ઉત્સવ

AIનો લાભ ગામડાંને છેવટના માણસ સુધી પહોંચવો જરૂરી છે

ભારતમાં AIના વિકાસમાં ‘માઈક્રોસોફટ’નો કેવો સાથ રહેશે એ એના સીઈઓ સત્ય નાડેલા પાસેથી સમજવા ઉપરાંત AI ક્ષેત્રે ભારતના સંકેત પણ જાણવા જોઈશે.


ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

માઈક્રોસોફટ સીઈઓ – સત્ય નાડેલા ‘ભારતની હ્યુમન કૅપિટલ (માનવ મૂડી) એ તેનું સૌથી ભવ્ય સત્ય છે’ આવું વિધાન તાજેતરમાં ગ્લોબલ કંપની માઈક્રોસોફટના ચૅરમૅન અને સીઈઓ સત્ય નાડેલાએ કર્યું છે. આ કોઈ રાજકીય નિવદેન નથી, બલકે ભારતની હકીકત છે, જેમાં ભારતનું વર્તમાન અને ભાવિ પ્રતીત થાય છે. આ સત્યને ભારતની પ્રજાએ ઓળખવાનું-પારખવાનું ને સમજવાનું છે. ‘માઈક્રોસોફટ’ કંપનીએ તાજતેરમાં જ ભારતમાં તેના તરફથી ત્રણ અબજ ડૉલરના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે, જે ભારત પ્રત્યેના વિશ્વાસની સાબિતી છે. આ ઘટના અન્ય ગ્લોબલ કંપનીઓ માટે પણ સંકેત છે.

‘એપલ’ પણ આપણા દેશમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. નાડેલા કહે છે કે ભારતની પ્રજા ભારતનું નિર્માણ કરી રહી છે, જેથી રોજગાર સર્જનની અસંખ્ય તકો પણ અહીં પોતાની મેળે જ વધુ ઊભી થઈ રહી છે. ભારતની વિશાળ વસતિ તેની માટે મોટું પીઠબળ છે, અમેરિકા પણ ત્યાં સ્પર્ધાશક્તિ વધારવાના અને નિર્માણના માર્ગે છે. ટેલેન્ટને આકર્ષવામાં અમેરિકા બહુ બાહોશ રહ્યું છે. ભારત પાસે આંતરિક સ્તરે વિરાટ બજાર છે અને તે આંતરરાષ્ટ્રિય માર્કેટમાં પણ ભાગ લેવા સક્ષમ છે. ભારતની માનવ મૂડીને આકર્ષવામાં જે દેશ ઉત્સુક નથી તે સ્પર્ધાશક્તિ વિકસાવવામાં ઓછો રસ ધરાવે છે એવું અર્થઘટન થઈ શકે.

‘માઈક્રોસોફટ’ ભારતને કેવો સહયોગ આપશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના સંદર્ભમાં સત્ય નાડેલા કહે છે કે અઈંથી રોજગાર સર્જન છિનવાઈ જશે એવું સંપૂર્ણપણે માની લેવાની જરૂર નથી. ભારતને સંબંધ છે ત્યાં સુધી ભારત માટે AI ડેવલપ કરવાનો મૂડીભાર ઊંચકવાનું સંભવત સરળ ન પણ હોય તેમ છતાં ભારત વ્યૂહાત્મક પસંદગી કરીને આગળ વધી શકે છે. ભારત આ ક્ષેત્રે જે કાર્ય 10 અબજ ડૉલરમાં કરી શકે છે તેને ‘માઈક્રોસોફટ’ ભારત માટે એક અબજ ડૉલરમાં કરી શકે છે, કેમ કે ભારતમાં ખર્ચની દૃષ્ટિએ કાર્યક્ષમ AI વિકસાવવાની ઊંચી સંભાવના છે. ‘માઈક્રોસોફટે’ ભારતના ‘ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનના ડિવિઝન’ સમાન “INDIA AI’સાથે સમજૂતી કરાર કર્યા છે. એ અનુસાર‘માઈક્રોસોફટ’ ભારતમાં AIને એ રીતે વિકસાવવામાં સહયોગ આપશે, જેનાથી ભારતમાં વધુ શોધ-સંશોધન થાય – પ્રોડક્ટિવિટી વધે ને રાષ્ટ્રના વિકાસમાં એનો સમાવેશ બહેતર રીતે થઈ શકે. AI દર વરસે 10થી 15 ટકા કાર્યકારી ક્ષમતા સુધારવામાં સહાય કરી શકે છે. પાંચ-છ વરસમાં તે 100 ટકા સુધી પહોંચી શકે. અલબત્ત, આનેલઈને AI કોઈ નેગેટિવ પરિણામ ન સર્જે અને તેના લાભોને હાનિ ન પહોંચે તે માટે ઉધોગે પણ જવાબદારીપૂર્વક ભૂમિકા ભજવવી પડશે.

સત્ય નાડેલા એક મહત્ત્વનું વિધાન કરતાં કહે છે કે AI સાથે વિચારવાનું ખરું, પરંતુ આ માટેનું કાર્ય માનવબળ- માનવમૂડી સાથે કરવાનું છે. આને નવા યુગનો મંત્ર યા સિદ્ધાંત પણ કહી શકાય. જરૂર પડતાં નવા કાનૂન આવી શકે AIના વિષયમાં ‘માઈક્રોસોફટ’ સાથેના સહયોગને લઈને ઈન્ફૉર્મેશન ટેકનોલૉજી ખાતાના કેન્દ્રિય રાજ્યપ્રધાન જિતિન પ્રસાદે કરેલી વાત પણ મહત્ત્વની છે, જેમ કે દેશના નિમ્ન સ્તર કે ગ્રાસરૂટ લેવલ સુધી અઈંનું પહોંચવું અનિવાર્ય છે. એને માત્ર ડ્રોઈંગ રૂમ સુધી સીમિત રાખી શકાય નહી. એનાં ફળ દેશનાં ગામડાઓમાં રહેતા છેવટના માણસો સુધી પહોંચવાં જોઈએ… સરકાર જરૂરી સંજોગોમાં આ મામલે કાનૂની સુધારા કરવા કે નવા કાનૂન લાવવામાં પાછીપાની નહીં કરે.

બાય ધ વે, આ AI છે શું?
નિષ્ણાતોના સરળ શબ્દોમાં કહીએ તો AIને એક પ્રકારનું સોફટવેર કહી શકાય, જે માનવીય દિમાગ – હ્યુમન ઈન્ટેલિકચ્યુઅલ જે કામ કરી શકે છે તે કામ AI પણ કરી શકે અને કયાંક તો વધુ બહતેર રીતે પણ કરી શકે છે. AI અનેક પ્રકારનાં આધુનિક કાર્ય કરી શકે છે, જેમ કે લખાયેલા કે બોલાયેલા શબ્દોના અર્થ કે અનુવાદ કરવા, ડેટાના એનાલિસિસ કરીને વ્યાપક માહિતી પૂરી પાડવી, સંકેત આપવા, પરિણામ સમજાવવા, સલાહ આપવી વગેરે. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે AI કૉમ્પલેક્ષ (ગૂંચવણભર્યા) કામકાજને સરળ અને ઝડપભેર પાર પાડવાનું કાર્ય કરી શકતી કૉમ્પ્યુટર સિસ્ટમ્સ છે. AI અનેક લોકોનું કામ એકલું કરી શકે છે. અલબત્ત, આના દુરુપયોગ અને ગેરલાભ પણ થઈ શકે છે માટે સત્તાવાળાએ અને પ્રજાએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button