ઉત્સવ

એ સાંજ હતી ગઝલોની ભવ્ય સૂરજ ક્ષિતિજે ઝળહળતા હતા

આજે આટલું જ -શોભિત દેસાઈ

હા, જી, સાચું પકડયું તમે. મૂળ શેર અમૃતતુલ્ય સારસ્વત કવિ વેણીભાઇ પુરોહિતનો એને મચડયો છે આજે ૯ એપ્રિલની સાંજ વર્ણવવા માટે. આગોતરી જાણ કરી દઉં કે આજ અને આવતો રવિ હું બહુ વ્યસ્ત છું તમારી સાથે એ ગુજરાતી ગઝલના અને ભવ્યાતિવ્ય જી હા, ભવ્યાતિવ્ય લેખાઇ ચૂકેલા કાર્યક્રમની વાત કરવામાં…..

સાત્વી મુકુલ ચોકસીના એના જેવડા જ રૂપકડા ટચુકડા દરેક કવિના introduction સાથે એ કાર્યક્રમ મારો હતો. પણ… લખતી વખતે અને વાંચતી વખતે તમને હું નો અતિરેક ન થઇ જાય એ હેતુથી હું હવે પછી હું ને બદલે શોભિત વાપરીશ. You Know, modified exhibition of ego. કેટલાકને વર્ષો પહેલા (રાસબિહારી દેસાઇ-અમદાવાદ) હું ને બદલે નામને ભાઇ લગાડીને ત્રીજા પુરુષ બહુ વચનમાં બોલતા સાંભળ્યાનું અને આશ્ર્ચર્યગત થઇ ગયાનું યાદ આવે છે.

મેં મને ખૂબ ખૂબ ઘૂંટયો છે
ને મને આવડી ગયો છું હું

  • મનહર મોદી
    ચંપો, બટ મોગરા, ગુલાબ, રાતરાણી, પારિજાત, કેસુડો, સૂરજમુખી અને પલાશ એ સાંજે ‘બેફામ’-કૈલાસ-શૂન્ય-જલન-સૈફ- રમેશ- ઘાયલ અને ‘મરીઝ’ નામ ધારણ કરીને પોતપોતાની ખુશ્બુઓ સાથે આવનાર દરેકને પરિપ્લાવિત કરવા જાણે હોડમાં ઊતર્યા હતા. અને… આ બધા કરંડિયાઓનો ગારુડી શોભિત અવાજના અદ્ભુત આરોહ-અવરોહમાં નવરસની મિલાવટ કરી એક પછી એક પુષ્પજૂથ પ્રદર્શિત કરતો ગયો. એ આખીય રજૂઆતને solo presentation“p off Broadway show સાથે સરખાવવી? કે એને મહારજૂઆત કર્તા પ્રેમાનંદની આખ્યાન શૈલી લેખાવવી? કે ગુજરાતી ગઝલની રજૂઆતની મુત્સદ્ી છટા ગણવી? એનો જવાબ એ દિવસના તમારા કોઇ ઓળખીતા શ્રોતા-પ્રેક્ષક જરૂર આપી શકશે. કારણ? આખી જિંદગી અકિંચન રહી, માત્ર અને માત્ર ભાષાને સમૃદ્ધ બનાવવાના અને એ વખતના એટલે કે ૧૫૦ વર્ષ પહેલાનાં બે કરોડથી લઇને અત્યારના સાડા સાત કરોડ ગુજરાતીઓના હૃદયને સતત લીલાછમ્મ રાખવાના નેક ઇરાદાવાળા આંઠ મરજીવાઓને સમંદરનાં તળમાંથી કિનારે લઇ આવી, એમના ચાહકો દાદની સંજીવની દ્વારા એમને એમના સાગર તળીયે ઠર્યા બાદ પણ કેટલી ઉત્કટતાથી યાદ કરે છે એ દેખાડાઇ રહ્યું હતું. … કેટલીક તો એવી, કેટલીક નહી ઘણી ક્ષણો તો એવી આવી કે જયારે શોભિતની રજૂઆત શ્રોતાઓએ એમ વધાવી દાદ-હાકલા-પડકારા-દેકારા-સ્મિત હાસ્ય-ગડગડાટથી કે જોઇને અક્ષરરૂપ કવિએ પોતાને દાદ આપી દીધી!!! અને એમાંય જયારે શોભિતે એમ કહ્યું કે ૨૦૧૪ May ની શરૂઆત તો ગઝલ સમ્રાટ અમૃત ઘાયલે ૧૯૬૩માં કરી હતી, જયારે એમણે રાજકોટ પધારેલા ભારતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મોઢામોઢ આ ‘સંભળાવી દીધેલું’ એમના કાળા કોટ પર લટકતા ફૂલને ઉદ્દેશીને….

થોડો ઝાઝો હિસાબ તો આપો
ખોટા સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો
ત્યારે તો સ્વયં અમૃત ઘાયલ પોતે સ્ટેજની ડાબી બાજુની પહેલી વિંગ ઉપરથી ઊતરીને, શોભિતના માથે એક ચૂમી મૂકીને શ્રોતાઓના ઓવારણા લઇને પાછા ૭ ફૂટ બાય ૩ ફૂટના પોતાના Flex ના કદમાં જતા રહ્યાં!!!

આવતા રવિવારે આ બધા આંઠ ફૂલ એટલે કે ગુજરાતી ગઝલના આકાશમાં પોતપોતાની ઉડાનનો છાક છોડીને જતા રહેલા મોર-ચકલી-પતંગિયુ-ગરુડ- હંસ-તેતર-કાકાકૌઆ અને સુગરી વિશે વધુ વાત કરીશું જ. આ છાબના દરેક પટને કુમળા કૌશલથી ખોલી એમાંથી પુષ્પ પારેવાં ગજબનાક લાવણ્યથી પ્રદર્શિત કરતા (નાગને છાબડીમાંથી બહાર કાઢી, બિન વગાડી ડોલાવનારનું સર્વનામ છે ગારુડી) ચકોર ગારુડીની પણ વાત કરીશું જ. પણ આજે અહીં અત્યારે વાત કરવી છે. શ્રોતાઓની. એ શ્રોતાઓની, જેમણે cell phoneની એક પણ ring વગર પૂરેપૂરી નિષ્ઠાથી કાર્યક્રમને પોતાનો પ્રાણ આપી દઇને, બે કલાક વિસ મિનિટ સુધી એમાંથી એક પણે ઊભા થયા વગર કાર્યક્રમ પર પોતાની આંખ, પોતાનું હૃદય અને પોતાનું સમગ્ર ધ્યાન ન્યોછાવર કરી દઇને ગુજરાતી ગઝલના કાર્યક્રમને ભવ્યતા આપી. નેમિશ, નિલેશ, નિલેશ, આશિત, ઉદય, અશ્ર્વિન આ બધા નામ સાથે જો હું અટક મૂકું તો મોદી- શાહની બરાબરીના પૂરાં નામ તમને મળી આવે. આ બધાએ અને બાકીના બધાએ પોતપોતાનુ ગંજાવર અસ્તિત્વ ઓગાળીને ગુજરાતી ગઝલના મરજીવાઓના જે રખોપા કર્યાં છે, એની વાકયાવલી બનાવવા મારા જેવાયે પણ વર્ણમાલામાં વસવું પડે થોડો વખત. એટલે એ જવા દઇએ.

પણ આઠ શાયરો માટે આઠ વખત અવનવા રંગના ઝભ્ભા સજાવીને દૃશ્યરંજકતા ધરનાર ગારુડી શોભિત સમાપન માટે આવ્યો ત્યારનો એનો પોતાના સફેદ ઝભ્ભા પરનો શેર શ્રોતાઓ લગભગ સરેરાશ ૬૦ની ઉપરના શ્રોતાઓ પોતાના હૃદયની દાબડીમાં મૂકી ઘરે લઇ ગયા….
બહુ ઘૂમ્યો હું સ્વાદોમાં, હવે મોળુ જ ફાવે છે
બધા રંગોનો છૂટયો મોહ, બસ ધોળું જ ફાવે છે.
આજે આટલું જ…..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button