કમાલ કહેવાય ને!

આજે આટલું જ -શોભિત દેસાઈ
કમાલ જ કહેવાય. ચંદુના પ્રયાણ પછીનો એની સમગ્ર કવિતાઓ (નાટ્યગીતો પણ, બહુ વખણાયેલા અને નીવડેલા ખેલૈયા અને અન્ય નાટકોનાં)નો સંગ્રહ કવિતાના રસિયાઓને તરબતર કરી રહ્યો છે, અમેરિકામાં લોકાર્પિત થયા બાદ
એક હસે એક રડે આંખ બે આપસમાં ચડભડે
– હરીન્દ્ર દવે
ભાષાના મોટા કવિ સ્વર્ગસ્થ તો સ્વર્ગસ્થની પદવી પામ્યા બાદ સંપુર્ણ સચવાઈ રહે એ ભાષા માટે સારા શકન છે… જી હા, શકન. ચંદુ ગુજરાતીનો મોટો કવિ (થઈ જ શક્યો હોત જો એણે નાટકો ન લખ્યાં હોત તો… રમેશ પારેખના પર્યાયનો આખો મુસદ્દો પરમાત્માએ તૈયાર જ રાખેલો અને કવિતાના નુક્સાને ખેલૈયા તો આપ્યું જ) ઇશાનીએ વિચાર્યું કે હવે સાંભળી શકાવાની તો છે નહીં આ બધી કવિતાઓ તો રસિકજનના વાંચન દ્વારા હું શ્રવણસુખ પામું અને ખલ્લાઆઆઆઆસ !!! (સંજીવ કુમાર – મનચલી – સાથમાં લીના ચંદાવરકર) સુપર્બ કાવ્ય સંગ્રહ તૈયાઆઆઆઆર
લે, મારા પાકા ભાઇબંધ !
તને આજે તો શુધ્ધ કવિતાના અમૃતતુલ્ય દોહદ ધરું
ગુજરાતી કવિઓને ધાકધમકી
શબ્દોને વાળો કે ચોળો કે પગની વચ્ચે રગદોળો
પણ ખબરદાર!
હાથ જો લગાડયો છે- આંખ કે અવાજ કે આકાશને તો-
શબ્દોને પથ્થરની જેમ ભલે ભાંગો કે પાંચીકા જેમ છો ઉછાળો
પણ ખબરદાર!
ઊંચી કરીને આંખ જોયું છે-સાંજ કે સમુદ્ર કે સુવાસને તો-
શબ્દોને ખાતે ઉધાર કીધી કેટલી અનુભૂતિ, કેટલી અભિવ્યક્તિ, કેટલા વિચારો!
રોકડામાં સિલ્લક છે જાત અને ‘કવિરાજ’ શબ્દ એક એકલોઅટૂલો બિચારો!
શબ્દોને દાઢીની જેમ છો ઉગાડો કે બુકાની બાંધવાને મોં પર વીંટાળો
પણ ખબરદાર !
બત્રીસી તોડી નાખીશ જો વતાવ્યા છે-બિંબપ્રતિબિંબને કે આસપાસને તો-
શબ્દોને ઠોકી ઠોકીને કીધા ગાભણા ને એમાંથી કાઢયા કૈં કોટિ કરોડ નવા શબ્દોનાં ઇંડાંઓ
શબ્દોને ચાવીને, ચૂંથીને, ધાવીને, ઝધ્ધીને ઝધ્ધીના કવિઓએ ઠોકયા છે. ગુજરાતી શબ્દોના ભીંડાઓ
દોસ્તો! આ શબ્દોને તોડો કે ફોડો કે આંગળી કરીને ઢંઢોળો.
પણ ખબરદાર!
છેટા રહેજો બધાંય મૌનથી, મકાનથી, બુડથલમાં પડશે જો અડશો ઉજાસને તો-
શબ્દોને ખોડો, ઉખેડો, ફંગોળો, પછાડો
પણ ખબરદાર!
હાથ જો લગાડયો છે-ઝાકળ, ભીનાશ કે પતંગિયાંને, પાંખોને
દરિયા કે મોજાં કે ખીણ અને ખુલ્લા આકાશને તો-
અને
ઊંચી કરીને આંખ જોયું છે-ફૂલો, વરસાદ, સાંજ, બગીચો ને બાંકડો,
બુઢાપો, એકાંત, વળી એકલતા, એકલા હોવાપણાંને તો-
શબ્દોને સિક્કાની જેમ છો ઉછાળો, રમાડો, ઘૂંટાડો, ભૂંસાડો, ભટકાડો
પણ ખબરદાર
બત્રીસી તોડી નાખીશ જો વતાવ્યા છે
વૃક્ષો-પડછાયાઓ, સૂર્યોદય-સૂર્યાસ્તોને,
આંખો, અરીસા કે બિંબ-પ્રતિબિંબને તો-
છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશ-જો અડયા છો
જળ-કમળ, મિથ્યા, જળ, મૃગજળ, નદીઓનાં ખળખળને
ધુબાકા મારતા કિશોરોના કલબલને
કોઇ મુગ્ધાનાં સોળ સોળ વરસોના કામણને તો-
શબ્દોને ઘાસની જેમ કૂણાં ઉગાડો કે રેશમની શાલ જેમ વીંટાળો-
પણ ખબરદાર
ખો ભુલાવી દઇશ લખવાની છંછેડયા જો-
લીલાંછમ ખેતરો, તળેટીઓ, કે ટેકરા કે ડુંગરો કે જંગલને, કેડીઓને
પંખીઓના આછા કલરવને, રખડપટ્ટીના અલ્લડ આનંદને તો-
ને બુડથલમાં પડશે, વિચારોમાં પણ લાવ્યા છો-
ગુલાબ-ખ્વાબ-અત્તરની શીશી ખુશબોઇ પ્રેમપત્રોને
ખેંચાણ સામસામું બંધાણ એકબીજાનું
ભંગાણ કો હૃદયના શુદ્ધ પ્રેમીઓનું
કે પછી પરિવર્તિત થતાં, ખુંખાર વહેમીઓનું
નોંધ: અગાઉની કવિતા બાદ ૨૦૨૨માં કવિતા નવી રીતે લખાઇ છે
આજે આટલું જ….