જીવનનું અમૃત
ભાણદેવ
શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
(ગયા અંકથી ચાલુ)
૨૩. અશ્ર્વવિદ્યા વિશારદ – સારથિ
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બને છે. ભગવાન કુશળ સારથિ પણ છે જ. અર્જુન વીર યોદ્ધા છે, પરંતુ કૃષ્ણ સારથિ બને છે, તેથી અર્જુન અજેય બની જાય છે. કૃષ્ણ જેમના સારથિ હોય તેમને કોણ જીતી શકે?
શ્રીકૃષ્ણ માત્ર સારથિ જ નથી, તેઓ અશ્ર્વવિદ્યા વિશારદ પણ છે જ!
મહાભારતના યુદ્ધ દરમિયાન એવા અનેક પ્રસંગો ઉપસ્થિત થાય છે, જ્યારે અર્જુન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણનું કુશળ સારથ્ય જ અર્જુનને બચાવી લે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના જ સારથિ નથી, ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના જીવનરથના પણ સારથિ છે.
૨૪. ધીર અને સ્થિર પુરુષ
ભગવાન શ્રીકૃષ્ણ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ વિચલિત થતા નથી. અક્ષોભ, સમત્વ ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વનું એક મૂલ્યવાન અને ઊડીને આંખે વળગે તેવું પાસું છે.
જરાસંધ સાથે કેટલાં યુદ્ધો, કેટલી વિટંબણા અને છતાં શ્રીકૃષ્ણની સમતા સર્વદા અકબંધ રહી છે.
મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન અર્જુનને ગીતાનો અદ્વિતીય ઉપદેશ આપે છે. કેટલી અને કેવી સ્વસ્થતા!
મહાભારતના યુદ્ધને અંતે ગાંધારી શ્રીકૃષ્ણને શાપ આપે છે-
“જેમ અમારા કુળનો નાશ થયો, તેમ તમારા કુળનો પણ નાશ થઈ જશે.
તે વખતે પણ ભગવાન શાંત અને સ્વસ્થ રહે છે અને સ્વસ્થાપૂર્વક હાથ જોડીને ગાંધારીને કહે છે –
“ભલે માતા! હું આપના શાપનો સ્વીકાર કરું છું.
આટલી સ્વસ્થતા, આટલી સમતા, આટલો અક્ષોભ શ્રીકૃષ્ણ જ દાખવી શકે!
યાદવાસ્થળી વખતે પણ ભગવાન શાંતિથી બધું જોતા રહ્યા અને સ્વસ્થ ચિત્તે સ્થિર રહ્યા.
‘જરા’ પારધીએ બાણ માર્યું ત્યારે પણ વિચલિત થયા નથી.
આવા છે ધીર અને સ્થિર પુરુષ શ્રીકૃષ્ણ! (સમાપન)
અનંત ગુણોના અધિપતિ શ્રીકૃષ્ણના અપ્રતિમ વ્યક્તિત્વનાં અગણિત પાસાંનો કોણ પાર પામી શકે? આપણી અલ્પમતિ ત્યાં કામ ન કરી શકે. અહીં અલ્પમતિથી માત્ર અલ્પકથન જ થયું છે, તેમ સમજશો.
ભગવાન શ્રીકૃષ્ણના ગુણો તો અપરંપાર છે. તેનું કથન ન થઈ શકે! તે તો બરાબર છે તો તમે અહીં આ ગુણોનું કથન કર્યું છે કેમ?
શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય
ભગવદાવતારના અવતાર કૃત્યના ત્રણ પ્રધાન વિભાગ છે.
(૧) ભૂમિકાસ્વરૂપ
અવતાર પૃથ્વી પર પ્રગટ થાય ત્યાર પહેલાં ભૂમિકા તૈયાર કરવા માટે અવતારના પૂર્વપાર્ષદો પ્રગટ થાય છે અને અવતારના પ્રાગટ્ય પહેલાં જ અવતારના અવતારકૃત્યની ભૂમિકા તૈયાર કરે છે.
વસુદેવજી, દેવકીજી, નંદબાબા, યશોદાજી, પૌણમાસીદેવી, ગર્ગાચાર્ય, સાંદીપનિમુનિ, શાંડિલ્યમુનિ- આ સર્વ ભગવાન શ્રીકૃષ્ણના પૂર્વપાર્ષદો છે અને તેમણે ભગવાન શ્રીકૃષ્ણના અવતારકૃત્યની ભૂમિકા તૈયાર કરી છે.
