ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

વિશેષઃ શિયાળામાં ઉપવાસ કરતી અદ્દભુત ને અકલ્પનીય ટ્રાઉટ માછલી!

-કે. પી. સિંહ

ટ્રાઉટ એક અદ્દભુત અને અકલ્પનીય માછલી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જે સ્થાને જન્મે છે તે જ સ્થાન પર પુખ્ત થવા પર એક લાંબી સફર કાપીને પહોંચે છે અને તે જ જગ્યાએ ઇંડાં આપે છે. ટ્રાઉટ તાજા પાણીની નાની-મોટી નદીઓ અને તળાવો ઉપરાંત સાગરો અને મહાસાગરોમાં જોવા મળે છે. પરંતુ નાની નદીઓની ટ્રાઉટ મોટી નદીઓમાં જતી નથી તથા તે જ રીતે મોટી નદીઓ અને તળાવોની ટ્રાઉટ સાગરમાં જતી નથી અને સાગરની ટ્રાઉટ નદીઓમાં જતી નથી.

યુરોપમાં ત્રણ પ્રકારની ટ્રાઉટ જોવા મળે છે- ભૂરી ટ્રાઉટ, તળાવની ટ્રાઉટ અને દરિયાઇ ટ્રાઉટ. ભૂરી ટ્રાઉટ યુરોપ ઉપરાંત આફ્રિકાના ઉત્તરી ભાગોમાં પણ જોવા મળે છે. ભૂરી ટ્રાઉટ નાની-નાની નદીઓ અને તળાવોમાં મળી આવે છે. આ ટ્રાઉટ નાની હોય છે અને તેનું વજન 1.7 કિલોગ્રામથી વધુ હોતું નથી. ભૂરી ટ્રાઉટ નાનો કે મોટો કોઇપણ પ્રકારનો પ્રવાસ કરતી નથી. તળાવની ટ્રાઉટ મોટી હોય છે તથા તે હળવા રંગની હોય છે. તે મોટી નદીઓ અને તળાવોમાં રહે છે. તળાવની ટ્રાઉટ ક્યારેય ક્યારેક યાત્રા કરે છે. ભૂરી ટ્રાઉટ અને તળાવની ટ્રાઉટના શરીરનો રંગ લીલાશ પડતો ભૂરો હોય છે તથા માંસલ ભાગો પર રંગ હળવો હોય છે. તેના પેટ અને શરીરનો નીચેનો ભાગ પીળાશ પડતો હોય છે તથા તેના પર લાલ અને કાળા રંગના ઘણા બધા ડાઘ હોય છે. આ બંને ટ્રાઉટ માછલીઓના કાળા ડાઘની ચારેકોર ફીકા રંગની રીંગ્સ હોય છે.

દરિયાઇ ટ્રાઉટ સૌથી મોટી હોય છે. તેના શરીરની લંબાઇ લગભગ 1.35 મીટર તથા વજન 14 કિલોગ્રામ સુધીનું હોય છે. દરિયાઇ ટ્રાઉટ લાંબા પ્રવાસ કરે છે. આ ત્રણેય માછલીઓ એક જ જાતિની હોય છે. ટ્રાઉટ પર તાપમાનની પણ ઘણી અસર પડે છે. તેનું ભોજન સંપૂર્ણ રીતે તાપમાન પર નિર્ભર હોય છે. ટ્રાઉટ શિયાળામાં ઉપવાસ કરે છે. તે પાનખરથી જ ભોજન લેવાનું બંધ કરી દે છે. ટ્રાઉટનો ખોરાક ઉંમર અનુસાર બદલાતો રહે છે. નવજાત ટ્રાઉટ પાણીના કીડા-મકોડાના લાર્વા ખાય છે. તે મોટા કીડા-મકોડા બહુ ઓછા ખાય છે. ત્યારબાદ થોડી મોટી થવા પર પાંખોવાળા કીડા-મકોડા, પાણીના ચાંચડ તથા તાજા પાણીના ઝીંગા વગેરે ખાવા લાગે છે. પુખ્ત થયા બાદ તે મુખ્ય રીતે માછલીઓનો શિકાર કરે છે.

