ઉત્સવ

ધીમે-ધીમે મરવાને બદલે જીવવાનું શીખવું જોઈએ…

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક મિત્રએ વોટ્સએપ પર એક કવિતા મોકલાવી. એ કવિતાનો અનુવાદ કરનારાએ અર્થનો અનર્થ કર્યો હતો. એ કાવ્યસર્જક કદાચ એ અનુવાદ વાંચે તો આઘાત પામે એટલી ખરાબ રીતે એ કવિતાનો અર્થ મારીમચડીને મુકાયો હતો (વોટ્સએપ પર અન્ય એક વિકૃતિ પણ જોવા મળે છે. કોઈપણ કૃતિમાંથી સર્જકનું નામ કાઢીને નીચે ‘ગુડ મોર્નિંગ’ અને સાથે ફૂલડાં સાથે એ કૃતિ ફોરવર્ડ કરવામાં આવે છે. ક્યારેક મારી આ કોલમનો કોઈ લેખ પણ એ રીતે ફરતો-ફરતો મારા સુધી જ આવી પહોંચે છે ને સાથે એમાં ભલામણ પણ હોય છે કે ‘આ વાત જીવનમાં ઉતારવા જેવી છે’…બોલો !

એ જ રીતે પેલી કવિતા પણ મારી પાસે આવી.વાસ્તવમાં એ કવિતા બ્રાઝિલિયન લેખિકા અને પત્રકાર માર્થા મેડીરોસની હતી (ઘણા લોકો માર્થાની અટકનો ઉચ્ચાર મેડેઈરોસ પણ કરે છે). વોટ્સએપ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં પણ માર્થાને એ કવિતા માટે અન્યાય થતો રહ્યો હતો! ‘મોર્તે દિવયેગા’ (બીજા શબ્દમાં ઇંગ્લિશમાં તમને ‘આર’ અક્ષર વાંચવા મળશે, પણ એ સાઇલન્ટ છે)શીર્ષક હેઠળની એ કવિતા માર્થાએ પોર્ટુગીઝ ભાષામાં ઈસવીસન ૨૦૦૦નાં વર્ષમાં લખી હતી.એ શીર્ષકનો અર્થ અંગ્રેજીમાં ‘અ સ્લો ડેથ’ એટલે કે ધીમું મોત થાય. લાંબા સમય સુધી એ કવિતા નોબલ પ્રાઇઝ વિજેતા સાહિત્યકાર પાબ્લો નેરુદાના નામે દુનિયાભરમાં ફરતી રહી હતી! એ પછી માર્થાએ પાબ્લો નેરુદા ફાઉન્ડેશનનો સંપર્ક કરીને સ્પષ્ટતા કરાવી હતી કે એ કવિતા નેરૂદાની નહીં પણ એની- માર્થાની છે. માર્થા મેડીરોસની એ કવિતા દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે, પરંતુ એ કવિતા વાચકો સમક્ષ મૂકતા પહેલાં માર્થા મેડીરોસ વિશે થોડી વાત કરી દઉં.

માર્થા ઓગસ્ટ ૨૯, ૧૯૬૧ના દિવસે પોર્ટો એલીગ્રે શહેરમાં જન્મ્યાં હતાં. માર્થાએ ‘રીઓ ગ્રાન્ડ સુલની પોન્ટિફિકલ કેથેલિક યુનિવર્સિટી’ માંથી ૧૯૮૨માં ગ્રેજ્યુએશન કર્યું. એ પછી એમનાં જ શહેરમાંથી પ્રકાશિત થતાં ‘ઝીરો હોરા’ અખબાર સાથે જોડાયાં . એ પછી રીઓ ડી જાનેરોના ‘ઓ ગ્લોબો’ અખબાર સાથે પણ કામ કર્યુ. પછી થોડા સામે માટે એ ચીલી ગયાં હતાં અને ત્યાં એમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. જો કે નવ જ મહિના પછી એ પાછાં પોર્ટો એલીગ્રે આવી ગયાં હતાં. ત્યાં એમણે ફરી પત્રકારત્વની સાથે સાહિત્યલેખન માર્થાની આ કવિતા ફ્રેમમાં મઢીને નજર સામે રાખવા જેવી છે.એ કવિતાનો કેટલીય ભાષામાં અનુવાદ થયો છે. એમાંથી અંગ્રેજી ભાષામાં થયેલા અનુવાદનો ભાવાનુવાદ કરીને મારા શબ્દોમાં વાચકો સમક્ષ મૂકું છું….

તમે ધીમે-ધીરે મરવા લાગો છો,
જો તમે કોઈ પ્રવાસ નથી કરતાં, જો કશું વાંચતાં નથી,
જો તમે તમારા જીવનનો ધ્વનિ નથી સાંભળતાં,
અને જો તમે પોતાની જાતની કદર કરતાં નથી.
તમે ધીમે-ધીમે મરવા લાગો છો
જો તમે તમારાં સ્વાભિમાનનું ગળું ઘોંટી દો છો (સ્વાભિમાનને મારી નાખો છો)
જો તમે કોઈને તમારી મદદ કરવા દેતાં નથી.
તમે ધીમે-ધીમે મરવા લાગો છો
જો તમે તમારી આદતોના ગુલામ બની જાવ છો,
જો તમે રોજ એકના એક રસ્તા પર ચાલ્યા કરો છો (એક જ લઢણમાં જીવતાં રહો છો),
જો તમે તમારા રોજિંદા જીવનમાં પરિવર્તન લાવતાં નથી,
જો તમે અલગ-અલગ રંગના વસ્ત્રો પહેરતાં નથી,
કે અજનબી (તદૃન અજાણ્યા) લોકો સાથે વાતો નથી કરતા.
તમે ધીમે-ધીમે મરવા લાગો છો
જો તમે આવેગોને મહેસૂસ કરવાને બદલે એને અવગણો છો
અને એ આવેગો સાથે જોડાયેલી ખળભળાટ મચાવી દેનારી લાગણીઓને પણ,
જેનાથી ભીંજાઈ જાય છે તમારી આંખો
અને જે તમારાં હૃદયની ધડકનોને તેજ કરી દે છે.
તમે ધીમે-ધીમે મરવા લાગો છો,
જો તમે તમારી જિંદગીને બદલી શકતા નથી,
જ્યારે તમે તમારા કામથી કે તમારી નજીકની વ્યક્તિથી અસંતુષ્ટ રહો છો,
જો તમે અનિશ્ર્ચિતતા માટે સલામતીનો ત્યાગ નથી કરી શકતાં,
જો તમે કોઈ સ્વપ્નનો પૂરું કરવા માટે ઝઝૂમી રહ્યાં નથી,
જો તમે પોતાની જાતને મંજૂરી નથી આપી શકતા,
પોતાના જીવનમાં કમ સે કમ એક વાર
કોઈ ‘સમજદાર’ સલાહથી દૂર ભાગી છૂટવાની
ત્યારે તમે ધીમે-ધીમે મરવા લાગો છો.


ધીમે-ધીમે મરવાને બદલે માર્થા મેડીરોસની આ કવિતાને અનુસરીને જીવવાની કોશિશ કરવી જોઈએ….આથી વિશેષ અહીં ઉમેરવું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…