લા ઓપેલાના ડિનરસેટમાં શ્રાદ્ધ સર્વ કરવાની કસાબકાકા ઉર્ફે અતૃપ્ત પિતૃએ ડીમાન્ડ કરી!
ટૅક વ્યૂ -બી. એચ. વૈષ્ણવ
‘કા કા કા’ મેં આમતેમ ડાફોળિયા માર્યા. લીમડાના ઝાડ પર સાક્ષાત્ કાગ ભૂશંડી મહારાજ બિરાજમાન! કાગદેવતા અહેસાન લોયેલની જેમ બ્રેથલેસ અને નોનસ્ટોપ કાગવાણી નદીની માફક વહેડાવતા હતા. કાગડો બોલે તે અપશુકન કહેવાય. આજના જમાનામાં માન ન માન મૈ તેરા મહેમાનની જે ટપકી પડતાં મહેમાનથી કંકોડા શુકન થાય. દસ વીસ દિવસ આપણા ઘરને નદી જેમ પૂર આવતાં ગામને ધમરોળે તેમ ઘરને ધમરોળે એટલે કાટાણું મોં કરી અતિથિ કબ જાઓંગે ફિલ્મની જેમ પૂછીને મહેમાન ભગાડવાના પેંતરા કરવા પડે! અલબત, કાગદેવતાની વાણી કર્કશ કે અકર્ણપ્રિયને બદલે કર્ણ મંજુલ અને કર્ણપ્રિય લાગતી હતી! તેણે મધ જેવી મીઠી વાણીથી મારું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરી. મેં એમની કાગવાણીની અવગણના કરી તો તેમણે મને ફટ દઇને ચાંચ મારી. ભાદરવાપૂનમથી શ્રાદ્ધપક્ષ ચાલે છે. મારી સન્મુખ છે તે કદાચ મારા તૃપ્ત, અતૃપ્ત કે સંતૃપ્ત પિતૃ હોઇ શકે. શ્રાદ્ધ અંગે મહત્ત્વની સૂચના આપવા ઇચ્છતા હોય!
‘ભગવન. હું શું તમારી સેવા કરૂં? આપ મારૂં માર્ગદર્શન કરો? કાગ મહારાજ. મેં કર જોડી પ્રણામ કરી શિષ્ટતાપૂર્વક જોડી કહ્યું.
‘કા કા કા હું તારો એકમેવ પ્રપિતામહ પિતૃ છું.’ તેણે અધિકારપૂર્વક અવાંચ્છિત ચેષ્ટા કરી. નમાજ પઢતાં મસ્જિદ કોટે વળગી તેવો ઘાટ થયો!
‘પ્રભુ! આપ નિર્વિવાદપણે મારા અતૃપ્ત કે પરિતૃપ્ત પિતૃ હોઇ શકો! એમાં બેમત કે ચાર મત ન હોઇ શકે. આ પ્રકારના કલેઇમ લેભાગુ દ્વારા પણ થઇ શકે છે, જેથી ભગવન આપને મારા પિતૃ હોવાનું યથેચ્છ પ્રમાણ રજૂ કરવા વિદિત અનુનય કે પ્રાર્થના છે!’ આમ કહી તેના શ્યામ સુંદર લાલિત્ય સભર ચરણબાવળને મેં કર અડકાડી પ્રણામ કર્યા.
‘કા કા કા… આ લે આધારકાર્ડ, પાનકાર્ડ, વિઝા ઓન એરાઇવલ, લોંગટર્મ વિઝા એમ કહી પાંખ નીચેથી બધા ડોકયુમેન્ટ મારા તરફ સરકાવ્યા. આધાર કાર્ડમાં ડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢડ્ઢ૦૪૨૦- આરએમપી લખેલ!’
‘આ આરએમપી એટલે શું? રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટિશનર કે રામજી મંદિરના પૂજારી!’ મેં પૂછયું.
‘આરએમપી એટલે રામજી મગનજી પટેલ. કાકદેવે જવાબ આપ્યો!’
‘ક્ધિતુ ,પરંતુ, આપના આધાર કાર્ડ પર ક્ધટ્રીના કોલમમાં પિતૃલોક કયાં લખેલ છે?’ મેં પોઇન્ટ ઑફ ઓર્ડર ઉઠાવ્યો!
‘કાર્ડની ડાબી બાજુ ખોપરી અને ખોપરીની નીચે ક્રોસમાં સામસામા બે હાડકા દોર્યા છે. જે પિતૃલોકનો એમ્બલ્મ છે!’ કાગ દેવતા મોં મચકોડી બોલ્યા. એમને મારો સવાલ ડાઇજેસ્ટ થયો ન હોય તેવા અણગમાના ભાવ ચહેરા પર દેખાયા. બગડેલ બાસુંદી જેવો તેનો ચહેરો ભાસે!
‘પિતૃદેવ કૃપા કરીને મૃત્યુલોક સુધી લાંબા થવાનું પ્રયોજન જણાવવા અનુગ્રહ કરશો?’ અમે કાગદેવને પૂછયું.
‘યસ, ડયુડ! કાલ તારે ત્યાં મારું શ્રાદ્ધ છે. આ વરસથી તમે મને શ્રાદ્ધમાં સમાવવાના છો એટલે મને ઉપસ્થિત થવાની લાલચ થઇ!’ એણે આગમનનું પ્રયોજન જણાવ્યું.
‘હા. કોઇ વિશેષ માગ હોય તો જણાવશો!’ અને વિનીતભાવે કહ્યું.
‘તારા ધરમાં મારો ફોટો (માત્ર નેગેટીવમાં કાગ મહારાજ દેખાઇ શકે!) લગાવ્યો નથી. હું પિશાચિની સિરિયલની જેમ તારું ધનોતપનોત કાઢી નાખીશ’ કર્કશ અવાજે ધમકી આપી.
‘ભૂલ થઇ ગઇ ક્ષમાયાચના માગું છું. મિચ્છામિ દુકકડમ્!’ મેં કહ્યું.
‘જા, જા માફ કર્યો.’ ભિખારીને ભીખ આપતા હોય તેવા સ્વેગથી તેણે મને માફી આપી.
‘જો આપણને ખીરપુરીમાં રસ નથી. કોરું શ્રાદ્ધ નહીં ખપે’, કાકદેવે સ્પષ્ટતા કરી.
‘શ્રાદ્ધ સાથે મિનરલ વોટર બોટલ મૂકશું. મિલ્ક શેઇક કે કોકાકોલા પણ મૂકીશું.’ અમે વચન આપ્યું.
‘અરે ડફોળ. સાવ બુધ્ધું જ રહ્યો. હું ગળું ભીનું કરવા મદિરાપાનની વાત કરૂં છું.’ કાકદેવતા ગુસ્સે થઇને બોલ્યા.
‘અમારું ગુજરાત ડ્રાય સ્ટેટ છે. મારી પાસે હેલ્થ કે એવા ગ્રાઉન્ડની લિકર પરમિટ નથી!’ મેં લાચારી વ્યક્ત કરી.
‘કયા યુગમાં જીવે છે વેદિયા? તારા પિતૃ હોવાની શરમ આવે છે. આ વૉટ્સઍપ નંબર. નંબર લગાડીને હોમ ડિલિવરીથી શિવાજી રીગલ અને બાઈટીંગ મગાવી રાખજે’ કાકદેવે હુકમ કર્યો. હું હતપ્રભ થઇ ગયો. મારા પિતૃ આવા માથાભારે અને રીબેલિયન હશે તેની મને કલ્પના ન હતી!?
‘લુક મિસ્ટર…, કાકદેવ કા કા કરી અટલજી માફક અટક્યાં!
‘મી, ગિરધરલાલ ગરબડીયા…’ મેં મારું નામ કહ્યું.
‘અરે, અટકમાં જ હડબડી ગરબડી છે. હું કાકદેવ છું અને તારો પિતૃદેવ છું. શ્રાદ્ધમાં કબૂતર કે પોપટ કાળા વાવટા દેખાડે કે ગીધ ધરણા ધરે એવી ગરબડ ન થવી જોઇએ!’ કાકદેવે ઘુવડ જેવા ડોળા કાઢ્યા.
‘જી પિતૃદેવ કોઇ ગરબડ નહીં થાય.’ અમે વોરંટી ગેરંટી આપી.
