પુરાણોમાં ત્રીજી-સેક્સ શરીરના અર્થમાં નથી, સમાધિના અર્થમાં છે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લોકોને લગ્નનો અધિકાર આપવાનો ઇનકાર કર્યો છે. મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોને બેન્ચે, સમલૈંગિક સમુદાય તરફથી લગ્ન અને બાળકોને દત્તક લેવા માટેની વિધિને કાયદેસર રક્ષણ આપવાની માંગણી કરતી અરજી પર ફેંસલો આપતાં કહ્યું હતું કે લગ્નનો કાયદો બનાવાનું કામ સંસદનું છે, અદાલતનું નથી. સરકારે અદાલતને ખાતરી આપી હતી કે તે સમલૈંગિક સમુદાયની માગણીઓ અને પ્રશ્ર્નો પર વિચાર કરવા એક સમિતિ બનાવશે.
એક રીતે આ ચુકાદાથી આ સમુદાય નારાજ થયો છે કારણ કે તેમનાં લગ્નને કાયદાનું રક્ષણ મળ્યું નથી, પરંતુ સારી વાત એ છે કે અદાલતે સમલૈંગિકતાને અકુદરતી કે અસામાજિક વૃતિ માનવાનો ઇનકાર કરીને એવા લોકોને સમાજમાં સરખું માન અને સ્થાન મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.
સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું હતું કે અમારી ફરજ બંધારણે આપેલા હક્કોનું રક્ષણ કરવાની છે અને સમલૈંગિકોને પણ અન્ય લોકોની જેમ જીવવાનો અધિકાર છે અને સરકારે તેના પર વિચાર કરવો જોઈએ. આવી વૃતિ માત્ર શહેરી ભદ્ર વર્ગમાં જ છે તેવી કેન્દ્ર સરકારની દલીલને ખારીજ કરતાં તેમણે કહ્યું હતું કે, “એવું નથી કે અંગ્રેજી બોલતો કે વ્હાઈટ કોલર નોકરી કરતો પુરુષ સમલૈંગિક હોવાનો દાવો કરે છે, ગામમાં ખેતરમાં કામ કરતી સ્ત્રી પણ ક્વીર હોઈ શકે છે. ક્વીર હોવું એ કોઈપણ જાતિ, વર્ગ અથવા સામાજિક-આર્થિક દરજ્જાની બહાર છે.
૨૦૧૮માં, સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી મુક્ત કરતાં આઈપીસીની ધારા ૩૭૭ને રદ કરી હતી, તે પછી તેમને લગ્નનો પણ હક્ક છે તેવું મંતવ્ય આપીને અદાલતે આ સમુદાયના હિતમાં વધુ એક પગલું ભર્યું છે.
ભારતમાં (અને દુનિયાના અનેક દેશોમાં) સમ-લૈંગિક સેક્સને પાપ ગણીને એના પર પાબંધી ફરમાવમાં આવી હતી. જો કે ભારતમાં એકેશ્વરવાદી ધર્મની પરંપરા રહી નથી, એટલે પૌરાણિક હિંદુ પરંપરામાં સમલૈંગિકતા પ્રત્યે, ઉઘાડેછોગ સ્વીકૃતિ નહીં તો, ખાસ્સો સહિષ્ણુ અભિગમ હતો.
૧૮૭૧ પહેલાં ભારતમાં કિન્નરોની સામજિક સ્વીકૃતિ હતી, પરંતુ બ્રિટીશ શાસનકાળમાં અંગ્રેજો ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ ઓફ ૧૮૭૧ લાવ્યા. તે પછી ક્ધિનર જાતીને અપરાધી જનજાતિની શ્રેણીમાં નાખી દીધી. એમની ઉપર નજર રાખવા માટે એક અલગ રજીસ્ટર રાખવામાં આવતું હતું અને એમનાં કૃત્યોને બિનજામીન અપરાધ જાહેર કરવામાં આવ્યો.
‘નીધર મેન નોર વીમેન’ (૧૯૯૦) નામના પુસ્તકમાં ન્યૂયોર્કની સિટી યુનિવર્સીટીની સેરેના નંદા લખે છે કે, “સમલૈંગિકો પ્રત્યે પશ્ચિમમાં ભય (હોમોફોબિયા) અને પૂર્વમાં સહિષ્ણુતા રહી છે. આ વિષય પર દસ વર્ષ સુધી અભ્યાસ કરનાર નંદા એમાં બહુચરાજી માતાનો ઈતિહાસ ટાંકીને કહે છે કે, ભારતમાં કિન્નરોને ધાર્મિક સમુદાયનો દરરજો આપીને સ્વીકારવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં દેવી રેણુકામાં માણસની જાતિ બદલવાની તાકાત હોવાની માન્યતા છે. એના પુરુષ ભકતો (બહુચરાજીના પાવૈયાની જેમ) જોગપ્પા તરીકે ઓળખાય છે.
મહાભારતમાં શિખંડીનીનું પાત્ર છે, જે પાંચાલ નરેશ દ્રુપદને ત્યાં અંબાનો પુનર્જન્મ કહેવાય છે. એના જન્મ સમયે આકાશવાણી થઇ હતી કે, એનું લાલન-પાલન પુત્ર નહીં, પણ પુત્રી તરીકે કરવામાં આવે. પાછળથી એક યક્ષ એનું પૌરૂષત્વા શિખંડીનીને આપે છે, અને શિખંડીની ’શિખંડી’ બને છે.
હિંદુ પુરાણોમાં, આજના સેક્સ-ચેન્જની જેમ, દેવી-દેવતાઓ જાતિ બદલતા હોય એવા બહુ પ્રસંગો છે, અને એ હકીકત આ ’સ્ત્રી છે કે પુરુષ?’ની સામાજિક લડાઈને આધ્યાત્મિક સ્તરે લઇ જઈને સન્માન બક્ષે છે. શિવા અને પાર્વતીના મિલનમાંથી અર્ધનારીશ્ર્વરની કલ્પના બહુ લોકપ્રિય છે, જે નર પણ નથી, અને નારી પણ નથી.
તેવું જ મિલન લક્ષ્મી અને નારાયણનું છે, જે લક્ષ્મીનારાયણમાં પરિણામે છે. ભગવતપુરાણમાં દાનવો અમૃતને જતું કરે તે માટે, તેમને મોહમાં નાખવા વિષ્ણુ મોહિનીનું રૂપ ધારણ કરે છે. મહાભારતમાં જ અર્જુનમાં પણ આ વિસંગતી છે. એ જયારે ઉર્વશીનાં લટકાં-ઝટકાંને વશ નથી થતો, ત્યારે ઉર્વશી એને ’ક્લીબ’ (કિન્નર) બની જવાનો શ્રાપ આપે છે. દેશનિકાલના છેલ્લા વર્ષમાં અર્જુન બૃહન્નલા નામ ધારણ કરીને રાજા વિરાટના રાજ્યમાં રહે છે.
પશ્ર્ચિમમાં સમલૈંગિકતાની ચર્ચા સેક્સ સુધી સીમિત રહી ગઈ છે, અને સેક્સ પ્રત્યે સુગ હોવાના કારણે સમલૈંગિક વ્યક્તિ પણ દોષ અને અપરાધના દાયારામાં મુકાઇ ગઈ. આપણે ત્યાં સેક્સ ન તો પાપ કે ગંદો ગણાયો નથી. સેક્સ સર્જનની બુનિયાદ છે, એટલે દિવ્ય છે. એક વ્યક્તિ હોય કે પૂરો સંસાર હોય, એ ચૈતન્યના નર અને નારી હિસ્સાના મિલનનું પ્રાગટ્ય સ્વરૂપ છે.
ઉપનિષદ કહે છે કે, સંભોગમાં જે આનંદનું તત્વ છે, તે ચૈતન્યના પરમાનંદની હલકી ઝાંખી છે. હિંદુ પરંપરામાં
આમ વ્યક્તિથી લઈને ઈશ્વરમાં સેક્સનો નિષેધ નથી, સ્વીકાર છે. સેક્સના ઉર્ધ્વીકરણની વાત પણ માત્ર હિંદુ પરંપરામાં જ છે; વ્યક્તિએ સંભોગમાંથી પસાર થઈને સમાધિ સુધી જવાનું છે. હિંદુઓનો સેક્સ પ્રત્યેનો તંદુરસ્ત અભિગમ ઈસાઈ અને ઇસ્લામની સુગ અને શુદ્ધતાના આગ્રહના કારણે બદલાયો.
પુરાણોમાં ત્રીજી-સેક્સની જે કથાઓ-પ્રસંગો છે, તે શરીરના અર્થમાં નથી, સમાધિના અર્થમાં છે. જેને એન્લાઇટન્મન્ટ, મોક્ષ કે પ્રબુધ્ત્વ કહે છે, એનું વૈજ્ઞાનિક પરીક્ષણ હવે સાબિત કરે છે કે, એવી વ્યક્તિમાંથી સેક્સ ગાયબ થઇ જાય છે. એન્લાઇટન્મન્ટ એક એવી શારીરિક ક્રાંતિ છે, કે પૂરી રસાયણિક પ્રક્રિયા બદલાઈ જાય છે. એ હોર્મોનલ પરિવર્તન છે. સેકસુઅલ અંગો સેક્સ-એક્ટ માટે નાકામ બની જાય છે. એ ડીઝાયર રહેતી નથી. એટલા માટે એન્લાઇટન્મન્ટને પ્રાપ્ત કરેલી વ્યક્તિ ‘સ્ત્રૈણ’ નજર આવે છે. એ પેલા અર્ધનારીશ્વરના ’શક્તિ’ સ્વરૂપનું પ્રગટ્ય છે.
પ્રાચીન માન્યતાઓ જે પણ હોય, હકીકત એ છે કે, જ્યારથી માનવ જાતિ ધરતી પર છે, ત્યારથી કિન્નરોનો ઈતિહાસ છે. એ ન તો જન્મજાત સ્ત્રીલિંગ હોય છે, ન તો પુલ્િંલગ. પ્રકૃતિએ એમને અંત:લિંગ બનાવ્યા છે. કિન્નર માણસની એ અવસ્થા છે જયારે ગર્ભમાં શિશુના શારીરિક વિકાસ-ક્રમમાં કોઈ એક લિંગની રચના થતી વખતે એની વિકાસ પ્રક્રિયામાં અવરોધ આવી જાય છે, અથવા અમુક સમય પછી બીજા લિંગનો વિકાસ થાય છે. એ પ્રમાણે કિન્નરના અંગમાં પુરુષ અથવા સ્ત્રીનાં અંગ અવિકસિત રહી જાય છે, અથવા બંને અંગોની મિલાવટ થાય છે.
ધરતી પર ઉભય જીવી લોકોનો શરૂથી દબદબો રહ્યો છે, અને એના અહંકારમાં આ ત્રીજી જાતિને ચાર હજાર વર્ષોથી અન્યાય થતો આવ્યો છે. ચાહે રાજા હોય કે રાજનેતા, સમતામુલક સમાજના બણગા ફુંકનારા લોકોને આ સમુદાયથી કોઈ નિસબત રહી નથી. એ જ કારણ છે કે અધિકતર ક્ધિનરો ભિક્ષાવૃતિ કે વેશ્યાવૃત્તિ માટે અભિશપ્ત છે.
તમને દિલ્હી હાઈકોર્ટનાં પહેલાં મહિલા જજ લીલા સેઠનું નામ યાદ છે? ૨૦૧૭માં એમનું અવસાન થયું હતું. એ લંડનમાં બારની પરીક્ષા ટોપ કરનારી પહેલી મહિલા હતાં. સમકાલીન અંગ્રેજી સાહિત્યમાં ધ ગોલ્ડન ગેટ, અ સુઈટેબલ બોય, એન ઇક્વલ મ્યુઝિક, અ સુઈટેબલ ગર્લ જેવાં પુસ્તકોના લેખક વિક્રમ સેઠ આ લીલાબેનનો દીકરો થાય. આ વિક્રમ જન્મથી ગે અથવા સમલૈંગિક છે.
૨૦૧૪માં, જયારે સર્વોચ્ચ અદાલતે ગે-સેક્સને અપરાધ ગણવા માટે હામી ભરી, ત્યારે લીલા સેઠે એક લેખ લખેલો, જે ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયો હતો. એમાં એમણે લખેલું,
“મારું નામ લીલા સેઠ છે. હું ૮૩ વર્ષની એક સુખી મહિલા છું. ૬૦ વર્ષથી પતિ સાથે રહું છું. ત્રણ સંતાન છે. જ્યેષ્ઠ દીકરો, વિક્રમ, લેખક છે. વચેટ, શાન્તનું, બૌદ્ધ શિક્ષક છે. નાની, આરાધના, કલાકાર અને ફિલ્મમેકર છે. મેં અને મારા પતિએ ત્રણેને બીજો માટે ઈમાનદારી, સાહસ અને સહાનુભૂતિના સંસ્કાર સાથે મોટા કર્યાં છે. એ મહેનતુ છે, અને દુનિયાને બહેતર બનાવવા કામ કરે છે.
“પણ અમારો જ્યેષ્ઠ, વિક્રમ, હવે ક્રિમીનલ બની ગયો છે, કારણ કે લાખો ભારતીઓની જેમ સમલૈંગિક છે, અને સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી મુક્ત કરતા દિલ્હી હાઈકોર્ટના બે જજોના ફેંસલાને ફગાવી દીધો છે. હવે, વિક્રમ જો કોઈના પ્રેમમાં પડે તો એને આજીવન કારાવાસની સજા થશે. હવે એણે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે. આ જજમેન્ટ અલગ સેકસવાળા લોકોને ઉતરતા ગણે છે. પ્રેમ જીવનને સાર્થક બનાવે છે. માણસ હોવું એટલે પ્રેમ કરવાનો અધિકાર હોવો. એ અભિવ્યક્તિને અપરાધ ગણવો એ ક્રુરતા અને અમાનવીય છે.