ઉત્સવ

કેન્વાસ : બુદ્ધિ સીમિત ને મૂર્ખતા અંતહીન!

-અભિમન્યુ મોદી

બર્ટ્રાન્ડ રસેલનું નામ સાંભળ્યું જ હશે. એ વિખ્યાત બ્રિટિશ વિચારક અને જાણીતા સર્જક હતા.

‘લાઈફ ઇઝ નથિંગ બટ અ કૉમ્પિટિશન ટુ બી ધ ક્રિમિનલ રાધર ધેન ધ વિક્ટિમ’ ફિલ્મ ‘એનિમલ’ને રિલીઝ થયાને મહિનાઓ વીતી ગયા પછી પણ આલ્ફા મેનના નામે રડતા રહેતા રુદાલીઓને ક્રૂર લાગે એવું સટીક સત્ય કહેનારા બર્ટ્રાન્ડ રસેલના આ જાણીતા ક્વોટનો સાદો ભાવાનુવાદ એ થાય કે ‘જિંદગી એટલે પીડિત નહિ પણ ગુનેગાર બનવાની સ્પર્ધા’.

ડાર્વિનના સિદ્ધાંતને જ માનવજાતના સંદર્ભમાં વધુ ચોકસાઈપૂર્વકના રજૂ કરનારા બર્ટ્રાન્ડ રસેલને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તો શું માત્ર લેખક હતા? ના. એ માત્ર તર્કશાસ્ત્રી, ફિલસૂફ કે આજની રાઈટ-વિંગર લોબી જેને ‘બુદ્ધિજીવી’ કહીને વખોડી નાખે છે તેવા બૌદ્ધિક માણસ હતા, જેમણે આજથી એક સદી પહેલાં સુષ્ઠુ ફિલસૂફીમાં ‘એનલિટીક ફિલસૂફી’નાં બીજ રોપ્યાં. દેખીતાં તથ્યોનું પૃથક્કરણ કરતાં એમણે શિખવાડ્યું.

આ પણ વાંચો: કેન્વાસ : બોલિવૂડને હવે કોણ બચાવી શકે?

જોકે, આજે અત્યારે આપણે વાત કરવી છે બર્ટ્રાન્ડ રસેલથી પણ ચડી જાય એવી એક વ્યક્તિની. એ વ્યક્તિ ‘કોણ?’ એવા સવાલનો આ છે જવાબ:

થયું એવું કે એક વખત વિજ્ઞાનના પ્રખર હિમાયતી એવા બર્ટ્રાન્ડ રસેલે બ્રહ્માંડ-સૃષ્ટિ-દુનિયા જેવા વિષય ઉપર ગહન વ્યાખ્યાન આપ્યું. એમનું વક્તવ્ય હજુ ચાલુ હતું ત્યાં ઑડિયન્સમાંથી એક લેડી ઊભાં થયાં એ લેડી માસી કહી શકાય એવડી ઉંમરનાં હશે.

એ માસી બર્ટ્રાન્ડ રસેલને કહે: ‘તું ભાઈ, બહુ બકવાસ કરી રહ્યો છે. આ પૃથ્વી ખરેખર તો સીધી સપાટ ડિશ જેવી છે અને તે ડિશનો ભાર એક વિશાળ કાચબાએ ઉપાડ્યો છે.’

પીઢ અને જ્ઞાની માણસની અદામાં રસેલે સ્મિત કર્યું અને બહુ નમ્રતા સાથે હકારાત્મક અંદાજમાં પૂછ્યું કે, ‘તો લેડી, મને એ કહી શકો કે તે કાચબો ક્યાં ઊભો છે?’ પેલા માસીનો સણસણતો ઉત્તર:

‘તું તો બહુ બુદ્ધિશાળી છે ને કંઈ, તો એટલી ખબર નથી પડતી શું? દરેક કાચબો બીજા કાચબાની પીઠ ઉપર ઊભો હોય, ભઈલા.’

આ પણ વાંચો: કેન્વાસ : શહીદ ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં!

બર્ટ્રાન્ડ રસેલે ફરીથી સ્મિત કર્યું અને પોતાની હાર સ્વીકારી લીધી. બર્ટ્રાન્ડ રસેલ કરતાં પણ પેલી ચડિયાતી વ્યક્તિ એટલે આપણાં આ લેડી ઊર્ફે માસી. એ ચડિયાતી વ્યક્તિ એટલે તમારા ‘ફેસબુક’માં રહેલા ને યુવાન બનવા થનગનતા પેલા પચાસ વર્ષના ઢગા. એ વ્યક્તિ એટલે તમારા પાડોશી. એ વ્યક્તિ એટલે ફૅમિલી વૉટ્સએપ ગ્રુપમાં રાખવા પડેલા દૂરના એક સગા. એ વ્યક્તિ એટલે તમારા ઇન્સ્ટાગ્રામની દરેક સ્ટોરી ચૂપચાપ જોઈને અમારી પંચાત કરનારા તમારા નજીકના કહેવાતા હિતેચ્છુ. ભલભલો ભેજાબાજ માણસ જ્યાં હાર સ્વીકારી લે એવી અનેકાનેક અદ્ભુત ભેજાગેપ હસ્તીઓની વચ્ચે તો આપણે રહીએ છીએ.

મજાની વાત એ છે કે આ લોકોની તાદાદ દરેક વસતિ ગણતરીએ વધતી જાય છે! આવી ગણતરીમાં ફક્ત નાગરિકોની સંખ્યા જ નહીં, સેક્સ (એટલે કે જાતિ), નાત, ઉંમર, આવક, કોમ, ધર્મ, ઘરની પ્રોપર્ટી, ભાષા, શિક્ષણ ઇત્યાદિ ઇત્યાદિ વિગતોનાં ખાનાં પણ ભરાય છે. હવે ભાવિ વસતિ ગણતરી વખતે એક ખાનું ખાસ ઉમેરવું જોઈએ- મૂર્ખતાનું! એ મૂર્ખતા માપવા માટે કોઈએ ‘મૂર્ખતા મીટર’ પણ શોધવું જોઈએ.

આવી મૂર્ખતાની શરૂઆત તો ક્ષિતિજને પેલે પારથી થાય. એના માટે અનંત બ્રહ્માંડ પણ ટૂંકું પડે. નાદાની અને મૂર્ખતા વચ્ચેનું બોન્ડિગ મજબૂત થતું જાય છે. હવે ફરક એટલો આવ્યો છે કે પહેલાં મૂર્ખતા શરમનો પાલવ ઓઢતી હવે તો અડધા બેવકૂફો દુનિયા ચલાવી રહ્યા છે!

આ પણ વાંચો: કેન્વાસ : પુરુષ-સ્ત્રી સમાનતા કેટલી પોકળ… કેટલી વ્યવહારિક?

અરે, અહીં આપણે પેલા ઇન્ફ્લ્યુઅન્સરોનેય યાદ કરી લેવા જોઈએ. છૂટાછવાયા અપવાદને બાદ કરતાં મોટા ભાગના સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર એટલે જગતનો સરેરાશ આઈ.ક્યુ. નીચે લઈ જવા માટે દિવસ-રાત મચી પડતા હોશિયાર મૂઢમતિઓ! દાનથી કે ડાન્સથી, ગાળથી કે વાળથી – સતત પોતાનું ધ્યાન ખેંચવા માટે આ ઇન્ફ્લ્યુઅન્સર્સ કંઈ પણ કરી રહ્યા છે.

કૉમેડી એટલે શું એ કેટલા કૉમેડિયનોને ખબર છે એ સવાલ છે. એમાં પણ સ્ટેન્ડ-અપ કૉમેડી તો આખો અલગ જ જોનર. એ જોનરની પેટા બ્રાન્ચ એટલે વડવાઈમાંથી વટવૃક્ષ બની ગયેલું ‘રોસ્ટિંગ કલ્ચર’. એ કલ્ચરની કોઈ સીમા હોતી નથી તોપણ એક લિમિટ હોય છે. વળી એમાં કોઈ પોડકાસ્ટર પોતાની માઈનસ અક્કલનું પ્રદર્શન કૉમેડીના નામે કરે તો આપણી નામદાર સુપ્રીમ કોર્ટ સહિત અડધો દેશ એમાં સમય બગાડે.

આ પણ વાંચો: કેન્વાસ : જેન્ડર ઇક્વાલિટી… ભ્રમણા કે માન્યતા?!

વાત માત્ર સોશિયલ નેટવર્કના ‘ઇન્સ્ટાગ્રામ’ જેવાં પ્લૅટફૉર્મ્સની નથી, વાત શીઅર સ્ટુપિડિટીની છે. ઠોઠ હોવું વાંક નથી, પણ પોતાની અક્કલહીનતાનું પ્રદર્શન બિનજામીનપાત્ર ગુનો હોવો જોઈએ. આવા ગુનેગારો અને ઉંમરને કોઈ સંબંધ નથી.

કુંભથી લઈને કામચોરી સુધીના વિષયોમાં એ કમઠાણ મચાવતાં રહે છે. અવગણી ન શકાય એવી સંખ્યામાં આ મુષક રાજ ફેલાયેલું છે, જેને સિકંદર પણ જીતી શકે એમ નથી. અત્ર-તત્ર-સર્વત્ર ફેલાયેલા આવા મહાન અબૂજ લોકો સાથે રોજ પનારો પડતો રહેશે ત્યારે પોતાની માનસિક સ્થિરતા જાળવી રાખવા શું કરવું?

છે કોઈ યુનિવર્સલ ઉપાય?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button