ઉત્સવ

એ સાંજ હતી ગઝલોની ભવ્ય સૂરજ ક્ષિતિજે ઝળહળતા હતા (૨)

આજે આટલું જ -શોભિત દેસાઈ

મનોજ ખંડેરિયાના એક શેરથી ૯ એપ્રિલની વાતના બીજા ભાગની શરૂઆત કરીએ તો….
પોલાણ ખોલી બુદ્બુદાનું જોયુ જયાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું!!!
છે ને નાજુકાઇની પરાકાષ્ટા! એક પરપોટો પોતાના અવકાશમાં એક આખું સરોવર ભરીને તરે છે. જળ ઉપર… આવી જ એક અદ્ભુત ક્ષણ એક શેરમાં ઝીલાઇ છે.
તૃણ તરબતર છે માથે ઉપાડી પતંગિયું
કમનીય કેવું! બેસવું.. ઝુકવું.. ઉડી જવું..
સેક્ધડના અડધા ભાગમાં આવું કશેક જવલ્લે બનતું રહે છે. જેને પકડીને પેનમાં પૂરવા અને પછી કાગળ ઉપર મુકવા માટે દૃષ્ટિની સૂક્ષ્મતાનો અંદાજ આપવો હોય તો પહેલાં તો રતીથી વધારે ઝીણા તોલ માપ શોધવા પડે….
એ સાંજની શરૂઆત જેનાથી થઇ એ બરકત વિરાણી ‘બેફામ’ના આ શબ્દો…
બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં
અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. અન્યના જીવનની આવી ઋજુ, ગોપિત, અદ્ભુત રજૂઆત આવી સરળતમ બાનીમાં આટલી સચોટ-સ્ફોટક રીતે મુકવા માટેની અન્ય કલમ જગતમાં શોધવી પડે.
જેના ખભે બેસીને મેં જગત નામના માળાના મુંબઇ નામના ખૂણામાં બિરાજમાન ૧૯૭૬ની આસપાસના કલ્યાણજીભાઇથી લઇને બીજા અન્ય મહાનુભાવોને અનુભવ્યા, અને જેની ગઝલમાંથી પ્રેરિત થઇને મેં મારી ગઝલોની દુર્બોધતા દૂર કરવાની કોશિશ કરી એ કૈલાસ પંડિત.
ઝાંઝવા શું આવવાના કામમાં!
ઝાંઝવા પાણી વિનાના હોય છે
તમારું હૃદય એક ધડકન ચૂકી જાય વાંચતા-સાંભળતા એવા આવા શેર સરજવા માટેની માનસિક ગડમથલ તમારે વિચારોના આકાશમાંથી શોધવી પડે.
ગઝલ વિશ્ર્વમાં પુત્રના લક્ષણ પારણામાંથી સચોટ પરખનાર શૂન્ય પાલનપુરી પોતે તો મહાનતમ શાયરોમાં એક પણ ઉમર ખય્યામની રુબાઇના એમના અનુવાદ પૂરતાં તો એ ગુજરાતીના તો એકમેવ ખરા જ, જગતમાં પણ એકમેવ….
જીવન અર્પણ કરી દીધું કોઇને એટલા માટે
મરણ આવે તો એને કહી શકું-મિલકત પરાઇ છે.
આવા હતપ્રભ કરી નાખે એવા શેરની
આવી સુંદર શબ્દ ગુંથણી તૈયાર કરીને મોકલી આપનાર મા સરસ્વતી છે કે ખુદા છે કે
ઇશ્ર્વર સંતાન છે કે અગ્નિ ભગવાન છે? એ તો શોધવું પડે.
ખુદાઇ સામે રીતસરનું રણશિંગુ ફૂંકનાર અને ઇંફદયત અને Haves અને Have Nots એ બે વર્ગ વચ્ચે વધી રહેલા અંતરથી અત્યંત વ્યથિત થઇને ક્રાંતિના બીજ રોપનાર જલન માતરી એવું લખે કે …
હવે ચહેરો લઇને આઇના સામે નથી જાવું
પ્રતિભા કયાં રહી છે કે પ્રતિભા સાથે ટકરાવું!
તો જલનની એ વખતે વિતી ગયેલા જીવન પર પડતી દૃષ્ટિને સૂક્ષ્મદર્શક કાચ આંખ પર પહેરીને ચકાસવી પડે.
સૈફ પાલનપુરી, ગુજરાતી ગઝલનાં સૌથી લોકપ્રિય શાયર એ વખતના અને પાછા મુશાયરાઓના બહુ જ સરસ સંચાલક હોવા છતાં ય આવો કટીબદ્ધ શેર ગુજરાતી ગઝલને આપે કે
ગજા મુજબના એક દુશ્મનને અંતે શોધી કાઢયો મેં
લઢયો મારી જ સાથે હું ને લઢવામાં મજા આવી.
ત્યારે એ ખાનગીમાં કેવું અને કેટલું એકલું કાવ્યમય જીવતા હશે એની શોધ થવી જ જોઇએ.
અને રમેશ પારેખ ગુજરાતી ભાષાના સૌથી મોટા અછાંદસ કવિ તો ખરા જ, ગીત ગુજરાતીમાં એમને ત્યાં જે મંડાણા એવા કયાંય બીજે નથી મંડાણા. પણ રમેશ…
હા, કાલે ઊંઘમાં પલળી ગયા’ તા સપનાંઓ
જુઓ ને! સુકવ્યાં છે આજ અહીં અગાસીએ
ત્યારે એમને ‘અગાસી એટલે આંખ?’ પૂછીને અગાસી શોધવી જ પડે.
PWDમાં સરકારી નોકરી કરનાર અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ અને મુખ્ય મંત્રીના કવિતા પઠનના આદેશનો અનાદર કરનાર મહાશાયર અમૃત ઘાયલ.
અભરખા હોય દર્શનના તો બંધુ આવજે રાતે
દિવસના કોઇને મહારાજશ્રી દર્શન નથી દેતા.
જેવી વાત લઇ આવે ત્યારે આ બાબતમાં ખાસ બુર્ઝવા વિચારસરણીમાં આવી વાત લઇ આવવાની હિંમતની શોધ કરવી જ પડે.
પોતાના જીવનની નૈતિક સામાજિક અને આર્થિક જવાબદારી અન્ય જીવન પર ઢોળનાર અને અસફળ પુરવાર થનાર અબ્બાસ વાસી મરીઝ.
જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે
જેવો શેર લખે તો સમાજ એ વખતે છાનું છપનું પણ કવિને કેવું સુંદર શરણ પૂરું પાડતો’ તો એની શોધ થવી જ જોઇએ.
અને આ આઠે આઠ ગુજરાતી ગઝલના મહાઆમાત્યોને એમના ગજાંમાંથી બહાર કાઢીને અનેક ગણો વિસ્તાર આપનાર ગારુડીનાં અવાજના આરોહ-અવરોહ, ચહેરાના હાવભાવ, આખાય ય સ્ટેજ પર સતત એક અદાકારની કુશળતા સાથેના હલન ચલનની ઊંડી અને તલસ્પર્શી શોધ થવી જ જોઇએ.
આજે આટલું જ…..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button