સુખનો પાસવર્ડ : આઇપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની સંઘર્ષમય પ્રેરકકથા
આશુ પટેલ
થોડા સમય અગાઉ હું જામનગરના પ્રવાસે ગયો હતો એ વખતે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રેમસુખ ડેલુને મળ્યો. એમની જીવનસફર ખરેખર રોમાંચક છે.
પ્રેમસુખ ડેલુ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નાનકડા ગામડા રાયસરમાં એક અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યા. પિતા ખેડૂત. એમની પાસે જમીનનો નાનકડો ટુકડો હતો. એના પર ખેતી કરીને ઘરનું ગુજરાન કરી શકે એવી કોઈ જ શક્યતા નહોતી એટલે એ ઊંટગાડી પણ ચલાવતા હતા.
ડેલુ કિશોરાવસ્થામાં ભણવાની સાથેસાથે પિતાને મદદ પણ કરતા રહેતા હતા. પશુઓ માટે એ ખેતરોમાંથી ચારો લાવતા હતા, જરૂર પડે ત્યારે ઊંટગાડી પણ ચલાવતા, પશુઓને ચરાવવા લઈ જતા હતા અને ખેતીમાં પણ પિતાને મદદ કરતા હતા.
ડેલુને બાળપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ હતો, પણ એમના અભ્યાસ પાછળ પૈસા ખર્ચવાની કુટુંબની ક્ષમતા નહોતી. એમણે ગામની સરકારી શાળામાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ઘણી વાર પૈસાના અભાવને લીધે એ પુસ્તકો કે અભ્યાસ માટે ઉપયોગી એવી અન્ય સામગ્રી પણ સમયસર ખરીદી શકતા નહોતા. પિતા ગરીબ હતા, પરંતુ દીકરાના અભ્યાસ માટે ક્યાંકથી પણ પૈસા આવે એટલે એ તરત પુસ્તકો અને અન્ય વસ્તુઓ ખરીદી લાવતા.
આવી સ્થિતિમાં દસમા ધોરણ સુધી ગામમાં અભ્યાસ કર્યા પછી ડેલુએ બિકાનેરની ડુંગર કોલેજમાં બાયોલોજી વિષયમાં બારમા ધોરણની પરીક્ષા આપી. એ ડોક્ટર બનવા ઈચ્છતા હતા,પરંતુ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષામાં સફળતા મળી નહીં.
જોકે, ડેલુ બાળપણથી કોઈ મુદ્દે હાર સ્વીકારવાનું શીખ્યા ન હતા. મેડિકલની પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળતા પછી બિકાનેરની મહારાજ ગંગાસિંહ યુનિવર્સિટી’ માંથી બીએ કર્યું. ઈતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. એમનું લક્ષ્ય એક જ હતું : હું ભણીગણીને આગળ વધુ અને કુટુંબની આર્થિક સ્થિતિ સારી બનાવી દઉં.’
ગ્રેજ્યુએશન પછી એમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું એમાં 2010માં એમણે પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી પછી એમને બિકાનેર જિલ્લાના જ એક ગામડામાં પટવારી (તલાટી) તરીકે નોકરી મળી. જોકે એ નોકરીથી ડેલુને સંતોષ નહોતો.
એમણે તો થોડી આવક શરૂ થાય અને કુટુંબને મદદરૂપ બની શકાય એ માટે જ એ નોકરી સ્વીકારી લીધી હતી.
એ દરમિયાન અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ ચાલુ રાખી હતી. એ જ વર્ષે રાજસ્થાનમાં ગ્રામસેવક બનવા માટેની પરીક્ષા આપી અને એ પરીક્ષા પાસ તો કરી જ, પરંતુ આખા રાજયમાં એ બીજા નંબરે આવ્યા. એ પછી એમણે આસિસ્ટન્ટ જેલર બનવા માટેની પરીક્ષા આપી એમાં એ આખા રાજસ્થાનમાં પ્રથમ નંબરે આવ્યા. બીજા વર્ષે એટલે કે 2011ના વર્ષમાં એમણે બીએડની ડિગ્રી મેળવી અને એ પછી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં સ્કૂલ ટીચર બનવા માટેની પરીક્ષા પણ પાસ કરી. થોડા સમય માટે બિકાનેરના કતરિયાસર ગામમાં સ્કૂલ શિક્ષક તરીકે ફરજ પણ બજાવી તો થોડો સમય એમણે સબ ઇન્સ્પેકટર તરીકે પણ નોકરી કરી.
આ પણ વાંચો : મિજાજ મસ્તી : પીંછાથી છાતીમાં છૂંદાતી કથા: `ધ વેજિટેરિયન’
એ પછી એમણે લેકચરર બનવા માટેની નેટ' અને
ટેટ’ ની પરીક્ષાઓ પણ પાસ કરી. નેટની પરીક્ષા પાસ કર્યા પછી થોડા સમય માટે એમણે કોલેજમાં લેક્ચરર તરીકે પણ નોકરી કરી અને એ નોકરી કરતા-કરતા એમણે આરપીએસસીની (રાજસ્થાન પબ્લિક સર્વિસની) સ્પર્ધાત્મક પરીક્ષા આપી. એ પછી એમને રેવન્યુ સર્વિસમાં તહસીલદાર (મામલતદાર) તરીકે નોકરી મળી ગઈ.
જો કે મામલતદાર બન્યા પછી પણ એમણે ભણવાનું તો ચાલુ જ રાખ્યું. ઘરના સભ્યો તો કહેતા હતા કે હવે બહુ થઈ ગયું. તું આખા તાલુકાનો વડો બની ગયો છે. હવે વધુ મહેનત કરવાની જરૂર નથી.' જો કે ડેલુની મહત્ત્વાકાંક્ષા ખૂબ ઊંચી હતી. એ અજમેરમાં તહેસીલદાર (મામલતદાર) તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન જ એમણે
યુપીએસસી’ની અત્યંત કઠિન પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. મામલતદાર તરીકે ફરજ બજાવતા-બજાવતા અભ્યાસ પર ધ્યાન આપવાનું કામ અઘં હતું, પરંતુ ડેલુ એક-એક મિનિટનો સદુપયોગ કરતા હતા.
એમણે કોઈ પણ પ્રકારના કોચિંગ વિના જ એ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી હતી. એમને ભરોસો હતો કે હું `યુપીએસસી’ની પરીક્ષા આપીને આઈપીએસ અધિકારી બની શકીશ. પોતાના મોટા ભાઈ હેડ કોન્સટેબલ બન્યા હતા એમના પરથી ડેલુને આઇપીએસ અધિકારી બનવાની પ્રેરણા મળી હતી. છ વર્ષ દરમિયાન અનેક પરીક્ષાઓ પાસ કર્યા પછી અને નોકરીઓ કર્યા પછી એમણે 2015માં યુપીએસસીની પરીક્ષા આપી એમાં તેમણે 170મી રેન્ક મેળવી અને હિન્દી માધ્યમના સફળ ઉમેદવારોમાં એ ત્રીજા નંબરે આવ્યા.
ડેલુને પ્રથમ પોસ્ટિંગ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એએસપી તરીકે મળ્યું હતું. એ પછી તો એમણે અમરેલી અને અમદાવાદમાં પણ ફરજ બજાવી.
ડેલુ કહે છે કે રસ્તો ભલે ગમે એટલો મુશ્કેલ હોય, પરંતુ મંઝિલ સુધી પહોંચવાનો જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી. ડેલુએ છ વર્ષની અંદર નવ સરકારી નોકરીઓ મેળવી. એમણે સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિમાં પણ ક્યારેય હિંમત હારવાનું પસંદ કર્યું નહોતું. અને એ કહે છે કે મેં જેટલી પણ નોકરીઓ કરી એને કારણે મને કંઈક કશુંક શીખવા મળ્યું. જુદા જુદા સ્તરે સરકારી નોકરી કરવાને કારણે મને લોકોને અને સમાજને સમજવામાં ઘણી મદદ મળી.આસિસ્ટન્ટ જેલર અને સબ ઈન્સ્પેકટર બન્યા પછી મને એ વાત સમજાઈ કે પોલીસ કર્મચારીઓની શું તકલીફો છે. તો મહેસૂલ વિભાગમાં કામ કર્યું એટલે જમીન અને સંપત્તિ સંબંધિત મામલાઓ સમજવાનો અનુભવ મળ્યો. અને શિક્ષક તરીકે નોકરી કરતી વખતે સમાજને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી.
ડેલુ ઉમેરે છે કે દુનિયા સફળતાને પૂજે છે. પોતે ઘણી વાર વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધતા હોય છે અને બિકાનેરમાં આવી જ રીતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે એમણે કહ્યું હતું કે દુનિયા સફળતાને પૂજે છે,સફળ વ્યક્તિને સમ્માન આપે છે. એમને સફળ વ્યક્તિઓની વાત સાંભળવામાં રસ પડે છે એવું નથી કે નિષ્ફળ વ્યક્તિઓ સાથે કશું કહેવા માટે નથી હોતું, પરંતુ દુનિયા નિષ્ફળ વ્યક્તિઓને સાંભળવા તૈયાર નથી એટલે તમારી વાત લોકો સાંભળે, તમારી જીવનસફરમાં લોકોને રસ પડે, તમારી સક્સેસ સ્ટોરી સાંભળવામાં લોકોને રસ પડે એવું તમે ઈચ્છતા હો તો તમારે સખત મહેનત તો કરવી પડશે.
ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસની પાછળ ઘેટાઓની જેમ દોડતા હોય છે. એમણે ડેલુના જીવન પરથી પ્રેરણા લેવા જેવી છે. ડેલુએ પોતે ગરીબ કુટુંબમાં જન્મ્યા હોવા છતાં, કોઈ આર્થિક સહાય વિના, કોચિંગ ક્લાસમાં ગયા વિના કેટલીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શક્યા અને અત્યારે એ આઈપીએસ અધિકારી તરીકે હાઇ પ્રોફાઇલ હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે.
નાની-નાની તકલીફો આવી પડે ત્યારે રોદણાં રડવા બેસી જતા યુવક-યુવતીઓએ તો પ્રેમસુખ ડેલુ વિશે ખાસ જાણવું જોઈએ. માણસ નિશ્ચય કરી લે તો ગમે એવા વિકટ સંજોગોમાં પણ તે પોતાનો રસ્તો કાઢી શકે છે એનો વધુ એક પુરાવો આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુ છે.
બીજા શબ્દોમાં કહીએ તો દરેક વ્યક્તિ પાસે સુખનો પાસવર્ડ હોય જ છે. એ પાસવર્ડ શોધવા માટે મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ…