ઉત્સવ

કચ્છ દેખા તો બદલ ગયા દેખને કા અંદાજ, અબ હર મિટ્ટી સે ખુશ્બુ-એ-વતન આતી હૈ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

એક સમયે મધ્યકાળમાં ગુજરાતી ભાષા આંતરરાષ્ટ્રીય વ્યાપારી ભાષા તરીકે સુખ્યાત હતી. હવે ‘ગુજરાત અને ગુજરાતી’ શબ્દ વિશ્ર્વભરમાં અનેક રીતે સંભળાવા લાગ્યો છે, તે રાજકીય, સામાજિક, આર્થિક પરિમાણનું સર્જન છે. જ્યારે હિંદુ રાષ્ટ્ર આઝાદીના અમૃત કાળની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે ગુજરાત તો કેમ ભૂલાય! એ જ ગુજરાતનો અજોડ અંશ સ્વરૂપ પ્રદેશ એટલે કચ્છ. સાહસ, સંઘર્ષ, સમન્વય અને સમૃદ્ધિની ઐતિહાસિક ભૂમિ છે કચ્છ!

ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહિ
યે તો જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ
ઇસકે કંકર કંકર મેં શંકર હૈ
ઇસકી બુંદ બુંદ મેં ગંગા હૈ
યે વંદન કી ભૂમિ હૈ
યે અભિનંદન કી ભૂમિ હૈ.

યુગપુરુષ અટલ બિહારી વાજપેયીજી જાધ અચેતી. ‘નયા ભારત બનાયેંગે’ જો સપનું જુકો સેવેં ઍડ઼ા અટલજી મથેજી લાઇનું; કચ્છજી પાવન ભૂમિ તાનું બોલ્યા વા. જિન ભારતજો ટુકર (કચ્છનો ભૂભાગ) પાકિસ્તાન પચાઇ વધે વે હુન ભાગકે પાછો ગ઼િનેલા વિરોધ કરીંધે થેલ સત્યાગ્રહ (કચ્છ સત્યાગ્રહ: ૧૯૬૮) જે વખતમેં અટલજી ભાવના વી ક કચ્છ ઇ ભારતજો અજોડ- અદ્ભુત ભૂપ્રડેસ આય, જેંજો રાઇજે ડાણે જિતરો પ ભાગ કોઇ જટી વિઞે ત સેન ન થિઇ સગ઼ે. હી ભૂમિજી નિમણી સુંદરતા નેં હિત જા ખુમારીવારા જીયણ જિવંધા માડુએંજી સફડ કહાણી આય જેંજા ચાહક ગ઼ચ બુદ્ધિપ્રતિભાઉં ગ઼િની ચુક્યા ઐં.

કુદરતનાં રહસ્યો અમાપ છે, એ ઉકેલતાં જઈએ એમ વિસ્મય થાય છે. પ્રકૃતિનાં સૌંદર્ય અસીમ છે, એ પામતાં જઈએ એમ આનંદ થાય છે, પ્રકૃતિ જ જન્મનું કારણ છે, વિકાસનો આધાર છે અને જીવનનું બળ છે અને કચ્છ પ્રદેશની વૈશ્વિક ઓળખનું પ્રતિક પણ. ગતાંકે કચ્છના વિશિષ્ટ કર્યુંગરી સુંદરતાનું આલેખન કર્યુ હતું. આ વખતે ફરી કલાએ – પ્રાદેશિક સુંદરતાએ વાત કરવા પ્રેર્યા છે.

આપણી જિંદગી જેટલી પ્રકૃતિનાં રહસ્ય અને સૌંદર્યના સંપર્ક-સંસર્ગમાં વીતે એટલા આપણે શાશ્વીતીની સમીપ રહીએ છે. નેં હી શાશ્વીતીજી બારીકાઇ કચ્છ બેશક સજ઼ે વિશ્ર્વકે ડિઇ સગ઼્યો આય ઇતરે જ઼ ત યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ભરાં સજી ધુનિયાજા ‘શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ’ જો માન પાંજે કચ્છજે ધોરડોકે જુડ્યો આય. રણોત્સવનું સજી ધુનિયામેં વખણાઇંધલ ધોરડો ગામ પ્રવાસનજી વૈશ્ર્વિક ઓરખ ભની વ્યો આય. હર વરે લખેંજી સંખ્યામેં મેધની ભારતજે અજાયબ સફેદ રિણજી મજા માણેલા કચ્છજા નોતરાઇ મેમાન ભનેતા. ઇતરો જ ન ભરતકલાજી માહેર કારીગર ભેણું વે ક લીંપાઈ કરીંધલ બાઇયું; મિણીંજા કમાલ ન્યારીને વિડેસીજી અખીંયું ખુલી રિઇ વિઞેત્યું. તેંજો ઈતિહાસ, રાજકારણ, સમાજ નેં અર્થકારણ ઇનીજે જીયણ નેં વિનાશ મિંજા નિરમાણજી અજઇ પરંપરાકે છતી કરેતો. સ્વપ્નદૃષ્ટા નેં પાંજા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીકે પણ મિણીયાં વલો લગેતો હી કચ્છ! હિન સમૃદ્ધ વારસે તે મોહિ વેલ મોદીસાહેબજી દુરંદેશી વિચારધારાજો પરિણામ આય હી સિદ્ધિ.
ચાંદની શીતળતાના ઓપ રણમાં પથરાયા હોય અને રંગબેરંગી બત્તીઓ ઝગમગી ઉઠે ત્યારે રણમાં જે માહોલ સર્જાય છે તે તો જેણે માણ્યું હોય તેના મોંઢે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ નો ઉદ્ગાર નીકળી જ પડે! પરંતુ અભ્યાસુ જીવડો એવા સ્વજનશ્રી દલપતભાઇ અહીં અટકતા નથી અને કહે છે કે, ‘કચ્છ દેખા તો બદલ ગયા દેખને કા અંદાજ, અબ હર મિટ્ટી સે ખુશ્બુ-એ-વતન આતી હૈ.’ દલપતભાઇ પ્રાગમહેલ અર્કાઇવ્ઝ સાથે જોડાઇને સંશોધન ક્ષેત્રે પ્રદેશના સમૃદ્ધ વારસાના જતન માટે સમર્પિત છે. તેમણે પોતાની પંચેન્દ્રિયોને કામે લગાડી આપણા માટે, અને કુદરતી સૌંદર્યના પગેરું બન્યા છે. કચ્છ માટે અનેક ગ્રંથમાળા રચાઈ હશે પરંતુ જેમ જેમ સંશોધન કરતા જઈએ છીએ તેમ મહત્ત્વનો મુદ્દો હંમેશાંથી વણપીછાણ્યો રહી ગયો હોય એવું આ પ્રદેશ માટે લાગ્યા કરે એટલે જ દલપતભાઇએ પોતાના પુસ્તકમાં પંચેન્દ્રિયથી કચ્છને અનુભવવાની નોંધ મૂકી છે.

અનાદિઅનંત વૈશ્ર્વિક ઐશ્વર્ય આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવી પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા માણસનું આંતરબાહ્ય ઘડતર કરે છે. આ પંચેન્દ્રિય જ જગતમાં વિસ્તરવાના રસ્તા છે. આંખથી જોવાતાં દૃશ્ય, કાનથી સંભળાતા ધ્વનિ, નાકથી પમાતી સુગંધ, જીભથી ચખાતા રસ, ત્વચાથી સ્પર્શાતું જગત સુંદર હોઈ શકે છે, ક્ધિતુ આપણી ઈન્દ્રિયોના અનુભવને સ્થળકાળનાં બંધનોથી મુક્ત કરી, વાસ્તવની જડતામાંથી દૂર કરી કેવળ આનંદમય બનાવી દેવાની ક્ષમતા તો કલામાં જ છે.

સાંભળો: જોડિયાપાવાનો અવાજ, ચંગનો રણકાર, કચ્છી ઢોલની ગંભીર નાદ, નોબત શરણાઈનો મંગલ ધ્વનિ, લોકગીતની લહેક. સ્વ. નારાયણ સ્વામિના ભજનો અને ઓસમાણ મીરના સ્વરોની બુલંદી સાથે તબલા મંજીરાની રમઝટ, ગાય અને ભેંસના ગળે બાંધેલી ખરકીઓની ગુંજ, આરતીઓના ઘંટનાદ, પવનચક્કીની સરસરાહટ, લશ્કરી મીગ વિમાન ધરવરાટ અને દૂર ઉડી જતી કુકડીઓનો કલશોર.

સ્વાદ લ્યો: બન્નીનો મીઠો માવો, ખાવડાનો મેસુખ, પેટ ભરીને દાબો દાબેલી, શિયાળામાં અડદીયા, પકવાન અને ગામે ગામના વખણાયેલા પેંડા બારેમાસ, જૂન-જુલાઈમાં કચ્છી ફળ ખારેક, ઉનાળે કેસર કેરી, વગડાઉ ફળોમાં પીલુ, બોર, ગુંઘ. રોટલા માખણ, ગોળ, રીંગણાનું ભડથું અને છાશ વિના જમણ અધૂરું.

સુગંધ લ્યો: આશાપુરી ધૂપની મહેક, પાલર પાણીની સુગંધ, લીલાચારાની ગંધ, આંબા, મેંદીની મંજરીની મીઠી સુગંધ, લોબાનના ધૂપની સુવાસ, શેખપીર પાસેથી પસાર થતા પારલે બિસ્કીટની મીઠી ગંધ.

જુઓ ને સ્પર્શો: માટીનાં જુદા જુદા રંગો, ખડકો અને ખનીજોના આકારો પ્રકારો, ફોસિલ્સ પત્થરના આકારો અને વજન, આરસ અને લાલ પાકા રેતિયા પત્થરની દીવાલો, પાળિયાઓ અને શિલાલેખો, રહ્યાસહ્યા ભીંતચિત્રો અને દરિયાના પાણી રેતીનો સ્પર્શ. ઝાકળ અને ધુમ્મસ, ઉકળાટ અને પવનનો સ્પર્શ, આકરો તડકો ને ધૂળની ડમરીઓ, સવારમાં દેખાતા ચાર સ્તરના કુદરતી દૃશ્યો.

જગતનાં સ્થૂળ અને સૂક્ષ્મ, મૂર્ત અને અમૂર્ત રહસ્યો અથવા સૌંદર્યો થકી પંચેન્દ્રિયનું રસદાયી લાલનપાલન થાય છે. પ્રકૃતિનાં અસીમ, અમાપ, અનંત, અનાદિ, અખંડ, અવિરત રહસ્યો અને સૌંદર્યો થકી સતત આનંદ, વિસ્મય અને સર્જનના પ્રદેશમાં રહી જીવનને રળિયાત કરવું હોય તો પંચેન્દ્રિયથી કલાનાં આકલન અને આસ્વાદ કરવાં જ જોઈએ. તથ્યપરક ઐશ્ર્વર્ય હોઈ શકે પણ કલા દ્વારા પમાતું ઐશ્વર્ય તો આનંદ અને રસના માર્ગે આવતું હોઈ વૈશ્ર્વિક વિલાસનો પ્રસાદ બની રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button