ઉત્સવ

શું યઝીદી કોમનું જાતીય નિકંદન નીકળી રહ્યું છે?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

દુનિયાના ઇતિહાસમાં ધર્મને આધારે ઘણી કોમનાં સામુહિક નરસંહાર (જિનોસાઇડ) થાય છે. બીજા વિશ્ર્વયુધ્ધ દરમિયાન યહૂદીઓથી માંડીને નેવુના દાયકામાં કાશ્મીરી હિન્દુઓને સામુહિક રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. વિશ્ર્વ આખાએ આવા ઘાતકી જાતીય નિકંદનની નોંધ લઈ એના પર ફિટકાર વરસાવ્યો છે. જોકે એક કોમનો નરસંહાર એવો છે જે વિશે બહુ ઓછાને ખબર હશે. યઝીદી કોમના સામુહિક જાતીય નિકંદન અને એમના પર થયેલા અત્યાચાર વિશે જાણવું જ જોઈએ.

યઝીદી ધર્મ વિશ્ર્વનો એક સૌથી પ્રાચીન ધર્મ ગણાય છે. મોટાભાગના મધ્યપૂર્વના દેશોમાં વસેલા છે. એમની બહુમતી ઉત્તર ઇરાકમાં છે. આજ વિસ્તારમાં કૂર્દ વસ્તી પણ છે. કૂર્દો સુન્નિ મુસ્લિમ ધર્મ પાળે છે. કેટલાક એવી દલીલ કરે છે કે યઝીદીઓ કૂર્દ વસ્તીનો જ એક ભાગ છે. યઝીદીઓ જે ભાષા બોલે છે એને ‘કૂમાનજી’ કહે છે.

યઝીદીઓ એક જ દેવતામાં માને છે. તેઓ માને છે કે તેઓ જે શક્તિની પૂજા કરે છે એમણે જ પૃથ્વી ઉત્પન્ન કરી છે. યઝીદી કોમની સૌથી વધુ વસ્તી ઇરાક, ટર્કી અને સીરિયામાં છે. જોકે આ ત્રણે દેશોમાં પણ તેઓ અતિસૂક્ષ્મ લઘુમતીમાં છે. આ ત્રણે દેશોના મુસ્લિમોને યઝીદીઓ પ્રત્યે ભારે તિરસ્કાર અને અણગમો છે. આનું મુખ્યકારણ એ છે કે યઝીદીઓએ ઇસ્લામ ધર્મ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. મધ્યપૂર્વના મુસ્લિમો માને છે કે યઝીદીઓ જે દેવતાની પૂજા કરે છે એ શેતાન છે ! ઇરાકમાં યઝીદીઓની સૌથી વધુ વસ્તી હોવાનું કહેવાય છે, પરંતુ એ સંખ્યા પણ ૭૦ હજારથી માંડીને ૫ લાખ જેટલી જ છે. સીરિયામાં તો ૧૫,૦૦૦ જેટલા યઝીદીઓ જ રહી ગયા છે. જ્યોર્જિયા અને અર્મેનિયામાં પણ કેટલાક યઝીદીઓ છે.

છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આ શાંત અને નિરઉપદ્રવી કોમ પર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા રાક્ષસી અત્યાચારો થયા છે. ‘યુનાઇટેડ નેશન્સ’ (યુ.એન.)ના કહેવા પ્રમાણે ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લીવેન્ટ’ (આઇએસઆઇએલ અથવા તો આઇએસઆઇએસ) દ્વારા યઝીદી કોમનું જાતીય નિકંદન કાઢવામાં આવ્યું છે. ઇરાકના કુર્દીસ્તાન વિસ્તારમાં રહેતા હજારો યઝીદીઓ પર અત્યાચાર કરીને એમને ભગાડવામાં આવ્યા છે. એમની હાલત આપણે ત્યાંના કાશ્મીરી હિન્દુઓ જેવી થઈ ગઈ છે. આઇસીસના આતંકવાદીઓએ યઝીદીઓની સ્ત્રીઓ તેમ જ બાળાઓને શારીરિક સંબંધ બાંધવા માટે ગુલામ તરીકે રાખી છે અને હજારો યઝીદી પુરુષોને ક્રૂરતાથી મારી નાખ્યા છે. યઝીદી કોમનું ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરવાની જેહાદ વખતે આ બધા અત્યાચારો થયા છે.

૨૦૦૭ના એપ્રિલ મહિનામાં ઇરાકના મોસુલ શહેરથી એક બસનું અપહરણ કરવામાં આવ્યું. આ બસમાંથી મુસ્લિમ અને ખ્રસ્તીઓને ઉતારી નાખી બાકીના ૨૩ જેટલા યઝીદી પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા. ૨૦૦૭ના જ ઓગસ્ટ મહિનામાં ક્યુહાતનીયાહ અને જઝીરા વિસ્તારમાં ચાર ટ્રક ભરીને બોમ્બ લઈ જવામાં આવ્યા. આ ટનબંધ બોમ્બને એક્સપ્લોઝ કરવાથી લગભગ ૫૦૦ જેટલા યઝીદીઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા અને ૧૫૦૦ જેટલા ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકન સરકારના કહેવા પ્રમાણે આ હુમલો અલ-કાયદાના આતંકવાદીઓએ કરાવ્યો હતો.

૨૦૧૪ની ૩જી ઑગસ્ટે આઇસીસના આતંકવાદીઓએ ઇરાકના સિનઝાર શહેર ઉપર હુમલો કરીને એનો કબજો લઈ લીધો હતો. આ વિસ્તારમાં યઝીદીઓની વસ્તી સારા એવા પ્રમાણમાં હતી. આતંકવાદીઓએ અહીં હજારો યઝીદીઓના ગળા કાપી નાખ્યા. આશરે ૫૦ હજાર જેટલા યઝીદીઓ ઘરબાર છોડીને નજીકના પહાડી વિસ્તારોમાં ભાગી છૂટ્યા. અહીં પણ આઇસીસના આતંકવાદીઓએ એમને ઘેરીને એમને ભૂખ્યા રાખી મારી નાખ્યા હતાં. ૨૦૧૪ની ૪થી ઓગસ્ટે યઝીદીઓના નેતા પ્રિન્સ તહેશીન સૈદ એમીરએ વિશ્ર્વના નેતાઓ સમક્ષ યઝીદી કોમને બચાવવા માટે અપીલ કરવી પડી હતી. ૩જી ઓગસ્ટે ઇરાકના એક ગામડામાં રહેતા ૧૦ જેટલા યઝીદી કુટુંબીઓએ ભાગવાની કોશીશ કરી ત્યારે આતંકવાદીઓએ ઘેરીને ૯૦ જેટલા પુરુષોની હત્યા કરી હતી. સ્ત્રીઓને ઊંચકી લઈ જઈ એમને સેક્સ માટે ગુલામ બનાવી દેવામાં આવી હતી. ૪થી ઓગસ્ટે યઝીદી વસ્તી ધરાવતા જબાલ સિંજાર પર હુમલો કરીને આતંકવાદીઓએ ૬૦ જેટલા યઝીદી પુરુષોની હત્યા કરી હતી. યઝીદીના નેતાઓના કહેવા પ્રમાણે સિંજાર ખાતે આતંકવાદીઓએ ૭૦ જેટલા યઝીદીઓના માથા વાઢી નાખ્યા હતાં. ૩જી ઓગસ્ટે ઢોલા ગામ નજીક ડઝન બંધ યઝીદીઓને મારી નાખવામાં આવ્યા હતા.

૨૦૧૪ની ૧૦મી ઓગસ્ટે ખૂદ ઇરાકની સરકારે કબૂલ કર્યું હતું કે આઇસીસના આતંકવાદીઓએ અગણીત સંખ્યામાં યઝીદી સ્ત્રી-પુરુષ અને બાળકોને ઉત્તર ઇરાકમાં જીવતા દાટી દીધા હતા. આ હત્યાકાંડમાં ૫૦૦ યઝીદી માર્યા ગયા હતા. કેટલાક યઝીદીઓ ભાગીને કુર્દીશોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ચાલ્યા ગયા હતા. એજ વર્ષમાં ૧૫મી ઓગસ્ટે યઝીદીઓના ગામ ખોજો ખાતે આતંકવાદીઓએ જઈને એમને ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું હતું, પરંતુ ધર્મપરિવર્તન કરવા માટે યઝીદીઓ સહમત ન થતા, ૮૦ જેટલા યઝીદીઓના માથા કાંપી નાખવામાં આવ્યા હતા. જે કેટલાક કુર્દીશોએ ડરના માર્યા ધર્મપરિવર્તન કર્યું એમને આઇસીસના સૈનિક તરીકે લડવા માટે સીરિયા મોકલી આપવામાં આવ્યા હતા.

એમ કહેવાય છે કે યઝીદીઓના જાતીય નિકંદન માટે સ્થાનિક સુન્નીઓએ પણ આઇસીસના આતંકવાદીઓને પૂરો સહકાર આપ્યો હતો. શરૂઆતમાં સુન્નીઓ યઝીદીઓને ભરમાવીને ગામ છોડવા દેતા નહોતા અને પછી આઇસીસના આતંકવાદીઓને બોલાવીને એમને મરાવી નાખતા હતા.

દુનિયામાં થયેલા બીજા સેંકડો જાતીય નિકંદનોની જેમ યઝીદીઓના જાતીય નિકંદનની સત્ય હકીકતો પણ દરેક માનવતાવાદી સુધી પહોંચવી જ જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…