ઉત્સવ

મૂડીબજારમાં પ્રવેશવા સંખ્યાબંધ વીમા કંપનીઓ કેમ કતારમાં આવી ગઈ છે?

વીમા ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા બજેટમાં 74 ટકાથી વધારીને 100 ટકા કર્યા બાદ આ ઉદ્યોગમાં વિકાસનો વેગ વધે એવી સંભાવના આકાર લઈ રહી છે તેમાં સરકારની ઉદાર પ્રોત્સાહક નીતિ વધુ કામ કરી રહી છે.

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

બજેટ -2025માં નાણાં પ્રધાને વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની મંજૂરી આપતા હાલમાં 10 થી 12 વીમા કંપની મૂડીબજારમાંથી ભંડોળ ઊભું કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ કંપનીઓએ નિયમન સંસ્થા ઈરડાઈ (ઈન્સ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા)ને પોતાનો પ્રસ્તાવ પહોંચાડી દીધો છે. આ કંપનીઓમાં એચડીએફસી એરગો જનરલ ઈન્સ્યૉરન્સ, ઈફકો ટોકિયો જનરલ ઈન્સ્યૉરન્સ, બજાજ એલાયન્સ જનરલ ઈન્સ્યૉરન્સ, તાતા એઆઈજી, બજાજ એલાયન્સ લાઈફ ઈન્સ્યૉરન્સ, તાતા એઆઈએ લાઈફ ઈન્સ્યૉરન્સ , એકિસસ મેકસ લાઈફ ઈન્સ્યૉરન્સ, કોટક લાઈફ ઈન્સ્યૉરન્સ અને એસબીઆઇ જનરલ ઈન્સ્યૉરન્સ કંપનીનો સમાવેશ થાય છે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના તાજા નિવેદન મુજબ સરકાર વીમા સેકટરમાં વધુ રિફોર્મ્સ લાવી રહી છે, જેની શરૂઆત સરકારે ઓલરેડી 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપીને કરી છે. આમ કરવાથી ઈન્વેસ્ટમેન્ટ અને નફો બંને દેશમાં જ રહેશે. અત્યારસુધી સીધા વિદેશી રોકાણની મર્યાદા 74 ટકા રહી હતી. ભારતમાં વીમા ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે અને તેની ગહનતા પણ વધી રહી છે. અર્થાત, આ માર્કેટમાં વધુને વધુ કંપની આવશે અને બજારનું કદ નિયમિત મોટું થવાની શકયતા ઊંચી બનતી જશે. હજી ગ્રાહકલક્ષી સુધારાની જરૂર ઈન્સ્યૉરન્સ સેકટરના રિફોર્મ્સ સાથે તેમાં વધુ ખેલાડી પ્રવેશે એ પણ જરૂરી છે… વરસો પહેલાં તેમાં મોનોપોલી જેવી સ્થિતિ હતી, ખાસ કરીને સરકારી કંપનીઓ જ હતી, ખાનગીકરણ બાદ ચિત્ર બદલાતું ગયું અને સ્પર્ધા શરુ થઈ. એટલું જ નહીં, હરીફાઈથી ગુણવત્તામાં સુધારો આરંભાયો અને ગ્રાહકોને પણ અમુક અંશે લાભ મળવા લાગ્યો. જોકે હજી ગ્રાહકોને આ સેકટરમાં વિશ્વાસની પૂર્ણ પ્રતિતી થઈ નથી, હજી વીમા પ્રોડકટસના વેચાણમાં મિસ-સેલિંગનું પ્રમાણ ઘણું મનાય છે, ગ્રાહકો એક યા બીજી રીતે છેતરાય છે. ‘ઈરડાઈ’ ની સ્થાપના બાદ તેમ જ તેના સક્રિય થયા પછી ચિત્ર ફરી બદલાવાનું શરૂ થયું. તેમ છતાં હજી મંઝિલ દુર છે. આ સેકટર વધુ સુધારા માગી લે છે. 100 ટકા સીધા વિદેશી રોકાણના પરિણામે ભારતીય નાગરિકોના પ્રીમિયમના નાણાં દેશમાં જ રહેશે, જેથી એમનાં હિતો પર કોઈ વિપરિત અસર થાય નહીં.

અહીં અઢળક તક છે વિકાસની
ભારતમાં વીમા ક્ષેત્રમાં વિકાસની અઢળક તક અને સંભાવના છે. આ સાથે ઈન્સ્યૉરન્સ પ્રોડકટસના વિતરણમાં અનેક પડકાર પણ છે. આ સેકટરમાં ઈનોવેશનનો હજી અભાવ છે, જે તેનો ઉપયોગ કરશે એ કંપનીઓ ઝડપી વિકાસ કરી શકશે. ‘ઈરડાઈ’ના અભ્યાસ મુજબ ભારતની ઈન્સ્યૉરન્સ માર્કેટ આગામી એક દાયકામાં વિશ્વની પાંચમી ટોચની વિશાળ માર્કેટ બની જવાની આશા છે. હાલમાં જર્મની, ઈટાલી, સાઉથ કોરિયા અને કેનેડાની ઈન્સ્યૉરન્સ માર્કેટ વિશાળ છે. વરસ 2025ના પ્રથમ કવાર્ટરમાં ભારતમાં વીમા સેકટરમાં 22 ટકા આસપાસ ગ્રોથ નોંધાયો છે. 2026 સુધીમાં આ માર્કેટ 222 અબજ ડૉલરની થઈ જવાની ધારણા છે. આ વિકાસમાં ટેકનોલોજી અને ઓટોમેશન મહત્ત્વની ભૂમિકા ભજવશે. છેલ્લા દસેક વરસમાં વીમા સેકટરમાં સરકારની ઉદાર અને વ્યવહારું નીતિઓને પરિણામે રૂ.54000 કરોડ જેટલું સીધું વિદેશી રોકાણ આવ્યું છે.

ડિજિટાઈઝેશન ને કોર્પોરેટાઈઝેશન
ભારતીય વીમા ઉદ્યોગ સતત વૃદ્ધિલક્ષી રહયો છે, ખાસ કરીને જીવન વીમાની માર્કેટ તો વિશ્વમાં પાંચમા ક્રમે રહી છે, જે વાર્ષિક 32 ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે. પ્રજામાં વધતી જાગ્રતિ સાથે અને લોકોની વધતી આવક સાથે વીમા ઉદ્યોગ માટેનો સ્કોપ વધતો રહેશે. હાલમાં દેશમાં 57 જેટલી વીમા કંપની છે, 24 લાઇફ ઈન્સ્યૉરન્સ અને 34 નોન-લાઈફ ઈન્સ્યૉરન્સ કંપની છે. સમયના પરિવર્તન સાથે આ ઉધોગમાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન ચાલી રહ્યું છે. નિયમો- ધોરણોના સુધારા, પારદર્શકતા, પ્રોડકટસ ઈનોવેશન, હરીફાઇ જેવા પરિબળો તેમ જ ખાસ કરીને ડિજિટલાઈઝેશન અને કોર્પોરેટાઈઝેશનના પરિબળ તેમાં નવી ઉત્તેજના ઉમેરી રહ્યું છે.

‘ઈરડાઈ’નું મિશન છે કે વરસ 2047 સુધીમાં દરેક માટે વીમો. આને ધ્યાનમાં રાખીને પણ માની શકાય કે દેશમાં વીમા ઉદ્યોગના વિકાસ માટેની સંભાવના કેટલી વિશાળ અને વિરાટ છે. છેલ્લી વાત આપણે અહીં કઈંઈના મેગા આઈપીઓને પણ યાદ કરી લેવો જોઈએ, જેના ઓફર ભાવ અને લિસ્ટિંગ બાદના ભાવની વધઘટને પણ સમજવી જોઈએ અર્થાત, માત્ર માર્કેટ શૅર જ કામ નથી આવતો, બજાર ગ્રોથલક્ષી અભિગમ અને સ્કોપ પણ ધ્યાનમાં લે છે. જેથી આઈપીઓમાં સમજણ વિના તણાઇ જવું નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button