જોહાત્સુ: ચલ કહીં દૂર નિકલ જાયેં…
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
જર્મનીના એન્ડ્રીસ હર્ટમેન અને જાપાનની અરાટા મોરિ નામના બે સ્વતંત્ર ફિલ્મ સર્જકોએ તાજેતરમાં એક અનોખી ડોક્યુમેન્ટરી બનાવી છે. તેનું નામ છે ‘જોહાત્સુ: ઈનટુ થિન એર.’. ‘જોહાત્સુ’ એક અનોખો જાપાની શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘વરાળ બનીને ઊડી જવું’. ફિલ્મના શીર્ષકનો અર્થ પણ એવો જ થાય છે ‘હવામાં ગાયબ થઇ જવું.’ એવું કહેવાય છે કે જાપાનમાં દર વર્ષે એક લાખ લોકો આવી રીતે ગાયબ થઇ જાય છે. વાસ્તવિક સંખ્યા એથી પણ વધારે હોવી જોઈએ, કારણ કે જોહાત્સુ શરમજનક બાબત છે અને ઘણાં પરિવારો પોલીસમાં જાણ કરવાનું ટાળે છે.આવી ઘટનાઓ માટે ‘જોહાત્સુ’ શબ્દ પ્રચલિત થયો હતો.
લોકો અલગ અલગ કારણોસર જોહાત્સુ કરે છે, જેમ કે ડિપ્રેશન, વ્યસન, જાતીય નપુંસકતા, એકલા રહેવાની ઈચ્છા, ઘરેલું ઝઘડા, દેવું, છૂટાછેડા અથવા બેરોજગારી. આ શબ્દ એવા લોકો માટે વપરાય છે જે કોઈ સગડ છોડ્યા વગર એમના વર્તમાન જીવનમાંથી અદૃશ્ય થઇ જાય.
૧૯૬૦ના દાયકામાં લોકો દુ:ખી લગ્નજીવનથી ત્રાસીને ઘર છોડી દેતા હતા તેના માટે આ શબ્દ વપરાતો હતો, પરંતુ ૮૦ના દાયકામાં જાપાન તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લોકો પાસે તનતોડ મહેનત કરાવતું હતું ત્યારે આર્થિક કે પારિવારિક તનાવોથી થાકી-કંટાળીને અમુક લોકો ઘરમાંથી અને કંપનીમાંથી અચનાક ગાયબ થઇ જવા લાગ્યા હતા અને એક નવી જ ઓળખ સાથે નવેસરથી જીવન શરૂ કરતા હતા.
૧૯૮૦ના દાયકા. જાપાન તેજ ગતિએ આગળ વધી રહ્યું હતું. નિષ્ણાતો એવું માનવા લાગ્યા હતા કે જો જાપાનની ગતિ આટલી ઝડપી હશે તો તે મહાસત્તા અમેરિકાને વટાવી જશે. જાપાનની સરકાર પણ આવી જ ઉતાવળમાં હતી. તેણે મોટા ટેકનોલોજિકલ માંધાતાઓ અને કોર્પોરેટ કંપનીઓ સાથે સહયોગ કર્યો હતો, કારણ કે દેશને ઝડપી ગતિએ પ્રગતિના માર્ગ પર લઇ જવો હતો. પરિણામે બજારમાં એવા લોકોની માગ વધવા લાગી હતી, જેઓ પોતાનું કામ કરવામાં કુશળ હોય. સરેરાશ નહીં, પરંતુ શ્રેષ્ઠ હોય. જાપાનના દરેક યુવાનો એકબીજાને પછાડવાની ગળાકાપ સ્પર્ધામાં હતા. એમાં ઘણા શ્રેષ્ઠ યુવાનોને સારી નોકરીઓ મળી હતી. ઓછા સક્ષમ અને સરેરાશ યુવાનો પાસે નાની નોકરીઓ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એ લોકો ડિપ્રેશનમાં જવા લાગ્યા, લોકોથી અલગ રહેવા લાગ્યા – સામાજિક અને માનસિક રીતે કટ ઓફ થઇ ગયા.
જાપાનમાં આવા લોકો માટે ‘હિકિકોમોરી’ શબ્દનો ઉપયોગ થાય છે -એક અસહાય વ્યક્તિ જે નિરાશાનું જીવન જીવે છે એ જાપાનમાં આવા લોકોની સંખ્યા હાલમાં ૧૫ મિલિયન છે. જોકે આ માત્ર સરકારી આંકડા છે, પરંતુ વાસ્તવમાં આ આંકડો ઘણો વધારે છે. આમાંના કેટલાય હિકિકોમોરી અદૃશ્ય થઈ જાય છે.
આપણે ત્યાં, ભારતીય સમાજમાં પણ, ઘર છોડીને જતા રહેવાની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ એવા લોકો કાં તો સાધુ-બાવા બની જાય છે અથવા ભિખારી બની જાય છે. જાપાનમાં અલગ છે. ત્યાં લોકો ઘર-પરિવાર, નોકરી, નામ અને દેખાવ સુધ્ધાં બદલી નાખીને નવી ઓળખ સાથે જીવન શરૂ કરે છે.
જાપાનમાં જોહાત્સુ કરવું સરળ છે, કારણ કે જાપાનીસ સમાજ ગોપનીયતા અને વ્યક્તિગત સ્વતંત્રતાનું બહુ સન્માન કરે છે અને એક વ્યક્તિ એની ઈચ્છા થાય ત્યારે જતી રહી શકે અને પાછી આવી શકે છે. ગાયબ થઇ ગયેલા લોકો આસાનીથી બેંકોમાં નાણાનો વ્યવહાર કરી શકે છે અને એમના પરિવારોને એમની માહિતી આપવામાં નથી આવતી. જાપાનમાં પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટનો અમલ બહુ કડકાઈથી થાય છે અને પોલીસ પણ ત્યારે જ દરમિયાનગીરી કરે, જયારે અપરાધ થયો હોય અથવા અકસ્માત થયો હોય. સ્વેચ્છાએ જતા રહેલા લોકોને પોલીસ શોધતી નથી.
પરિવાર સધ્ધર હોય તો વધુમાં વધુ ખાનગી ડિટેક્ટિવની મદદ લઇ શકે. ઈમિગ્રેશન અધિકારીઓ કે બેંક કોઈ પણ પરિસ્થતિમાં કોઈને પણ, ત્યાં સુધી કે પરિવારને પણ ગ્રાહકનો ડેટા આપતી નથી, એટલે ખાનગી ડિટેક્ટિવનું કામ પણ ઘણું સીમિત થઈ જાય છે.
૨૦૨૦માં ‘બીબીસી’ ના એક અહેવાલમાં, સુગીમોટો નામના ૪૨ વર્ષના એક માણસે કહ્યું હતું, ‘હું માણસોથી તંગ આવી ગયો હતો. એક નાનકડી સૂટકેસ ઉઠાવી અને ગાયબ થઇ ગયો. એક રીતે હું ભાગી છૂટ્યો હતો.’ એ એક નાનકડા ગામમાં રહેતો હતો અને ત્યાં એના અને પરિવારના જાણીતા ધંધાના કારણે બધા એને ઓળખતા હતા. સુગીમોટોને એ કામ કરવું નહોતું, પણ ‘લોકો શું કહેશે’ની શરમમાં તે પરિવારની લાજે કામ કરતો હતો. એમાં તે થાકી ગયો અને એક દિવસ કોઈને કહ્યા વગર કાયમ માટે ક્યાંક જતો રહ્યો.
જાપાનમાં એવી કંપનીઓ પણ છે, જે લોકોને ગાયબ થઇ જવામાં મદદ કરે છે. તેને ‘નાઈટ મૂવિંગ’ કહે છે- કોઈને ગંધ ન આવે તે રીતે રાતોરાત અદ્રશ્ય થઇ જવાનું હોય છે એટલે નાઈટ મૂવિંગ. કંપનીઓ લોકોને ખાવા-પીવા, રહેવાની, નવી ઓળખ ધારણ કરવામાં અને કામધંધો આપવામાં મદદ કરે છે. તે સરકારમાં પત્રવ્યવહાર કરીને ગાયબ થનારી વ્યક્તિની ઓળખ છુપી રાખવાનું કામ પણ કરતી હોય છે.
જાપાની સમાજને ‘સેકેન્ટી’ કહે છે; જે સામાજિક ઓળખને બહુ મહત્ત્વ આપે છે અને જ્યાં લોકો તમને કેવી રીતે જુએ છે તે ગર્વની વાત હોય છે. લોકો પર સામાજિક શરમનો બહુ ભાર હોય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ કામધંધામાં નિષ્ફળ જાય અને પરિવારનું લાલનપાલન કરી ન શકે, તો તે સમાજમાં તે બહુ શરમની બાબત ગણાય. લોકો આવી શરમથી બચવા જોહાત્સુ કરતા હોય છે. જાપાનમાં માણસો વચ્ચેના સંબંધો ફરજ અને દાયિત્વથી બહુ પ્રભાવિત થાય છે. ફરજપરસ્ત સંબંધોમાં એક વ્યક્તિની પોતાની શું ઈચ્છાઓ છે, એના શું વિચારો છે અને એને કેવું મહેસૂસ થાય છે તેનું મહત્ત્વ ઓછું હોય છે અને બીજા લોકો શું ઈચ્છે છે અને એમને કેવું લાગે છે તેનું મહત્ત્વ વધુ હોય છે.
જાપાની સમાજમાં શરમ બહુ મોટી વસ્તુ છે. સમાજની અપેક્ષા પ્રમાણે વ્યક્તિ જો ન જીવે તો તે શરમથી એટલી લદાઈ જાય છે કે આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પર અપરાધનો આરોપ હોય અને કોર્ટ એને નિર્દોષ જાહેર કરે તો પણ સમાજ તો એને કલંકિત જ માનતી રહે છે. તેના માટે જાપાનમાં એક કહેવત પણ છે : ‘બહાર નીકળેલા નખને દાબી દેવો જોઈએ.’ અર્થાત, સૌએ સામાજિક અપેક્ષાઓ મુજબ જીવવાનું. લોકોને જયારે લાગે કે તે સમાજની આવી નિર્મમ અપેક્ષાઓ પર પાર ઊતરી શકતા નથી ત્યારે એ જોહાત્સુ કરતા હોય છે.
એવું નથી કે લોકો એકલા જ ગાયબ થઇ જાય છે. ઇચિરો નામનો માર્શલ આર્ટ માસ્ટર અને પત્ની ટોમોકો ટોકિયો નજીક સાઈતમા નામના સમૃદ્ધ ટાઉનમાં રહેતાં હતાં. બંનેને ટિમ નામનો એક છોકરો થયો હતો. એમના નામે એક ઘર હતું અને લોન લઈને રેસ્ટોરન્ટ ખોલી હતી. અચનાક બજારમાં મંદી આવી, અને પતિ-પત્ની દેવાં નીચે આવી ગયાં. એમણે હવાતિયાં માર્યા પણ મેળ ન પડ્યો અને એક દિવસ ઘર-રેસ્ટોરન્ટ વેચીને, સામાન પેક કરીને બાળક સાથે ગાયબ થઇ ગયાં કાયમ માટે.