કાળસર્પ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
બેંગલોરની આઈ.ટી.કંપનીના સી.ઈ.ઓ. રામનાથ શેટ્ટી દરેક પાસે શ્રેષ્ઠ પરફોર્મન્સનો અને નીતિમત્તાનો આગ્રહ રાખતા. તેમની પર્સનલ સેક્રેટરી મિસ સોનાલી માથુર એટલે કંપનીનું જીવંત એનસાયક્લોપીડીયા. કંપનીના લીગલ એડવાઈઝર નિર્મલ જોશી શેટ્ટીસાહેબની આ નવી સેક્ર્ટરીની બુદ્ધિપ્રતિભાથી તેમજ ખુબસુરતીથી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. એટલે ઑફિસમાં આવે અને શેટ્ટીસાહેબ ઑફિસમાં ન હોયમાં ત્યારે સોનાલીની ઓફિસમાં અડ્ડો જમાવતા.
સોનાલી, રિયલી યુ આર જીનિયસ . બાય ધ વે, તમે બેંગલોર આવવાનું અને તે પણ આવા ઈંટિરિયર ભાગમાં આવેલી કંપનીમાં આવવાનું કેમ નક્કી કર્યું ? મુંબઈ અને બેંગલોરની સોશિયલ લાઈફ ખૂબ ડિફરન્ટ છે. નહીં? ઝીણી આંખ કરીને કોફીનો ઘૂંટ લેતા નિર્મલ જોશીએ કહ્યું. સર, આવી સરસ કંપનીમાં પહેલો બ્રેક અને આવી સરસ પોજિશન મળે. આય એમ વેરી લકી. સોનાલીએ લેપટોપમાં કામ કરતાં ટૂંકો ઉત્તર આપ્યો. આર યુ સેટીસફાયડ હીયર, ઈન સચ લો સેલેરી?નિર્મલ જોશીએ પૂછયું.
સર, સેલેરી ડઝન્ટ મેક ડિફરન્સ ટુ મી. અને મને અહીં ખૂબ નવું શીખવા મળે છે. ઈટસ ગ્લોબલ કંપની. એની અધર પ્રોબ્લેમ, હું તારો વેલવિશર છું. તું મને કહી શકે છે. નો, સર થેંકસ. બટ, યુ કેન સી આય એમ બિઝી વીથ માય વર્ક. તમે પ્લીઝ, રિસેપ્શન રૂમમાં બેસો. નિર્મલ જોશીએ કહ્યું- આય હેવ વન ઓફર ફોર યુ. જોઈન માય ફર્મ. સેલેરી પણ ડબલ મળશે.સોરી સર, આય એમ નોટ ઈન્ટરેસ્ટેડ. લેટ મી ડુ માય વર્ક. સોનાલીએ કહ્યું.
સર, શેેટ્ટી સર મંગલવાર કો આયેંગે આપ મંગલવાર કો આના. કીતના બજે કા એપોઈંટમેન્ટ લીખું. સોનાલીએ ખુરશી પરથી ઊભા થતાં કહ્યું. યે નખરે મુઝે મત દીખાના. મેં જાનતા હું કી તુમ એક બચ્ચેકી મા હો. ઔર, તેરે હસબન્ડ કે સાથ તું નહીં રહતી. યે બાત અગર યહાં સબકો પતા ચલ ગયા, તો ક્યા હોગા, યે સોચ કે રખના. સોનાલી અવાચક બની ખુરશી પર બેસી પડી. એનું માથું ચકરાવા લાગ્યું. જો, સોનામેડમ, તારા ભૂતકાળને ઉખેડવો ન હોય તો હું કહું તેમ કરજે. કહેતા નિર્મળ જોશીએ સોનાલીની પીઠ પર હાથ ફેરવ્યો જે સોનાલી માટે કાળસર્પ જેવો જ હતો.
કંપનીએ આપેલા પોતાના કવાટર્સમાં સોનાલી ગઈ. પણ, આજે તેના મનમાં કોઈ અકળ ભય ઘેરી વળ્યો હતો. એક સફળ સિધ્ધહસ્ત નારી પોતાના પદ-પ્રતિષ્ઠા કે વૈભવને પ્રાપ્ત કરવા કેટલો બધો સંઘર્ષ કરે છે,પછી તેને સાચવવા ઝઝૂમે છે. વળી સ્વરક્ષાના કવચને સાચવવાનું સતત માનસિક દબાણ, સ્ત્રી લોલુપ નજરોથી પોતાની જાતને બચાવીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પણ સંઘર્ષ કરવો જ પડે. સોનાલીએ મનમાં વિચાર્યું કે મુંબઈના એ દુ:સ્વપ્નને ભૂલવા હું આ બેંગલોરની કંપનીમાં જોડાઈ પણ એ ભૂતકાળ મારી સાથે ઝળાની જેમ જડાઈ ગયો છે. જે ભૂતકાળને ધરબી દેવા હું મુંબઈની જે.પી. મોર્ગન જેવી કંપની છોડી અહીં આવી તે જ કાળસર્પ મને અહીં પણ ભરખવા આવ્યો! હું આજની સશક્ત શિક્ષિત નારી છું. હું મારા નિર્ણય જાતે જ લઈશ.
