સર્જકના સથવારે : શાયર આસિમ રાંદેરી ફરે ના ચાંદ સૂરજ કેમ નિશદિન મુજને જોવાને હું ધરતી પર ઇરાદા આસમાની લઈને આવ્યો છું
–રમેશ પુરોહિત
ગયા સપ્તાહે આપણે ગુજરાતના મુખ્ય શાયર ‘આસિમ’ રાંદેરી વિશે અને તેમના સર્જન વિશે વાત કરી હતી. આસિમભાઈનું વ્યક્તિત્વ સૌજન્યપૂર્ણ અને સાલસ હતું. હંમેશાં થ્રી પીસ સૂટમાં હોય અને જે શહેરમાં મુશાયરો હોય ત્યાં જાય પણ યજમાનના પર બોજ થવાને બદલે સારી હોટેલમાં રહેવાનું રાખે. મુંબઈમાં રહેતા ત્યારે ઘાયલ સહિત ઘણા શાયરમિત્રોનો ઉતારો એમના ઘરે રહેતો.
એમના વખતમાં મુશાયરાઓ એમના વગર કલ્પી ન શકાય. સરળ પ્રકૃતિ અને મમતાભર્યા આસિમભાઈ સાથી કવિઓના અને શ્રોતાઓના લાડીલા શાયર હતા. ગઝલ હોય કે નઝમ પણ તેને રજૂ કરવાની આગવી અદાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બનતા.
આસિમ રાંદેરીએ પ્રિયતમા લીલાનું સર્જન કર્યું. આમ તો એ શાયરના ભાવનું પ્રતીક છે પરંતુ એમણે જે પ્રકારે પ્રેમ અને મમતાથી એ પાત્રને લાડ લડાવ્યા છે અને લીલાને દરેક દૃષ્ટિકોણથી અભિવ્યક્ત કરેલ છે એ તેઓનો આગવો કસબ છે. મિલન સ્થળ છે તાપીનો કિનારો. લીલા અને તાપી તીરના સૌન્દર્યને એમણે પોતાના સર્જનના ભાગ બનાવ્યા છે.
જોકે ‘લીલા’ પ્રત્યેનો પ્યાર જરાય દૈહિક કે પાર્થિવ નથી પણ અલૌકિક છે, એક મુક્તની બે પંક્તિઓ તેનો પુરાવો છે:
‘આસિમ’ પવિત્ર ‘લીલા’નું પહેલું મિલન થયું
‘તાપી’ના તટ ઉપર મને ‘ગંગા’ મળી ગઈ
આસિમભાઈનાં પુસ્તકો છે: ‘લીલા’ ‘તાપી તીરે’, ‘ગુલછડી’ અને ‘શણગાર’. તાપી તીરેમાં પાંગરતા પ્રણયની ગઝલો છે. એમની એક ગઝલમાં નિષ્ફળ પ્રેમની વાત કરતી વખતે કંકોતરીનાં ઉલ્લેખ આવે છે. આખું કાવ્ય ‘કંકોતરી’ આ પ્રમાણે છે.
મારી એ કલ્પના હતી કે વિસરી મને
ક્ધિતુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.
આમ છતાં મહોબ્બત ક્યારેય મરતી નથી. કંકોતરી લખ્યા પછી આસિમભાઈ લખે છે કે:
‘લીલા’ની મોહબ્બત જીવનમાં સદાયે રહેવાની
જો ચૈન બનીને રહી ન શકે તો દર્દ બની સચવાઈ જશે.
આસિમ રાંદેરી મુશાયરામાં થોડી જ ક્ષણોમાં શ્રોતાઓ સાથે સંવાદ સાધી શકતા હતા કારણ કે સાંભળનારને લાગતું કે એ આપણી જ વાત કરે છે કેમ કે:
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુન: કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી.
એમના જમાનામાં કોલેજમાં જતા યુવાને ‘આસિમ’ની ગઝલો અને નઝમો બહુ જ ગમતી અને પોતાની ગમતી પ્રિય વ્યક્તિઓમાં ‘લીલા’ પાત્રનું આરોપણ પણ મનમાં થયાં કરતું. એ જમાનામાં બહુ જ પ્રખ્યાત રચના ‘જુઓ લીલા કોલેજ જઈ રહી છે’ના થોડાક શેર જોઈએ:
જુવાની મહોબ્બતના દમ લઈ રહી છે
મને દિલની ધડકન ખબર દઈ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઈ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે.
છે લીલામાં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરિતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે.
મુંબઈમાં વિદેશી કંપનીની શાળા વલ્ડન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમેન તરીકે સેવાઓ આપી ૧૯૬૫માં નિવૃત્ત થયા અને પછી એમણે ગઝલ સાથે લઈને વિશ્ર્વ પ્રવાસ શરૂ કર્યો. ૧૯૬૫-૭૧ સુધીમાં કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગાસ્કર, મોરેશિયસના પ્રવાસો કર્યા અને જ્યાં જ્યાં ગુજરાતીઓ હતા ત્યાં ત્યાં બધાને મળ્યા અને ગઝલો સંભળાવી.
૧૯૭૩માં લંડન, કેનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો. બાનીની સરળતા અને પ્રાસાદિકતાથી ગઝલ સ્વરૂપને લોકો સુધી લઈ જવામાં એમનો ફાળો અનન્ય રહ્યો છે.
ઑલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી મુશાયરાની શરૂઆત સૌથી પહેલા આસિમભાઈએ કરી હતી. ટી.વી. અને રેડિયો કાર્યક્રમો કર્યા. ગુજરાતનાં ગામડાઓમાં કે કસબાઓમાં મુશાયરો હોય તો પણ પહોંચી જતા. ડભોઈમાં ૧૯૩૭માં આપણા મૂર્ધન્ય કવિ સુંદરમ્ના પ્રમુખપદે મુશાયરો હતો. આસિમભાઈએ ડભોઈ વાસીઓના મન પર તરત જ કબજો જમાવી દીધો એમના એક મુક્તકને કારણે. મુક્તક આ પ્રમાણે હતું.
કાવ્ય-વાચનને કોઈ યાદ કરે
કોઈ ગુણ-દોષ જોઈ યાદ કરે
આજ એવી ગઝલ પઢો આસિમ
તમને આખું ડભોઈ યાદ કરે.
ગઝલ કહેવાની સાદગી અને નવીનતા, ભાવની નાજુક સુકુમારતા અને પ્રાસાદિકતા કાવ્યરસિકોને આકર્ષે છે. આપણા અગ્રગણ્ય કવિ જયંત પાઠકે બહુ સરસ પ્રસંગ કહ્યો છે: ‘ઈ. સ. ૧૯૩૮માં હું સૂરતની કોલેજમાં ભણવા આવ્યો ત્યારે મહાગુજરાત ગઝલ મંડળની મુશાયરા પ્રવૃત્તિ જોરશોરથી ચાલતી હતી.
સૂરત-રાંદેરના શાયરોને સાંભળવાના મુગ્ધ ઉત્સાહમાં હું અનેકવાર મુશાયરાઓમાં હાજર રહેતો. આવા એક પ્રસંગની સ્મૃતિ મનમાં તાજી થાય છે. આસિમ રાંદેરી એમના હલકભર્યા કોમળ કંઠથી ગઝલ રજૂ કરી રહ્યા છે. એનો એક શેર ત્યારે જેવો બોલાયેલો તેવો જ સ્મૃતિમાં સચવાયેલો છે:
ફરે ના ચાંદ સૂરજ કેમ નિશદિન મુજને જોવાને
હું ધરતી પર ઈરાદા આસમાની લઈને આવ્યો છું
જીવનનાં અંતિમ વર્ષો પુત્ર સાથે અમેરિકામાં રહ્યા. ત્યાં બેઠા બેઠા પણ ગઝલ સાધના-આરાધના ચાલુ રાખીને ૧૯૭૬માં છેલ્લો ગઝલ સંગ્રહ ‘શણગાર’ પ્રગટ કર્યો હતો. પ્રેમના પૂજારી એવા આ શાયરને રાંદેરની સરજમીનનું આકર્ષણ બહુ જ હતું. એ શતાયુ થયા. એંસી વર્ષ ગઝલની ઉપાસના કરી. ૧૦૪ વર્ષની વયે ૨૦૦૯માં રાંદેરમાં છેલ્લો શ્વાસ લીધો. છેલ્લે છેલ્લે ‘લીલા’ની યાદમાં પૂછી બેસે છે કે મારી લીલા ક્યાં છે? જુઓ એ રચના:
આ પણ વાંચો…અગ્નિપરીક્ષાઃ પત્નીની આવી અડગ વાણી સાંભળી નારાયણને પાર્વતી માટે માન ઉપજ્યું
એ જ બહારો બાગની અંદર
પ્રેમના જાદુ રૂપના મંતર
એ જ પતંગા દીપના ઉપરે
એ જ કમળ છે, એ જ મધુકર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
કિંતુ મારી લીલા ક્યાં છે?
આસિમભાઈનું પ્રદાન હંમેશાં યાદ રહે તેવું છે. સતત આઠ દાયકા ગઝલને સમર્પિત કરનાર શાયરને ગુજરાત હંમેશાં સ્મૃતિમાં સાચવશે.
સત્ય છે શાયરી-દુનિયામાં તમારી આસિમ
છે જુદી ચાલ બધાથી ને જુદો છે રસ્તો.