‘અરે, સાંભળ! અગાસી પર ડેકોરેટર્સને ઓર્ડર આપીને ચિતાકર્ષક મંડપ લગાવજે. મને ટાવર એસી વિના ફાવશે નહીં. ટેમ્પરેચર ૧૬ પર રાખી ટેરેસ ચિલ્ડ રાખજે! યુ સી. અમારું સ્ટેટસ હાઇ છે. સદાવ્રતમાં જમાડે તેમ અગાસી કે ધાબા પર પંગત ભોજન, આઇ ડિસલાઇક. ઇટ ઇઝ ડિસગસ્ટિંગ! આઇ વિલ પ્રિફર ટુ હેવ લંચ ઓન ડાઇનિંગ ટેબલ ઓન ટેરેસ! ડુ યુ ગોટ માય પોઇન્ટ?
એચઓએફમાંથી લકઝુરિયસ અને લેવિશ ડાયનિંગ ટેબલ મગાવી લેજે. ડોલ્બી સાઉન્ડ ડીજેમાં જુવાન ફિલ્મના ગીતો અને ડાયલોગ વગાડજે! શ્રાદ્ધ સ્ટીલના ઠોબરામાં હરગીજ સર્વ ના કરીશ. મારી પોઝિશન મુજબ મને કોરોલ, લા ઓપેલા કે બોરોસિલના ડિનર સેટમાં લંચ કરવાની આદત છે, યુ નો!’ કાગદેવ તો વિતરાગદેવને બદલે રાગદેવ નીકળ્યા!
‘ઓકે. દદુ!’ અમારી પાસે ગરજે કાગડાને પિતૃ કહેવા સિવાય કોઇ છૂટકો કયાં હતો!
‘તમારી ડિમાન્ડ કર્મચારીઓની જેમ વધતી જાય છે! બીજું કંઇ બાકી હોય તો બોલો.’ મેં ગુસ્સો થૂંકીને પૂછયું.
‘મને આવવા-જવાનું માઇલેજ, એકોમોડેશન આરટીજીએસથી આપવું પડશે. એર ફલાઇટનો રેટ આપવો પડશે!’ કાગદેવ ક્રમશ: કસાબ બની રહ્યા હતા! અફજલ ગુરૂ આતંકવાદી જેવી માગણી કરી રહ્યા હતા!
‘હઅમ્’ સરકારી ઓફિસર અરજદારની રજૂઆત સાંભળીને નરો વા કુંજરો વા જેવો પ્રતિભાવ આપે તેમ અમે ડિપ્લોમેટિક રિસ્પોન્સ આપ્યો.
‘યેસ. ઓફ કોર્સ! તારા ઘરથી ત્રીજા નંબરના બંગલામાં રહેતી અવનિ શિલ્પા શેટી જેવી હોટ છે. મને તેના પર ક્રશ છે. હું શ્રાદ્ધ પ્રાશન માટે આવું ત્યારે મને કંપની રહે માટે અવનિને હાજર રાખજે. કાગડી જેવી તારી કર્કશ કાકી અમે મારા ગળાબંધણું મારી આજુબાજુ ન ફરકે તેનું ધ્યાન રાખજે. અતૃપ્ત પિતૃ તારા શતમુખ વિનિપાતનું નિમિત્ત ન બનું એની કાળજી રાખજે! ટેરેરિસ્ટની જેમ ટેરેસના મિવિટન્ટે માગણીનો હારડો રજૂ કરી દીધો. ‘ઓ માય ગોડ! પિતૃ આના સ્વજનારિ હોઇ શકે?’ કસાબકાકો ત્રાંસી નજરે મારા પ્રતિભાવ નિહાળતો હતો!
‘આના કરતાં હું ખીજડાના વૃક્ષે આવીને શ્રાદ્ધપ્રાશન કરાવી જઉં તો?’ કાગદેવની પિરાણા ડુંગર જેવી માગણીના લિસ્ટથી કંટાળીને કહ્યું. મોગેમ્બો સમાન કાકદેવે ફડાક ફડાક ફડાક પાંખ અને ચાંચ વડે અમારા પર શત્રુ સૈન્યની માફક પ્રહાર કર્યા.
અને હું પલંગ પરથી ધડામ દઇને પડ્યો અને પિતૃદેવ સાથેનો સંવાદ વાદવિવાદ તૂટ્યો!!!