ઉત્સવ

અન્ય મજૂરોની જેમ ગપસપમાં સમય પસાર કરવાને બદલે લગન અને પરિશ્રમથી આ છોકરો ‘સ્પિનર’ બન્યો

નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા

અનંત શિવાજી દેસાઇ, ચિંતામણ દેશમુખ

(૬૦)
મુંબઇની ધરતી ઉપર જે સાહસ અને શ્રમ કરે છે તેના પર પ્રારબ્ધ પ્રસન્ન થયા વિના રહેતું નથી. ૧૮૬૫ની સાલમાં બાર વર્ષનો એક છોકરો વહાણમાં બેસીને માલવણથી તેર દિવસનો પ્રવાસ ખેડીને ભાઉચા ધક્કા પર ઊતરે છે. ઘરેથી ગરીબ માતાએ એક રૂપિયો આપ્યો હતો અને તેમાંથી આઠ આના વહાણના ટંડેલને ભાડાના આપી ગજવામાં આઠ આનાની મૂડી રાખી એ ખેતવાડી ખાતે એક માળીને ત્યાં નાનકડી ઓરડીમાં ઊતરે છે. આઠ આનાની મૂડી ખર્ચાઇ ગઇ; પરંતુ આ છોકરાને નોકરી મળતી નથી. આ છોકરાના પિતા મરણ પામ્યા હતા અને પિતાની દુકાન અને ખેતીની જમીન ભાઇભાઇના ઝઘડામાં અન્ય પાસે ચાલી ગઇ હતી. પ્રાથમિક શિક્ષણ અધૂરું મૂકીને આવેલા દેસાઇ ખાનદાનના આ છોકરાને મુંબઇમાં માત્ર માથે આકાશ અને નીચે ધરતીનો આશરો હતો.

નોકરી નહિ મળતાં આ દેસાઇ પરિવારનો ૧૨ વર્ષનો અનંત નિરાશ તો થયો; પણ હતાશ થયો નહિ. તે સમયે પશ્ર્ચિમ રેલવેનું ગ્રાન્ટરોડ સ્ટેશન બંધાઇ રહ્યું હતું. ત્યાં જઇને આ બાર વર્ષના છોકરાએ પારસી કોન્ટ્રેકટરને વિનંતી કરી કે મને કશું કામ આપો. પારસીને દયા આવી અને અનંત પાવડો લઇને મજૂરીએ લાગી ગયો. છોકરાના હાથમાં પડેલા ફોલ્લા જોઇ તે પેલા પારસી કોન્ટ્રેકટરને દયા આવી અને પોતાની ઓળખાણનો ઉપયોગ કરી ગ્રાન્ટરોડ સ્ટેશનની નજીકમાં જ આવેલી તાડદેવ ખાતેની કાવસજી દાવર સ્પિનિંગ મિલમાં નોકરી અપાવી. એને માસિક પગાર રૂ. સાત મળવા લાગ્યો અને ગજવે આઠ આનાની મૂડી લઇ આવેલા આ છોકરાને માસિક સાત રૂપિયા એ સાતસો રૂપિયા જેટલાં મીઠા લાગ્યા. અન્ય મજૂરોની જેમ ગપસપમાં સમય પસાર કરવાને બદલે લગન અને પરિશ્રમથી આ છોકરો ‘સ્પિનર’ (સૂતર કાંતનાર) બન્યો. એ છોકરો હવે અનંત દેસાઇ સ્પિનર તરીકે ઓળખાવા લાગ્યો.

આ અનંત શિવાજી દેસાઇ સ્પિનર બનીને બેસી રહ્યો નહિ; પણ તાડદેવ ખાતે દાર મિલની નજીકમાં જ આવેલી માણેકજી પિટિટ મિલમાં જઇને વીવીંગ કામ (વણાટકામ) શીખવા લાગ્યો અને વીવર બની ગયો ત્યાં ન્યુુ મિલ નામની વીવીંગ મિલમાં એને માસિક રૂ. ૬૦ના પગારે વીવરની નોકરી મળી ગઇ અનંત દેસાઇ વીવરનું જીવન સુખમય બની ગયું અને અનંત પણ ખાસ્સો અઢાર વર્ષનો યુવાન થઇ ગયો હતો. સુખ પણ પડછાયા જેવું હોય છે અને તે જ પ્રમાણે ફરતું રહે છે. ૧૮૭૧માં ત્યાં મિલમાં હડતાળ પડી તાડદેવ ખાતે એક ઓરડી લઇને તે એકલો જ રહેતો હતો. એટલે હડતાળના સમયે કોંકણ જઇને માતાને મળીને પાછો ૧૮૭૨માં મુંબઇ આવી ગયો. નોકરી તો ગઇ હતી એટલે હવે સ્વતંત્ર રીતે કામ કરવાનું વિચાર્યું.

હાથરૂમાલ, લેસ, રિબન વગેરે વેચતા એક ગુજરાતી ફેરિયાની ઓળખાણ અનંત દેસાઇ સાથે થઇ. અનંત બગલમાં ગાંસડી ભરાવીને ‘રૂમાલ લ્યો, રિબન લ્યો, લેસ લ્યો’, એમ બૂમ મારીને ફેરી ફરવા લાગ્યો, પણ… અનંતના પ્રેમભર્યા શબ્દોએ ફેરીવાળાનો વ્યવસાય વિકસાવ્યો. સારી આવક જોઇને ગુજરાતી ફેરિયાને ૫૦ ટકા ભાગીદારી આપવાનું ભારે લાગ્યું અને કટકટ કરવા માંડી. આથી અનંત દેસાઇએ એ ગુજરાતી ફેરિયાથી છૂટા પડવાનો નિર્ણય કર્યો અનંતે સ્વતંત્ર રીતે ફેરી કરવાનો વિચાર કર્યો; પણ ગુજરાતી ફેરિયાનો હરીફ બન્યો નહિ. હાથરૂમાલ, રીબન, લેસ, વેચવાને બદલે ટોપીની ફેરી શરૂ કરી.

અનંતને પ્રથમ મજૂરી અને નોકરી અપાવનાર પારસી હતા અને પ્રથમ ફેરિયા ભાગીદાર ગુજરાતી હતા. એટલે અનંતે ગુજરાતી અને પારસી ટોપીને ઝાઝું મહત્ત્વ આપ્યું. તાડદેવ- ગ્રાન્ટરોડ- ખેતવાડી -પારસી કોલોનીઓમાં અને ગુજરાતી પરિસરમાં ‘ટોપી લ્યો’ની બૂમ સાથે ફેરી ફરવા માંડી. અનંતના પ્રેમાળ વ્યવહારના કારણે આ ટોપીની ફેરી ફાલીફૂલી ઊઠી. તે સમયે અનંતની ટોપીની કિંમત બે આનાથી માંડી એક રૂપિયા સુધીની હતી. અનંતને આ વ્યવસાયમાં દરરોજ વીસ રૂપિયા કે તેથી અધિક ફાયદો થવા લાગ્યો.

અનંત઼ ટોપીની ફેરીમાંથી સારી બચત પણ કરી હતી અને હવે પછી વિચાર્યું કે આપણું પોતાનું ટોપી બનાવવાનું કારખાનું શરૂ કરવું. સર્વ પ્રથમ અનંતે પોતે ટોપી બનાવવાનું કામ શીખી લીધું. ૧૮૭૫માં ઝવેરી બજારમાં ખારાકૂવા નજીક એક નાનકડી દુકાન ભાડે લઇ ત્યાં ટોપી બનાવવાનું શરૂ કર્યું. આ ટોપીનું કામ ચાલી નીકળે એવું માની પોતાના મોટાભાઇ રઘુનાથને બોલાવીને તે સમયે ભાગીદારી બનાવ્યા. દુકાન ચાલી નીકળી, ભાગીદારી ન ચાલતાં. ૧૮૮૦માં બંને ભાઇ છૂટા પડ્યા. પણ ગુજરાતી, પારસી, મહારાષ્ટ્રીયન લોકો ભાગ્યે જ માથે ટોપી, પાઘડી કે ફેંટો પહેર્યા વિના બહાર નીકળતા હતા. એટલે ટોપીનો વ્યવસાય ચાલી નીકળ્યો. એમના ગ્રાહકો મુખ્યત્વે ગુજરાતી અને પારસી લોકો, ટોપીના વ્યવસાયના કારણે એમને ભાઉસાહેબ ટોપીવાલા કહીને બોલાવતા હતા. આથી અનંત શિવાજી દેસાઇએ નામને બદલે ભાઉસાહેબ ટોપીવાલા નામ ઝાઝું પ્રચલિત થઇ ગયું. ૧૮૮૦માં મોતીબજારમાં બીજી સ્વતંત્ર દુકાન ભાઉસાહેબે શરૂ કરી. જરીભરત અને નવી ડિઝાઇનની ટોપીઓની પહેલ કરી ધંધો જમાવ્યો. ધંધો જામ્યો તો પણ શાંત બેસે તો એમનું નામ ટોપીવાલા નહિ.

આજે જેમ આપણે ત્યાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો પ્રચલિત છે તેમ ૧૮૮૪માં જર્મન સિલ્વરની શરૂઆત થઇ હતી. આથી ભાઉસાહેબે જૂની દુકાન સામે બીજી એક દુકાન ભાડે લઇને જર્મન સિલ્વરનાં પતરાં અને તાર વેચવાનું શરૂ કર્યું. તેમના મગજમાં એક વિચાર આવ્યો કે ગરીબ માણસો સોના-ચાંદીના દાગીના ખરીદી શક્તાં નથી તો જર્મન સિલ્વરના તારમાંથી બંગડી, ઇયર રીંગ્સ, વગેરે બનાવીને વેચવું જોઇએ. પહેલાં સોની પાસે આ ઘરેણાં બનાવ્યાં તો એ વેપાર પણ ચાલી નીકળ્યો એટલે જર્મન સિલ્વરનાં ઘરેણાં બનાવવાનું પોતાનું કારખાનું નાખ્યું. સાથોસાથ ભારતના લોકોના રીતરિવાજને અને ધર્મને અનુકૂળ એવાં જર્મન સિલ્વરનાં વાસણો બનાવીને વેચવાનું શરૂ કર્યું. કેટલાંક પારસીઓના ઘરમાં જર્મન સિલ્વરના અફરઘાન, કળશિયો, એવાં ધાર્મિક વાસણો આજે પણ જોવા મળે છે. ૧૯૦૧માં જર્મન સિલ્વરનાં વાસણોનું કારખાનું લેમિંગ્ટન રોડ (વર્તમાન ડૉ. ભડકમકર માર્ગ) પોલીસ સ્ટેશન સામે એક ચાલમાં શરૂ કર્યું હતું, અને આજે ત્યાં એક ગલી ટોપીવાલા લેન તરીકે ઓળખાય છે. જર્મન સિલ્વર સાથે તાંબા-પિત્તળનાં વાસણો પણ બનાવવા માંડ્યાં.

પિત્તળનાં વાસણોમાં કલાઇનો કડાકૂડ અને તાંબાના વાસણોમાં ખાટું થઇ જવાનો ભય એટલે ભાઉસાહેબે એલ્યુમિનિયમનાં વાસણો પણ કારખાનામાં બનાવવા માંડ્યા.
શ્રી અનંત ટોાપીવાલાનો કારોબાર ગિરગાંવ પરિસરમાં હોવાથી પોર્ટુગીઝ ચર્ચની સામે આવેલા રાજા રવિ વર્માનો સ્ટુડિયો તેમના મનમાં વસી ગયો. રાજા રવિ વર્માના ચિત્રની લોકપ્રિયતા તેમના ધ્યાનમાં હતી. રાજા રવિ વર્માએ પોતાનાં ચિત્રો છપવાનું પ્રેસ કાઢયું હતું. રાજા રવિવર્માના એક તો રાજદરબારના માણસ અને અસ્સલ ચિત્રકાર એટલે નફાતોટાનો ઝાઝી ગમ નહિ. ચિત્રો વેચાયા વિના પડ્યાં રહ્યાં હતાં. અનંત ટોપીવાલા રાજા રવિ વર્માને મળ્યા. વ્યાપારી ભાવે બધાં જ ચિત્રો ખરીદી તો લીધાં; પણ ૧૮૯૬માં રાજા રવિ વર્માના ચિત્રોની સોલ એજન્સી લઇ લીધી.

આ ચિત્રોને પોતાની દુકાનમાં લઇ જઇ સાથે સાથે ફ્રેમ બનાવવાની વ્યવસ્થા કરી. આ રીતે ગ્રાહકને મનગમતી ફ્રેમમાં મઢેલું મનગમતું ચિત્ર મળવા લાગ્યું. આ ધંધામાં પણ ટોપીવાલાને સારો ફાયદો થવા માંડ્યો.

ભાઉસાહેબ ટોપીવાલાએ લેમિંગ્ટન રોડ, સેન્ડહર્સ્ટ રોડ અને ગિરગાંવમાં ચાલ અને મકાનો બાધ્યાં તો ગોરેગાંવમાં ૭૫ એકર જમીન લઇ ત્યાં પણ મકાનો બાંધ્યાં. ગિરગાંવમાં બદામવાડી ખાતે પણ એક મકાન વેચાતું લીધું હતું. ગોરેગાંવમાં આજે પણ ટોપીવાલા થિયેટર અનંત ટોપીવાલાની યાદ અપાવે છે. ગોરેગાંવ ખાતે શ્રીદેવી અંબાબાઇના મંદિરનો પણ તે સમયે રૂા. ૯,૦૦૦ ખર્ચી ર્જીણોદ્ધાર કર્યો હતો અને આ મંદિરના ખર્ચ માટે રૂા. ૩૯,૦૦૦ અલગ ફિકસ્ડ ડિપોઝિટમાં મૂક્યા હતા. માલવણ ખાતે રૂા. સવા લાખના ખર્ચે ટોપીવાલા હાઇસ્કૂલ બંધાવી આપી હતી અને બોર્ડિંગ માટે ૧૫ એકર જમીન લઇ આપી હતી, તથા શાળાના ખર્ચ માટે રૂા. ૩૦ હજારની રકમ બૅન્કમાં જમા કરાવી હતી. ૧૯૧૭માં બ્રિટિશ સરકારે આ કારણે એમને રાવસાહેબનો ખિતાબ આપ્યો હતો અને ત્યારે વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ હતા.

મુંબઇમાં માત્ર આઠઆના ગજવામાં લઇને ઊતરેલા રાવસાહેબ ટોપીવાલા જીવનમાં રૂા. આઠ લાખનું દાન કરી ગયા અને ૧૯૨૧ના એપ્રિલની ૧૫મીએ એમનું અવસાન થયું.

(૬૧)
દરેક પંખી એવું સ્વપ્નું નિહાળતું હોય છે કે એના નાનકડા નીડમાં આખું આકાશ સમાઈ ગયું છે. મુંબઈ એવા શમણાંનું સર્જક છે. કુલાબા જિલ્લામાં અલીબાગ નજીક રોહા ગામનો એક ૧૧ વરસનો છોકરો મુંબઈમાં લેમિંગ્ટન રોડ પોલીસ સ્ટેશન સામે આવેલી ટોપીવાલા ચાલમાં રહેવા આવે છે અને ગિરગાંવ ખાતે આવેલી આર્યન એજ્યુકેશન સોસાયટીની હાઈસ્કૂલમાં ભણવા જાય છે. મુંબઈમાં ત્યારે ચાલીઓનો વૈભવ હતો. લેમિંગ્ટન રોડ પર ટોપીવાલા ચાલ ૧૦૦ વર્ષથી અધિક જૂની છે. આ પરિસરમાં ત્યારે લક્ષ્મી, ગંગા, સરસ્વતી અને યમુના એવી અન્ય ચાર ચાલીઓની નિરાળી ભવ્યતા હતી. આ ચાલીએ રોહાથી આવેલા ૧૧ વર્ષના કિશોર ચિંતામણને ઈંગ્લેન્ડ જઈને આઈ.સી.એસ એટલે ઈન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરવાની ઈચ્છા થઈ, પરંતુ મુખ્યત્વે એ ઈમ્પિરીયલ સિવિલ સર્વિસ હતી એમ કહી શકાય. ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રકાશન માટે શ્રી. પી.જી. દેશપાંડેએ તૈયાર કરેલા અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશમાં ‘ઈમ્પિરીયલ’નો એક અર્થ ‘બાદશાહી’ ‘ભવ્ય’ એવો પણ આપ્યો છે. ફાધર કામિલ બુલ્કે જેવા હિન્દીભાષાના અઠંગ અભ્યાસી-વિદ્વાને ‘ઈમ્પિરીયલ’ શબ્દનો અર્થ ‘શાનદાર’ આપ્યો છે. વાસ્તવમાં એ અધિકારીઓની નોકરી બાદશાહી-ભવ્ય-શાનદાર હતી. આપણી વર્તમાન આઈ.એ.એસ. (ઈન્ડિયન એડ્મિનિસ્ટ્રેટીવ સર્વિસ) પણ એક રીતે બાદશાહી નોકરી છે. તો લેમિંગ્ટન રોડની ચાલીમાં રહેતાં રહેતાં આ ચિંતામણે ૧૯૧૨માં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં સર્વપ્રથમ આવી આઈ.સી.એસ. બનવાના સ્વપ્નને આકાર આપવા માંડ્યા.

સમંદર જેવું વિશાળ સાહસ ખેડવાનો સ્વભાવ તો મુંબઈના પાણીમાં રહ્યો જ છે. ૧૯૧૫માં બી.એ. થઈ આઈ.સી.એસની પરીક્ષા આપવા ઈંગ્લેન્ડ જવાની યોજના ઘડી કાઢી. મુખ્ય વાત પૈસા એકઠા કરવાની હતી. એ માટે ઈંગ્લેન્ડમાં ચાર-પાંચ વર્ષ રહીને અભ્યાસ કરવા ઓછામાં ઓછા રૂપિયા દસ હજારની આવશ્યકતા હતી. હિન્દુ એજ્યુકેશન સોસાયટીએ વ્યાજે ૬ ટકાના દરે રૂા. ૧૦ હજાર આપવાનું માન્ય કર્યું. એ માટે રૂા. ૧૦ હજારનો વીમો ઉતારી સોસાયટીના નામે વીમા પોલિસી કરી આપવામાં આવી. ૧૯૧૫ના મે મહિનામાં ચિંતામણ ‘પી. એન્ડ ઓ’ની આગબોટ ‘કેલેડોનિયા’માં ઈંગ્લેન્ડ જવા મુંબઈ બંદરેથી વિદાય થયો. આ ચિંતામણ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ૧૯ પેપર્સ અને ચાર પ્રેક્ટિકલ્સ આપી કુલ ૫૯૦૦ માર્કસમાંથી ૩૫૨૦ માર્કસ મેળવી પહેલો આવ્યો. ત્યારે એ ચિંતામણને ખબર નહોતી કે લેમિંગ્ટન રોડ પરની ચાલને બદલે એને મુંબઈના વૈભવશાળી વિસ્તાર કારમાઈકલ રોડ પર રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે ભવ્ય મહેલાતમાં રહેવાનું મળશે.
આ ચિંતામણ પ્રેમના ક્ષેત્રે પણ એટલો જ પ્રગતિશીલ અને ગતિશીલ હતો.

આઈ.સી.એસ.ની પરીક્ષામાં પાસ થતાં જ ‘લેન્ડલેડી’ની પુત્રી રોઝીના સાથે ૧૯૧૯માં ઈંગ્લેન્ડમાં જ લગ્ન કર્યાં અને ૧૯૨૦ના ફેબ્રુઆરીમાં આઈ.સી.એસ. અધિકારી તરીકે નોકરી કરવા ભારત પાછો ફર્યો. અમરાવતી ખાતે આસિસ્ટન્ટ કમિશ્ર્નર તરીકે ચિંતામણે કારકિર્દીનો પ્રારંભ કર્યો.

આ ચિંતામણ તે આપણી રિઝર્વ બૅન્કના પ્રથમ ભારતીય ગવર્નર અને કેન્દ્રીય નાણાં પ્રધાન શ્રી. સી.ડી. દેશમુખ, મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમના સંબંધી ચર્ચા વિવાદાસ્પદ બની જવા પામી હતી. શ્રી.સી.ડી. દેશમુખ એક આઈ.સી.એસ. અધિકારી તરીકે ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ગયા હતા અને મિનિટ્સ તૈયાર કરી હતી. બ્રિટિશ સરકાર તરફથી. ૧૯૪૧માં મુંબઈ ખાતે રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક થઈ અને ૧૯૪૩માં રિઝર્વ બૅન્કના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે તેમની નિમણૂક થઈ.

૧૯૫૦માં શ્રી જોન મથાઈએ કેન્દ્રીય નાણાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું એટલે શ્રી જવાહરલાલ નહેરુએ શ્રી.સી.ડી. દેશમુખને કેન્દ્રીય નાણાપ્રધાન બનાવવા આમંત્રણ આપ્યું.

શ્રી.સી.ડી. દેશમુખને દિલ્હી, મુંબઈ, રોહામાં રહેવાનું
પસંદ નહોતું એટલે એમણે જિંદગીનાં છેલ્લાં વરસો વિતાવવા ઈંગ્લેન્ડમાં જગા લઈ એક રમ્ય મકાન બનાવ્યું હતું અને તેને પોતાના વતનનું નામ ‘રોહા’ આપ્યું હતું. પણ… કુદરતને એ માન્ય નહોતું. પત્નીનું અવસાન થયું અને પુત્રી કિકી ઈંગ્લેન્ડમાં જ રહેવા ઈચ્છતી હતી અંતે ૧૯૫૩માં આપણા શ્રી ચિંતામણ દેશમુખે ૧૯૫૩માં દુર્ગાબાઈ સાથે ૫૭ વર્ષની વયે લગ્ન કર્યાં, ત્યારે દુર્ગાબાઈની વય ૪૩ વર્ષની હતી.

શ્રી સી.ડી. દેશમુખે કેન્દ્રીય નાણાપ્રધાન તરીકે રાજીનામું એટલા માટે આપ્યું હતું કે વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નેહરુએ મુંબઈની એક જાહેરસભામાં એવું કહ્યું હતું કે મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ કરવામાં આવશે.

આ માટે સર્વ દિશાએથી વિચારવું જોઈએ. જ્યારે જનતારાજ હતું અને શ્રી. મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે તેઓ વિરાર ખાતે એક આયુવેર્દિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવનાર હતા. શ્રી ચંદનસિંહ સોલંકી વિરારના સરપંચ. તેઓ કૉંગ્રેસ પક્ષના હતા એટલે શ્રી મોરારજી સામે કાળા વાવટા દેખાડવાનું એમણે આયોજન કર્યું. શ્રી મોરારજીએ માત્ર એમને એટલું જ કહ્યું કે તમે વિરારના સરપંચ છો એટલે મહેમાનનું સ્વાગત કરવું એ તમારો ધર્મ છે. પક્ષની વાત અલગ છે. તમને જો એ વાત યોગ્ય લાગતી હોય તો વિરોધ ન કરો અને પક્ષ જો કર્તવ્ય કરતાં મહત્ત્વનો હોય તો વિરોધ કરો. શ્રી ચંદનસિંહ સોલંકીએ કર્તવ્ય ખાતર શ્રી મોરારજીનો વિરોધ કર્યો નહીં. શ્રી સી.ડી. દેશમુખના પગલાનો ન્યાય વાચકોએ કરવાનો રહે છે.

શ્રી સી.ડી. દેશમુખ રિઝર્વ બૅન્કના ગવર્નર હતા ત્યારે તેમને ૧૯૪૪ની સાલમાં અંગ્રેજ સરકારે ‘સર’ બનાવ્યા અને ‘સર’ની પદવીનો તેમણે ઈન્કાર કર્યો નહોતો. ત્યારે જોકે ’૪૨નું આંદોલન શરૂ થયું જ હતું. આ જ સર ચિંતામણ દેશમુખે મુંબઈને એક કારણ બનાવી રાજીનામું આપ્યું હતું.

શ્રી સી.ડી. દેશમુખને ફરી એક વાર દેશના પ્રથમ નાગરિક બનવાનો મોહ થયો હતો. કૉંગ્રેસનું વિભાજન થયું હતું. ૧૯૬૯માં ડૉ. ઝાકિરહુસેનનું અવસાન થયું. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે શ્રી સંજીવ રેડ્ડી, આત્માના અવાજ પર શ્રી વી.વી. ગિરિ અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે શ્રી સી.ડી. દેશમુખ ઊભા રહ્યા હતા. શ્રીમતી ઈંદિરા ગાંધીએ પોતાનો અલગ ચોકો કૉંગ્રેસમાં સ્થાપી શ્રી ગિરિનું સમર્થન કરતાં શ્રી ગિરિ રાષ્ટ્રપતિ બન્યા હતા. આમ મુંબઈએ રાષ્ટ્રપતિ સુધીની ઉમેદવારી કરી છે, પરંતુ મુંબઈના રાષ્ટ્રપતિ આજે નહીં તો એક દિવસ જરૂર બનશે. વડા પ્રધાન તો મુંબઈએ આપ્યા જ છે. શ્રી મોરારજીભાઈ મુંબઈના છે તો વર્તમાન વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીનો જન્મ પણ મુંબઈની હોસ્પિટલમાં થયો હતો.

મુંબઈમાં છાપરાં તોડીને જ્યારે સોનું વરસ્યું હતું:

આપણું મુંબઈ શહેર એક એવું અનોખું શહેર છે કે જ્યાં કલ્પના અને કહેવત પણ સાચી પડે છે. ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકર દેતા હૈ.’ એ કહેવત આજથી ૭૯ વરસો પર ૧૯૪૪ના એપ્રિલ મહિનાની ૧૪મી તારીખે સાચી પડી હતી. ગિરગાંવ રોડ પર ‘કુકાના હાઉસ’માં એક રિટાયર્ડ સિવિલ એન્જિનિયર શ્રી બરજોરજી કુવરજી મોતીવાલા રહેતા હતા. એક ભયંકર ધડાકાનો અવાજ સંભળાયો અને થોડી જ પળો પછી છાપરું ફાડીને ભયંકર વેગથી કોઈ ભારે ચીજ ઘરમાં આવી પડી. ઘરનાં લોકો એટલાં ડરી ગયાં કે બોમ્બમારો થયો સમજીને નીચે ઊતરી ગયા. મામલો થોડો શાંત થતાં ઉપર જઈને જોયું તો પેલી ચીજ તે વખતના ૧૪ શેર વજનની સોનાની લગડી-ઈંટ હતી એના પર પ૨૧૩૨૫૬થ નંબરની ઈંગ્લેન્ડની બૅન્કની મહોર લાગી હતી. તે સમયના ભાવ પ્રમાણે એ સોનું લગભગ રૂા. ૯૦,૦૦૦નું હતું. શ્રી. મોતીવાલાએ એ સોનાની ઈંટ પોલીસ સ્ટેશને જઈને સોંપી દીધી હતી અને સરકારે તેમને રૂા. ૯૯૯નું ઈનામ આપ્યું હતું.

આ રીતે ઘણાં ઘરોમાં સોનું વરસ્યું હતું અને મોટાભાગનાં લોકોએ આ સોનું છુપાવીને રાખ્યું હતું.

એક ઝૂંપડીમાં પણ ૧૦૦ તોલા સોનાનો એક ટુકડો જઈ પડ્યો હતો. હાનજી નાસવાડી નામના માણસે એ સોનું ફરસ ખોદીને દાટી દીધું. નજીકમાં જમીન પર જ કંતાનની પથારીમાં ક્ષયથી પીડાતી એની નાની દીકરી સૂતી હતી. દીકરીએ પિતાને પૂછ્યું તો પિતાએ પુત્રીને છાતીએ વળગાડી રડતાં રડતાં કહ્યું કે હવે તારા માટે મોટા મોટા ડૉક્ટરની દવા કરાવીશું, તું સારી થઈ જશે. તારા માટે સારાં સારાં કપડાં લઈ આવીશ… અને લાગણીવશ થઈ ગયેલા એ માણસને હાર્ટ એટેક આવ્યો અને તરત મરણ પામ્યો.

વરલીનો એક રેશમનો વેપારી ઘરે ગયો તો જોયું કે ખૂબસૂરત પત્નીનું માથું કશું વાગવાથી ફૂટી ગયું છે અને એ મરણ પામી છે. નજીકમાં સોનાની ઈંટ પડી હતી, તે ઉઠાવીને બારીમાંથી બહાર ફેંકી દીધી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો.

આ સોનું વરસવા સાથે હજારો લોક માર્યા ગયા હતા એની કોઈ નિશ્ર્ચિત સંખ્યા આજ સુધી જાણી શકાઈ નથી, પરંતુ એ દિવસે હોસ્પિટલમાં બે હજાર ચોરસો માણસો દાખલ કરાયા હતા અને તેમાંથી ૧૩૭૬ તો તરત મરણ પામ્યા હતા. સરકારી ફાઈલોમાં માત્ર ખાના પૂરવામાં આવ્યાં હતાં અને તે પ્રમાણે મુંબઈ બંદરના ૮૪ કર્મચારીઓ, બંબાવાળાઓના ૬૪ કર્મચારી, જહાજના ૪૧ કર્મચારી, ૧૫ પોલીસ સિપાઈ, બંબાવાળા ચાર ખલાસી અને નૌકાદળના ૭ માણસો માર્યા ગયા હતા. એમાં મરણ પામેલાનો સરવાળો ૨૩૩ અને ઈજા પામેલાઓની સંખ્યા ૪૭૬ છે.

દુનિયાના ઈતિહાસમાં આવી રીતે કોઈ બંદર પર આવો વિસ્ફોટ થયો નથી કે નથી છાપરાં ફાડીને સોનું વરસ્યું.

મુંબઈ બંદરે જે જહાજમાં ધડાકો થયો તેનું નામ ‘ફોર્ટ સ્ટીકન’ હતું અને એનો કેપ્ટન ૪૫ વર્ષનો એલેકઝાન્ડર જેમ્સ નાઈસમિથ હતો. આ જહાજમાં બોમ્બ, જહાજનાં તળિયાં તોડી નાખતી સુરંગ, સિગ્નલ રોકેટ, મેગ્નેશિયમ વગેરે ૧૩૯૫ ટન વિસ્ફોટ પદાર્થ લાદવામાં આવ્યો હતો, તો બીજા ઓરડામાં પાંચ ફૂટ લાંબી, ૪ ફૂટ પહોળી અને ૪ ફૂટ ઊંડી સ્ટીલની ટાંકીમાં ૩૧ લાકડાંની પેટીઓ રાખવામાં આવી હતી. દરેક પેટીમાં સોનાની ૪ ઈંટો હતી. આ દરેક ઈંટ ૧૫ ઈંચ લાંબી, ૩ ઈંચ પહોળી અને દોઢ ઈંચ જાડી હતી, દરેકનું વજન ૧૪ શેર હતું. આ બધા સોનાની કિંમત તે વખતે લગભગ દોઢ કરોડ રૂપિયાની હતી. થોડાંક વરસો પર ઈંગ્લેન્ડની એક બૅન્કે દક્ષિણ આફ્રિકા પાસે ઔંસ દીઠ ૧૭ શિલિંગના ભાવે આ સોનું ખરીદી લીધું હતું અને ઔંસ દીઠ ૩૨૦ શિલિંગના ભાવે મુંબઈની બૅન્કને એ વેચવામાં આવ્યું હતું.

કેપ્ટનની નામરજી છતાં પરાણે કરાચીથી એમાં રૂની ગાંસડી, તેલનાં ડ્રમો, સલ્ફર, ચોળા, સૂકાં માછલાં વગેરે ચઢાવવામાં આવ્યું હતું.

૧૯૪૪ની ૧૨મી એપ્રિલે સવારમાં આ જહાજ વિક્ટોરિયા ડોક પર આવી પહોંચ્યું. સામાન ઉતારવાની જવાબદારી શાપુરજી કાવસજી દેસાઈની હતી. વિસ્ફોટક સામાન ઉતારવા માટે લાઈટર સમયસર મળ્યાં નહીં એટલે એ વિસ્ફોટક સામગ્રી જહાજ ઉપર જ રહેવા પામી હતી. બપોરે એમાં આગ ફાટી નીકળી. પાણી નાખ્યું તો જહાજમાં એકઠું થયેલું પાણી પણ ઊકળવા લાગ્યું હતું. રૂની ગાંસડીઓ તરતી તરતી આગ પાસે પહોંચી ગઈ અને આગ વધુ ભડકી. વિસ્ફોટક પદાર્થો સળગી ઊઠ્યા અને વિકટોરિયા ગોદીથી બે-ત્રણ માઈલના અંતર સુધી લોખંડના ટુકડા, સોનું, કાચના ટુકડા વગેરે જઈ પડ્યા.

ગોદી વિસ્તારમાં દિવસો સુધી ભંગારના ઢગલામાં માર્યા ગયેલા માણસોના શરીરમાંથી છૂટા પડેલા હાથ, પગ, માથું, જેવાં અવયવો સડતા પડી રહ્યા હતા. આ એક જ પ્રલય મુંબઈના માથે ઊતર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button