છે સમય વ્યાજખોર વેપારી
આજે આટલું જ -શોભિત દેસાઈ
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી
-બાપુભાઈ ગઢવી
છે ને ટકોરાબંદ શેર! સામર્થ્ય છે જે પણ, એ કવિની કહેણીનું જ છે… વિષય તો ક્યાંથી નવા શોધી શકવાના
કવિની જમાતવાળાઓ!!! વેદ વ્યાસ એટલે જ તો મહાકવિ ગણાયા… બધું જ સર કરીને ગયા… એક પણ વિષય આવનારી અનેકાનેક કવિપેઢી માટે બાકી નથી રાખ્યો… અને છતાં શેક્સપિયરે ય થયા, હેમિંગ્વે ય થયા, ગાલિબેય થયા… કારણ? જે પણ થયા એની પાસે પોતાની, સાવ પોતાની અલગ કહેણી હતી…
હૈં ઔર ભી દુનિયામેં સુખનવર (કવિ) બહોત અચ્છે
કહતે હેં કી ગાલિબકા હૈ અંદાઝ-એ-બયાં ઔર
આ સાવ અહમ્ પ્રદર્શિત કરતા શેરનો કૌરાનિક અર્થ એટલો જ છે કે પોતાની શક્તિઓ ઉપરની અપાર શ્રદ્ધામાંથી નીપજતો અહમ અત્યંત વાજબી જ છે… અને એની કદર મર્યા બાદ તો મર્યા બાદ અને એ ય પાછા ખાસાં ત્રીસ વર્ષ પછી થશે જ… અને એ શરૂ થશે પછી રોજના ઓછામાં ૫૦થી ૧૦૦ની વચ્ચેના ચાહકો પાંચમી મે, ૨૦૨૪ સુધી તો મેળવશે જ… અને એ પછીના પ્રત્યેક દિવસદીઠ રોજના ૧૦૦થી ૧૫૦ ચાહકો… એટલે જ તો અનંત અસ્તિત્વ નામે મિર્ઝા અસદ્ઉલ્લાહ ખાં ગાલિબ ભવિષ્યયોગ પોતાનો પોતાના એક શેરમાં ભાખી જ ગયા છે…
મહેરબાં હો કે બુલા લો મુઝે ચાહો જીસ વક્ત
મૈ ગયા વક્ત નહીં હું કી ફીર આ ભી ના સકું
મારો ખુદની શક્તિઓ પર આવો તો આધાર ન હોય…
કાળ બહુ વસમો ચાલે છે, મારો એ વિસ્તાર ન હોય…
મનોજ ખંડેરિયા તો કેવડા મોટા, ખરા અર્થમાં મોટા ગઝલકાર/કવિ! કાળની કેડી ઉપર બહુ જ સુંદર ચાલે એમની જીવનયાત્રા પણ… પણ મોતને નાથવું ક્યાં શક્ય જ છે?!
કફન કો જેબ નહીં હોતી
મૌત રિશ્ર્વત નહીં લેતી
એ મનોજની ઘણી બધી ગઝલો ગુજરાતે વાંચી, મમળાવી, ઉપાડી, માથે મૂકી… કબૂલ… પણ એક એવી ગઝલ આજે મારા દિમાગથી તમારી આંખો સુધી પહોંચવા થનગની રહી છે કે આજે તો હું અત્યારે છલકાઈ રહ્યો છું. સીધુંસાદું ‘ગાલગાગા ગાલગાગા ગાલગા’નું મીટર છે, પણ સિદ્ધહસ્ત મનોજે એને ‘ગાલગા ગાગા લગાગા ગાલગા’માં બદલ્યું છે, અને એને લીધે તમે જાણે ગામની કોઈ વાડીના વડ પર લટકતા ઝૂલા ઉપર બેઠા હો એવું તમને લાગે તો જરૂર જણાવજો. ઝૂલાને જ્યારે પગથી ઠેસ વાગે ત્યારે શેર પૂરો થાય છે એવું લાગે તો પણ મને જણાવજો.
પાનખર પગલાં ભરે ઘડિયાળમાં
પાંદડાં ટન ટન ખરે ઘડિયાળમાં
દાબી દઈ બે હાથમાં ટક ટક અવાજ
મૌનને કહો વિસ્તરે ઘડિયાળમાં
ચીરતા કાંટા પળોના દેહને
કેટલું લોહી ઝરે ઘડિયાળમાં
(કાળપંખી આવીને ઊડી જતાં)
આંગણું સૂનું તરે ઘડિયાળમાં
ટેકવી કાંટા ઉપર મસ્તક સમય
રાતભર જાગ્યા કરે ઘડિયાળમાં
તમારી સાથે આ ગઝલ તવફયિ કરતાં આનંદ એ આવ્યો કે કૌંસમાં મૂકેલી પંક્તિ મેં બનાવી લીધી, કારણ? યાદ નહોતી આવતી! અને આ ગઝલે ૬૦ વરસ પહેલાં ગુજરાતી ભાષાને તરબતર કરી હોય તો કાળપંખી નામનો સહેજ કર્ણકટુ શબ્દ પણ ચાલે જ… જી હા… ૬૦ વર્ષ પહેલાં આ ગઝલ લખાઈ હતી, એવો સમય જોયો છે ગુજરાતી ગઝલે…
આજે આટલું જ…