કમરિયા ડૂબી મુંબઈયા મૌસમ મેં!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
જો બાળકોને ખબર પડે કે વરસાદને કારણે સ્કૂલમાંથી રજા આપવામાં આવશે તો એ દિવસે એ લોકો ચોક્કસ સ્કૂલે ધરાર જશે જ જશે. મુંબઈના લોકો પણ વરસાદના દિવસોમાં ઓફિસ પહોંચવાનો પૂરો પ્રયાસ કરતા હોય છે. જાણે એ લોકોને જ્યાં પાણી ભરાયેલું હોય એમાં જ ચાલીને રસ્તો ક્રોસ કરવાની મજા આવે છે. આ વખતે પણ એવું જ થયું. લોકો ખૂબ તકલીફો સહન કરીને ખૂબ મોડા ઓફિસે પહોંચ્યા ને પાછા ત્યાંથી જલ્દી નીકળી પણ ગયા. ગયા ન ગયા, ત્યાં તો પાછા આવી ગયા. એ બધાં હવે ગર્વથી એમની હિંમત અને હાડમારીની દાસ્તાનો સંભળાવે છે. દર વરસે આવી મહામુશ્કેલીઓમાંથી પસાર થવું એટલે જ મુંબઈના વરસાદનો આનંદ માણેલો કહેવાય.
એક બાજુ અરબી સમુદ્રનાં વાદળો ઘેરાવા માંડ્યા, ને બીજી બાજુ આરબ લોકો ફરવા માટે મુંબઈ આવવા માંડ્યા. આ વરસાદી વાતાવરણ એક એવું દ્રશ્ય છે જે તેઓ પોતાના રણપ્રદેશમાં ક્યારેય જોઇ શકતા નથી. તેઓ પહેલીવાર જુએ છે કે આકાશમાં માત્ર વાદળો જ વાદળો છે, જેમાંથી એટલું બધું પાણી વરસે છે કે એ પાણી મુંબઈના રસ્તાઓને રાતોરાત મોટી નદીઓમાં અને ચાર રસ્તાઓને તળાવમાં ફેરવી નાંખે છે. જેમાં માણસો તો ઠીક કાર ને ખટારા પણ ડૂબવા માંડે છે. આ વરસાદની સિઝનમાં આરબો એમના પરિવાર સાથે મુંબઈ રહે છે, મન ભરીને વરસાદનો આનંદ માણે છે ને સુંદર ક્ષણો વિતાવે છે. પ્રવાસન વિભાગ ઈચ્છે છે કે એ આરબ લોકો એમના દેશમાં ભારતીય વરસાદનો પ્રચાર કરે: ‘આવો અબ્દુલ્લા! મુંબઈ આવીને ભીના થાવ, અબ્દુલ્લા! ’ ચારે બાજુ પેટ્રોલ જોઈને કંટાળી ગયા હશો ને? હવે પાણી જોઈને ભારતમાં ડાન્સ કરો, અબ્દુલ્લા! આમ વરસાદને કારણે વેપારીઓને નુકસાન થતું હોય છતાં તેઓ આરબ પ્રવાસીઓ કારણે થોડી કમાણી કરી લે છે. મુંબઈનો વરસાદ ડૉલર લાવે છે. થાય છે કે આરબ લોકો ચેરાપુંજી કેમ નથી જતા? ત્યાં તો આખું વરસ વરસાદ પડે જ છેને? પણ મુંબઇનો વરસાદ, વરસાદ છે. એની વાત જ અલગ છે!
પાણી ભરાય છે ને પછી વહી જાય છે. જેમ કે-ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં નળમાંથી ને છતમાંથી લાંબા સમય સુધી પાણી આવે રાખે. બધી બાલ્ટીઓ અને વાસણોમાં પાણી ભર્યા પછી પણ પાણી આવતું હોય ને એમની પાસે વાસણો, બાલ્ટીઓ ખૂટી પડે ત્યારે એમને સમજાય નહીં કે હવે આ વહેતા પાણીનું શું કરવું? જેમ કે – આ દેશ પાસે પાણી તો છે પણ એને સંગ્રહ કરવા માટે કોઈ વાસણ નથી. જેમ ઘરમાં, મા ઠપકો આપીને કહે કે- ચાલો છોકરાઓ, જ્યાં સુધી નળમાં પાણી આવે છે એટલી વારમાં નાહી કરી લો. જ્યાં સુધી આ આખા ગરીબ દેશમાં ગરીબ અને સુવિધા વગરના પરિવારોનાં બાળકો, પાણીમાં ત્યાં સુધી જ ન્હાશે જ્યાં સુધી એ મળશે! તેઓ જાણે છે કે આવતી કાલથી માએ પીવાના પાણી માટે નળ પર લાઇનમાં ઊભા રહેવું પડશે. આખું વર્ષ તો ભરપૂર નહાવા મળવાનું નથી. કરોડોની વસ્તી ધરાવતા આ દેશને ખેતી માટે, પીવા માટે, કારખાના માટે અને પોતાના પરસેવા ધોવા માટે પાણીની જરૂર છે. પણ પાણી ભરવાની વ્યવસ્થા કે વાસણો ન હોવાને કારણે આકાશના નળમાંથી મળતું પાણી એમ જ વહી જવા દે છે. નદીઓમાં કાં તો પૂર આવે અથવા તો આખું વર્ષ સૂકીભઠ્ઠ રહે છે.
મુંબઈમાં અને દેશનાં બીજાં શહેરોમાં સરકારી અધિકારીઓ વરસાદની સિઝનમાં પોતાનાં વાળ ખેંચતા હોય છે ને કહેતા હોય છે કે, ‘અરે, અરે, ગટરો સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી નહોતી, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાય ગયું.’ પછી આખું વર્ષ એટલા માટે વાળ ખેંચે કે ‘અરે હાય હાય..પીવા માટે પાણી નથી બચ્યું.’ આમ આખું વર્ષ વાળ ખેંચી ખેંચીને એમને માથે ટાલ પડી ગઈ પણ આ દેશ આજ સુધી પાણીની વ્યવસ્થા કરવાનું શીખી શક્યો નથી!
મને તો મુંબઈમાં હમણાં અતિવૃષ્ટિને લીધે ત્રણ દિવસ રોડ પર ચાલેલી કામચલાઉ સહકારી વ્યવસ્થા જોઈને આનંદ થયો. કેડ સમાણાં પાણીમાં ધક્કાની સર્વિસ આપનારા કહેતા હતા : ‘ચાલો તમારી કારને પાણીમાંથી બહાર કાઢીએ, ૬૦ રૂપિયા લાગશે! પછી બિચારો કારનો માલિક એન્જિન બંધ કરી અને ચાવી હાથમાં લઈને બહાર આવી જાય. પાંચ મજૂરો પેલાની કારને પાણીમાંથી ધક્કો મારીને બહાર કાઢી
આપશે ને આવી માણસાઇ સેવા બદ્દલ પૈસા અંદર અંદર વહેંચી લેશે.
એક ગાડીવાળો સજજન ૬૦ રૂપિયા આપ્યા પછી કહેશે કે સાલા, આ લોકોએ પૈસા કમાવવા માટે ગટરના ઢાંકણા બંધ કરી દીધા હશે. જે આમ તો કદાચ ખરું પણ હોઇ શકે! આમે ય મુંબઇનો વરસાદ તો ભલાભલાને કમાણીની વર્ષા કરાવી શકે, સું ક્યો છો?
શું છે કે સાહેબ, મુંબઈમાં પૈસા કઇ રીતે કમાવા, એનું ફળદ્રુપ દિમાગ માત્ર પૈસાવાળાઓ પાસે જ નહીં ગરીબો પાસે પણ હોય છે, હોં!