ઉત્સવ

ભારતની આર્થિક અસમાનતાનું મૂળ તેની સામાજિક અસમાનતામાં છે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે એક રસપ્રદ ચર્ચા છેડાઈ હતી: વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશન- સંપત્તિનું પુન:વિતરણ. વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશન એટલે જેમની પાસે અધિક સંપત્તિ છે તેમાંથી અમુક હિસ્સો કરવેરા, કલ્યાણકારી યોજનાઓ, જાહેર સેવાઓ, જમીન સુધારણા અને આર્થિક નીતિઓ જેવા સામાજિક ઢાંચાઓ મારફતે જેમની પાસે સંપત્તિ ઓછી હોય તેમને આપવો તે. સાદી ભાષામાં કહીએ તો અમીર લોકો પાસેથી પૈસા લઈને ગરીબોને વહેંચવા તે.

૧૯૭૨માં દેવ આનંદની એક ફિલ્મ ‘અમીર ગરીબ’ આવી હતી. તે ફિલ્મમાં મનમોહન (દેવ આનંદ) નામનો નાયક દિવસે સંગીતકાર તરીકે પૈસા કમાય છે અને રાત્રે બગલા ભગત નામનો ચોર બનીને શહેરના અમીર લોકોને લૂંટે છે અને તે પૈસા ગરીબોમાં વહેંચી દે છે.

તેને રોબિન હૂડ સિદ્ધાંત પણ કહે છે. ઇંગ્લેન્ડની લોકકથા પ્રમાણે ૧૩મી સદીમાં રોબિન હૂડ નામનો એક કુશળ તીરંદાજ અને ઘોડેસ્વાર હતો, જે અમીર લોકોની સંપત્તિ લૂંટીને ગરીબોને આપી દેતો હતો. બંને ઉદાહરણ ધૃષ્ટ છે, પરંતુ આર્થિક નીતિની સારી ભાષામાં તેને જ વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશન કહેવાય છે.

આ વિચાર નવો નથી. જૂના જમાનામાં જયારે દુનિયામાં રાજાશાહી હતી ત્યારે તેને પેલેસ ઈકોનોમી કહેવાતી હતી- તેમાં રાજ્યની સંપત્તિનો અમુક હિસ્સો કેન્દ્રીય વહીવટીતંત્ર (મહેલ)માં જાય અને ત્યાંથી તે સામાન્ય લોકો વચ્ચે જાય. એવી જ રીતે ટેમ્પલ ઈકોનોમી પણ કામ કરતી હતી. બંનેમાં સુચિતાર્થ એ હતો કે સમાજના કલ્યાણમાં સંપત્તિનું અસરકારક વિતરણ કરવા માટે મહેલ (અથવા ટેમ્પલ) સૌથી સક્ષમ
તંત્ર છે.

વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશનને લઈને લોકોની વ્યક્તિગત સમજ, તેમની રાજકીય માન્યતાઓ, પાર્ટી પ્રત્યેની વફાદારી વગેરે અનુસાર તેની તરફેણમાં કે વિરોધમાં દલીલો થતી રહે છ,ે પરંતુ દુનિયામાં એવી એક પણ લોકશાહી નથી જ્યાં દેશના ગરીબ વર્ગના ઉદ્ધાર માટે સરકારો કામ કરતી ન હોય. બુનિયાદી રૂપે સમાજમાં આર્થિક અસમાનતાને
દૂર કરવાનો દરેક સરકારોનો હેતુ હોય છે. સરકાર તેના માટે સંપત્તિના સર્જન માટે અવસરો ઉપલબ્ધ કરાવે છે અને સંપત્તિના વિતરણ માટે નીતિઓ ઘડે છે. સંપત્તિનું સર્જન અને સંપત્તિનું વિતરણ એ બે ધારણાઓ કોઇપણ દેશના વિકાસના પાયામાં હોય છે.

