરીને ચોક્કસ સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યા હોવાનું મનાય છે. જમ્મુ વિસ્તારમાંથી હિંદુઓને ભગાડી મૂકવાના નાપાક ઈરાદા હોવાનું મનાય છે.
અહીંના આતંકવાદીઓએ ભારતીય લશ્કર પરના હુમલા પણ વધારી દીધા છે. તેના કારણે એ લોકો કદાચ એવો મેસેજ આપવા માગે છે કે, કશ્મીરમાં આર્મીના જવાનોને જ ભારત સલામત નથી રાખી શકતું તો સામાન્ય લોકોની સુરક્ષા તો કઈ રીતે કરશે?
બીજી બાજુ, જમ્મુમાં આતંકવાદના પ્રસારની સાથે છત્તીસગઢ અને ઝારખંડમાં નકસલવાદની ઘટનાઓમાં વધારો પણ ચિંતાનો વિષય છે. છત્તીસગઢના ગૃહ મંત્રીએ હમણાં વિધાનસભામાં કબૂલ્યું કે, છેલ્લાં ૬ મહિનામાં છત્તીસગઢમાં ૨૭૩ નકસલી હુમલા થયા છે કે જેમાં ૧૮ જવાન શહીદ થયા અને ૮૮ ઘાયલ થયા.
આ ઉપરાંત ૩૪ નાગરિકો પણ મૃત્યુ પામ્યાં. સિક્યુરિટી જવાનો અને નકસલવાદીઓ વચ્ચે ૯૨ એન્કાઉન્ટર થયાં છે….
સરકારની આ કબૂલાતનો અર્થ એ થાય કે, છત્તીસગઢમાં દર બીજા દિવસે સિક્યુરિટી જવાનો અને નકસલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યા છે. ભાજપ સરકારનો દાવો છે કે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની કાર્યવાહીમાં ૧૩૭ શંકાસ્પદ નકસલવાદીઓ માર્યા ગયા છે , જ્યારે ૪૦૧ની ધરપકડ કરાઈ છે. રાજ્ય સરકારે પોતે શંકાસ્પદ ‘નકસલવાદીઓ’ કહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે, જે મરાયા કે પકડાયા એ બધા નકસલવાદીઓ જ હતા તેની ગેરંટી નથી, પણ આપણા જવાનો મરાયા એ સ્પષ્ટ છે.
મરાયેલા કહેવાતા શંકાસ્પદ નકસલવાદીઓના માથે કેટલાં ઈનામ હતાં, ક્યા સંગઠન સાથે સંકળાયેલા હતા કે છત્તીસગઢના હતા કે બહારના હતા તેની કોઈ વિગતો સરકારે આપી નથી. સામે જે નાગરિકો મરાયા એમનાં નામ બધાંને ખબર છે. આ સંજોગોમાં નકસલવાદ ખતરનાક બનીને માથું ઊંચકી રહ્યો હોય એવું સ્પસ્ટ ચિત્ર ઉપસે છે.
કશ્મીરમાં સરકારની સબ સલામતની ડંફાશો વચ્ચે સ્થિતિ ગંભીર છે એ સ્પષ્ટ છે કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા જ સમાચારો જાણવા મળે છે કે, આર્મીના જવાનો પર હુમલો થયો કે પછી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આતંકવાદીઓ સાથેનાં એકાઉન્ટર પણ અઠવાડિયું-અઠવાડિયું ચાલે છે. તેના પરથી આતંકવાદીઓ કેવી જોરદાર તૈયારી કરીને આવ્યા છે એ સ્પષ્ટ છે.
અત્યારે જમ્મુ-કશ્મીરના ડોડાના કાસ્તીગઢમાં આવી અથડામણ થઈ જ રહી છે. છેલ્લા છ દિવસથી આતંકીઓ સાથે ભારતીય સેનાની અથડામણ ચાલી રહી છે, પણ આતંકીઓ મચક જ આપતા નથી.
કાસ્તીગઢમાં અનેક આતંકી છુપાયા હોવાની આશંકા છે. તેના પગલે કાસ્તીગઢના જંગલોમાં એક વિસ્તારને કોર્ડન કરી જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ચિંતાની વાત એ છે કે, જમ્મુ અને કશ્મીરના ચાર મોટાં જંગલોમાં આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યાં છે.
કશ્મીરના ડોડામાં તો આર્મીના ઓપરેશનમાં ૭ હજાર સૈનિકો કામે લાગેલા છે. આ સિવાય ૮ ડ્રોન, હેલિકોપ્ટર અને ૪૦ સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે, છતાં આતંકવાદીઓનો સફાયો નથી થઈ રહ્યો. આર્મીએ આ ઓપરેશન હાથ ધરવું પડ્યું કેમ કે ડોડા જિલ્લામાં
૧૨ જૂનથી સતત હુમલા થઈ રહ્યા છે. આતંકવાદીઓ માત્ર ડોડા જિલ્લાને જ નહીં, પણ જમ્મુના બીજા એવા જિલ્લામાં પણ હુમલા કરી રહ્યા છે કે જ્યાં પહેલાં આતંકવાદ નહોતો. આ જિલ્લાઓમાં પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યાં છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા અને બાંદીપોરા જિલ્લામાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાથી ઓપરેશન ચાલી રહ્યાં છે. જમ્મુમાં કઠુઆ, સાંબા, ઉધમપુર, ડોડા, રિયાસી, રાજૌરી અને પુંછ એણ સાત જિલ્લામાં આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલા કર્યા છે. આ વિસ્તારમાં હાથ ધરાયેલાં સર્ચ ઓપરેશનમાં જંગી પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયાં છે, પણ આતંકવાદી પકડાતા નથી એ મોટી ચિંતાનો વિષય છે.
જમ્મુ અને કશ્મીરમાં બની રહેલી ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે, રાજ્યમાં સ્થિતી સામાન્ય થઈ ગઈ છે ને આતંકવાદ ઓછો થઈ ગયો છે એવી વાતો વાહિયત અને ખોટી છે અને કશ્મીરમાં લોકો હજુય મોતના ઓથાર હેઠળ જ જીવે છે. એક આતંકવાદી હુમલો પણ થાય એ સરકારની નિષ્ફળતા કહેવાય ત્યારે અત્યારે તો દર બીજા દિવસે હુમલા થઈ રહ્યા છે.
જમ્મુ અને કશ્મીરને ખાસ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ થતાં જ કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ થઈ જશે એવા ફડાકા બહુ મરાયેલા પણ ૫ વર્ષ પછી પણ સ્થિતી એ જ છે. તેનું કારણ એ કે, મોદી સરકાર પાસે કશ્મીર મુદ્દે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના નથી, આતંકવાદ સામે લડવા માટે નક્કર પ્લાનિંગ નથી.
કશ્મીરમાં આતંકવાદના સફાયા માટે વિઝનરી નેતૃત્વ જોઈએ પણ કેન્દ્ર સરકાર ટટ્ટુઓ મારફતે કાશ્મીરનો વહીવટ ચલાવવા માગે છે તેથી એ શક્ય બનતું નથી. કશ્મીરમાં આતંકવાદનો સફાયો કરીને લોકોને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવવા માટે મરદ માણસની જરૂર છે.
જમ્મુ અને કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી પહેલાં મોદી સરકારે ગિરિશચંદ્ર મુર્મૂને લેફ્ટનન્ટ ગવર્નર બનાવીને મોકલ્યા હતા. લશ્કર ક્યાં લડે છે એ જ ખબર ના પડે ને એવું જ થયું. ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી મુર્મૂ મોદીના કહ્યાગરા છે પણ કશ્મીરની સ્થિતિને પહોંચી વળવાનું તેમનું ગજુ જ નહોતું એટલે હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો કરીને પાછા આવી ગયા.
હવે ભાજપના નેતા મનોજ સિંહા લેફ્ટનન્ટ ગવર્નર છે ને એ તો વળી મુર્મૂ કરતાં પણ ગયેલા છે. સિંહા પહેલાં મોદી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા પણ ૨૦૧૯ની ચૂંટણીમાં ગેંગસ્ટર અફઝલ અંસારી સામે હારી ગયેલા એટલે એમને ઠેકાણે પાડવા કશ્મીર મોકલી દેવાયા. આ સિંહાસાહેબ દિલ્હીના ઈશારે કશ્મીરનો કારભાર રાજભવનમાં બેઠાં બેઠાં ચલાવે છે ને આતંકવાદીઓ છેક જમ્મુ લગી આવી ગયા છે. આર્મીનો સંઘર્ષ હજુ ચાલુ જ છે અને આપણા જવાનો હજુ શહીદ થઈ રહ્યા છે.
બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરાઈ ત્યારે અમિત શાહે લોકસભામાં હુંકાર કરેલો કે, ‘ક્યા બાત કરતે હો, કશ્મીર કે લિએ જાન ભી દે દેંગે… ’ આ વાત સાચી પડી રહી છે, પણ અહીં ફરક એ છે કે, આ ‘જાન’ ભાજપના કોઈ નેતા કે અમિત શાહની નથી, પણ આપણા જવાનો અને નિર્દોષ નાગરિકોની છે.