ઉત્સવ

હિન્ડનબર્ગની નેગેટીવ પબ્લિસિટીને અવગણી અદાણી જૂથના શેરોમાં રોકાણ કરનારા માલામાલ

પ્રાસંગિક

મુંબઇ: એક જમાનો હતો જ્યારે એવું કહેવાતું કે ધીરૂભાઇ અંબાણીને ઉધરસ થઇ હોવાના સમાચાર પણ બજારમાં આવે તો રીલાયન્સના શેરના ભાવમાં અને તેની સાથે શેરબજારમાં ઉથલપાથલ થઇ જતી હતી. તાજેતરના વાત કરીએ તો રેમન્ડસ ગ્રુપના ગૌતમ સિંઘાનીના પારિવારિક કલહના સમાચારોને કારણેે રેમન્ડના શેર ઉપર નકારાત્મક અસર જોવા મળી હતી.

નોંધવું રહ્યું કે, દેશના ઔદ્યોગિક ઘરાનાઓ સંબંધી એકાદ ઘટના પણ બજારને અસર કરે છે પરંતુ એ લાંબો ગાળા સુધી પ્રભાવી રહેતી નથી. હા, રિલાયન્સના ધીરૂભાઇ અંબાણી અને બોમ્બે ડાઇંગના નુસલી વાડીઆ વચ્ચેની ટસલ અખબારોના પાને ઘણા સમય સુધી ચાલી હતી.

મુંબઇના શેર બજારમાં નાના પાયે રોકાણ કરતા કાંદીવલીના એક રીટેલર જયેશ શાહે એક રસપ્રદ વાત કરી કે હું ઔદ્યોગિક જુથો સંબંધી ફેલાતા સમાચારોનો ફાયદો ઉઠાવું છું. અલબત્ત, મારી પછેડી નાની છે એટલે તે પગ ઢંકાય ત્યાં સુધી જ તાણું છુ.

જાન્યુઆરીમાં અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓના બે દિવસ પહેલા આવેલા અમેરીકાના શોર્ટ સેલર હિન્ડનબર્ગના અદાણી વિરૂદ્ધના રીપોર્ટનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે એ વખતે તેણે કેટલાક મિત્રોને કહેલું કે ગ્લોબલ બ્રાન્ડ બની ગયેલા અદાણી ગ્રુપ કે એવા કોઇપણ મોટા ઔદ્યોગિક જૂથ પ્રત્યે હરીફ કંપનીઓ કાવાદાવા કરતા હોય તેવો વિશ્ર્વના ઘણા દેશોનો ઇતિહાસ રહ્યો છે અને આવા કાવતરાને કારણે ગંભીર નાણાકીય નુકસાનનો ભોગ બનેલા ઉદ્યોગપતિઓ સમયાંતરે બેઠા થયાના પણ દાખલાઓ છે.

આવી ઘટનાઓ અને દાખલાઓ વાંચ્યા પછી હવે હું એના ઉપર બહુ ભરોસો રાખવાના બદલે એવા ઘટેલા શેર ખરીદું છું. પાછલા બે દિવસમાં અદાણીની તમામ કંપનીમાં આવેલી તેજી જોતા હું સાચો સાબિત થયો છું. નોંધવા જેવી વાત છે કે નાનક જયંતિની રજા પછી મંગળવારે બજાર માઇનસમાં ખુલ્યું હતું. આઇટી સેક્ટરની આગેવાનીએ મોટાભાગના શેર ધોવાયા હોવા છતાં અદાણીની કંપનીઓના શેરોમાં આવેલી હેલીએ શેરધારકોને માલામાલ કરી દીધા હતા. આ ઘટાને કારણે હવે ઘણાં મિત્રો મારી વાત સાથે સહમત થઇને બુધવારે આ કંપનીના શેરો લેવા આગળ આવ્યા હતા.
અમદાવાદના શેર માર્કેટ સાથે સંકળાયેલા જયમીન વોરાએ કહ્યું હતું કે ભારતીય શેરબજારે ૨૮ નવેમ્બરના એક જ દિવસમાં હિન્ડનબર્ગના રીપોર્ટ બાદ શેરબજારમાં અદાણીની કંપનીઓના સ્ટોકમાં વેઠેલા નુકસાન પૈકી લગભગ ૨૮ ટકા જેટલી રીકવરી કરીને આ રીપોર્ટ અને લંડનના ફાયનાન્સિયલ ટાઇમ્સના અહેવાલોને સંપૂર્ણ નજર અંદાજ કર્યા છે. કેટલાક જાગૃત ઇન્વેસ્ટર્સ તો એવા છે કે જેઓ હકીકતની ખાતરી કરવા અદાણી પોર્ટ અને અદાણી પાવરના ૧૦૦/૧૦૦ શેરો ખરીદ્યા બાદ, ૨૦૧૬ની સાલમાં મુંદ્રા પોર્ટ અને પાવર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત પણ લઇ આવ્યા છે અને આ પછી તેઓ અદાણીના શેરો લેતા રહ્યા છે. આ લોકો તેને સોનાની લગડી માની વેચતા નથી.

