ઉત્સવ

માનવ અધિકારની દિશામાં ભારતે સૌપ્રથમ પહેલ કરી હતી..

આજે ૧૦ ડિસેમ્બર-માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વિશેષ અધિકારો વિશેની ચર્ચા-વિચારણા કરવી જરુરી છે

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

આમ તો માનવ સભ્યતાના ઈતિહાસમાં વસુદેવ કુંટુંમ્બકમ’ ની ભાવના માત્ર જ મનુષ્યની વૈચારિક યાત્રાનું પ્રસ્થાન બિંદુ ગણાય,જ્યાંથી માનવ અધિકારની ચિંતન પ્રક્રિયાનો આરંભ થયો…
જો કે,૧૩ મી સદીમાં (ઈ.સ.૧૨૧૫)યુરોપ માનવ અધિકારનું જનક છે એવી વાતો વહી-પ્રચાર પણ થયો. બીજી તરફ, ભારતમાં સરસ્વતી-સિંધુ સભ્યતાથી લઈને વેદો, મહાભારતના શાંતિપર્વ, કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને અન્ય ગ્રંથો કે શાસ્ત્રો દ્વારા આપણે માનવ અધિકારનો વ્યાપક દૃષ્ટિકોણ અપનાવ્યો છે બહુજન હિતાય, બહુજન સુખાય:’ જેવાં વાક્યમાં પણ માનવ અધિકારનો આત્મા વસે છે.

આજે માનવ અધિકારોનો મુદ્દો વૈશ્વિક ચર્ચાનો વિષય બની રહ્યો છે, પરંતુ વિવાદની પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પશ્ચિમી માપદંડો પર આધારિત માનવ અધિકારોને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સમગ્ર વિશ્વમાં લાગુ પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આવી બધી ચર્ચા વચ્ચે આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્રાચીન ભારતમાં તો ધર્મ, શાસન નીતિ અને વ્યવસ્થા માનવ અધિકારોની પ્રગતિ વિશે ચર્ચા-વિચારણ અને એનો અમલ સુદ્ધાં થતો હતો.
વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના આ વર્તમાન યુગમાં માનવ અધિકારોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સમુદાય માટે રાજનૈતિક દ્રષ્ટિ પણ મહત્વપૂર્ણ બની ગયો છે.

માનવ અધિકાર અને ભારતીય દ્રષ્ટિ : પશ્ચિમી જગતમાં રાજા અને તેની રાજ્ય વ્યવસ્થા પ્રજા પ્રતિ આક્રમણ દૃષ્ટિકોણ રાખતી હતી. જયારે ભારતમાં લોકકલ્યાણ કેન્દ્રમાં હતો. હા,ત્યારે કેટલાક અંશે રાજા, સામંતો દ્વારા શોષણ જરુર થતુ,પણ ત્યારે પ્રજાએ હમેંશા વિરોધ કર્યો છે.

પ્રાચીન ભારતમાં માનવ અધિકાર : પ્રાચીન સમય- વૈદિકકાળમાં ધર્મ માનવ અધિકારનું રક્ષણ કરતુ હતું. ઋગ્વેદના અમુક મંત્ર આ વાતનું પ્રતિપાદન કરે છે. તુલસીદાસ પણ રામચરિતમાનસ’માં લખતા કહે છે કે,હિત અનહિત પશુ પક્ષિહૂ જાના, માનુંષ્ય તન ગુણ ગ્યાન નિધાના’ પ્રાચીન દસ્તાવેજો તેમજ ધાર્મિક-દાર્શનિક પુસ્તકોમાં માનવ અધિકારની ચર્ચા કરવામાં આવી છે, જેમાં અશોકના આદેશપત્ર વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

પ્રાચીન ભારતીય વિચારકોએ ધર્મના આધાર પર વ્યક્તિ-રાજ્યના સંબંધોનું વિશ્લેષણ કર્યું છે. અહી આ સંદર્ભમાં ધર્મનો અર્થ પૂજાપાઠની કોઈ પદ્ધતિ એમ કરવાનો નથી, પણ કર્તવ્ય અને નૈતિકતા એમ કરવાનો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં શાસક અને શાસિતોના ધર્મને આ પ્રકારે બંધાવાની કોશિશ કરવામાં આવી છે. પ્રાચીન ભારતીય વિચારકોએ રાજ્યની પશ્ચિમી વિચારધારા પ્રમાણે અધિકારોની વ્યાખ્યા રાજ્યની વિરુદ્ધ એક દાવા સ્વરૂપે સ્વીકારી ન હતી. કેમ કે, અધિકાર (હક) અને કર્તવ્ય (ફરજ) એ એક સિક્કાની બે બાજુઓ છે.

