‘જ્યોતિબા ફૂલે અત્યારે પક્ષાઘાતની બીમારથી પથારીવશ છે તો તેમને આર્થિક મદદ કરશો એવી અપેક્ષા ધરાવું છું’: મામા પરમાનંદ

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મુંબઇની ધરતી ઉપર ચાલનારો માણસ પોતાને રાજા-મહારાજાથી જરાયે ઓછો સમજતો નથી. એ સ્વપ્નાં સેવે છે અને તેને નક્કર વાસ્તવિક્તા બનાવી જાણે છે રાજકારણ, કળા, લોકસંસ્કૃતિ, સાહિત્ય, સામાજિક ક્રાંતિમાં મુંબઇની મહત્ત્વની ભૂમિકા રહી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મુંબઇના એક માણસને લખ્યું કે ‘હું તમને મુંબઇમાં મળવા ઇચ્છું છું. તમે બીમાર અને પથારીવશ છો એટલે તમારી રજા હોય તો હું તમને તમારા ઘેર મળવા આવવાની ઇચ્છા ધરાવું છું.’
અન્ય કોઇ માણસ હોત તો માંદગીની પથારીમાંથી પણ વડોદરાના મહારાજાનું સ્વાગત કરવા કૂદકો મારી ઊભો થઇ ગયો હોત. પણ, મુંબઇનો આ અલગારી માણસ અનોખી માટીનો હતો. એણે સામેથી મહારાજાને લખી જણાવ્યું: ‘તમે મારે ઘરે પધારવા પણ મારી રજા પૂછી એને હું મારું સર્વોચ્ચ માન સમજું છું. પત્ર લખીને પુછાવવા માટે તમારો આભારી છું. મારી નમ્ર વિનંતી છે કે તમે મારા ઘરે પધારશો નહીં. કારણ એ જ કે મારા જેવા નાના માણસના ઘર આગળ તમારી ચાર ઘોડાની ગાડી ઊભી રહેલી જોવા લોકો રસ્તા ઉપર ભારે ભીડ જમાવશે.’
આ માણસ તે ૧૯મી સદીમાં થઇ ગયેલા મામા પરમાનંદ. તે સમયે મુંબઇમાં મોટરકાર નહોતી. મામા પરમાનંદનું અસલ નામ તો નારાયણ મહાદેવ પરમાનંદ છે. એમની સ્મૃતિ જાળવી રાખતો એક માર્ગ મુંબઇમાં છે – મામા પરમાનંદ માર્ગ. ૧૮૫૯ની સાલમાં મુંબઇમાં મેટ્રિકની સર્વ પ્રથમ પરીક્ષા યોજાઇ હતી તેમાં ઉત્તીર્ણ થયેલા ૧૪ વિદ્યાર્થીઓમાં મામા પરમાનંદ એક હતા. મામા પરમાનંદ ભૂજ રાજ્યના નાયબ દીવાન તરીકે પણ રહ્યા હતા; પરંતુ કદી ધનસંચય કરી શક્યા નહોતા.
જ્યારે વડોદરાના મહારાજાએ મામા પરમાનંદની ૧૦ વર્ષની લાંબી માંદગી દરમિયાન આર્થિક સહાય માટેની ઇચ્છા વ્યક્ત કરી તો મામા પરમાનંદે એ સહાય નકારતા જણાવ્યું કે ‘સામાજિક ક્રાંતિનો શંખ ફૂંકનાર અને વિધવા તથા પદદલિતોની સેવા કરનાર જ્યોતિબા ફૂલે અત્યારે પક્ષાઘાતની બીમારથી પથારીવશ છે તો તેમને આર્થિક મદદ કરશો. એવી અપેક્ષા ધરાવું છું.’
મામા પરમાનંદે મુંબઇમાં રહીને સ્ત્રી-શિક્ષણ, વિધવાવિવાહ, બાળવિવાહના વિરોધ માટે જીવન સમર્પી દીધું હતું. રાવસાહેબ મંડલિકે અંગ્રેજી અઠવાડિક ‘નેટિવ ઓપિનિયન’ શરૂ કર્યું હતું અને તેના તંત્રી મામા પરમાનંદને બનાવવામાં આવ્યા હતા. મામા પરમાનંદ અંગ્રેજી ભાષામાં એવી સચોટ શૈલીથી વિષયની રજૂઆર કરતા કે વાત હૈયાસોંસરી ઊતરી જતી હતી. મ્યુનિસિપલ કમિશનર ક્રોફોર્ડના ભ્રષ્ટાચાર સામે એમણે કલમ ચલાવી હતી. મુંબઇના ગવર્નર સર ફ્રિઅર પર લવાજમ ભરીને ‘નેટિવ ઓપિનિયન’ નિયમિત મંગાવતા હતા અને લંડન પણ એક નકલ મોકલતા
હતા.
વિદ્વાન સંશોધક ડૉ. ભાંડારકર, ન્યાયમૂર્તિ રાનડે, ન્યાયમૂર્તિ તેલંગ મામાના મિત્ર હતા; પરંતુ સાચા સમયે મામા સિદ્ધાંત ખાતર વિરોધ વ્યક્ત કરતાં જરાયે અચકાતા નહોતા. ડૉ. ભાંડારકરની પુત્રી યુવાનવયે વિધવા થઇ તો તેમણે ડૉ. ભાંડારકર સમક્ષ આગ્રહ ધરાવ્યો હતો કે પુત્રીનો પુન:વિવાહ કરવો જ જોઇએ.
જ્યારે ન્યાયમૂર્તિ તેલંગ એક મુગ્ધ વયની ક્ધયા સાથે મોટી વયે લગ્ન કરવા તૈયાર થયા તો અંગત પત્ર લખીને વિરોધ
વ્યક્ત કર્યો. ન્યાયમૂર્તિ તેલંગ માન્યા નહિ એટલે પ્રાર્થના
સમાજની ‘સુબોધ પત્રિકા’માં જાહેર ટીકા ન્યાયમૂર્તિ તેલંગની કરી હતી.
મામા પરમાનંદનું મરણ ઇ.સ. ૧૮૯૬ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે થયું હતું.