ભારતમાં આ બંને વિચારો દાયકાઓથી તમામ રાજકીય ચર્ચાઓના કેન્દ્રમાં રહ્યા છે કારણ કે ભારત સદીઓથી એક અસમાન સમાજ રહ્યો છે અને આઝાદીની ચળવળથી લઈને સ્વતંત્ર ભારતની નીતિઓનો મૂળ ઉદ્દેશ્ય એક ન્યાયી સમાજનું નિર્માણ કરવાનો રહ્યો છે. એટલા માટે ભારતને વેલ્ફેર સ્ટેટ (કલ્યાણકારી રાજ્ય) કહે છે જેમાં શાસન ભારતીયોના આર્થિક અને સામાજિક કલ્યાણનું રક્ષણ અને સંવર્ધન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દરેક નાગરિકને સંપત્તિનું સર્જન કરવા માટે સમાન તક મળે અને સંપત્તિનું સમાન વિતરણ થાય તે કલ્યાણકારી રાજ્યનો હેતુ હોય છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે આઝાદીનાં ૭૦ વર્ષ પછી અને કલ્યાણકારી નીતિઓ છતાં ભારતમાં આર્થિક અને સામાજિક સમાનતાનું સ્વપ્ન સિદ્ધ થયું નથી. ઉલટાની, અમીર-ગરીબ અને ઊંચ-નીચ વચ્ચેની ખાઈ વધુ પહોળી થઇ છે. ભારતમાં આજે ૧ ટકો અમીરો પાસે દેશની ૪૦.૫ ટકા સંપત્તિ છે (ઓક્ઝામ રિપોર્ટ-૨૦૨૨) અને બાકીની સંપત્તિ ૯૯ ટકા લોકો વચ્ચે વહેંચાયેલી છે.
સામાજિક ન્યાય ભારતની સૌથી મોટી સમસ્યા છે. ભારતમાં સામાજિક ‘ન્યાય’ શબ્દનો ઉપયોગ વિભિન્ન વિચારધારાઓ સમજાવવા કરવામાં આવે છે. અમુક લોકો સામાજિક ન્યાયને મૂળભૂત માનવ અધિકાર માને છે અને અમુક લોકો માને છે કે આર્થિક સુધાર મારફતે તેને સિદ્ધ કરી શકાય છે.

ભારતમાં એવા ઘણા લોકો છે જે માને છે કે ભારતમાં સામાજિક ન્યાય નથી, ગરીબો અને વંચિતોની પરિસ્થિતિ બદથી બદતર થઇ છે. ભારતમાં જાતિવાદ, ઊંચ-નીચ ભેદભાવ, ગરીબી અને સ્ત્રીઓ સામે ભેદભાવના કારણે સામાજિક ન્યાય સિદ્ધ કરી શકાયો નથી.

ઘણા લોકો તો સામાજિક ન્યાયને ભ્રમ માને છે. તેઓ માને છે કે ભારતમાં જ્યાં લોકો જાતિ, ધન અને લિંગના આધારે વિભાજિત હોય ત્યાં સમાનતા લાવવી શક્ય નથી. તેમના મતે સામાજિક ન્યાય પશ્ર્ચિમની ધારણા છે અને ભારતમાં તેની સામે જટિલ સમસ્યાઓ છે.

ભારતનું સંવિધાન (જે પશ્ચિમનાં રાષ્ટ્રોનો અભ્યાસ કરીને ઘડવામાં આવ્યું હતું) સમાન સમાજની વાત કરે છે. તેની નજરમાં દરેક ધર્મ, જાતિ, લિંગ કે ગરીબ-તવંગર નાગરિક સમાન છે અને રાજ્ય તેમની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રગતિમાં ભેદભાવ નહીં કરે.

ભારત અનેક જાતિઓ, ધર્મો, ભાષાઓ, માન્યતાઓ, સંસ્કૃતિઓ અને અવસ્થાઓ વાળો દેશ છે. ભારતના લોકો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. લોકો વચ્ચે અસમાનતાનું મુખ્ય કારણ તેમની વચ્ચે આર્થિક સ્થિતિમાં અંતર છે. ભારતની આર્થિક નીતિઓ આ હકીકતને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સંપત્તિ અને આવકના વિતરણમાં હંમેશાં અસમાનતા રહી છે.

વિતરણની આ અસમાનતા દેશના સામજિક અને આર્થિક સંકટોના મૂળમાં છે. દેશનો સર્વગ્રાહી વિકાસ ત્યારે જ સંભવ છે જયારે આર્થિક અસમાનતાને ઓછી કરીને અંતત: ખતમ કરી દેવામાં આવે. સરકારોએ એ દિશામાં પગલાં ભર્યાં છે પણ સમયની સાથે અસામનતા ઓછી થવાને બદલે વધુ પહોળી થઇ રહી છે.

વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબનો એક નવો અભ્યાસ કહે છે કે ભારતમાં હવે સંપત્તિનું અસમાન વિતરણ બ્રિટિશ રાજ કરતાં પણ બદતર છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટયુટ તરફથી પ્રકાશિત વૈશ્ર્વિક અમીરોની સૂચી અનુસાર ભારતમાં અબજપતિઓની વર્તમાન સંખ્યા ૨૭૧ સુધી પહોંચી ગઈ છે. એકલા ૨૦૨૩માં જ તેમાં ૯૪ નવા અબજપતિ જોડાયા હતા. અમેરિકા સિવાય કોઇપણ દેશની તુલનામાં આ સૌથી મોટી સંખ્યા છે.

૧૯૯૦ના દાયકામાં શરૂઆતના આર્થિક સુધારાઓ પછી ભારતે અભૂતપૂર્વ પ્રતિ વ્યક્તિ વિકાસ દર હાંસલ કર્યો છે, પરંતુ એ વૃદ્ધિની સાથે અસમાનતા પણ વધી છે. જો કે આ વર્ષોમાં ગરીબી પણ ઓછી થઇ છે અને લોકો હજુ પણ ગરીબીમાંથી બહાર નીકળી રહ્યા છે પણ તેઓ પાછા ગરીબીમાં ધકેલાઈ જાય તેનું જોખમ પણ એટલું જ વાસ્તવિક છે. એ ઉપરાંત, ભારતમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગરીબ છે અને તેમની પરિસ્થિતિ બગડતી રહી છે. સરકારની મદદ તેમના સુધી નથી પહોંચી રહી તે પણ હકીકત છે.
વાસ્તવમાં, ભારતની આર્થિક અસમાનતાનું મૂળ તેની સામાજિક અસમાનતામાં છે. ભારત સદીઓથી વિભાજિત સમાજ રહ્યો છે પરિણામે અવસરોમાં પણ અસમાનતા રહે છે અને એટલે અમુક લોકો પ્રગતિ કરે છે અમુક નથી કરતા. પછાત વર્ગો માટે આરક્ષણની નીતિ પાછળ આ જ ઉદેશ્ય હતો કે તેમને પ્રગતિ કરવા માટે સમાન તકો મળે. જો કે એમાં હજુ પણ વધુ પ્રયાસની જરૂર છે. ભારતમાં પાંચ રીતે સમાનતા આવી શકે:

  • દરેક વ્યક્તિ સાથે સમાન અને ન્યાયી વ્યવહાર થાય
  • દરેક ધર્મો અને સંસ્કૃતિનું સન્માન થાય
  • દરેક નાગરિકને સમાન તકો મળે
  • દરેક વ્યક્તિ તેની પ્રતિભાનો વિકાસ કરી શકે
  • લોકો અસમાનતા બાબતે વધુ જાગૃત અને સંવેદનશીલ બને
  • સમાનતા લાગુ કરે તેવા વધુ કાનૂનો બને અને તેનો ઉચિત અમલ થાય
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો