ઉત્સવ

જયશંકર ‘સુંદરી’એ આશીર્વાદ આપ્યા

મહેશ્ર્વરી

‘દેશી નાટક સમાજ તને મુંબઈ બોલાવે છે’.માસ્ટર રમણના વાક્યના દરેક શબ્દનો દરેક અક્ષર મારા કાનમાં રૂપાની ઘંટડી વગાડી રહ્યો હતો. આ વિશિષ્ટ આમંત્રણ, આ અનોખી તક મળવાથી હૈયામાં આનંદ ઉભરાય એ સ્વાભાવિક હતું, પણ હું નહોતી ચોંકી ગઈ કે નહોતો મને અચંબો થયો. વિનમ્રતા સાથે કહું છું કે મહેશ્ર્વરી નામની નટી નાનકડી નાટક કંપનીમાં છે, પણ કામ બહુ સારું કરે છે એ વાત ઘણી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. મારી ખંત અને મહેનતની સાથે રંગદેવતાના આશીર્વાદનો આ સરવાળો હતો. કારકિર્દીમાં એક એક પગથિયાં ચડી આગળ વધ્યા પછી કોઈ ઘડીએ કેટલાંક પગથિયાં સામટા ચડી જવાની ઈચ્છા, હિંમત અને કાબેલિયત આવી જતા હોય છે. અહીં તો ઈચ્છા સાથે ઈજન પણ હતું. મારા દિલ તરફથી આદેશ મળ્યો કે ‘બાંધ બિસ્તરા – પોટલા અને વહેલી તકે પહોંચી જા મુંબઈ’, પણ તરત દિમાગે આદેશ આપ્યો કે ‘ખમી જા. ઉતાવળ નહીં કર.’ હું સમજી ગઈ અને મેં માસ્ટર રમણને કહ્યું કે ‘હમણાં તો હું નહીં આવી શકું, કારણ કે હજી સિઝન પૂરી નથી થઈ અને હું પ્રેગ્નન્ટ છું. આ અવસ્થામાં નહીં નીકળી શકાય.’ માસ્ટર રમણને મારો ખુલાસો ગળે ઊતરી ગયો અને મને કહ્યું કે ‘એક કામ કર. કાલે બપોરે નડિયાદમાં અમારો શો છે, તું જોવા તો આવ.’ નાટક જોવા આવવાના એમના આમંત્રણનો સ્વીકાર કરી હું નડિયાદ ગઈ અને ત્યાં દેશી નાટકનું અજરાઅમર નાટક ‘પૈસો બોલે છે’ જોયું. નાટક જોવાનો લ્હાવો તો મળ્યો, સાથે સાથે નાટકનાં અવ્વ્લ દરજ્જાના અભિનેત્રી રૂપ કમલ બહેનને સ્ટેજ પર કામ કરતા જોવાની તક મળી. એમની એન્ટ્રી, એમનો ઠસ્સો, એમનો અભિનય હૈયે કોતરાઈ ગયા. નાટક પૂરું થયા પછી રમણભાઈએ મને કહ્યું કે ‘તારે ઈન્ટરવ્યૂ આપવા માટે મુંબઈ આવવું પડશે.’ એક મોટો દરવાજો ખોલી માસ્ટર રમણ તો પાછા નડિયાદ દેશી નાટક સમાજમાં જતા રહ્યા. અહીં હું હતી ખેડામાં, પણ મારી આંખો સામે મુંબઈ તરવરી રહ્યું હતું. સિંગલ રૂમમાં રહેતી વ્યક્તિ પાઇ પૈસો જોડી ચાર માળના બિલ્ડિંગમાં વન બીએચકે ફ્લેટમાં રહેવા ગયા પછી અચાનક તેને કોઈ સ્કાયસ્ક્રેપરમાં બારમા માળે ફ્લેટ મળે ત્યારે જે લાગણી થાય એ જ લાગણી હું અનુભવી રહી હતી. ગણેશોત્સવનાં નાટકોથી શરૂઆત કરી ગુજરાતની નાની નાની નાટક કંપનીઓમાં કીર્તિ મેળવ્યા પછી હવે એક છલાંગ લગાવી દેશી નાટક સાથે જોડાવા મને આમંત્રણ મળ્યું હતું. રમેશ મિસ્ત્રીની કંપનીનાં નાટકો કરતા કરતા ખ્યાલ આવ્યો કે વરસાદની મોસમ શરૂ થવાને ઝાઝી વાર નહોતી, પબ્લિક પણ ઓછું આવતું હતું અને મિસ્ત્રીની કંપની સંકેલી લેવાની તૈયારી શરૂ થઈ ગઈ. ત્યાં સુધીમાં મારી પ્રેગ્નન્સીના સાત મહિના પણ થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં શું કરવું એ હું અને માસ્તર વિચારતા હતા ત્યાં મૂળ ગોંડલના પણ ઊંઝામાં નાટક કંપની ચલાવતા પતિ – પત્ની મનસુખ ઉસ્તાદ અને પારુલ બહેને મારો સંપર્ક કર્યો. તેમને મારી અવસ્થાની જાણ હતી. પારુલ બહેન માયાળુ સ્વરમાં એટલું જ બોલ્યા કે ‘મહેશ્ર્વરી બહેન, જરાય મૂંઝાતા નહીં. હજી વરસાદ નથી શરૂ થયો. અમારી કંપની હજી ચાલે છે તો તમે આવો. તમારાથી થઈ શકે એવા નાના રોલ કરજો અને હા, તમારી ડિલિવરી અમારે ત્યાં જ થશે.’ મનને નિરાંત થઈ ગઈ. અમે ઊંઝા ગયા. મારાથી થઈ શકે એટલું કામ મેં કર્યું પણ ખરું અને પૂરા દિવસો પછી દીકરાનો જન્મ થયો. મનસુખ ભાઈ અને પારુલ બહેન ખૂબ માયાળુ સ્વભાવનાં. મારી સારસંભાળમાં કોઈ કચાશ ન રાખી. આજુ બાજુની નાટક કંપનીના લોકો અને ગામવાળા પણ મદદ કરવા ખડે પગે હાજર રહેતા. વરસાદ શરૂ થાય એ પહેલા પતિ પત્ની કંપની લઈ કાઠિયાવાડ તરફ જતાં રહ્યાં. મારે તો મુંબઈ જવાનું હતું એટલે શું કરવું એ વિચારતી હતી ત્યાં ચીમન પેઈન્ટર સાથે મારી અને માસ્તરની મુલાકાત થઈ. એ પણ નાયક, નાટક કંપની ચલાવે અને રહેતા હતા વડોદરામાં. ચીમન પેઈન્ટરે મને કહ્યું કે ‘તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું વિસનગરથી કંપની શરૂ કરવાનો છું. તમે મારી કંપનીનાં નાટકોમાં કામ કરજો.’ બાળક નાનું હતું એ પરિસ્થિતિમાં નવી કોશિશ કરવાની ચિંતામાંથી મુક્તિ મળી ગઈ. વિસનગરમાં નાટકો કર્યાં. અહીં નાટક કરવાનો મને એક બહુ મોટો લાભ એ થયો કે જૂની રંગભૂમિમાં નારી પાત્રો ભજવી અપાર ખ્યાતિ મેળવનારા વિખ્યાત અભિનેતા તેમજ દિગ્દર્શક જયશંકર ‘સુંદરી’ સાથે મુલાકાત થઈ. તેઓ વિસનગરમાં જ રહેતા હતા અને કંપનીએ તેમનું સન્માન કર્યું. આવા મહાન કલાકાર સામે પોતાની કલા દેખાડવાની ઈચ્છા કોને ન થાય? તેમની સામે મેં બે અલગ અલગ દ્રશ્ય ભજવ્યાં. મારી ચાલવાની છટા તેમને બહુ ગમી ગઈ અને ‘બેટા, તું બહુ આગળ આવીશ’ એવા આશીર્વાદ પણ મને આપ્યા. મારા જીવનની એ અવિસ્મરણીય ક્ષણ હતી. આજે એ વાત યાદ કરતી વખતે જયશંકર ભાઈનો ચહેરો મારી આંખો સામે તરવરી રહ્યો છે. ત્યાંથી પછી અમે ઊંઝા ગયા. અહીં ધાર્મિક નાટકો વધુ ભજવ્યાં. છ – આઠ મહિના વિસનગરમાં પસાર થયા ત્યાં દેશી નાટકમાંથી ઈન્ટરવ્યૂ માટે મને કહેણ આવ્યું. મેં બધી વાત ચીમન પેઈન્ટરને કરી. તેમણે તો દેશી નાટક સમાજ માટે પણ કામ કર્યું હતું. એટલે એની રગેરગથી વાકેફ. મને હસતા હસતા કહે કે ‘તું દેશીમાં જાય છે ને, પણ એક વાત યાદ રાખજે કે ત્યાં ઘણી ખટપટો ચાલે છે.’ આ ચેતવણી હતી કે રમૂજ એ હું ત્યારે નહોતી સમજી શકી. પછી હું, માસ્તર અને બાળકો મુંબઈ પહોંચ્યા અને એક હોટેલમાં મુકામ રાખી એ જ દિવસે બપોરે દેશી નાટક સમાજમાં પહોંચી ગયા.

સ્ટેજ પર કૈલાશ પર્વત
ચીમન પેઈન્ટરનો વડોદરા અને આસપાસના વિસ્તારમાં દબદબો હતો. એના માનપાન હતા. માત્ર નાટક કંપનીના માલિક તરીકે નહીં, પણ નાટક ભજવતી વખતે જે સેટિંગ્સની જરૂર પડે એ બનાવવામાં એ કુશળ કારીગર હતો. આસપાસની બધી જ નાની નાની નાટક કંપનીઓના નાટકવાળા સેટની જરૂરિયાત માટે ચીમન પેઇન્ટરનો જ સંપર્ક કરતા એવી એની ખ્યાતિ હતી. એમની કંપનીનાં નાટકો કેવા? ‘સતી અનસૂયા’, ‘કૈલાશપતિ’ વગેરે. સ્ટેજ પર નંદી લાવે, એના પર મહાદેવને બેસાડે અને આખો કૈલાશ પર્વત ઊભો કરી દે. પ્રેક્ષકો આ જોઈ હેરત પામી જતા હતા. ગુજરાતી ફિલ્મોના ઉપેન્દ્ર ત્રિવેદી – સ્નેહલતાના ઘી કેળાં દોરમાં ચીમન પેઈન્ટરનો પુત્ર કંચન નાયક ચિત્રપટમાં સેટ બનાવવાનું કામ કરતો હતો. અનેક વર્ષો સુધી પપ્પા સાથે નાટક કંપનીમાં સેટિંગ્સ બનાવવાની મહેનત અને અનુભવ કંચનને ફિલ્મમાં બહુ કામ લાગ્યા. ઘણી ફિલ્મોમાં કંચને સેટ ડિઝાઇનિંગનું કામ કરી નામ અને દામ એમ બંને મેળવ્યા. વળી એ લોકો રહેતા હતા વડોદરામાં જ અને ગુજરાતી ફિલ્મોનું મોટા ભાગનું શૂટિંગ હાલોલમાં થતું જે વડોદરા શહેરથી ફક્ત ૪૦ કિલોમીટર દૂર હતું. એટલે પહોંચવામાં એકદમ આસાની હતી. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કંચને ઘણાં વર્ષો સુધી કામ કર્યું અને ફિલ્મ નિર્માતાઓ પણ એના કામથી બહુ ખુશ હતા એવું મેં સાંભળ્યું હતું. દીકરાએ બાપનું નામ ઉજાળ્યું હતું. (સંકલિત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button