ત્યાં જ મુંબઈથી તેની ખાસ ફ્રેન્ડ રોશનીનો ફોન આવ્યો. સોનુ, ફેબમાં મારા મેરેજ છે, ત્યારે પણ તું મારી સાથે જ હોવી જોઈએ. મેરેજ પછી હું તો કેનેડા સેટ થઈશ. વાવ, ઈટસ ગ્રેટ યાર. સોનાલીએ કહ્યું. રોશનીએ ધીમેથી કહ્યું – અરે, સોમવારે હું ઓર્ફનેજમાં ગઈ હતી. તારો મયંક તને મળવાની ખૂબ જીદ કરે છે.
રોશની, આય એમ રીયલી ફેડઅપ નાવ. તું જાણે છે ને કે મયંકની પાલક માતા થવાનો નિર્ણય મેં કેવા સંજોગોમાં લીધો હતો. પણ, એની આકરી કિંમત હું ચૂકવી રહી છું. ઈટ્સ ઓકે. બાળકને જન્મ આપીને અંતિમ શ્વાસ લેતી તારી ભાભી જ હતી, એને આપેલું એ વચન તું નિભાવી રહી છે. આજે એ અઢી વર્ષનું બાળક તારામાં એની મા જુએ છે. રોશનીએ કહ્યું.
એ કોરોનાનો સમય હતો, મારો ભાઈ કોરોનામાં જ મેં ગુમાવ્યો. ભાભીને ત્યારે પાંચમો મહિનો હતો.. ભાભીની પ્રથમ ડિલીવરી મારે જ કરવાની આવી. ડિલીવરી વખતે ભાભીને હાય બી.પી તો હતું અને બ્રીધીંગ પ્રોબ્લેમ વધી ગયો. નવજાત બાળકને છાતીસરસો ચાંપતા ભાભીએ કહ્યું- સોનાલી, મને કંઈ થઈ જાય તો તું મારા દીકરાને ઉછેરજે. મને વચન આપ. ભાભી, હું આ બાળકની પાલક માતા બનીશ. ત્યાં જ ભાભીનો શ્વાસ ફૂલાયો, એ બેશુદ્ધ થઈ ગયા, અને એ નવજાત શિશુને મારા ખોળામાં મૂકી ગયાં. પણ, રોશની આને લીધે મારે કેટલી અગનપરીક્ષા આપવાની, હું થાકી ગઈ છું આ સમાજના લોકોથી-
તારા મનમાં કોઈ પાપ નથી, પછી શું કામ ગભરાય છે, ડીયર? રોશની બધું હોવા છતાં મારું જીવન શુષ્ક રણ જેવું. જેને મનના અતલ ઊંડાણથી પ્રેમ કરું છું, એણે પણ સાથ છોડી દીધો- રાજન સાથેના એ અતૂટ સંબંધ શું કાચના હતા? એને પણ મારા પર વિશ્વાસ ન બેઠો. આ ભણતર, આ સંપત્તિને માણવા આપણું કોઈ ન હોય તો- કહેતાં સોનાલીથી રડી પડાયું. સંઘર્ષો સામે બાથ ભીડવાની એનાથી હારી ન જવાય માય ડીયર સોનુ.
ઘરમાં આગ લાગી એટલે અહીં જંગલમાં આવી તો અહીં પણ દાવાનળ- રોશની તું જ કહે કે હું સાચી છું, એ સાબિત કરવા મારે સીતાજીની જેમ અગ્નિપરીક્ષા આપવાની છે, અને કોણ લેશે- રાજન મારા ચરિત્ર પર શંકા કરે એ જ હું સહન કરી શકતી નથી. એ ઘર છોડીને ગયો છે, હું એ ઘરમાં નથી રહી શકતી, એટલે મેં અહીં જોબ સ્વીકારી. રોશની ઈનફ ઈસ ઈનફ- હું હારી ગઈ છું. થાકી ગઈ છું. ક્યાં ભાગી જઉં સમજ નથી પડતી. અરે, એક ટેલેન્ટેડ, એજ્યુકેટેડ સોનાલી આવું કહે છે- તું તો સી.ઈ.ઓ.ની પર્સનલ સેક્રેટરી છે, કંપનીમાં બધા મેડમ કહીને માન આપતા હશે. પે-પેકેજ પણ સારું હશે. અને રાજન તને ખૂબ મિસ કરે છે, ઓફિસમાં પણ ગંભીર હોય છે. એની બર્થડે હતી તે દિવસે અમે કહ્યું કે રાજન પાર્ટી હો જાય- એણે કહ્યું- સોનુ, વગર હું શું પાર્ટી કરું?
અમારી કંપનીમાં નિર્મલ પાંડે છે. આજે મારી અંગત વાત જાહેર કરવાની ધમકી આપતો હતો. કોણ છે આ- એ શું કરશે? આ ભૂતકાળનો કાળસર્પ મને કયારે છોડશે? સોનાલીએ ચિંતિત થઈ પૂછયું. મને લાગે છે કે આ એ જ પાંડે છે, જેણે છ મહિના આપણી કંપનીમાં કામ કર્યું છે. એ તને ટેન્શન આપે છે, તેમાં તારે ડરવાની જરૂર નથી. એને તો આપણી કંપનીમાંથી તગેડી દીધો હતો. એનાથી શું ગભરાવાનું ? રોશનીના આ શબ્દોથી સોનાલીના મનમાં નવી શક્તિનો સંચાર થયો.