આ પૈકીના એક અમદાવાદની બી.કે.માં એમબીએ થયેલો અને સ્ટડી ટૂરમાં મુંદ્રા પોર્ટની મુલાકાતે જઇ આવેલા મિત્રએ મેનેજમેન્ટની રીતે આ પોર્ટના સંચાલનની વાત કરી કે ભારતમાં આટલી વિશાળ કક્ષાએ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી સંચાલિત બંદર મેં પહેલીવાર જોયું. કાર્ગોનું કોમ્પ્યુટરાઇઝડ ઇવેક્યુએશન, પોર્ટ ઉપરની સ્વચ્છતા, કોઇપણ સંકટને પહોંચી વળવા અદ્યતન સુરક્ષાના સાધનો, અમારા જેવા ટ્રેઇની સ્ટુડન્ટના પ્રશ્ર્નોને પૂરા વિવેક અને આદરભાવથી સમજાવતો સ્ટાફ અને સમગ્ર પોર્ટ સંકૂલ, આ તમામ પ્રોફેશનલ સંચાલન વિના શક્ય નથી.

ગૌતમ અદાણી વિષે લગભગ એકાદ વર્ષ પહેલા એક અંગ્રેજી છાપામાં વાંચેલું કે તેઓ વિચિક્ષણ બુદ્દિમતા ધરાવે છે. આજથી પંદરેક વર્ષ પહેલા ઇન્ડોનેશિયામાં તેમણે કોલસાની ખાણ લીધેલી ત્યારે કોઇ ભારતીયને ભાગ્યે જ ખબર હશે કે તેઓ એક દિવસ પાવર પ્લાન્ટ ઉભા કરશે! આજે અદાણી ભારતની સૌથી મોટી ખાનગી પાવર ઉત્પાદક અને વિસ્તરણ કરતી કંપની બની છે. હિન્ડનબર્ગના ૨૩ જાન્યુઆરીના રીપોર્ટ બાદ ભારતીય શેરબજારમાં અદાણીના શેરોમાં થયેલા ધબડકા પછી ૩જી માર્ચે ઓસ્ટ્રેલિયામાં લિસ્ટેડ અમેરીકા સ્થિત જીઓજીએ રૂ. ૧૫૬.૪૬ અબજની બ્લોક ડીલ મારફત અદાણીની મુળ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સહીત ચાર કંપનીઓના શેરોમાં રોકાણ કર્યું હતું.

રોકાણની આ વાવણી સામે આ કંપનીને ફક્ત ૨૮મી નવેમ્બરના એક જ દિવસમાં બમ્પર કમાણી થઇ છે. આ પેઢીના ચેરમેન રાજીવ જૈને આ રોકાણ કરતી વખતે કહેલું કે, આ કંપનીઓમાં અમે લાંબા ગાળાના વિકાસના ટકાઉ સંજોગો દેખાઇ રહ્યાં છે. ગૌતમ અદાણી કે જેમણે ધૈર્ય અને નિષ્ઠાથી સંજોગોનો સામનો કર્યો અને રાજીવ જૈન કે જેમની દૂરદ્રષ્ટીએ પોતાની કંપની અને એક ભારતીય કંપનીને મબલખ રોકાણથી મજબૂત ખભો આપ્યો. બંનેની નિર્ણયશક્તિ તેમના અને કંપનીના હિત સાથે રોકાણકારો માટે પણ લાભકારી નિવડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button