ઉત્સવ

જોરુ કા ગુલામ જેવો એક જીવ…

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

પુરૂષ ઘર સંભાળતો હોય ને પત્ની કમાતી હોય એ પુરૂષને સમાજ જોરુ કા ગુલામ ઠેરવી દે છે. અથવા પત્નીના પૈસે એશ કરનારો નકામો જાહેર કરી દેવામાં આવે છે. અંગ્રેજીમાં આવી વૃત્તિ માટે પેરેસાઈટ શબ્દ છે. પેરેસાઈટ એટલે કે પરોપજીવી. પરોપજીવી એ એવા જીવો માટે વપરાતો શબ્દ છે જે જીવો બીજા કોઈ જીવ પર આધારિત રહીને પોતાનું જીવન નિર્વાહ કરે. પેરેસાઈટ્સ માત્ર માણસ જ હોય એવું નથી, પરંતુ કુદરતે અનેક જીવો એવા ઘડ્યા છે જેઓ પોતાની જિંદગી બીજાના આશરે નિભાવે છે. અનેક ફૂલછોડ, જીવડા અને માછલીઓ એવી છે જે પેરેસાઈટ બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. અગાઉ મેં આ જ શ્રેણીમાં ઓર્કિડ નામના સુંદર ફૂલો ધરાવતા પેરેસાઈટ છોડ અંગે વાત કરી હતી. પરંતુ આજે આપણે સમુદ્રની ઊંડાઈમાં જીવતી એક એવી માછલીની વાત કરવી છે જે પેરેસાઈટ તો છે જ, પરંતુ સાચા અર્થમાં જોરૂ કા ગુલામ પણ છે. ના, આ નર માછલી દરિયાના તળિયે કચરાપોતા અને સંજવારી કાઢીને જમવાનું બનાવતી નથી, પરંતુ પોતાની નારી પર એટલી હદે નિર્ભર બની જાય છે કે પોનું સંપૂર્ણ અસ્તિત્વ ગુમાવી બેસે છે.

આ માછલીનું નામ છે એન્ગલર ફિશ. આ માછલી દરિયાના તળિયે વસનારી એક અનોખી જાત છે. દરિયાના તળિયે મતલબ કે મધ્યમ ઊંડા પાણીથી લઈને સુર્ય પ્રકાશ જ્યાં નથી પહોંચતો તેટલી સેંકડો ફૂટ સુધીની ઊંડાઈમાં પણ આ માછલી જીવે છે. એને જુઓ તો તમને કોઈ હોરર મૂવીનો રાક્ષસ યાદ આવી જાય.

દરિયામાં ડૂબકી મારી હોય અને અંધારામાં એકાએક જો આ માછલી દર્શન આપે તો બૂડબૂડિયા બોલી જાય બોસ. સમુદ્રજીવોના અભ્યાસીઓના કહેવાય મુજબ, એન્ગલર ફિશ આ પૃથ્વી પરના સૌથી વધુ કુરૂપ પ્રાણીઓમાંનું એક છે. એન્ગલર ફિશ ભાગ્યે જ કોઈ જીવ વસી શકે તેવા પર્યાવરણમાં જીવે છે. તો ચાલો આ મહા-કદરૂપી માછલી વિષે થોડું છીછરું તો થોડું ઊંડાણપૂર્વક જાણીએ…

એન્ગલર ફિશની ૨૦૦થી પણ વધુ જાતિઓ અને પ્રજાતિઓ છે. આ તમામ જાતિ-પ્રજાતિઓ એટલાન્ટિક અને એન્ટાર્કટિક મહાસાગરોના અંધારાઘોર ઊંડાણમાં એટલે કહોને કે દરિયાની સપાટીથી એક માઈલ મતલબ કે સવા ત્રણ કિલોમીટર જેટલી નીચે રહે છે!! જોકે થોડીક જાતિઓ એવી છે કે જેઓ ઉષ્ણકટિબંધ દરિયાના છીછરા પાણીમાં પણ વસે છે. સામાન્ય રીતે જોઈએ તો તેમનો રંગ ઘેરા રાખોડીથી લઈને ઘેરો બદામી જોવા મળે છે, તેમના શરીરની રચના જ સાવ અટપટી છે જે તેમને કદરૂપી બનાવે છે. તેમનું માથું મોટું અને મોંનો આકાર બીજના ચંદ્ર જેવો ઉપરની તરફ વળેલો હોય છે. હવે વાત આવે છે એની હોરર મોંકળાની. તેના શરીરના આકાર જેટલુ જ તેનું મો ખૂલી શકે છે અને તેના મોંમાં ધારદાર અર્ધપારદર્શક દાંત હોય છે. એવું લાગે કે જાણે નરકમાંથી કોઈ દૈત્ય ઉતરી આવ્યો છે. કેટલીક એન્ગલર ફિશ કદમાં ૩.૩ ફૂટ જેટલા કદની હોય છે પરંતુ મોટા ભાગની એન્ગલર ફિશનું કદ એક ફૂટ કરતા પણ ઓછું હોય છે.

મજાની વાત એ છે કે એન્ગલર ફિશની માદાનું કદ મોટું હોય છે અને નર તેની સામે ટચૂકડા દેખાય છે. હવે જોરુ કા ગુલામ જેવા નર એન્ગલર શિકાર તો કરતાં નથી. સામે પક્ષે માદાના શરીરમાં ઉપરના ભાગે પીઠમાં તેની કારોડરજ્જુની બનેલી એક જાલર હોય છે. આ જાલરમાંના તેના મોં તરફના છેલ્લા મણકામાંથી એક માછલી પકડવાના રોડ જેવું અંગ તેના મોં સુધી લંબાયેલું હોય છે અને તેના છેડે એક નાના બલ્બ જેવી રચના હોય છે.

આ બલ્બ જેવી રચના અને એ અંગ પર કરોડોની સંખ્યામાં અંધારામાં આપોઆપ ચમકે એવા બેક્ટેરિયા વસતા હોય છે. મજાની વાત એ છે કે આ બેક્ટેરિયાને ક્યારે ચમકવાનું છે તે આ માછલી કંટ્રોલ કરી શકે છે.

એન્ગલર ફિશ પોતાના મોં પર લટકતા આ આંગણે લબુકઝબૂક ચમકાવીને અંધારામાં પોતાના શિકારને લલચાવે છે. માદા એન્ગલર ફિશનું મોં એટલું ફ્લેક્સિબલ હોય છે કે આ માછલી પોતાના આકાર કરતાં પણ બમણા કદના જીવનો શિકાર કરીને ગળી જઈ શકે છે.

હવે શરૂ થાય છે નર એન્ગલર ફિશના જોરૂ કા ગુલામ હોવાની કહાની. એન્ગલર ફિશના નરનું કદ નાનું હોવાથી આમ જુઓ તો સંવનન કરવા અંધારા દરિયાના તળિયે તેને માદાની અને ખોરાકની શોધ સતત કરતા રહેવું પડે. તેથી તેણે એક નવો ઉપાય શોધી કાઢ્યો, નાનકડો નર તેને જે પહેલી માદા મળે તેના શરીરમાં પોતાના દાંત ખુંપાવીને તેની સાથે ચોંટી જાય છે, અને સમય જતાં માદાની લોહીની નળીઓ અને તેના અંગો સાથે ઓગળીને એકાકાર જ થઈ જાય છે! ઓ તેરી… હા… માદામાં ભળી જવાની પ્રક્રીયાના લીધી ધીમે ધીમે તેના પોતાના આંતરિક અંગો, આંખો વગેરે ક્ષીણ થઈને નાશ પામે છે અને નરના બચેલા શરીરમાં માદાનું જ લોહી ફર્યા કરે છે અને એક રીતે બંને એક બની જાય છે. આમ એ બંને એવા તો ગુથ્થમગુથ્થા થઈ જાય છે કે આપણને લાગે કે જાણે ઓ મેરે સાનમ ઓ મેરે સનમ… દો જિસ્મ મગર એક જાન હૈ હમ… ગીત સમુદ્રના પાણીમાં ગુંજી રહ્યું છે. આપણે તો બે શરીર અને એક આત્માના ગીતો લખીને પ્રેમને મહાન બનાવી છીએ, પરંતુ એ માત્ર ગીતમાં અને જાનવરોમાં જ સારું લાગે… વાસ્તવ જીવનમાં જોરુ કા ગુલામ બનવું બવ એટલે બવ જ દોહ્યલુ છે મિત્રો… એન્ગલારા ફિશની જેમ જાત ઓગાળવી પડે જાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button