મુસાફરોની જિંદગી જેના હાથમાં હોય છે એ પાઇલટના જીવ જોખમાઇ રહ્યા છે?
ઉડ્યનના લાંબા કલાકો અને ડયૂટી સમયમાં થતાં સતત ફેરફારો પાઇલટને શારીરિક અને માનસિક એમ બન્ને રીતે થકવી નાખે છે
ફોકસ -આરોહી પંડિત
ગયા વર્ષે ૪૦ વર્ષના એક પાઇલટને નાગપુર એરપોર્ટ પર જ હાર્ટએટેક આવ્યો અને તેનું તત્કાળ મૃત્યું થયું. થોડી મિનિટ બાદ તો એ ફલાઇટ લઇને પુણે પહોંચવાનો હતો. સેફટી મેટર્સ ફાઉન્ડેશનના કૅપ્ટન અમિતસિંઘના કહેવા પ્રમાણે છેલ્લા થોડા વર્ષોમાં ટેમ્પરરી કે કાયમી અનફિટ જાહેર થતાં પાઇલટની સંખ્યા વધી ગઇ છે. તેઓ વધુમાં જણાવે છે કે વિમાનના પાઇલટ જે થકાનનો અનુભવ કરે છે તેને લઇને હૃદયની બીમારી વધી શકે છે.
પાઇલટ બનવું અઘરું છે જ, પણ પાઇલટ તરીકે જીવવુંય હવે વધુ મુશ્કેલ થતું જાય છે. એરલાઇન્સ કંપનીઓમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે તેની અવળી અસર ક્યારેક પાઇલટના કામકાજ પર પણ પડી શકે છે અને પડી રહી છે. ઘણી વાર પાઇલટને એવી ફરજ આપવામાં આવે છે જેને કારણે તેની વિમાન ઉડાડવાની ડયૂટી એક જ દિવસમાં ૧૦ કલાકથી પણ વધી જાય છે. ઘણી વાર ઉપરાછાપરી નાઇટ ડ્યૂટી પણ તેને ફાળે આવતી હોય છે જે શરીરના નિદ્રાચક્ર (સર્કેડિયન રિધમ)ને ખોરવી શકે છે. આવી બાબતો પાઇલટને થકવી નાખતી હોય છે એમ તાજેતરમાં સેફટી મેટર્સ ફાઉન્ડેશન નામાની આ ગેરસરકારી સંસ્થા દ્વારાથયેલા એક સર્વેક્ષણમાં બહાર
આવ્યું છે.
આ સર્વેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતા ૫૩૦ પાઇલટને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા એમાં એક વાત એ જાણવા મળી હતી કે ૭૦ ટકા પાઇલટ એવા હતા જે સાધારણ ફલાઇટ ઉડાડવાનો સમય છ કલાક માટેનો હોય છે એના કરતાં ઘણો વધુ સમય એટલે કે લગભગ ૧૦ કલાક આપતાં હતાં.
આ ઉપરાંત પાઇલટ થકાન અનુભવે છે તેનું બીજું પણ એક કારણ છે. તેમણે તેમની સર્વિસ દરમ્યાન વિમાન બદલવાની નોબત પણ આવતી હોય છે જેને ‘ ટેઇલ સ્વેપ’ કહેવાય છે. આમાં પાઇલટ સીધો જ એક વિમાનમાંથી બીજા વિમાનમાં નથી જઇ શકતો. તેણે અગાઉ નિયત થયેલા વિમાનમાંથી ઉતરીને ટર્મિનલ બિલ્ડિંગમાં જવાનું હોય છે.સલામતી માટેની સ્ક્રિનિંગ પ્રોસેસમાં પસાર થવાનું હોય છે. નવા વિમાનમાં પ્રવેશ માટે જરૂરી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ૬૩ ટકા પાઇલટને આ પ્રક્રિયાઓમાં પસાર થવાનો થાક લાગતો હોય છે એમ સર્વે જણાવે છે.
આ સર્વે પ્રમાણે ૮૪ ટકા પાઇલટોએ જણાવ્યું હતું કે કામની શિફ્ટમાં અણઘડ રીતે થતાં ફેરફાર અમને થકવી નાખે છે. દા.ત. એક દિવસે સવારે પાંચ વાગ્યાની ડ્યૂટી હોય તો બીજે દિવસે રાત્રે આઠ વાગે હાજર થવાનું ફરમાન આવે છે. આવી બદલાતી પાળીઓથી શરીર ઊંઘ સાથે તાલ મેળવી નથી શકતું અને તબિયત પર અસર પડી શકે છે. ૮૧ ટકા પાઇલટના મંતવ્ય પ્રમાણે કામના વધુ સમય અને આરામ માટે ઓછો સમય થકવી નાખે છે. ૮૩ ટકા પાઇલટનું કહેવું છે કે ઉપરાછાપરી રાત્રિના સમયે વિમાન ઉડાડવાનું થાય છે એને કારણે શરીર થાકી જાય છે. ૭૦ ટકા પાઇલટનું માનવું છે કે એક જ સમયે ૧૦ કલાકથી વધુ ફરજ પર હાજર રહેવાનું થાય છે તેમાં ઘણો થાક લાગે છે.
સર્વેમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબ આપવા ઉપરાંત ૧૭૭ પાઇલટોએ પોતાની હાડમારી વિશેના મંતવ્યો લેખિતમાં આપ્યા હતા જેમાં તેમને કામ અને અંગત જિંદગી વચ્ચે બેલેન્સ જાળવતા કેવી તકલીફ પડે છે તેનો ચિતાર આપવામાં આવ્યો હતો. રોસ્ટર ઇન્સ્ટેબિલિટી અર્થાત્ ડ્યૂટી સમયમાં અચાનક થતાં ફેરફાર તેમની અંગત લાઇફ પણ બગાડે છે. એક પાઇલટે તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેને પોતાની એરલાઇનમાંથી વહેલી સવારે ૨.૩૦ વાગે ફોન આવ્યો કે તમારે આજની સવારે ૫.૦૦ વાગે નિયત થયેલી ડ્યૂટી પર આવવાનું નથી. આરામના મર્યાદિત સમયમાં આવતા આ કૉલ ખલેલરૂપ
હોય છે.
આ ઉપરાંત બીજી પણ ઘણી ફરિયાદો પાઇલટોએ કરી હતી જેમ કે ઘણી વાર સતત ૬-૭ દિવસ કામ કર્યા પછી એક દિવસ માટે તેમને ઘરે જવા માટે રજા મળે છે. તેમને જોઇએ ત્યારે અને જોઇએ એટલી રજા નથી મળતી એ પણ પાઇલટને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે.
હાલ તો આ સર્વે ડાયરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ને સોંપી દેવામાં આવ્યો છે જે અનુસાર શું સુધારા-વધારા કરવા તેની સૂચના એરલાઇન્સને પહોંચાડી દેવામાં આવી છે. આ સૂચનાનું કડક પાલન ૧ જૂનથી કરવાની હિમાયત પણ કરવામાં આવી હતી પણ માર્ચ મહિનામાં વિવિધ એરલાઇનોએ પોતાનો પક્ષ મૂક્યા પછી ડીજીસીએએ આ સમય મર્યાદા પાછી ખેંચી છે.
જોઇએ હવે આગળ આનો શું નિકાલ આવે છે અને પાઇલટ્સ માટે રાહતના કોઇ સમાચાર આવે છે કે કેમ?