મોર્નિંગ મ્યૂસિંગ: લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર કચરો જામી ગયો છે, એટલે…

-રાજ ગોસ્વામી
દિગ્ગજ ગીતકાર-લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં લગ્ન અને અભિનેત્રી શબાના આઝમી સાથેના એમના સંબંધો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, જાવેદે લગ્નની સામાજિક રચના કરતાં પરસ્પર આદર અને બંધનની પ્રવાહિતા પર ભાર મૂકતાં સૂચક રીતે કહ્યું કે, ‘વાસ્તવમાં, અમે પતિ-પત્ની કરતાં મિત્રો વધુ છીએ.’
જાણીતી પત્રકાર બરખા દત્ત સાથે વાતચીત કરતાં એમણે કહ્યું કે, ‘શાદી-વાદી તો બેકાર કામ હૈ. આ એક સદીઓ જૂની પરંપરા છે. લગ્ન એક એવો પથ્થર છે જે સદીઓથી પર્વતો પરથી નીચે ગબડી રહ્યો છે અને જેમ જેમ તે નીચે આવે છે તેમ તેમ તેના પર ઘણો શેવાળ, કચરો અને ગંદકી જામી ગઈ છે. બે વ્યક્તિ, એકબીજાની સાથે કેવી રીતે સુખી રહી શકે? એકસાથે રહેવા માટે સૌ પ્રથમ, પરસ્પર આદર, પરસ્પરના લિહાજ અને એકબીજાને મોકળાશ આપવી સૌથી મહત્ત્વપૂર્ણ છે.’
જાવેદે કહ્યું કે આપણે એ સમજવું જરૂરી છે કે દરેક માણસ, ચાહે એ જીવનસાથી હોય, પણ એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. એનું પોતાનું અંગત જીવન છે, એની વિચારસરણી તમારાથી અલગ હોઈ શકે છે. એનાં અમુક સપનાં હોઈ શકે છે. લગ્ન કોઈ રોકેટ સાયન્સ નથી. જો તમે ખુશ છો તો લગ્ન સરળ છે. લગ્ન માત્ર એક પરંપરા છે.
જાવેદ અખ્તરે એમની વાતોમાં સુખી અને સફળ લગ્ન વિશે ત્રણ મહત્ત્વના વિચાર આપ્યા છે.
(૧) પતિ-પત્ની વચ્ચે મિત્રતાનો ભાવ હોવો જોઈએ
(૨) લગ્નની વ્યવસ્થામાં ઘણો કચરો ભરાઈ ગયો છે
(૩) પતિ-પત્ની પણ આખરે એક સ્વતંત્રત વ્યક્તિ છે. આ ત્રણે વિચારને ગહેરાઈમાંથી સમજવા જેવા છે.
‘મહાભારત’ના અરણ્ય પર્વમાં, પાંડવોના જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિરને, યક્ષ (વન આત્મા) એક પ્રશ્ર્ન છે: ‘કિમસ્વિન મિત્રંગૃહેસ્થા?’ (ઘરમાં મિત્ર કોણ છે?)
યુધિષ્ઠિર જવાબમાં કહે છે: ‘ભાર્યા મિત્રં ગૃહેસ્થા’ (ઘરમાં પત્ની મિત્ર છે).
લગ્નની વ્યવસ્થા સદીઓ જૂની છે, અને તે વખતે પણ તેમાં આપસી ટકરાવ અને અડચણો આવતી હતી. તે વખતના ડાહ્યા લોકોએ લગ્નો ટકી રહે અને સુખી સાબિત થાય તે માટે એમના અનુભવોના આધારે અમુક નિર્દેશ ઘડ્યા હતા.
એમાંનો એક નોંધપાત્ર નિર્દેશ એ હતો કે પતિ-પત્નીએ એકબીજાના મિત્ર બનીને રહેવું જોઈએ.
સપ્તપદીમાં એટલા માટે જ મંત્ર છે: ‘સખા-સપ્તપદી ભવ, સખ્યમ તે ગમેયમ, સખ્યમ તે મયોશાહ, સખ્યમ તે મયોસ્તહ.’….. અર્થાત્ આ સાત પગલાં ભરીને તું મારો મિત્ર બન્યો છે/બની છે. હું તારી મિત્રતાને લાયક ઠરું તેવી આશા. મારી મિત્રતા મને તારામાં એકાકાર કરે. તારી મિત્રતા તને મારામાં એકાકાર કરે.’
-એટલે, જો કોઈ એમ કહેતું હોય કે લગ્નમાં મિત્રતાની ધારણા આધુનિક છે અથવા પશ્ર્ચિમનું ફિતુર છે, તો એ લોકો ગલત છે. હિંદુ સંસ્કૃતિ પર ઊંડું લેખન કરનારા લેખક એ. વી. શ્રીનિવાસન એમના પુસ્તક ‘ધ વેદિક વેડિંગ બૂક’માં લખે છે કે સફળ લગ્ન માટે મિત્રતા જરૂરી છે તેવો વિચાર ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે.
‘યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન’ના પ્રોફેસર અને ‘ધ સેવન પ્રિન્સિપલ્સ ફોર મેકિંગ મેરેજ વર્ક’ના લેખક જ્હોન ગોટમેન, કહે છે કે, ‘સુખી લગ્ન ગાઢ મિત્રતા પર આધારિત હોય છે’ ગોટમેનનું સંશોધન દર્શાવે છે કે લગ્નમાં મિત્રતા રોમેન્ટિક અને શારીરિક સંતોષ માટે મહત્વપૂર્ણ છે.
આ જ રીતે જૂન ૧૯૮૮માં, ‘રિડર્સ ડાયજેસ્ટે’ બે મનોવૈજ્ઞાનિકનો ‘સરપ્રાઇઝિંગ કી ટુ ધ હેપ્પીએસ્ટ કપલ્સ’ નામનો એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘રોમાન્સમાં પ્રેમની વાત તો હોય છે, પરંતુ તેની અસલી કસોટી મિત્રતા છે.’
જાવેદનો બીજો મુદ્દો લગ્ન વ્યવસ્થાની કમજોરીઓ અંગે છે. ૨૦૨૦માં, એક સર્વેમાં ખબર પડી હતી કે ભારતની મિલેનિયલ (૧૯૮૧ અને ૧૯૯૬ વચ્ચે જન્મેલી) પેઢીના ૧૯ ટકા લોકોને બાળકો કે લગ્નમાં રસ નથી. અન્ય ૮ ટકા લોકોને બાળકો જોઈતાં હતાં, પરંતુ એમને લગ્નમાં રસ નહોતો. પોસ્ટ મિલેનિયલ્સ (૧૯૯૬ પછીના) પેઢીના ૨૩ ટકા લોકોને બાળકો અથવા લગ્નમાં રસ નહોતો. આ વલણોમાં સ્ત્રી-પુરુષો સરખાં ભાગીદાર હતાં.
આ પણ વાંચો : ‘એનિમલ’: ફરીથી જાવેદ અખ્તરનું નવું જ્ઞાન
નવી પેઢીના લોકોમાં લગ્ન પ્રાથમિકતા નથી તેનાં બીજાં અનેક કારણ છે, પણ એક કારણ એ છે કે એમને પરંપરાગત લગ્ન વ્યવસ્થામાં વિશ્ર્વાસ નથી રહ્યો. થોડા સમય પહેલાં, કેરળ હાઈકોર્ટે નોંધ્યું હતું કે નવી પેઢી લગ્નને ‘દુષ્ટ’ ગણે છે અને લિવ-ઇન સંબંધો વધી રહ્યા છે. ભણેલા-ગણેલા, આધુનિક સમાજનો એક વર્ગ લવ-ઇન રિલેશન જેવી વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રયોગ કરે છે. એક વર્ગ એવોય છે જે લગ્ન વ્યવસ્થાનો વિરોધી છે.
૨૦૦૯માં એક્ટર કમલા હસનને ‘વોક ધ ટોક’ ટીવી કાર્યક્રમમાં વિવાહ વ્યવસ્થા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું હતું કે આ પરંપરા ‘સડી’ ગઈ છે. એની સમકાલીન એક્ટ્રેસ ખુશ્બુ લિવ-ઇન રિલેશનશિપને લઇને છેક સુપ્રીમ કોર્ટ સુધી ભરાઈ પડી હતી. ૨૦૦૫માં ખુશ્બુએ વિવાહ પૂર્વે સેક્સને યોગ્ય ગણાવ્યો હતો અને તમિલનાડુમાં એની સામે ૨૨ કોર્ટ કેસ થયા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો ત્યારે ‘ડાહ્યા’ જજોએ મહત્ત્વનો ચુકાદો આપીને કહ્યું હતું કે, ‘લગ્ન વગર સાથે રહેવું કે લગ્ન પહેલાં સેક્સ સંબંધ બાંધવો એ ગુનો નથી.’
કમલા અને ખુશ્બુ જેવા ઘણા લોકો છે જે પારંપારિક વિવાહ વ્યવસ્થામાંથી શ્રદ્ધા ગુમાવી બેઠા છે. એક કારણ એ કે પ્રેમ કે સેક્સ માત્ર વિવાહમાં જ સંભવ છે એ હકીકત બદલાઇ ચૂકી છે.
બીજું કારણ એ કે વિવાહલાયક સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા વધી છે એટલે ગરીબ ‘ગાય’ બનીને વિવાહમાં જોડાવાની એમની મજબૂરી ઘટી ગઈ છે અને ત્રીજું કારણ: ‘ના ફાવે તો એકલા રહી શકાય છે’ એવી માન્યતા દિવાસ્વપ્ન નહીં, હકીકત બની રહી છે. આ ત્રણ કારણસર ભારતીય વિવાહ વ્યવસ્થામાં જબ્બર બદલાવ આવ્યો છે.
આ અને અન્ય કારણોથી જ, જાવેદ કહે છે તેમ, પતિ-પત્નીએ એમનાં એ લેબલોની પાર જઈને એકબીજાને સ્વતંત્ર વ્યક્તિ ગણવાં જોઈએ. લગ્નમાં માલિકી ભોગવવાને બદલે મિત્રતા હોવી જોઈએ એવું આધુનિક કાઉન્સિલરો પણ શિખવાડે છે. જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ, પાળતું પ્રાણી કે ફૂલ-ઝાડના પ્લાન્ટ નથી કે એના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે, કારણ કે ઇન્ટિમસીની ફિલિંગ ઈગો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે અને ઈગોમાંથી અસમાનતા અને માલિકી આવે છે.
બીજું, રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે. ‘મારા સિવાય તારું કોઈ નહીં’ તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે. આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો ૯૯ ટકા લગ્નો ખતમ થઈ જાય.