ઉત્સવ

જય અનુમાનની ખોટી ગાગર

આજે આટલું જ -શોભિત દેસાઈ

ધર્મપુસ્તકના સોગંદ ઉપર ટેક નહોતી લીધી ગયા રવિવારે, એટલે આજ પૂરતી રજા પાળું છું એ ટેકમાંથી. તો મુખ્ય અને મૂળ વાત, મુદ્દો, બિના… તમે જે કહો એ, એ છે કે આ બની બેઠેલી, માથે ચઢેલી, વગર ફોકટની ફૂલેલી- ફાલેલી, કેટલીક સદાયની વિફરેલી વાહિયાત-પુનરાવર્તનિક-સમયનાં સંપૂર્ણ વ્યય જેવી ટીવી ન્યૂઝ ચેનલો કેટલી બોદી-પોલી-તકલાદી છે એનો ખ્યાલ ફરી એકવાર ભારતને-હિન્દુસ્તાનને ઇન્ડિયાને-આર્યાવર્તને (બચેલા) આવી ગયો. યા…ર એકેય ચેનલનો અડસટ્ટો સાચો ના પડયો. આવી પાયાવિહિન, ધરોહર વગરની, વાહિયાત પ્રવૃતિને આપણામાંના ઘણા કેટલો બધો વખત ઘરમાં ગોંધી રાખે છે રોજ, એ બધાએ વિચારવા જેવું છે અને સમયના પૂરા બગાડથી બચવા જેવું છે.

આ બધા કરતા તો તમારો સેવક, સંપૂર્ણ અજ્ઞાની રાજકારણ કે એના પ્રવાહોથી અને સાવ ‘નિર્દોષ’ શોભિત દેસાઇ સાચો પડયો. એટલે આમ તો એ ય ખોટો પડયો, પણ આ બધા કરતાં તો હકીકતની ઘણો નજીક. મારી વાત રાજકારણની અને એય આટલા મોટો સ્તરની મારા નામ પર તો લગભગ કોઇ ના માને, એટલે એક મોટા આઇ.બી.ના ઓફિસર સાથેની કપોળકલ્પિત મીટિંગના નામે, મારા લગભગ ૨૫-૩૦ મિત્રો-સમુદાયમાં વાત વહેતી કરી હતી કે બીજેપી ૨૬૦થી ૨૬૫ અને અન્ય એનડીએ ઘટકો ૫૦થી ૫૫ એમ કુલ ૩૧૦-૩૧૫ આસપાસ સરકાર રચાશે. બીજેપીમાં ૨૦-૨૫નો ઘટાડો થયો. અને છતાંય બધી ન્યૂઝ ચેનલ કરતાં અનેક ગણો સાચો પૂરવાર થયો…. કોણ? ગુજરાતી ભાષાનો એક શાયર. ગઝલ આવી અંતરસૂઝની કારીગરી કરે છે ભીતરે… જય ગઝલ.

હવે બીજેપીનાં કેટલાક self goals ની વાત. Self Goal એટલે આપણા જ ગોલપોસ્ટમાં આપણા દ્વારા જ ફટકારાતો ગોલ. સૌથી પહેલો self Goal: અબ કી બાર ચારસો પાર એ સૂત્ર ભારતની પ્રજા માટે આળસ ખંખેરવા પૂરતું નકામું. લોકો એમ જ સમજી બેસે કે ચારસો આવી ગયાં છે. આપણે વોટ આપવા નહીં જઇએ તો ચાલશે જ. પરિણામ અને વોટિંગ પરસન્ટેજ આપણી સામે જ છે. એક શબ્દ ઉમેરવાનો હતો. અબ કી બાર ચારસો પાર… કરવાયેંગે ના? કોઇ દિવસ જનતા નામના જનાર્દનને taken for granted લેવાય જ નહીં. જનતા એટલે હથેળી ઉપરનો પારો. સરકી જ જાય. અને એમાંય ભારતની જનતા! અને એમાંય Election dayનોpublic holiday ભોગવતી જનતા! ચાલો જવા દો…. ગાળાગાળી પર નથી ઉતરવું એક ચોક્કસ સમુદાય માટે.

લગભગ ૨૦૧૩થી જોઇ રહ્યો છું. અચાનક, સોરી અચાનક નહીં પણ ક્રમશ: એક પછી એક ટીવી ચેનલો, કેટલીક વિસંવાદી પણ, ધીમે ધીમે એક ચોક્કસ પ્રવાહ તરફી થવા માંડી. ચોથી જાગીરના નામે જેની અક્ષત ઓળખાણ એ બધીય એક જ જાગીરને સમર્પિત બનવા માંડી. હવે એમાં ટીવી એન્કરોના કરોડોના Pay Package કરાયા / સુરક્ષિત થયા / વધ્યાનું કારણ હોય કે પ્રવાહતરફી જાહેરાતોમાં વધારો થયો હોય – જે હોય હોય તે પણ આને લઇને વરવી તારીફબાજી, નરી અને ખોટી /ખરી પ્રશસ્તિ શરૂ થઇ અને સતત ૨૦૨૪ સુધી ચાલી. એટલે એનો અર્થ એ કે કશેક ચુકાયું તો સાચો અવાજ ક્યાંયથી સાંભળવા જ ન મળે. જરા વિચાર તો કરો કે તમે જાણે હબસીઓના પ્રાંતમાં અરીસો બનીને ઊભા હો તો દરેક માણસ તમારો દુશ્મન જ બને ને! સંપૂર્ણ, સુંદર, સુદૃઢ લોકશાહી માટે આવા દુશ્મનો જોઇએ, જોઇએ અને જોઇએ જ. કોઇની પણ સાથે ચર્ચા કર્યા વગરના માત્ર વખાણીયાઓને જ જણાવ્યા બાદ લેવાયેલા ઇમરજન્સી અને blue star ના નિર્ણય / પગલાંને લીધે સત્તા અને જાન ગયાં… જાણો છો ને તમે? જે પણ ન જાણતું હોય એ આજથી રોજ ૧૦૮ વખત કબીરનો આ દોહો બોલે….

નિંદક નિયરે રાખીએ, આંગન કુટી છવાય
બિન પાની, સાબુન બિના, નિર્મલ કરે સુહાય
સાબુ અને પાણી વગર પણ તમને ચોખ્ખા ચણક (મારી માનો શબ્દ) કરે એવું ‘દૈવત’ તો તમારા નિંદક સિવાય બીજા કોનામાં મળવાનું!

વાત આગળ વધારું તો… પણ હવે શું આગળ વધારું? આપણા સૌના (મારા પણ) આરાધ્ય મહાનાયક અત્યારે ‘મરીઝ’નાં શેરનું મૂર્તિમંત સ્વરૂપ બની રહ્યાં છે.

ઓછી સીટોનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે
હા ભાઇ હા… છૂટ લીધી છે, પણ છંદ જાળવ્યો છે એ તો જો!

અને મહાનાયક એટલે બન્યા છે એ કે ટકોરામાં ઘણું બધું વિદિત થઇ જાય છે એમને. આપણે સૌ આપણી દુઆઓની શક્તિ એમનામાં ભરીએ.

કાલ પરમ દિવસે જ મહાનાયક મોદી તમારી સામે આવીને પાંચ સો તેંતાલીસે પાંચ સો તેંતાલીસ seats પોતાનાં ગજવામાં મૂકી દેશે… જોજો… ફકત આટલું કહીને…

કરું છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું
જીતું તો મેળવું તમને જો હારું તો તમારો હું…

આજે આટલું જ…

તા. ક. ન્યૂઝ ચેનલોનો ઉપયોગ ઓછો કરવાનું આજથી જ શરૂ કરી દેશો. તમારા સ્વાસ્થ્ય માટે તો ખાસ….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…