(૨) અવતાર પૃથ્વી પર
હયાત હોય ત્યારે થયેલું અવતારકૃત્ય
શ્રીકૃષ્ણની હયાતીમાં થયેલું અવતારકૃત્ય જોઇએ- સમજીએ.
જે સ્વયં પૂર્ણ છે, તેના કોઇ કાર્યને ‘હેતુ’ના સામાન્ય અર્થમાં કોઇ હેતુ હોતો નથી. પરમાત્માની સઘળી ક્રિયાઓને ‘કર્મોં’નહિ, પરંતુ લીલા ગણવામાં આવે છે. લીલાનો કોઇ હેતુ ન હોય. લીલા જ લીલાનો હેતુ છે. આમ છતાં આપણે આપણી માનવદ્દષ્ટિથી અવતારના કૃત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અવતાર દ્વારા શું સિદ્ધ થાય છે. તે આપણી દ્દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને તે અર્થમાં આપણે જોઇએ કે ભગવાન શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય શું છે. ભગવાન શ્રીકૃષ્ણના અવતરણ દ્વારા શું સિદ્ધ થયું છે!
(૧) પોતાના ભક્તોને પોતાના પ્રેમનું આસ્વાદન કરાવવું અને ભક્તોના પ્રેમનું પોતે આસ્વાદન કરવું- આ અવતારનો પ્રથમ અને પ્રધાન હેતુ છે. આ તો પરમાત્માનો અહૈતુક પ્રેમ છે. એટલે એને હેતુ ગણવો કેવી રીતે? પ્રેમનું આસ્વાદન પરમાત્માની સ્વરૂપગત લીલા છે. કારણકે પરમાત્મા પ્રેમસ્વરૂપ છે. પ્રેમમાં અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અહીં દ્વૈતમાં પોતાના નિજજનો સાથે પ્રેમની યમુનામાં તરવા માટે આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માનો પ્રેમાવતાર છે. આનંદાવતાર છે અને તદનુસાર લીલાવતાર છે.
શ્રીકૃષ્ણની પ્રેમલીલાનું શું કહેવું?
માતાપિતા-યશોદાનંદ સાથે પ્રેમલીલા, મોટા ભાઇ બલરામજી સાથે પ્રેમલીલા, ગોપીઓ સાથે પ્રેમલીલા, ગોપમિત્રો સાથે પ્રેમલીલા, અને પ્રેમલીલાનો ચરમોત્કર્ષ- શ્રીકૃષ્ણ અને શ્રીરાધાજીની પ્રેમલીલા. શ્રીક્ૃષ્ણના મિત્રો-મધુમંગલ, સુદામા, સ્તોકકૃષ્ણ, અંશુ, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ, વરુથપ, ભદ્રસેન- આ સર્વ મિત્રો સાથે ભગવાનની બાલલીલા – પ્રેમલીલા તો વિશ્ર્વના લીલા – ઇતિહાસમાં અપ્રતિમ ગણાય છે.
શ્રી રાધાજી, લલિતા, વિશાખા, ચિત્રા, સુદેવી, તુંગવિદ્યા, ઇન્દુલેખા, ચંદ્રાવલી, ચંપકલતા – આ સખીઓ સાથેની શ્રીકૃષ્ણ અહૈતુક પ્રેમલીલાની તોલે આવે એવી પ્રેમલીલા હજુ પૃથ્વી પર પ્રગટી નથી.
ચીરહરણલીલા, રાસલીલા, માખણચોરી લીલા, મૃદ્ભક્ષણલીલા, વનવિહરણલીલા, જળકેલી લીલા – આ કૃષ્ણલીલાઓ વિશ્ર્વના ઇતિહાસમાં પ્રેમપ્રાગટ્ય લેખે અદ્વિતીય ગણાય છે.
આ અને આવી અનેક પ્રેમલીલાઓ શ્રીકૃષ્ણના અવતારકૃત્યનો એક મૂલ્યવાન ભાગ છે.
(૨) માનવજાતિની ચેતનામાં કોઇ મહાન પરિવર્તન કરવાનું હોય, તેને વિકાસની કોઇ નવી દિશા આપવાની હોય ત્યારે, તે કાર્ય માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના અવતારનો આ હેતુ સ્પષ્ટ કરતાં કહે છે:
ઢનૃર્લૈશ્ર્નઠળક્ષણળઠળૃપ ર્લૈધમળરુન પૂઉંજ્ઞપૂઉંજ્ઞ
-હનિડ્ર ધઉંમડઉંટિળ; ૪-૮
“ધર્મની સ્થાપના માટે હું યુગે-યુગે જન્મ ધારણ કરું છું. ધર્મ શું છે?
અંદરના અને બહારના સ્વરૂપનો એક નિયમ જેના દ્વારા માનવ પોતાની જાત પ્રભુ પ્રત્યે વાળી શકે, તે ધર્મ છે. ધર્મ માનવનો પ્રભુમાં પહોંચવાનો માર્ગ છે. તદ્નુસાર માનવની પ્રભુ તરફની યાત્રામાં સહાય કરવી. તે અવતારનું એક અવતારકૃત્ય છે. માનવચેતનામાં પ્રભુ પ્રત્યે આરોહણનો મહાધર્મ રહ્યો છે. તેને ટકાવી રાખવો, તેની પુન: પુન: પ્રતિષ્ઠા કરવી, તે અવતાર દ્વારા થતી ધર્મસ્થાપના છે.
માનવચેતનામાં જે અંધકાર છે. તેનાથી તેને બચાવીને પ્રકાશ પ્રત્યે વાળવાનું મહાન કાર્ય જો અવતાર ન કરે તો તેના ઊર્ધ્વગમનનો કોઇ માર્ગ રહેતો નથી. માતા જેમ કરુણાસભર ભાવથી અસહાય બાળકને તેડી લેવા માટે નીચી નમે છે, તે પ્રભુ માનવજાતના ઊર્ધ્વવિકાસ માટે નીચે નમે છે- નીચે અવતરે છે. આ છે અવતારની ઘટના.
માનવચેતનાની વિકાસયાત્રામાં કોઇ અણીનો પ્રસંગ હોય ત્યારે પ્રભુ માનવને તેમાંથી બચાવી, તેને નવો માર્ગ ચીંધવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. અવતારનાં બહિરંગ કાર્યો કરતાં પણ અવતાર પૃથ્વી પર આવીને માનવચેતનામાં જે તત્ત્વ મૂકી જાય છે, તે વધુ મૂલ્યવાન છે.
કૃષ્ણાવતારમાં આ ધર્મ સ્થાપનાનું કાર્ય અનેક સ્વરૂપે થયું છે. આમાંથી પ્રધાન સ્વરૂપો ત્રણ છે:
(શ) અધિમનસ (ઘદયિ ખશક્ષમ) ચેતનાની સ્થાપના
માનવ-ઉત્ક્રાંતિ તે ચેતનાની ઉત્ક્રાંતિ છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા માનવચેતનાએ ઉત્ક્રાંતિનું એક નવું સોપાન સર કર્યું છે. તે સોપાન છે- ‘અધિમનસ’ ચેતના!
ભગવાન શ્રીકૃષ્ણના પહેલાં માનવચેતના જ્યાં હતી, જે હતી ત્યાં જ અને તે જ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા માનવચેતનાએ ઊર્ધ્વારોહણ સિદ્ધ કર્યું છે. અહીં આ પૃથ્વી પર શ્રીકૃષ્ણ દ્વારા અધિમનસ ચેતના પ્રતિષ્ઠિત થઇ છે.
આ ઘટના એક ગુપ્ત અને રહસ્યપૂર્ણ ઘટના છે. તેથી સામાન્ય દ્દષ્ટિથી આ ઘટના નજરે ન ચડે તે સ્વાભાવિક છે, પરંતુ શ્રી અરવિંદ જેવા રહસ્યવેત્તા જાણી શક્યા છે અને તદ્નુસાર કહી શકાય છે કે શ્રીકૃષ્ણ અધિમનસ ચેતનાના અધિષ્ઠાતા છે અને પૃથ્વી પર અધિમનસ ચેતનાના સંસ્થાપક છે.
(શશ) ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વી પર ક્યા ધર્મની સંસ્થાપના કરી છે?
આ પ્રશ્ર્નનો ઊડીને આંખે વળગે તેવો એક ઉત્તર છે- ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વી પર પ્રેમધર્મની સ્થાપના કરી છે.
વેદોપનિષદના ઋષિઓ દ્વારા પૃથ્વી પર જ્ઞાનધર્મની સ્થાપના થઇ છે અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પૃથ્વી પર પ્રેમધર્મની સ્થાપના થઇ છે.
પરમાત્માની પ્રાપ્તિ જેમ જ્ઞાન દ્વારા થઇ શકે છે, તેમ પ્રેમ દ્વારા પણ થઇ શકે છે- આ સત્ય, આ પ્રેમ ધર્મની સંસ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઇ છે.
(શશશ) ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ધર્મસ્થાપના થઇ છે, તેનું ત્રીજું તત્ત્વ છે- શ્રીમદ્ ભગવદ્ગીતા.
વિશ્ર્વભરનું અધ્યાત્મ-સાહિત્ય ફંફોળી લો. અધ્યાત્મવિદ્યાના ગ્રંથ લેખે શ્રીમદ્ ભગવદ્ગીતાની તોલે આવે તેવા ગ્રંથની આ પૃથ્વી પર રચના થવાનું હજુ બાકી છે.
અધ્યાત્મવિદ્યાના આવા અપ્રતિમ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ગીતાની રચના અને પ્રદાન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઇ છે.
ભગવાન શ્રીક્ૃષ્ણના અવતારકૃત્યોમાં આ શ્રીમદ્ ભગવદ્ગીતા એક મૂલ્યવાન અવતારકૃત્ય છે.
૩. માનવ-ઇતિહાસના કોઇ અણીના પ્રસંગે પ્રભુ ભક્તોના રક્ષણ અને દુષ્ટોના દમન માટે પણ આવે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના અવતરણના હેતુ સ્પષ્ટ કરતાં કહે છે-
-ક્ષફિઠ્ઠળઞળપ લળઢુણર્ળૈ રુમણળયળપ ખ ડળ્શ્રઇૈંટળન્ર
-હનિડ્ર ધઉંમડઉંપિળ; ૪-૮
“સાધુજનોના રક્ષણ અને દુષ્ટોના વિનાશ માટે હું અવતાર ધારણ કરું છું.
ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન પરશુરામ આદિ અવતારોની લીલાનો અભ્યાસ કરતાં સમજાય છે કે તેઓએ દુષ્ટોના દમનનું અને ભક્તો- સાધુઓની રક્ષાનું કાર્ય કરી રીતે સિદ્ધ કરેલ છે જે જગતનો સ્રષ્ટા, ધર્તા અને સંહર્તા છે તે જગતમાં જ્યારે દુષ્ટોના ત્રાસથી કોઇ અસાધારણ કટોકટી ઊભી થાય ત્યારે માનવજાતિ અને સાધુપુરુષોના રક્ષણ માટે પણ આવે છે, અને એક મહાન નેતા પણ બને છે.
ભગવાન શ્રીકૃષ્ણના અવતારકૃત્યમાં આ અવતારકૃત્ય -દુષ્ટોનું દમન અને સાધુજનોની રક્ષાનું કૃત્ય પણ જોવા મળે છે.
ગોકુળ-વૃંદાવનમાં અનેક વિપત્તિઓ આવી. ભગવાન શ્રીકૃષ્ણે આ વિપત્તિઓમાંથી ગોકુળ-વૃંદાવનવાસીઓની રક્ષા કરી જ છે. ઇન્દ્ગનો કોપ, કાલીયનાગનો ત્રાસ, બ્રહ્માજીના મોહનો પ્રસંગ, દાવાનલ, બકાસુર આદિ અનેક અસુરો-આવા અનેક ત્રાસમાંથી વૃંદાવનવાસીઓની રક્ષા ભગવાન શ્રીકૃષ્ણે કરી જ છે.
કંસના ત્રાસમાંથી યાદવોને ભગવાને મુક્ત કર્યા છે.
જરાસંધ, શાલ્વ, શિશુપાલ આદિના ત્રાસથી યાદવોને ભગવાને બચાવ્યા છે અને દ્વારિકાનગરીમાં ખૂબ સારી રીતે સંસ્થાપિત કર્યા છે.
દ્ગૌપદીનું પરિત્રાણ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ થયું છે.
પાંડવોની રક્ષા ભગવાને અનેક વાર અને આખરે મહાભારતના યુદ્ધમાં તો વિશેષત: કરી જ છે.
જસસંઘ, શિશુપાલ, દંતવક્ત્ર, વિદૂરથ, શાલ્વ, શકુનિ, કૌરવો આદિના ત્રાસથી ભારત વર્ષને ભગવાન શ્રીકૃષ્ણે મુક્ત કર્યું જ છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણે સાધુજનોની રક્ષા અને દુષ્ટોનું દમન કર્યું જ છે. આ ભગવાન શ્રીકૃષ્ણનું એક અવતારકૃત્ય છે.