ટ્રાઉટનો સંવર્ધનકાળ ઓક્ટોબરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલે છે. તેના પ્રજનનકાળ પર પાણીના તાપમાન અને ઋતુનો સીધો પ્રભાવ પડે છે. આ જ કારણ છે કે અલગ-અલગ સ્થાનો પર તેનો સંવર્ધનકાળ જુદો-જુદો હોય છે. સંવર્ધનકાળમાં તળાવની ટ્રાઉટ લાંબી યાત્રા કરીને તળાવમાં ભેગી થતી નદીઓમાં જતી રહે છે. સામાન્ય રીતે તળાવો અને નદીઓની ટ્રાઉટ વહેતા પાણીમાં ઇંડાં આપે છે, જેથી ઇંડાંઓને તાજું ઓક્સિજન મળતું રહે. સંવર્ધનકાળમાં નર-માદા બંને એકબીજાને મળે છે અને છીછરા પાણીમાં એક સુરક્ષિત સ્થાન પસંદ કરે છે. માદા તેની પૂંછડીથી પાણી હેઠળ એક ખાડો તૈયાર કરે છે. આ ખાડામાં માદા ટ્રાઉટ ઇંડાં આપે છે અને નર તેને શુક્રાણુ વડે ફળદ્રુપ બનાવે છે. ઇંડાં આપ્યા બાદ નર-માદા બંને મળીને ખાડાને કાંકરા-પથ્થરો વડે ઢાંકી દે છે અને જતા રહે છે.

ટ્રાઉટ માછલીના ઇંડાં લગભગ 40 દિવસમાં પરિપક્વ થઇને ફૂટે છે તથા તેમાંથી લગભગ 1.25 સેન્ટીમીટર લાંબા બચ્ચા નીકળે છે. દરેક બચ્ચા સાથે યોક (ઇંડાંની અંદરનો પીળો ભાગ)ની એક થેલી હોય છે. આ યોક (જરદી)ના સહારે બચ્ચા 4થી 6 અઠવાડિયા સુધી જીવતા રહે છે. ત્યારબાદ પાણીના નાના-નાના કીડા-મકોડાના લાર્વા ખાવાનું શરૂ કરી દે છે. ટ્રાઉટનાં બચ્ચાઓનો વિકાસ ભારે અસમાન ગતિથી થાય છે. નાની નદીઓમાં રહેતી ટ્રાઉટનાં બચ્ચાઓનો વિકાસ દરિયાઇ ટ્રાઉટના બચ્ચા કરતાં ધીમો હોય છે એટલે કે નાની નદીઓના ટ્રાઉટનાં બચ્ચા સૌથી ધીમી ગતિએ મોટાં થાય છે અને દરિયાઇ ટ્રાઉટનાં બચ્ચાં સૌથી ઝડપી ગતિએ વધે છે.

ટ્રાઉટ માછલીઓનાં બચ્ચાઓના ઘણાં વધારે દુશ્મનો હોય છે. તેને ઇલ માછલી, પાણીની છછૂંદર, સામાન્ય ઉંદર, જળબિલાડી તથા બગલા મોટી સંખ્યામાં આહાર બનાવે છે. મોટી ટ્રાઉટ નાની ટ્રાઉટને ખાઇ જાય છે તથા પુખ્ત ટ્રાઉટ બચ્ચાઓને ખાય જાય છે. આ રીતે જન્મ લીધા બાદ માત્ર શરૂઆતના ત્રણ-ચાર મહિનામાં જ ટ્રાઉટના 94 ટકા બચ્ચા સમાપ્ત થઇ જાય છે. ત્યારબાદ જે 6 ટકા બચ્ચા વધે છે, તેમાં પણ 20 ટકા બચ્ચા મૃત્યુ પામે છે. આ રીતે બહુ જ ઓછા બચ્ચા તેના આખા જીવન સુધી જીવતા રહે છે. ટ્રાઉટના દુશ્મન તળાવોની સરખામણીએ નદીઓમાં વધુ હોય છે. શિયાળાની ઋતુમાં તળાવો અને નદીઓનું પાણી જામી જવાથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે, જેના કારણે દર વર્ષે હજારોની સંખ્યામાં ટ્રાઉટ માછલીઓ શ્વાસ રૂંધાય જવાથી મૃત્યુ પામે છે.

Also read: વિશેષ : શા માટે દર 10 મિનિટે બે વાર જૂઠું બોલે છે માણસ?

ટ્રાઉટમાં પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની વિશેષ ક્ષમતા હોય છે. આ જ કારણ છે કે તેના આટલા બધા દુશ્મનો હોવા છતાં તેની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ટ્રાઉટ બહુ ચાલાક હોય છે. તેથી તેને પકડવી સરળ નથી. વિશ્વમાં ટ્રાઉટ પર સૌથી વધુ સંશોધન થયા છે અને પુસ્તકો પણ લખવામાં આવ્યાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button