ઉત્સવ

ધણીએ જ મારી સાથે છેતરપિંડી કરી

મહેશ્ર્વરી

અજીબ મુસીબતમાં હું ફસાઈ હતી. દીકરી થઈને બાપને ઘરમાંથી ‘હાંકી કાઢવા’ કોશિશ કરી રહી હતી એ દરમિયાન પપ્પાની તબિયત અચાનક લથડી. તાબડતોબ ડોક્ટરને ઘરે બોલાવ્યા. પપ્પાનું કમ્પ્લીટ ચેકઅપ કર્યા પછી ડોક્ટરનું ગંભીર મોઢું જોઈ અમે બધા મૂંઝાયા. ‘તમારા પપ્પા ફક્ત પંદર દિવસના મહેમાન છે. એથી વધુ નહીં જીવે,’ ડોક્ટરે મને કહી દીધું. એક વાક્ય બોલી ડોક્ટર તો જતા રહ્યા, પણ ‘પંદર દિવસના મહેમાન’ શબ્દો મારું કાળજું વીંધી રહ્યા હતા. ક્યારેક કોઈ પરિસ્થિતિમાં માણસનું મગજ બહેર મારી જતું હોય છે. પપ્પાના સ્વાસ્થ્ય અંગેનું નિદાન સાંભળી મારું મગજ પણ બહેર મારી ગયું હતું. સદનસીબે પપ્પા બહુ જલદી સ્વસ્થ થઈ ગયા. હરતા ફરતા થઈ ગયા. એનો આનંદ હજી અનુભવું ત્યાં માસ્તરની માથાકૂટ શરૂ થઈ ગઈ. ‘હવે તારો બાપ સારો થઈ ગયો છે, હવે એને કહી દે કે ચાલતી પકડે,’ એવા શાબ્દિક ચાબખા મને મારે અને સાથે શારીરિક મારપીટ પણ કરે. એ પણ છડેચોક, બધા જોતા હોય અને માસ્તર મને ધીબેડી કાઢતા હોય. માસ્તરના આ અમાનુષી અત્યાચારની વાત તો ધીરે ધીરે બધે ફેલાઈ ગઈ. આખું ગુજરાત જાણે કે માસ્તર ખુલ્લેઆમ મહેશ્ર્વરીને મારે. તમને થશે કે મેં કેમ ક્યારેય પોલીસમાં ફરિયાદ ન કરી? કારણ એટલું જ કે મારો સ્વભાવ સહન કરવા ઘડાઈ ગયો હતો. સાચું કહું તો મારામાં હિંમત જ નહોતી કે ફરિયાદ કરું. ખેર.

પપ્પાની તબિયત થોડી સારી થઈ એટલે ફરી મેં કરગરવાનું શરૂ કર્યું કે ‘પપ્પા, પ્લીઝ તમે અહીંથી જતા રહો.’ માસ્તરની મારપીટથી બચવા અને આવનારા બાળકના ક્ષેમકુશળ માટે હું પિતાશ્રીને ‘હાંકી કાઢવા’ તત્પર બની હતી. પપ્પાનું એ જ રટણ ચાલુ હતું કે ‘મારે નથી જવું, અહીંયા જ રહેવું છે.’ મા આ બધું ચુપચાપ જોયા કરતી. નીકળી જવાની વારંવારની મારી આજીજી સાંભળી એક દિવસ પપ્પા બોલ્યા કે ‘સારું, સોમવારે હું જતો રહીશ.’ પપ્પાના એલાનથી હું ખુશ તો થઈ, પણ રવિવારે શો કરી પાછા ફર્યા પછી મને રાતે કેમે કરી ઊંઘ ના આવી. પપ્પા સવારે વહેલા નહીં ઊઠે અને બસ ચૂકી જશે તો? એવા બધા વિચારો મનમાં ઘુમરાયા કરતા હતા. રાત્રે જ એમની બેગ પણ તૈયાર કરી નાખી. કેવું વિચિત્ર કહેવાય કે હું જીવનના એવા પડાવ પર પહોંચી ગઈ કે બીમાર બાપ પૂર્ણપણે સ્વસ્થ થાય ત્યાં સુધી ઘરે રાખી તેમની સારવાર કરવાને બદલે હું તેમને જાણે કે ધક્કો મારી બહાર કાઢી રહી હતી. માંડ માંડ મને ઊંઘ આવી, પણ સવારે ચાર વાગ્યે જાગી ગઈ અને જોયું તો પપ્પા માથું નીચું રાખી ભીંતનો ટેકો લઈ પગ લંબાવીને બેઠા હતા. ચા બનાવી એમને જગાડવા ગઈ તો… માથું ઢળી પડ્યું. હું હેબતાઈ ગઈ. મારી સમજણ શક્તિ જ નહીં, બધી પ્રકારની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. પપ્પાનો દેહ અચેતન થઈ ગયો હતો અને આ તરફ પપ્પા જાગો – પપ્પા જાગો એમ બોલતા બોલતા હું પણ લગભગ ભાન ગુમાવી બેઠી હતી. પપ્પા, પ્લીઝ તમે જતા રહો એવી વિનવણી કરતી દીકરીને કદાચ બાપનો જડબાતોડ જવાબ હતો કે ‘હા, જાઉં છું અને હવે ક્યારેય પાછો નહીં આવું.’ હું એ હદે શૂન્યમનસ્ક થઈ ગઈ કે પિતા ગુમાવવાથી પુત્રીને આઘાત લાગે અને એ ચોધાર આંસુએ રડી પડે, પણ મને તો રડવુંય નહોતું આવી રહ્યું. હું ગ્લાનિ અનુભવી રહી હતી. પપ્પાના અવસાન માટે પોતાને જવાબદાર માની રહી હતી. છેલ્લા થોડા દિવસના મારા વર્તન બદલ મને પસ્તાવો થઈ રહ્યો હતો, પણ બે હાથ જોડી એમની માફી પણ કંઈ રીતે માગું? ઘરે પપ્પાના પગ દાબતા અને થિયેટરમાં મારી મારપીટ કરી પપ્પાને તગેડી દેવા માગતા માસ્તરનો અસલી ચહેરો હું પપ્પા સામે રજૂ ન કરી શકી એનો મને અફસોસ હતો. હું જાતને અપરાધી ગણી બહુ મોટો ગુનો કર્યો હોવાનું માનવા લાગી હતી.

મુંબઈથી મોટાભાઈને બોલાવ્યો (મારાથી નાનો, પણ ભાઈઓમાં સૌથી મોટો) અને મા ત્રીજે જ દિવસે ભાઈ સાથે જતી રહી. પપ્પાના અવસાન પછી મા મોઢું સીવીને ફરતી હતી, મારી સાથે એક અક્ષર પણ બોલી નહીં. પપ્પાનો આઘાત મા નહીં જીરવી શકી હોય એમ મેં મન મનાવી લીધું. અલબત્ત મારી આ ધારણા સાવ ખોટી સાબિત થઈ. મુંબઈ પહોંચી માએ બાળકો સમક્ષ મોટો ધડાકો કર્યો કે ‘તમારી બહેને જ તમારા બાપને મારી નાખ્યા છે.’ ભાઈ – બહેનોના મનમાં ઠસાવી દેવામાં આવ્યું કે મેં મારા બાપની હત્યા કરી છે. હું વિચારવા લાગી કે જીવનના રંગમંચ પર ભગવાન કેવા કેવા ખેલ રચે છે? ‘તું અમારા માટે મરી ગઈ છે’ એવું કહેનારા પપ્પા ગુજરી ગયા પછી મારી મા મને પપ્પાની હત્યારી ઠેરવી રહી હતી. મારે માતા પિતા સાથે લેણા દેવી જ નહોતી? બરકત વિરાણી ‘બેફામ’ની પંક્તિઓ ‘એ શું કે રોજ તું જ મારું પારખું કરે, મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી’ મારી માનસિકતા છતી કરતી હતી. પપ્પાના અવસાનના આઘાતની હજુ કળ નહોતી વળી ત્યાં અમારી નાટક કંપનીમાં ચોરી થઈ. કોઈનો અંગત સામાન નહોતો ચોરાયો. નાટક માટે વપરાતી બધી પ્રોપર્ટી ચોરો ઉઠાવી ગયા હતા. ચોરેલા સામાનનું કોઈ આર્થિક મૂલ્ય નથી એનો ખ્યાલ આવી જતા ચોર એને કૂવામાં નાખી જતા રહેલા અને પોલીસ ફરિયાદ પછી મોટાભાગનો સામાન મળી ગયો. જોકે, વારાફરતી બે અમંગળ ઘટના બનવાથી અમે જગ્યા બદલી નાખી. ત્યારબાદ મનમાં સળવળતી શંકાનું સમાધાન કરવા હું પેલી લેડી ડોક્ટર પાસે ગઈ. મેં એને વિગતે વાત સમજાવી પૂછ્યું કે લૂપ બેસાડી ત્યારે ડોક્ટરને ખબર તો હશે જ કે મને પ્રેગ્નન્સીનો ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. એટલે ડોકટરે મને તપાસી અને કહ્યું કે ‘લૂપ તો બેસાડી જ નથી.’ મતલબ કે માસ્તરે, મારા ધણીએ જ મારી સાથે છેતરપિંડી કરી હતી. જોકે, એ વાતનો ન તો મને આંચકો લાગ્યો કે ન તો હું ઢીલી પડી. આ પ્રકારના આઘાતની મને આદત પડી ગઈ હતી. ત્યાંથી અમારી નાટક કંપની ગઈ મહેસાણા. મને પૂરા દિવસો જઈ રહ્યા હતા, પણ ડિલિવરી જ નહોતી થઈ રહી. હું થોડી મૂંઝાઈ. કોઈએ સલાહ આપી એટલે મહેસાણાના જાણીતા વૈદને મળવા ગઈ અને તેમની સારવાર પછી પોણા દસ મહિને દીકરીનો જન્મ થયો. મહેસાણાથી અમે પાલનપુર ગયા અને નવી કંપની સાથે

જોડાયા.

તખ્તા પરની સજાવટ અને કરામતો
જૂની ધંધાદારી રંગભૂમિનો ઈતિહાસ ઉખેળતાં અનેક રસપ્રદ બાબત પર ધ્યાન પડે છે. નાટકની ભજવણીમાં એની કથા, એનું દિગ્દર્શન, કલાકારોનો અભિનય ઉપરાંત એના ગીત સંગીત તેમજ તખ્તાની સજાવટ નાટકને પ્રભાવશાળી બનાવવામાં યોગદાન આપતા. આખા નાટકમાં અમુક સંખ્યામાં અને અમુક રસનાં ગીતોની હાજરી આવશ્યક ગણાતી. ગીતની રજૂઆતમાં અનેકવાર અતિશયોક્તિ કરવામાં આવતી અને પ્રેક્ષકોનો પ્રતિસાદ જોઈ એમાં ફેરફાર કરવામાં આવતા હતા. ગીતને મળતા વન્સમોર સફળતાનું માપદંડ ગણવામાં આવતા. વન્સમોરની સંખ્યા વધુ તો નાટક, કલાકાર અને લેખક વધુ સફળ માનવામાં આવતો હતો. નાટકમાં સંગીત જેટલું જ મહત્ત્વ તખ્તા પરની સજાવટ અને યાંત્રિક કરામતોને આપવામાં આવતું હતું. દ્રશ્યને રોચક અને રંગીન તો ક્યારેક જરૂરિયાત અનુસાર સનસનાટીપૂર્ણ બનાવવા માટે ભડભડતી આગ, વરસાદ, ખળખળ વહેતી નદીઓ, ઘૂઘવતા સાગર, ધરતીકંપ કે જ્વાળામુખી પ્રેક્ષકોને દેખાડવામાં આવતા હતા. પિસ્તોલના ધડાકે પડદા ખુલે તેમ જ બંધ થાય. મહેલો ઊભા થાય અને પછી ગાયબ પણ થઈ જાય, વૃદ્ધો બાળકોમાં ફેરવાઈ જાય અને પાત્રો ધરતીમાં સમાઈ જાય એવી હેરત પમાડે એવી કરામતો જોઈ દર્શકો દંગ રહી જતા. રંગમંચ ઉપર સજાવટ અને ટ્રિકસીનનાં દ્રશ્યોની મદદથી લોકરંજન કરી નાટક મંડળીઓ નામના મેળવતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey