ઉત્સવ

ઓળખનો આયનો તમારો હીરો કે રૉલ-મૉડેલ કોણ?

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: તમે, તમે બનીને રહો તો યે ઘણું છે. (છેલવાણી)
બે જુવાન છોકરા ઊંચી ઇમારતની ટેરેસ પરના ઓપન બારમાં બિયર પીતાં પીતાં બેઠા હતા. પહેલા છોકરાએ કહ્યું, ‘જો મને હજી એક બિયર પીવા મળે, તો હું ખરેખર હવામાં ઊડીને બતાડું.’
બીજાએ હસીને કહ્યું, ‘જા, જા. એવું કંઈ થોડું હોય!’
તો પહેલા છોકરાએ બીજા સાથે શરત લગાડી. પછી એણે વધુ એક બિયર ગટગટાવ્યો…અને જોતજોતામાં તરત ટેરેસ પરથી કૂદવા લાગ્યો. એના મિત્રએ એને રોક્યો પણ પેલો માન્યો નહીં અને નીચે કૂદી પડ્યો..

પછી એ પહેલા માળ સુધી તો નીચે ગયો પણ ત્યાર બાદ તરત જ એ અટકીને ત્યાં બાજ પક્ષીની જેમ હવામાં ગોળ ગોળ ઊડવા લાગ્યો. એનો મિત્ર અને બીજા બધા આ કમાલની હરકત જોઇને છક્ક થઇ ગયા!

પછી પહેલા છોકરાએ ટેરેસ પર ઉડતા ઉડતા પાછા આવીને કહ્યું : ‘જોયું? કેટલું સહેલું છે? આ તો તું યે કરી શકે છે.’

આ સાંભળીને બીજા છોકરાએ પણ બિયરની બોટલ ગટગટાવી અને એણે પણ ટેરેસ પરથી છલાંગ લગાવી, પણ એ તો ધડામ દઈને નીચે ફૂટપાથ પર પછડાઇને ત્યાં નો ત્યાં જ મરી ગયો….
આ જોઇને બાર ટેન્ડરે પહેલા છોકરાને કહ્યું, ‘અલ્યા સુપરમેન, દારૂ પીને તું હદથી બહાર જાય છે. સીધા સાદા માણસ સાથે આવી તે મજાક કરાય?’

ઇન શોર્ટ, પેલો પહેલો છોકરો સુપરમેન હતો. એની પાસે વિશેષ શક્તિ હતી એટલે ઉડવું સાવ સહેલું હતું, પણ એનો દાખલો બીજું કોઇ લે તો જાનથી જાય.

માનશો નહીં પણ પ્રખર વૈજ્ઞાનિક સ્ટિફન હોકિંગે પણ કહેલું કે- જો મારે સુપર હીરો બનવા માટે કોઈ પાત્રને પસંદ કરવાનું હોય, તો હું સુપરમેનને પસંદ કરીશ. કારણ કે ‘એનામાં તે બધું જ છે જે મારામાં નથી.’ સારું છે કે સ્ટીફન, ૨૧માં વરસથી પેરેલાઇઝ્ડ હતા એટલે સુપર મેનની જેમ અગાશી પરથી કૂદવાની મૂર્ખાઇ કરી નહોતી.

જાણે- અજાણે આપણા જીવનમાં પણ કોઈક તો હોય છે જેને આપણે હીરો માનતા હોઈએ છીએ. જે આપણી અધૂરી મહત્ત્વાકાંક્ષાઓ કે અધૂરી ઈચ્છાઓને પોતાના જીવનમાં ઉજાગર કરી શકે છે, જે આપણે આપણી ૯થી ૫ની નોકરી કે દુકાન-ધંધાવાળા સામાન્ય જીવનમાં કદી યે નથી કરી શકવાના ને જાણે-અજાણે એમને આદર્શ બનાવી બેસીએ છીએ, પરંતુ આપણો હાડ-ચામનો હીરો પણ આપણી જેમ જ સામાન્ય માણસ હોય છે. એ પણ આપણી જેમ ભૂલો કરે છે, ગુસ્સો કરે છે કે પાગલ પણ હોઇ શકે છે. તમારા હીરોએ જે મહાન કામ કર્યું છે એના માટે એને પ્રેમ કરો- પ્રશંસા કરો, પણ એની પૂજા ના કરવાની હોય! શરદબાબુની વિખ્યાત નોવેલ દેવદાસમાં પ્રેમમાં દારૂ પી-પીને જીવન બરબાદ કરનાર જુવાન, ત્યારે અનેકોનો હીરો હતો ને સમાજમાં એની ખૂબ ટીકા પણ થયેલી.
…આજે કદાચ લોકોને ડ્રંક દેવદાસમાં રિઝ્ઝ કે અદા દેખાતી હોત!

ઇંટરવલ:
હું માનવી, માનવ થાઉં તો ઘણું. (સુંદરમ)
તમે કદી વિચાર્યું છે કે તમારો હીરો કોણ ને શા માટે છે? એનામાં એવું તે શું વિશેષ છે, જે આકર્ષે છે?
નાનકડા મોહન ઉર્ફ મહાત્મા ગાંધીએ નાનપણમાં રાજા ‘હરિશ્ર્ચંદ્ર’ નામનું નાટક જોયું અને સત્યવાદી ‘હરિશ્ર્ચંદ્ર’ એમનો માત્ર હીરો જ નહીં પણ આજીવન રોલ-મોડેલ કે પ્રેરણામૂર્તિ બની ગયો. જ્યારે હિટલરના આગ ભભૂકતાં ભડકાઉ ભાષણો અને વિચારોથી આકર્ષાઇને અનેક જર્મન લોકોએ એને હીરો અને રોલ-મોડેલ બેઉ માની લીધો. એને કારણે ધર્માંધ જર્મનોએ લાખો યહૂદીઓની જાણી જોઇને ઇરાદપૂર્વક ઠંડે કલેજે હત્યાઓ કરી. વળી હિટલરને આદર્શ માનનારા એ ઝઝૂની જર્મન લોકોમાં અનેક ડોક્ટરો, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો ને કલાકારો-લેખકો પણ હતા, જેમણે યહૂદીઓને ગેસ ચેંબરમાં ગૂંગળાવીને મારી નાખ્યા, એમને બાળીને, એમના હાડકામાંથી સાબુની ગોટીઓ બનાવેલી! આનું કારણ એ છે કે લોકો એ નથી વિચારતા કે એમના હીરોમાં પણ વ્યક્તિગત નબળાઈઓ હોઇ શકે ને એ પણ ઘણાં ઘૃણાસ્પદ કૃત્યો કરી શકે.

ખરેખર તો ‘હીરો’ અને ‘રોલ-મોડલ’ વચ્ચે એક પાયાનો તફાવત છે. હીરો, જાહેરમાં પોતાનાં ગુણ કે શક્તિ કે વ્યક્તિત્વનું પ્રદર્શન કરે છે. એ દેવઆનંદથી લઇને વિવેકાનંદ સુધી કોઇપણ હોઇ શકે છે. દેવઆનંદ જેવા વાળ, કાળું શર્ટ અને અદાઓવાળા અનેક લોકો એમને હીરો માનતા , પણ સ્વામી વિવેકાનંદને રોલ-મોડેલ માનીને એમના વિચારોને અનુસરનારા બહુ ઓછા પણ વીરલા હશે. રોલ-મોડલ કે પ્રેરણામૂર્તિ આપણા મા-બાપ, કોઇ મિત્ર કે પડોશી, કોઇ શિક્ષક, આપણા ભાઈ-બહેન કે કોઇ વિચારક-લેખક-રાજકારણી…કોઈ પણ હોઇ શકે છે.

આદર્શ વાત તો એ છે કે આપણે ફક્ત હીરો બનવાને બદલે એક રોલ-મોડલ બનવાની ઇચ્છા રાખવી જોઈએ, પણ મોટે ભાગે એમ થતું નથી. રજનીકાંતની સ્ટાઇલ, બ્રૂસ-લીની ફાઇટ, અમિતાભની હાઇટ કે રાજેશ ખન્નાનું સ્માઇલ કે સલમાનાનો સ્વેગ (છટા) આપણને તરત આકર્ષે છે. હીરોની પ્રશંસા એની અસાધારણ સિદ્ધિઓ માટે જે-તે સમય પૂરતી થાય છે. જ્યારે રોલ-મોડેલ એટલે મહાન હોય છે કે પોતાની કમી-ખામીઓ કે જીવનના પડકારોનો સતત સામનો કરીને પણ ખુદને વધુ સારો માણસ બનાવે છે.

ખરેખર તો આદર્શ રોલ-મોડેલ જ આપણો હીરો હોવો જોઈએ, પણ ચમક-દમક ને ગ્લેમર ને પળ બેપળનું સંમોહન સૌને અચંબિત કરી મૂકે છે. કાશ, હજારોની ભીડને ભેગી કરી શકતા કે આંજી શકતા- ઉશ્કેરી શકતા, કરિશ્માઇ વ્યક્તિત્વ વિશે ઊંડાણથી વિચારવાની સમજ સહુમાં હોત.

એંડ-ટાઇટલ્સ:
આદમ: તારો હીરો કોણ છે?
ઈવ: અરીસો જો.

Show More
Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker