‘હમાસ’ની હીન હરકતો સામે ઈઝરાયલનો મર્દાના મિજાજ
કવર સ્ટોરી -વિજય વ્યાસ
ઈઝરાયલ પર પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલાને પગલે પશ્ર્ચિમ એશિયામાં ફરી ભડકો થઈ ગયો છે. પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટી પર કબજો કરીને બેઠેલા હમાસે ઈઝરાયલ પર ધડાધડ પાંચ હજારથી વધારે રોકેટ છોડ્યાં અને પછી પોતાના આતંકીઓને ઘુસાડીને ઈઝરાયલમાં જંગાલિયતનો ખેલ આચરીને ૧૦૦ જેટલાં લોકોની હત્યા કરી નાખી. હમાસે પાંચ કલાક લગી ઈઝરાયલમાં માનવતાને નેવે મૂકીને મોતનું તાંડવ ખેલ્યું. ઈઝરાયલના સૈનિકોની તો હમાસના આતંકવાદીઓએ હત્યા કરી જ પણ નિર્દોષ નાગરિકો અને વિદેશીઓને પણ ના છોડ્યા. હમાસના આતંકીઓ જતાં જતાં સંખ્યાબંધ છોકરીઓને પણ ઉપાડી ગયા ને તેમને બાનમાં રાખ્યાં છે.
સામાન્ય સંજોગોમાં ઈઝરાયલ પોતાના પરના કોઈ પણ હુમલાને પહોંચી વળવા તૈયાર હોય છે પણ આ વખતે ઈઝરાયલ હુમલા માટે તૈયાર નહોતું. ઈઝરાયલના લશ્કરી વડાએ પણ આ વાત સ્વીકારી છે. ઈઝરાયલની ગાફેલિયતનો લાભ લઈને હમાસે ઈઝરાયલમાં કદી ના થયો હોય એવો ભીષણ હુમલો કરી નાખ્યો.
આ હુમલાથી છંછેડાયેલા ઈઝરાયલે વળતો હુમલો કર્યો તેના કારણે હમાસની ઔખાત બગડી ગઈ છે. હમાસના કબજા હેઠળના ગાઝાપટ્ટી વિસ્તારમાં બોમ્બ પર બોમ્બ ફેંકીને ઈઝરાયલે હમાસના અડ્ડા સાફ કરી નાખ્યા છે અને આતંકીઓને ભાગતા કરી દીધા છે. ઈઝરાયલે હમાસના હુમલાને યુદ્ધ જાહેર કરીને ગાઝાપટ્ટીમાં બોમ્બમારો કરીને મેદાન કરવા માંડ્યું છે.
હમાસના હુમલા પછી ઈઝરાયલના વડા પ્રધાન નેત્યાનાહૂએ હુંકાર કરેલો કે, આ વખતે આતંકવાદીઓ ખો ભૂલી જાય એવો વળતો જવાબ આપીશું. ઈઝરાયલના લશ્કરે તેનો અસલી મિજાજ બતાવીને તેનો અમલ કરવા માંડ્યો છે. ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં બે હજારથી વધારે લોકો માર્યાં ગયાં હોવાનું કહેવાય છે. સેંકડો ઈમારતો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે અને તેમાં કેટલાં લોકો દટાઈને પડ્યાં હશે તેની કોઈને ખબર જ નથી. ઈઝરાયલ હમાસનો સંપૂર્ણ સફાયો કરવા માગે છે એ જોતાં આ તો શરૂઆત છે.
ઈઝરાયલે હવાઈ હુમલા પછી ગાઝા સ્ટ્રીપમાં ઘૂસીને આતંકીઓને ઠાર કરવાનું પ્લાનિંગ કરવા માંડ્યું છે એ જોતાં અસલી જંગ તો હજુ હવે શરૂ થશે. આ જંગની તૈયારીના ભાગરૂપે ઈઝરાયલે ગાઝા સ્ટ્રીપ વિસ્તારમાં પાણી, ફ્યુઅલ અને ઈલેક્ટ્રિસિટી બંધ કરી નાખી છે. ગાઝામાં ખાદ્યચીજો ના જઈ શકે એવી નાકાબંધી કરી નાખી છે. સાથે સાથે નોર્ધર્ન ગાઝામાં રહેતા ૧૧ લાખ લોકોને આ વિસ્તાર ખાલી કરવા કહી દીધું છે. એક વાર સામાન્ય લોકો આ વિસ્તારમાંથી ખાલી થઈ જાય પછી ઈઝરાયલના સૈનિકો ગાઝાપટ્ટીમાં ઘૂસીને હમાસના આતંકીઓને વિણી વિણીને સાફ કરવાનું અભિયાન શરૂ કરશે.
હમાસ પણ ગાઝાપટ્ટીમાં પોતાના અડ્ડાઓમાં પૂરી તૈયારી કરીને બેઠું છે. હમાસની લશ્કરી પાંખ CET અદ-દીન અલ-કાસમ બ્રિગેડ્સમાં ૫૦ હજારથી વધારે સૈનિકો છે. લેબેનોને હમાસને ખુલ્લો ટેકો આપ્યો છે તેથી લેબેનોનના સૈનિકો પણ ગાઝાપટ્ટીમાં ખડકાયેલા હોવાનું મનાય છે. ઈરાન તો પહેલેથી હમાસને મદદ કરે છે ને સીરિયા પણ હમાસની મદદે આવશે એવા સંકેત છે. સાઉદી અરેબિયા સહિતનાં રાષ્ટ્રો ઈઝરાયલ સામેના જંગમાં સીધાં નથી ઉતર્યાં પણ હમાસને ટેકો આપ્યો છે એ જોતાં હમાસને આરબો તરફથી ભરપૂર સહાય મળી રહી છે. તેમના જોરે જ હમાસે ઈઝરાયલ પર ભીષણ હુમલો કરવાની ગુસ્તાખી કરી છે એ જોતાં આરબ જગતમાં કદી ના જોવા મળ્યો હોય ભીષણ જંગ ખેલાશે એ નક્કી છે.
આ જંગ કેટલો લાંબો ચાલશે ને તેમાં કોણ જીતશે એ કહેવું બહુ મુશ્કેલ નથી કેમ કે આરબોની ભરપૂર સહાય છતાં ઈઝરાયલના ૧.૭૦ લાખ સૈનિકોના લશ્કર સામે ટકવાની હમાસની તાકાત નથી. ઈઝરાયલના લશ્કર પાસે હમાસ કરતાં વધારે આધુનિક ટેકનોલોજી છે અને અત્યંત ઝનૂની સૈનિકો છે એ જોતાં ગમે તેટલો સમય થાય, ઈઝરાયલ હમાસનો સફાયો કરીને જ રહેશે તેમાં મીનમેખ નથી.
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ ફરી એક વાર ઈઝરાયલ સાવ ટચૂકડો દેશ હોવા છતાં દુનિયાનો સૌથી મરદ દેશ કેમ છે એ સાબિત કર્યું છે તો બીજી તરફ હમાસ સહિતનાં મુસ્લિમ સંગઠનોનો અસલી ચહેરો બેનકાબ કરી નાખ્યો છે. ઈઝરાયલનું કુલ ક્ષેત્રફળ ૨૨ હજાર ચોરસ કિલોમીટરની આસપાસ છે એ તેનો વિસ્તાર ગુજરાત જેટલો પણ નથી. બલ્કે ગુજરાત કરતાં આઠમા ભાગનો વિસ્તાર ધરાવે છે.
ગુજરાતમાં સૌથી મોટો કચ્છ જિલ્લા છે. ૪૫,૬૭૪ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા કચ્છ જિલ્લા કરતાં પણ ઈઝરાયલ અડધો વિસ્તાર ધરાવે છે. ઈઝરાયલની વસતી પણ બહુ ઓછી છે. ઈઝરાયલની વસતી માંડ ૧ કરોડની આસપાસ છે. ભારતમાં જ દસ શહેર એવાં હશે કે જેમની વસતી એક કરોડથી વધારે એટલે કે ઈઝરાયલની કુલ વસતી કરતાં વધારે હોય.
વસતી અને વિસ્તાર બંનેની રીતે સાવ નાનો દેશ હોવા છતાં ઈઝરાયલે હમાસને સાફ કરવા જે અભિયાન આદર્યું છે એ જોઈને ફિદા થઈ જવાય. ઈઝરાયલનો મર્દાના મિજાજ જોઈને હમાસ નહીં પણ આખી દુનિયાના મુસ્લિમો ફફડી ગયા છે. સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો હમાસને ટેકો આપે છે પણ તેની પડખે ઊભા રહીને ઈઝરાયલનો મુકાબલો કરવાની કોઈની તાકાત નથી. દુનિયામાં ૩૦ કરતાં વધારે મુસ્લિમ રાષ્ટ્રો છે પણ હમાસને સાફ કરવા માટે જંગ છેડનારા ઈઝરાયલને રોકવા માટે આગળ આવવાની કોઈ મુસ્લિમ દેશની હિંમત ચાલતી નથી. તેનું કારણ એ કે, બધાં મુસ્લિમ રાષ્ટ્રોને ખબર છે કે ઈઝરાયલ સામે લડવા જઈશું એટલે સીધા ઉપર જઈશું.
ઈસ્લામના નામે ભારતના કાશ્મીરમાં કે અફઘાનિસ્તાનમાં હથિયારો ઉઠાવીને લડનારા મુસ્લિમ કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓની પણ હમાસની તરફેણમાં લડવા જવાની હિંમત ચાલતી નથી. તેનું કારણ એ કે, તેમને ખબર છે કે, ઈઝરાયલ કાશ્મીર નથી ને ઈઝરાયલનું લશ્કર અફઘાનિસ્તાનનું લશ્કર નથી. ઈઝરાયલમાં તો ગોળી સીધા માથાની વચ્ચોવચ આવશે ને બોમ્બ શરીરનાં ચીંથરાં ફાડી નાખશે તેથી કોઈ હમાસને પડખે ઊભા રહેવા તૈયાર નથી.
ઈઝરાયલે આ ઈમેજ ૧૯૪૮માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી બનાવેલી છે. ઈઝરાયલ ચારે બાજુ ખૂંખાર આરબ દેશોથી ઘેરાયેલો દેશ છે તેથી સતત હુમલા થયા કરે છે. ૧૯૪૮માં યહૂદીઓ માટે અલગ ઈઝરાયલની સ્થાપના થઈ ત્યારથી થતા હુમલાઓ વચ્ચે ઈઝરાયલ અડીખમ છે. ઈઝરાયલમાંથી યહૂદીઓને ખદેડીને પેલેસ્ટાઈનની સ્થાપના કરવાનાં સપનાં આરબો વરસોથી જુએ છે અને તેના માટે બહુ યુદ્ધ કર્યા છતાં મુસ્લિમ રાષ્ટ્રો ઈઝરાયલનું કશું નથી બગાડી શક્યાં. તેનું કારણ એ છે કે, ઈઝરાયલના મરદ સાચા અર્થમાં મરદ છે ને છપ્પનની છાતી ધરાવે છે. ખાલી છપ્પનની છાતીની વાતો કરતા નથી.
ઈઝરાયલ સામે આરબોએ એક થઈને ૧૯૬૭માં ભીષણ હુમલો કર્યો ત્યારે માત્ર છ દિવસમાં તો ઈઝરાયલે તેમને ફીણી નાખેલાં. આરબ રાષ્ટ્રો એક થઈને લડેલાં છતાં ઈઝરાયલ સામે જીત્યાં નહોતાં ને જેના માટે યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે ઝઘડો છે એ જેરૂસલેમ પણ હાથથી ગયેલું. સીધા જંગમાં ઈઝરાયલને હરાવી ના શકનારા આરબોએ યાસર અરાફત ને અબુ નિદાલ જેવા પેલેસ્ટાઈની નેતાઓને ઊભા કરીને આતંકવાદ ચલાવ્યો છતાં જઈને ઈઝરાયલને નમાવી શક્યા નથી.
ઈઝરાયલ અત્યારે એ જ મર્દાના મિજાજ બતાવી રહ્યું છે ત્યારે બીજી તરફ ‘હમાસ’ તમામ નીતિમત્તા અને સિદ્ધાંતોને બાજુએ મૂકીને વર્તી રહ્યું છે. ‘હમાસ’ના આતંકવાદીઓએ ઈઝરાયલમાં હુમલા દરમિયાન અમાનવીય અત્યાચારો કર્યા છે. ઈઝરાયલના સૈનિકોને તો તેમણે માર્યા જ પણ નિર્દોશ નાગરિકોની પણ હત્યા કરી. હમાસના સૈનિકોએ ઈઝરાયલની મહિલા સૈનિકો સાથે કરેલા વ્યવહારના વીડિયો થથરી જવાય એવા છે.
આ આતંકીઓએ એક જર્મન યુવતીની હત્યા કરીને તેને નગ્ન કરીને જીપ પર બાંધીને ફેરવી હતી. ‘હમાસ’ની આ નીચ હરકત જોઈને આઘાત લાગી ગયો છે. શૌની લાઉક નામની યુવતી પીસ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલી. ‘હમાસ’ના આતંકવાદીઓ તેને ઉઠાવી ગયા પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું કહેવાય છે. એ પછી શરીર પરથી તમામ કપડાં હટાવીને સંપૂર્ણ નગ્નાવસ્થામાં તેની પરેડ કરી. એક નિર્દોષ યુવતીની હત્યા કરીને બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ ‘હમાસ’ના આતંકીઓએ મશીનગનોમાંથી ફાયરિંગ કરીને અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા.
આ તો એક ઘટનાની વાત કરી પણ આવી તો ઘણી ઘટનાઓ બની છે. હમાસના આતંકીઓની આ હરકતો જોતાં ઈઝરાયલના સૈનિકો તેમને ગોળીએ દે એ જ યોગ્ય છે. ઈઝરાયલના સૈનિકો ઘરમાં ઘૂસીને તેમને મારે તેમાં કશું ખોટું નથી.
કમનસીબે આ આતંક, આ અત્યાચારો જોયા પછી પણ મુસ્લિમો ચૂપ છે. હમાસની નીચતા જોયા પછી પણ મુસ્લિમોમાંથી એક મરદનો બચ્ચો બહાર આવ્યો નથી કે જે કહે કે, આ ખોટું થઈ રહ્યું છે ને આ હીન હરકતો કરનારા આતંકીઓ જહન્નુમમાં જશે. બલ્કે પેલેસ્ટાઈનને ટેકો આપવાના નામે એ લોકો આડકતરી રીતે હમાસના આતંકવાદને યોગ્ય ઠેરવવા પ્રયાસ કરી રહ્યા છે.