IPLની ટીમ્સ શીખવે છે બ્રાન્ડ વેલ્યુએશનના પાઠ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
એક સમય હતો જ્યારે બ્રાન્ડના માર્કેટિંગ પ્લાનમાં દિવાળી માટે ખાસ અલગથી બજેટ રાખવામાં આવતું. બ્રાન્ડ માટે આવીજ બીજી એક મોટી તક છેલ્લાં ૧૫ વર્ષથી ઊભી થઇ છે , જેના માટે બ્રાન્ડ અલગથી સારું એવું બજેટ પ્લાન કરે છે અને તે તક એટલે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ). ક્રિકેટની અને સ્પોર્ટ્સ
જગતની એક મોટી લીગ કહી શકાય. આપણે ઘણીવાર વિચારતા હશું કે IPL ટીમના માલિકો અથવા ટીમ કઈ રીતે કમાતી હશે? આનું ગણિત ઘણીવાર સમજવું અઘરું હોય છે, કારણ કે એ લોકો કોઈ
પ્રોડક્ટ કે સર્વિસ નથી વેચતા. આને આજે સમજવાનો પ્રયત્ન કરીએ ને તેનાં કારણ જાણીએ..ટીમની વાત કરતાં પહેલાં અમુક આંકડા IPLના જોઈએ તો: આ ઇવેન્ટ ૨ મહિના જેટલી ચાલે છે. વિચારો ૧૨ મહિનામાંથી ૨ મહિના લોકો આની સાથે જોડાયેલા હોય છે. કઈ ઇવેન્ટ આટલી લાંબી ચાલતી હશે! ૧૫ વર્ષથી સતત આ ક્રમ ચાલુ છે. ૧૦ શહેરોમાં એની મેચો રમાય અને એ પણ બાળકોના વેકેશન દરમિયાન. આજે IPL ફક્ત એક સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી, પણ એક મોટી કોર્પોરેટ કંપની હોય તેવું સ્વરૂપ લઇ ચૂકી છે. આજે તેનું વેલ્યુએશન ૧૦.૭ બિલિયન ડોલરને પાર કરી ગયું છે. ૨૦૦૮માં શરૂ થઇ આજે ૨૦૨૩ સુધી વિચારીયે તો લગભગ ૪૩.૩ % નો ગ્રોથ છે.
આપણને લાગશે કે આ તો કમાલ થઇ ગઈ કે આવો તે કોઈ વેપાર જેનું પ્રોડક્ટ કે સર્વિસ નથી કે એ આટલું મોટું વેલ્યુએશન મેળવે અને તે પણ ૧૫ વર્ષોમાં! તમને નવાઈ લાગશે કે આપણી આ IPL લીગ દુનિયાની રમતગમતની અન્ય લીગ્સ કરતાં ઘણી પાછળ છે. રમતગમતમાં લીગ અને કલબનો વેપાર બહુ મોટો છે.
આ તો થઇ લીગની વાતો, હવે આ લીગમાં જોડાયેલી ક્લબ અથવા ટીમની વાત કરીયે તો; IPLમાં સૌથી
વધુ વેલ્યુએશન ધરાવતી ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ. આપણને લાગશે કે તે સ્વાભાવિક છે કારણ એ પાંચ વાર કપ જીત્યા છે. આ વાત સાચી , પણ એ પૂર્ણ સત્ય નથી, કારણ કેદ ૧૫ વર્ષમાં એક પણ વાર ન જીતેલી રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ચોથા સ્થાને છે. લીગ અને ક્લબનો પૂર્ણ મદાર એના ફેન ફોલોઇંગ પર છે. હાર – જીત તો આ આખી રમતના વિવિધ પાસાઓમાંનું એક પાસું છે. સ્વાભાવિક છે કે બ્રાન્ડ જ્યારે આ ઇવેન્ટ માટે અલગથી બજેટ રાખે છે ત્યારે એ ટીમ સાથે કઇ રીતે જોડાઈ શકાય તે પણ વિચારે છે. આ સમયે બ્રાન્ડ હાર- જીત નહિ પણ કોનું કેટલું ફેન ફોલોઇંગ છે, કઈ ટીમ વર્ષ દરમિયાન કેટલી એક્ટિવ છે, કોણ તેની સાથે સંકળાયેલું છે વગેરે બાબતને સમજી બ્રાન્ડવાળા સાથે જોડાશે.
IPLની વિવિધ ટીમ કઇ રીતે કમાણી કરે છે અને કઇ રીતે પોતાનું વેલ્યુએશન બનાવે છે તેને જાણવાનો પ્રયત્ન કરીએ. આને સમજવા આપણે બેંગ્લોર ટીમનું ઉદાહરણ જોઈએ, કારણ કે એ ટીમ એક પણ વાર આ લીગ જીતી નથી, છતાં એનું વેલ્યુએશન તગડું છે. એ પહેલા ટીમ્સ કઇ રીતે કમાય છે તે જોઈએ.
ટીમ માટે કમાવવાની મુખ્યત્વે પાંચ રીત છે. પહેલો : BCCI મીડિયા અને સ્પોન્સરશિપ રાઈટ્સ વેચે છે. કોઈ પણ લીગ માટે આ સૌથી મોટું રેવેન્યુ કમાવવાનું સાધન છે. રાઈટ્સથી જે રેવેન્યુ ઊભું થાય તેના ૫૦ % BCCI પોતાની પાસે રાખે અને ૪૫ % ટીમને સરખે ભાગે વેચી દે,. બચેલા ૫ % જીતનારી ટીમને મળે.
બીજી રીત : તમે લીગ ફાઇનલમાં જીતી પ્રાઈઝ મની મેળવો. ત્રીજી રીત: જેના માટે ટીમે પોતે મહેનત કરવાની હોય છે તે એટલે પોતાની ટીમ માટે સ્પોન્સર લાવવા, આપણે જર્સી, હેલ્મેટ, બેટ વગેરે પર વિવિધ બ્રાન્ડના લોગો જોઈએ છીએ. ટીમ એ લોકોની સ્પોન્સરશિપ લઇ રેવેન્યુ ઊભું કરે છે.
ચોથી રીત: સ્ટેડિયમની ટિકિટ અને મેર્ચેન્ડાઇસમાંથી જે કમાણી થાય તેના ૨૦% BCCI લઇ જાય અને ૮૦% ટીમેને મળે અને પાંચમી રીત એટલે રોયલ્ટી- લાઇસન્સ- ટ્રાન્સફર દ્વારા રેવેન્યુ કમાવવું.
હવે આમાં પહેલો મુદ્દો છોડી બાકીના ચાર મુદ્દા ટીમ કઇ રીતે પોતાને લોકો સમક્ષ મૂકે છે અને કેટલું ફેન ફોલોઇંગ લાવે છે તેના થકી રેવેન્યુ ઊભું કરશે. બધી ટીમ પણ આ વાત જાણે છે, પણ બેંગ્લોરે અમુક રીતે પોતાને આ વાતોમાં આગળ રાખી છે.
માર્કેટિંગનું એક પાસું એટલે તમે કોની સાથે જોડાયેલા છો જેને એસોસિએશન’ કહે છે. બેંગ્લોર પાસે પહેલેથી મોટાં નામ છે જેમકે વિરાટ, ગેલ, ડિવિલિયર્સ,ઈત્યાદિ વાત ફક્ત એમને ટીમમાં લેવાની નથી, પણ વર્ષો સુધી પોતાની સાથે જોડી રાખવાની છે. વિરાટ આજે દુનિયાનો ત્રીજો સૌથી વધારે ફોલો થતો સ્પોર્ટ્સમેન છે. વિચારો આનો કેટલો મોટો ફાયદો બેંગ્લોરની ટીમને મળી શકે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન આ ખેલાડીઓ વિવિધ વાતોથી લોકો સાથે જોડાયેલા રહે છે. તે પછી ટૂર્નામેન્ટ પહેલાની અનબોક્સ પાર્ટી હોય, સ્ટેડિયમમાં લોકોને અપાતો અનુભવ હોય કે પછી પોતે શરૂ કરેલા કેફે હોય અથવા જે લેજેન્ડ પ્લેયર નિવૃત્ત થાય એમની સાથે થતી પ્રવૃત્તિઓ હોય. આ બધી વાતો એમને દર્શકો-એમના ચાહકો સાથે જોડી રાખે છે અને તેના થાકી આજે એ રમતગમત જગતની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થતી છઠ્ઠી બ્રાન્ડ છે.
આ શક્ય ત્યારે થયું જ્યારે બેંગ્લોરે પોતાને એક સ્પોર્ટ્સ ટીમ કે ક્લબ ન ગણતા એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે પોઝિશન કરી છે- ઊભરી છે. આ બેંગ્લોર ટીમેનો માસ્ટર સ્ટ્રોક હતો. આજે તે એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને નહિ કે ફક્ત સ્પોર્ટ્સ બ્રાન્ડ તરીકે… કહેવાનું તાત્પર્ય એ કે સમજી વિચારીની આ બધી વ્યૂહરચના બનાવવામાં આવે છે ત્યારે તમે હાર – જીતથી પરે, માર્કેટ લીડરથી પરે, નફાની પરે એક વેલ્યુએબલ બ્રાન્ડ બનો છો. ખરા અર્થમાં જેને માર્કેટિંગની ભાષામાં કહેવાય છે તેમ ‘લવ્ડ બ્રાન્ડ- લોકોની ચાહિતી બ્રાન્ડ’ તરીકે સ્થાપિત થાવ છો.