પહેલી જુલાઈ ગુજરાતી પત્રકારત્વ દિન તરીકે ઉજવાય એ મહેચ્છા: હેમરાજ શાહ (સમાજસેવા)
૮૪ વર્ષના હેમરાજ શાહની પ્રમુખ ઓળખ કચ્છી વેપારીની ખરી, પણ અનેક વર્ષોથી નિસ્વાર્થ ભાવથી સામાજિક કાર્યો કરી રહ્યા છે. પાકટ વયે યુવાનીના જોશ, ઉત્સાહ અને ખંત જાળવી રાખી સતત પ્રવૃત્તિમય રહેતા હેમરાજ શાહે એમની જીવન સફરમાં બિઝનેસની સાથે સાથે સાંસ્કૃતિક નાતો જાળવી રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. એ પ્રવૃત્તિઓની સંખ્યા જ મીઠી ઈર્ષ્યા કરવા પ્રેરે એવું એમનું વિશાળ ફલક છે.
મુંબઈ શહેરમાં સાત દાયકાની જીવનસફરમાં હેમરાજભાઈએ બિઝનેસમાં સફળતા મેળવવા ઉપરાંત સમાજને ઉપયોગી થાય એવી અનેક પ્રવૃત્તિઓ કરી છે. લેખન, અભિનય, પત્રકારત્વ જેવાક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે. ઘણી સિદ્ધિ મેળવી છે, પુષ્કળ રેકોર્ડ નોંધાવ્યા છે અને અનેક એવોર્ડ સુધ્ધાં મેળવ્યા છે. એમની સિદ્ધિના સોપાનમાં સૌથી શિરમોર એ છેલ્લાં ૪૫ વર્ષથી ‘કચ્છ શક્તિ’ દૈનિક પ્રકાશનનું તંત્રીપદ સંભાળી રહ્યા છે.
૨૦૦૭માં એમને મુંબઈ પોલીસ કમિશનર તરફથી ‘કોમી એકતા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. લાગલગાટ ૧૫ વર્ષ એમણે ‘મુંબઈ સમાચાર’માં કોલમ લખી હતી. ‘બ્રેમ્પ્ટન ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ કેનેડા’ તરફથી ૨૦૨૧માં ‘હ્યુમેનિટી એન્ડ સોશિયલ વર્ક’ માટે ઓનરરી ડોક્ટરેટ કોઝ (પીએચ. ડી.) ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેસ્ટ જર્નલિસ્ટ માટે ‘આશીર્વાદ એવોર્ડ ’(૨૦૦૧), ‘ગિરનાર એવોર્ડ’ (૨૦૦૭), ‘ગુણવંતા ગુજરાતી એવોર્ડ’ (૨૦૧૦), ‘સ્વચ્છ સેનાની એવોર્ડ’ (૨૦૨૦), ‘કોવિડ યોદ્ધા એવોર્ડ’ (૨૦૨૧), ‘વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ્સ’ તરફથી ‘રાષ્ટ્ર પ્રેરણા એવોર્ડ’ (૨૦૨૧), ‘ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન’ તરફથી ‘ભારતીય સમાજ રત્ન એવોર્ડ’ (૨૦૨૧), ‘મેજીક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ તરફથી ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’, ‘સ્ટાર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ તરફથી ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્લોબલ આઇકન લીડર એવોર્ડ’ (૨૦૨૩), ‘લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતીય એકતા સન્માન એવોર્ડ (૨૦૨૪) ઈત્યાદિ-ઈ સન્માન હેમરાજ શાહને મળ્યા છે.
Also read: ૬૪ વર્ષમાં ૨૧૦ ફૂલલેન્થ નાટક ને એ બધાં ભજવાયાં!: પ્રવીણ સોલંકી (નાટ્યલેખક)
આ બધા એવોર્ડની યાદીની ‘મુંબઈ સમાચાર’નો પ્રતિષ્ઠિત એવોર્ડ શોભા વધારશે એમાં બેમત નથી અને એનું પ્રમુખ કારણ હેમરાજ ભાઈની પત્રકારત્વમાં સક્રિયતા છે. ‘આટઆટલી પ્રવૃત્તિઓ કરી, અપાર સફળતાઓ મેળવી – એવોર્ડ મળ્યા, અનેક વિક્રમો નોંધાવ્યા પછી જીવનની સમી સાંજે કોઈ ઈચ્છા – કોઈ મહત્વાકાંક્ષા બાકી રહી છે?’ એવા સવાલનો જવાબ પળવારમાં આપી હેમરાજ ભાઈ કહે છે કે ‘હા, એક ઈચ્છા જરૂર છે કે ગુજરાતી પત્રકારત્વ દિનની ઉજવણી થાય.
મરાઠી પત્રકાર દિન દર વર્ષે ૬ઠ્ઠી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. મરાઠી ભાષાના આદ્ય પત્રકાર બાળશાસ્ત્રી જાંભેકરે ૬ઠ્ઠી જાન્યુઆરી, ૧૮૩૨ના દિવસે મરાઠી ભાષાના પ્રથમ વૃત્તપત્ર ‘દર્પણ’નું પ્રકાશન થયું હતું. હિન્દી પત્રકારિતા દિન દર વર્ષે ૩૦મી મેના દિવસે મનાવવામાં આવે છે. પંડિત જુગલ કિશોર શુક્લએ ૩૦મી મે, ૧૮૨૬ના દિવસે હિન્દી ભાષાના પ્રથમ સમાચાર પત્ર ‘ઉદંત માર્તન્ડ’ના પ્રકાશનનો પ્રારંભ કર્યો હતો.
એ જ રીતે, ‘મુંબઈ સમાચાર’નું પ્રકાશન તો સૌથી પહેલાં ૧લી જુલાઈ, ૧૮૨૨ના દિવસે થયું હતું ને આજે પણ અસ્તિત્વ ધરાવતું સૌથી જૂનું એવું આ વર્તમાનપત્ર કેવળ ગુજરાતીઓનું જ નહીં સમગ્ર દેશવાસીઓનું ગૌરવ છે. એ ૨૦૩ વર્ષથી પ્રજાનો ધબકાર ઝીલી પ્રગટ થઈ રહ્યું છે.
પહેલી જુલાઈએ, ‘મુંબઈ સમાચાર’ના સ્થાપના દિનએ ગુજરાતી પત્રકારત્વ દિન ઉજવાય એવી મારી અદમ્ય ઈચ્છા છે…. આ ઈચ્છા સાકાર કરવા માટે મેં ગુજરાત સરકારના મુખ્ય પ્રધાનને પત્ર લખી જણાવ્યું છે. વિશ્ર્વ ગુજરાતી ભાષા દિન (૨૪ ઓગસ્ટ, ગુજરાતી ભાષામાં પ્રખર યોગદાન આપનારા શ્રી નર્મદનો જન્મ દિન) ઉજવાય છે તો પત્રકારત્વ દિન કેમ નહીં? અને એ માટે પહેલી જુલાઈ યોગ્ય દિવસ છે.’
હેમરાજ શાહે નોટબુક-પાઠ્યપુસ્તક પ્રકાશનના વ્યવસાય ઉપરાંત બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓ કરી છે. ક્યાંક હાથ અજમાવ્યો છે તો ક્યાંક મોટા પાયે નિર્માણ પણ કર્યું છે. મહારાષ્ટ્રમાં અને એ પણ મુંબઈમાં ‘ગુજરાત ભવન’ની સ્થાપના તેમજ મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી’ શરૂ કરવામાં પોતે નિમિત્ત બની સિંહફાળો આપી શક્યા એ બદલ હેમરાજભાઈ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે.
અંધેરીમાં લિંક રોડ પર સાત માળની ઈમારત ‘ગુજરાત ભવન’ અદ્યતન સુવિધા પૂરી પાડે છે. બહારગામથી મુંબઈ આવતા ગુજરાતીઓ માટે આ એક એવું સરનામું બની ગયું છે, જ્યાં એને ઘરથી દૂર ઘરનો અનુભવ થાય છે.
મહારાષ્ટ્રમાં વસતા અને આ રાજ્યને પોતાની કર્મભૂમિ બનાવનાર ભાષા પ્રેમીઓ, સાહિત્ય પ્રેમીઓની પ્રવૃત્તિઓને ઉતેજન મળે, એક વ્યાસપીઠ મળે એ માટે ‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં હેમરાજભાઈ અગ્રણી રહ્યા છે. અકાદમી સાહિત્યિક કાર્યક્રમોના આયોજન ઉપરાંત નવોદિત લેખકોના પુસ્તક પ્રકાશન માટે સહાય આપી પ્રકાશિત કૃતિઓને પારિતોષિક પણ આપે છે. ૧૯૯૬થી ૨૦૧૪ સુધી હેમરાજ શાહ અકાદમીના અધ્યક્ષ રહ્યા હતા.
વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હેમરાજભાઈ ફિલ્મ અને નાટકની દુનિયામાં પણ લટાર મારી આવ્યા છે. ૧૯૬૦માં આવેલી ‘અપના ઘર’ ફિલ્મમાં અભિનેત્રી બેબી નંદા સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. ‘આરામ હૈ હરામ’ નામના ગીતમાં કિશોર વયના હેમરાજ શાહ અલપ- ઝલપ નજરે પડે છે.
જોકે, શૂટિંગ દરમિયાન બેબી નંદા સાથેની વાતચીત પછી ચિત્રપટ સૃષ્ટિ માટેના મોહ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. નાટક સાથે પણ નાતો જોડાયો. ‘શૈલેષ દવેનો આગ્રહ હતો કે હું નાટકમાં કામ કરું.’ હેમરાજ શાહ જણાવે છે, ‘૧૯૭૫ – ૭૬માં ’હે ઈશ્વર ભજીયા તળે’ નામના નાટકમાં રોલ કર્યો. જોકે આ દુનિયા પણ ફાવી નહીં અને મેં કાયમની એક્ઝિટ લઈ લીધી.’
આજે ૮૪ વર્ષની ઉંમરે સતત પ્રવૃત્તિમય રહેતા હેમરાજભાઈ નિવૃત્તિમાં નથી માનતા અને મનગમતું કામ કરતા રહેવાથી તન અને મન સ્વસ્થ રહે એવો જીવનમંત્ર ધરાવતા હેમરાજભાઈની ‘ગુજરાતી પત્રકારત્વ દિન’ની ઉજવણીના પ્રયાસને સફળતા મળે એવી શુભેચ્છા.