જો ભી હૈ બસ યહી એક પલ હૈ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
મેં એક જોક પરથી એક વાર્તા લખી હતી એ વાચકો સાથે શેર કરવી છે. જૂના જમાનામાં એક ગામથી બીજે ગામ જવું હોય તો માણસોએ પગપાળા જ પ્રવાસ કરવો પડતો હતો. શ્રીમંતો ઘોડા પર સવાર થઈને મુસાફરી કરતા હતા, પણ મોટા ભાગના માણસો તો પગપાળા જ પ્રવાસ કરતા. ઘણી વાર લાંબી મુસાફરી હોય તો દિવસો સુધી પગપાળા પ્રવાસ કરવો પડતો હતો અને રાત પડે ત્યારે કોઈ ધર્મશાળા કે મંદિરમાં આશ્રય લેવો પડતો આવી જ રીતે એક માણસ લાંબી મુસાફરીએ નીકળ્યો. એની પાસે કેટલીક સોનામહોરો હતી એ પોતાની સાથે લઈ લીધી. એની આગળપાછળ કોઈ નહોતું અને તે ઘણા લાંબા સમય સુધી પ્રવાસ કરવાનો હતો એટલે પાછળથી એ સોનામહોરો ચોરાઈ ન જાય એ માટે તેણે એ સોનામહોર પોતાની સાથે જ લઈ રાખી હતી. પોતાની સાથે સોનામહોર હોવાથી સૂર્યાસ્ત પહેલા જ કોઈ પણ ગામમાં એ પહોંચી જતો અને સલામત સ્થાને આશ્રય લઈ લેતો . સૂર્યાસ્ત પછી મુસાફરી કરવાનું એ ટાળતો , પણ એક દિવસ જંગલમાંથી પસાર થતી વખતે ભૂલો પડી ગયો અને તે કોઈ ગામ સુધી પહોંચે એ પહેલાં જ અંધારું થઈ ગયું. એ માણસના કમનસીબે એને કેટલાક લૂંટારાઓ ભટકાઈ ગયા. એમણે પેલા માણસને કહ્યું: ‘તારી પાસે જે હોય તે બધું આપી દે, નહીંતર અમે તને મારી નાખીશું.’ પેલાએ ગજવામાંથી થોડું ચલણી નાણું કાઢીને લૂંટારાઓના હાથમાં આપી દીધું, પણ લૂંટારાઓ હોશિયાર હતા.એ કહે : ‘તું કપડાની પોટલી સાથે લઈને નીકળ્યો છે એટલે માત્ર આટલું નાણું જ તારી પાસે ન હોઈ શકે ’ લૂંટારાઓએ તલાશી લીધી. એમને કપડાની પોટલીમાંથી સોનામહોરો મળી આવી. એ સાથે જ તે માણસ કૂદકો મારીને પોટલી પર સૂઈ ગયો. લૂંટારાઓએ કહ્યું: ‘દૂર હટી જા નહીં તો અમે તને મારી નાખીશું.’ પેલાએ કહ્યું કે ‘મને મારી નાખવો હોય તો મારી નાખો, પણ આ સોનામહોરો હું તમને નહીં આપું. આ સોનામહોરો તો મારી મરણમૂડી છે!’ આવું વિચારનારાઓ પર ચોક્કસ હસવું આવે, પણ મોટાભાગના માણસો જીવનમાં આવું જ કરતા હોય છે. મારા એક પરિચિત સતત કામમાં વ્યસ્ત રહેતા હતા. અનિયમિત જિંદગીને કારણે શરીરમાં અનેક તકલીફો ઊભી થઈ હતી.કુટુંબીજનોને એમની ચિંતા થતી રહેતી હતી એટલે એને સમજાવવાની કોશિશ કરતા રહેતા હતા કે તમે થોડું ઓછું કામ કરો અને તબિયત સાચવો. મિત્રો પણ ટકોર કરતા હતા. જો કે તે પરિચિત એક જ જવાબ આપતા કે એક વાર મારું અને મારી પત્નીનું તથા મારા છોકરાઓનું ભવિષ્ય સલામત કરી લઉં પછી નિવૃત્ત જ થઈ જઈશ.
આમ શરીરની મર્યાદાને અવગણીને દિવસના પંદર-સોળ કલાક કામ કરવાનું ચાલુ રાખ્યું. છેવટે શરીર જવાબ આપી ગયું અને નાની ઉંમરે એમને હાર્ટ અટેક આવી ગયો! પૈસા બચાવવાની લાહ્યમાં એમણે મેડિક્લેમ પણ નહોતો લીધો એટલે લાખો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો. એ પછી એમને અફસોસ થયો કે મારે પૈસા કમાવાને બદલે શરીર સાચવવું જોઈતું હતું! આવા ઘણા માણસો તમે પણ જોયા હશે. મોટા ભાગના માણસો એટલા માટે પૈસા કમાવા ઉધામા કરતા હોય છે કે પાછળની જિંદગી સુખેથી પસાર થાય. પૈસા કમાવાની હાયવોયમાં એ પોતાની જાતને પણ ભૂલી જાય છે. શરીર ચેતવણી આપતું હોય છે, પણ એ પોતાની જાત માટે સમય કાઢતા નથી. મોટી ઉંમરે પૂરતો સમય મળી રહેશે એવી ગણતરી સાથે ઘણા માણસો જીવનભર ઘાંચીના બળદની જેમ દોડતા રહે છે અને પૈસા કમાવાની અને ભવિષ્યને સલામત બનાવવાની લાહ્યમાં એ વર્તમાનની ઘોર ખોદી નાખે છે. માણસે જરૂર પૂરતા પૈસા કમાવા જ જોઈએ, પણ સાથેસાથે વર્તમાનમાં જીવવાનું શીખી લેવું જોઈએ. ‘વક્ત’ ફિલ્મનું એક ગીત છે: આગે ભી જાને ના તૂ, પીછે ભી જાને ના તૂ, જો ભી હૈ બસ યહી એક પલ હૈ… એ ગીતને જીવનમંત્ર સમું ગણવું જોઈએ અને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દેવું જોઈએ.