૧૨૧૫માં જનતાએ રાજા પાસે એક અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો કે નવા કર લગાવતા પહેલા રાજાઓને જન સહમતિ લેવી પડશે. આ ક્રાંતિએ ઈંગ્લેંડના લોકોના અધિકારો મેળવવાનો રસ્તો વધુ દ્રઠ બનાવ્યો. ત્યારબાદ ૧૫મી સદીમાં યુરોપમાં પુન:જાગરણમાં વ્યક્તિ એક વિવેકશીલ પ્રાણી છે અને રાજ્ય માનવનિર્મિત સંસ્થા છે એ વિચારને પોતાનો કેન્દ્રબિંદુ બનાવ્યો. આમાંથી ધ ટ્વેલ આર્ટિક્લસ ઑફ ધ બ્લેક ફોરેસ્ટ’(૧૫૨૬)ને યુરોપમાં માનવ અધિકારનો પ્રથમ દસ્તાવેજ માની લેવામાં આવ્યો, જે મેગ્નાકાર્ટ’ તરીકે જાણીતો થયો.

માનવ અધિકાર શા માટે?’ યુરોપમાં વૈચારિક સ્તરે માનવ અધિકારનાં બીજ ગ્રીસના સ્ટોઈક ચિંતકોએ રજૂ કરેલા કૃતિક કાયદા’ની વિભાવનામાં રહેલા છે. એ ચિંતકો માનતા કે સૃષ્ટિના તમામ જીવંત સર્જનમાં એક સનાતન અને વિશ્વવ્યાપી શક્તિ રહેલી હોય છે. સૃષ્ટિના તમામ જીવંત સર્જનમાં એક સનાતન અને વિશ્વવ્યાપી શક્તિ રહેલી છે. આથી માનવવર્તનને રાષ્ટ્રના કાયદાઓ કરતા પ્રાકૃતિક નિયમોને આધારે મૂલવવા જોઈએ.

રોમન વિચારક સિસેરો’એ પ્રાકૃતિક નિયમોને સર્વોપરી નિયમો તરીકે ઓળખાવ્યા. જેમાંથી ક્રમશ: પ્રાકૃતિક અધિકારોનો ખ્યાલ વિકસ્યો અને વ્યાપક બન્યો. ઉદારમતવાદી ચિંતનમાં આ સંદર્ભમાં પ્રાકૃતિક અધિકારોની વાત કરવામાં આવી. ઉદારમતવાદી, દાર્શનિક અને વ્યક્તિવાદી પાસાઓ ધર્મસુધારણાની સાથે વિકસ્યા, જેમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં બૌદ્ધિક, સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય માટેની માંગ હતી. આમ માનવ અધિકારોનો પાયો નખાયો.

સામી બાજુએ, ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રેમ અને તેના નિયમો/કાયદાનો ઉલ્લેખ હજારો વર્ષોથી માનવ ઈતિહાસ/સંસ્કૃતિની શરૂઆતથી જ જોવા મળે છે. વૃક્ષ પૂજા, પ્રકૃતિ પૂજાના અનેક ઉદાહરણો આપણી પાસે/સામે છે. ભારતમાં વૈદિકકાળથી સમસ્ત જીવ-પ્રકૃતિ પર્યાપ્ત સંવેદના રહી છે.

     માનવ અધિકાર એટલે? 

અહીં નોંધપાત્ર બાબત એ છે કે મેન શબ્દ માત્ર પુરુષ નાગરિકોના અધિકાર વ્યક્ત કરે છે,મહિલાઓ આવા અધિકારોથી વંચિત રહી જાય છે. આથી અધુરી અભિવ્યક્તિરૂપ મેન શબ્દને સ્થાને હ્યુમન’ શબ્દ પ્રયોજાવા લાગ્યો અને માનવ અધિકાર’ શબ્દ દ્વારા પ્રત્યેક વ્યક્તિને પાયાના નાગરિક, આર્થિક, રાજકીય અને સામાજિક અધિકારોનું સ્વાતંત્ર્ય છે એ વાત દોહરાવવામાં આવી.
ભારતીય દૃષ્ટિએ વુમેનની સંકલ્પના:

ભારતીય સંસ્કૃતિમાં માતા સરસ્વતીને વિદ્યાના પ્રમુખ દેવતા તરીકે પૂજવામાં અવે છે. દુર્ગા સપ્તશતીમાં શક્તિને તમામ શિક્ષણના પાયા તરીકે વર્ણવામાં આવી છે. રામાયણ-મહાભારતમાં આવી અનેક જ્ઞાની સ્ત્રીઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાચીન ભારતમાં વિદુષીઓ ગાર્ગી, મૈત્રેયી, અપાલા અને ક વિદુષીઓ છે. ભારતમાં હજારો વર્ષોથી મહિલાઓને સ્વતંત્રતા, સમાનતા આપવામાં આવી છે તેના અનેક ઉદાહરણ આપણી પાસે છે.

ભારતીય બંધારણ અને માનવઅધિકાર:
ભારતીય બંધારણમાં મૂળઅધિકારનું વિશદ વર્ણન કર્યું છે. તે અધિકાર ભાગ -૩ માં સામેલ છે. વિશ્વના કોઈ પણ લિખિત બંધારણમાં માનવ અધિકારનું આટલું વિશદ વર્ણન કરવામાં આવ્યું નથી, જેટલું ભારતીય બંધારણમાં કરવામાં આવ્યું છે. બંધારણના ભાગ -૩ આપેલ અધિકારને ભારતના અધિકાર-પત્ર કહેવામાં આવે છે.

૨૦મી સદીમાં માનવ અધિકાર : ૧૯૪૮થી માનવ અધિકાર સંબંધે એક પ્રભાવક સૂચિ ઘડાઈ અને વિવિધ રાજકીય વિચારધારા ધરાવતી સરકારોએ વ્યાપક અર્થમાં તેનો સ્વીકાર કર્યો. ૧૯૯૬માં સંયુક્ત રાષ્ટ્ર ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન ઇકોનોમિક સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સનો સ્વીકાર કર્યો. ૧૯૭૬થી બંને ખતપત્રનો અમલ થવા લાગ્યો.

ઈ.સ. ૧૯૯૮થું સંયુક્ત રાષ્ટ્રના ૧૩૫થી વધુ સભ્ય રાજ્યોએ આ ખતપત્રને બહાલી આપી છે. માનવ અધિકારોનું ઘોષણાપત્ર અન બંને ખતપત્રો સયુંકત રીતે ઇન્ટરનેશલન બિલ ઓફ રાઈટ્સ’ તરીકે માન્ય રહ્યો છે. માનવ અધિકારની આવી વ્યાપક ઘોષણા અને સંગઠિત સંસ્થાઓને કારણે કેટલીક બાબતો સ્પષ્ટ બની, જેમ કે, ૧) માનવ-મૂલ્યોને મૂળભૂત રીતે સ્વીકાર થવો જોઈએ. ૨) ગુણવત્તાના કે અન્ય ભેદભાવ વિના કે પ્રત્યેક વ્યક્તિને સુપરત થયેલો હોય છે. એટલે કે રાજ્ય કોઈપણ વિચારસરણીને વરેલું હોવા છતાં માનવ-અધિકાર સ્વીકારવા બંધાયેલું છે.

મોટાભાગના રાજ્યોએ માનવ અધિકારનો સૈદ્ધાંતિક સ્વીકાર કરેલો છે છતાં તેમાં કેટલાક ગભીર પ્રશ્નો પણ સમાયેલા છે. યુદ્ધો, રંગભેદ, લોકો કે વ્યક્તિઓનું અદ્રશ્ય થવું, મોટા પ્રમાણમાં હિજરત, આપખુદ ધોરણે અને અદાલતમાં વ્યવસ્થિત કાર્યવાહી કર્યા વગર લોકોનો કરવામાં આવતો વધ (એન્કાઉન્ટર), વેઠિયા મજૂર અને બાળમજૂરોનો પ્રશ્ન વગેરે માનવ અધિકારોના ભંગના ખરાબમાં ખરાબ ઉદાહરણો છે.

વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ, ઝડપી આર્થિક પરિવર્તન, જીવનરીતિમાં ફેરફાર, વારંવાર થતા રાજકીય પરિવર્તનો, વગેરે જેવા કારણોસર આ અધિકારો સામે પડકારો ઊભા થયા છે. તેમાંનો મુખ્ય પડકાર છે ગરીબી. જયાં સુધી ગરીબી નાબૂદ ન થાય ત્યાં સુધી માનવ અધિકાર ગૌણ સ્થિતિમાં આવી જાય છે. વિશ્વમાં વિવિધ સરકારે ગરીબી નિવારણના કાર્યક્રમ હાથ ધર્યા હોવા છતાં તેમાં જેઈએ તેટલી સફળતા પ્રાપ્ત થઈ નથી.

આજે પણ ઘણાં એવા દેશો છે કે જયાં ગરીબીનું પ્રમાણ ૨૬ ટકા કરતા વધુ છે. આવાં દેશોને ગરીબીમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી માનવ અધિકારનો સિદ્ધાંત સિદ્ધ થઈ શકવાનો નથી.
અસમાનતાની સમસ્યાઓ પણ માનવ અધિકારને રૂંધે છે. કહેવાય છે કે, ટોચના ૨૦ ટકા લોકો પાસે રાષ્ટ્રની ૮૦ ટકા જેટલી આવક જ્યારે મધ્યમ કે નિમ્ન વર્ગના ૮૦ ટકા લોકો પાસે ૨૦ ટકા આવક હોય છે, જે પોતે જે માનવ અધિકાર સામે મોટો પડકાર છે. ઉપરાંત દેશ-દેશ વચ્ચે ભેદભાવ, નૈતિકતાનો અભાવ, નિરક્ષરતા, પ્રજામાં જાગૃતિનો અભાવ, તેમજ વિશ્વ સ્તરે રાજકીય અને ભૌગોલિક સીમાઓ (અમેરિકા દ્વારા ઈરાન-અફઘાન, રશિયા-યુક્રેન,ચીનની વિસ્તારવાદી નીતિ, ભારત-પાકિસ્તાનનો પ્રશ્ન) માનવ અધિકારીને પ્રભાવિત કરીને સીમાડા બાંધીને માનવ અધિકારોના અમલમાં ગુંચવાડો ઊભો કરે છે.

અધિકારની સમસ્યાનું સમાધાન:
માનવ અધિકારોના અમલનો આધાર માત્ર દેશ/રાજ્યોની શુભ નિષ્ઠા પર હોય છે. તેથી તેમના રક્ષણ માટે દેશ/રાજય સરકારે કાયદાકીય જોગવાઈ કરી તેના અમલ માટે કડક પગલાં લેવાં જોઈએ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ દ્વારા ર૦૦૮ના વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું તે માનવ વિકાસ માટે માનવ અધિકારોનું અસ્તિત્વ અનિવાર્ય છે એટલે માનવ વિકાસ કરવો જરૂરી છે પરંતુ રાષ્ટ્રો આજે માનવવિકાસ એટલે આર્થિક વિકાસ સમજી બેઠા છે તે કમનસીબ છે. માનવ વિકાસ માટે માનવ વિકાસ આંકના ત્રણ નિર્દેશકો (સરેરાશ આયુષ્ય (આરોગ્ય), શિક્ષણ સંપાદન (જ્ઞાન), જીવનધોરણ (માથાદીઠ આવક) છે. આ ત્રણનો વિકાસ થાય તો જ માનવ અધિકાર ભો‘ગવી શકાય છે પરંતુ તે પહેલા માનવ વિકાસ આડેના પડકારોને દૂર કરવા પડે. અંતે માનવ અધિકારને સર્વાંગી રીતે સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ કદમ મિલાવવાની જરૂર છે, તો જ વૈશ્વિક કક્ષાએ આ મુદો સાકાર થઈ શકશે.

રાજવાણી : કૃષ્ણએ શ્રી મદ્દભગવત ગીતા’માં માર્ગથી ભટકેલા વ્યક્તિ માટે રાહ બતાવવાનું કાર્ય કર્યું છે એટલે કહેવાય છે કે, માર્ગ ભૂલેલા રાજા- નેતા અને પ્રજા જ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વિદ્વાનો અનુસાર શ્રી મદ્દભગવત ગીતા’માં તમામ સમસ્યાનું સમાધાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button