સુખની શોધમાં
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
જ્વેલરી માર્કેટનો અનમોલ હીરો એટલે હર્ષિલ મહેતા. વિલેપાર્લાના જુહૂ વિસ્તારમાં બાપીકો ધંધો સંભાળતા ેહર્ષિલ ગોલ્ડ તથા ડાયમંડ જવેલરીનો મોટો વેપારી ગણાય છે. પૂરી ઈમાનદારી સાથે ધંધો કરનાર હર્ષિલ મહેતાનું નામ લોકપ્રિય છે. માતા-પિતાનો એકનો એક આ લાડકો હર્ષિલ આજ્ઞાંકિત, પેમાળ અને સમજુ દીકરો છે. જયારથી હર્ષિલે ધંધો સંભાળ્યો છે, ત્યારથી પિતા મહેન્દ્રભાઈ તેમના અંબિકા જ્વેલર્સમાં જાય ખરાં, પણ જયારે જરૂર હોય ત્યારે જ સલાહ આપતા. મમ્મી સુનીતાબેન તો કંકુવરણાં પગલાં પાડતી પુત્રવધુની રાહ જોતા હતા.
રાજકોટમાં રહેતા તેમના મામાના મિત્ર પિનાકીન ત્રિવેદીના ઘરેથી તેમની દીકરી સ્નેહાનું હર્ષિલ માટે માંગું આવ્યું. સ્નેહા શાળામાં શિક્ષિકા છે, વિડિયોકોલ પર વાત કરતાં જ સુનીતાબેન, મહેન્દ્રભાઈ ખુશ થઈ ગયા. હર્ષિલે કહ્યું- એમને અહીં બોલાવીએ, અમે એકબીજા સાથે બે-ત્રણ મિટિગ કરીએ. પછી જ આગળ વાત કરીશું. મુંબઈની એ બે ત્રણ મિટિગે તો હર્ષિલ અને સ્નેહાનું જીવન જ રોમાંચિત કરી દીધું. હવે સ્નેહા જ ઘરનું કેન્દ્ર, એની જ વાતો. જો, મારી સ્નેહા માટે મને એકદમ નવી ડિઝાઈનનો બેસ્ટ સેટ જોઈએ. એનું મંગળસૂત્ર તો હું જ પસંદ કરીશ. મારે તો બેસ્ટ હોલમાં લગ્ન લેવા છે.- હર્ષિલ કહેતો. બીજી તરફ વોટસ-એપમાં બંને લવબર્ડ ખોવાઈ ગયાં.
પોતાની લાડલી સ્નેહા હવે મોટા ઘરની વહુ બનશે, એકના એક દીકરાની વહુ તરીકે મોભો મળશે. સુખી- ધનાઢ્ય કુટુંબ છે તો મારે કોઈ ચિંતા કરવી ન જોઈએ. હંસાબેને વિચાર્યું. પણ, ત્યાં જ એમનું શંકાશીલ મન બોલી ઉઠ્યું-હર્ષિલ તો એકનો એક દીકરો છે તો એ મા-બાપના દાબમાં જ હોય, મારી દીકરીને પણ દાબમાં રાખશે. એક વાર ચૂપચાપ સહન કરીએ એટલે આખી જીંદગી દબાયેલા રહેવું પડે. મેં પોતે કેટલું સહન કર્યું. જીવ્યા ત્યાં સુધી ડોસીએ મને ત્રાસ આપ્યો હતો. મારા પિનાકીન કશું બોલતા જ નહીં. મારે સ્નેહાને સમજાવવી પડશે. આણાની સાડીઓ પેટીમાં ગોઠવતા હતા, ત્યાં જ સ્નેહા વાવાઝોડાની જેમ આવી અને વોટસએપ પરના ફોટા હરખથી બતાવવા લાગી. મમા, જો આ ફોટામાં મારાં સાસુજીએ કેવી સરસ હેરસ્ટાઈલ કરી છે, એ તો પાર્લરમાં જઈને મેકઅપ-ડે્રસિંગ કરાવે છે.
હા, સરસ ફોટા છે. પણ, સ્નેહા મારી વાત જરા સાંભળ. આ મુંબઈના લોકો ખૂબ સ્માર્ટ અને અભિમાની હોય છે. એમના પેટમાં પાપ હોય એટલે ઓછું બોલે, આપણને ગામડાંના સમજે. જરા, સાચવીને રહેજે. હંસાબેને કહ્યું. મંમા, ના એવું નથી. મારી સાથે ખૂબ સારી રીતે બોલે છે. સ્નેહા, તું ભોળી છે. એટલે સમજાવું છું. લગ્ન પછી તારા દાગીના તારા કબાટમાં જ રાખજે. એમને આપીશ તો ગયા જ સમજજે. અને આખો દહાડો ઘરકામના ધસરડા કરવાના નહીં. આખા દહાડાનો નોકર કે બાઈ હોવી જોઈએ. અરે, આટલી બધી ચિંતા ન કર. તું જ તો કહે છે કે આપણા ઘરનું કામ આપણે કરવું જોઈએ. હું તારી મા છું, મને ચિંતા ન થાય? કહેતા હંસાબેનથી ડૂસકું ભરાઈ ગયું. મંમા, આમ રડે છે શું. હર્ષિલ તો ખૂબ કેરીંગ છે.
જો, સાંભળ એ એકનો એક દીકરો છે. એ માવડિયો જ હશે. લગ્ન પછી જો તારા દાબમાં નહીં રાખે તો તારે આખી જિંદગી ઓશિયાળા રહેવું પડશે. આટલો મોટો ધીખતો ધંધો એમાં તારો પણ ભાગ હોવો જોઈએ. જરા હોશિયાર રહેવાનું. હું કંઈ ત્યાં સુધી રોજ આવી શકીશ નહીં. મમ્મીની વાત પરથી સ્નેહાને સમજાયું કે મારે હર્ષિલ પર મારો દાબ રાખવો પડશે.
સુનીતાબેન રંગેચંગે જાન લઈ રાજકોટ આવ્યા. હર્ષિલ અને સ્નેહાની જોડી જોઈને જાનૈયાઓ ખુશ હતા. હર્ષિલના એક મિત્રે ગાયું- લે, જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. વહાલસોયી ક્નયાને વિદાય આપતાં આ માંડવો પણ આંસુ સારી રહ્યો હતો. માઈક પર એક ગીત સંભળાતું હતું. કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો— પિનાકીનભાઈએ હંસાને માંડમાંડ સંભાળી.
હર્ષિલ અને સ્નેહા હનીમુન માટે ગયા ખરા, પણ એક જ અઠવાડિયામાં માલદીવથી પાછા આવ્યા. એવામાં મોટાકાકાને ગંભીર માંદગી આવી તો હર્ષિલ જ દોડધામ કરતો. અતિ વ્યસ્તતાને કારણે હર્ષિલ સ્નેહાને સમચ આપી શકતો નહીં. સાસુમા એમના સામાજિક કામમાં બીઝી રહેતાં. સુનીતાબેન એક કીટી પાર્ટીમાં સ્નેહાને લઈ ગયાં, બે-ત્રણ બહેનોએ ટકોર કરી કે સુનીતા તારી વહુ તો સમજુ લાગે છે, પણ આ કલ્ચરમાં એને એડજેસ્ટ થતાં વાર લાગશે. તારો હર્ષિલ તો સ્માર્ટ છે.
તારી વાત સાચી ગામડાંની ખરી પણ કામકાજમાં ખૂબ ડાહી છે. સુનીતાબેન અણગમાના ભાવે બોલ્યાં. સ્નેહાને ખૂબ લાગી આવ્યું. એણે કહ્યું- મેં શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું છે. હું એમ.એ, બી.એડ વીથ ફર્સ્ટ કલાસ છું.
મમ્મીજી કશું ન બોલ્યાં અને એક બેને હાથમાં જ્યુસનો કપ મોંએ માંડતા કહ્યું-લેટ્સડાન્સ. મયુઝીકના શોરબકોરમાં પચાસ-સીત્તેર વર્ષની પણ પોતાને પાંત્રીસની સમજતી હોય તેમ આ માનુનીઓ નાચવા લાગી. પોતાને મોર્ડન સમજતી આ સુધરેલાં ગણાતાં બેનો સ્નેહાના મનને ન સમજી શકયાં. રાત્રે હર્ષિલે પણ એમ જ કહ્યું તારે હવે આ સોસાયટીમાં ભળતા શીખવાનું છે. આ કંઈ રાજકોટ નથી કે બધા પાર્ટીમાં ભજનો ગાશે કે રાસડાં લેશે. અંગ્રેજીમાં વાત કરતાં આવડવું જ જોઈએ. મારી સાથે તને બિઝનેસ ટુર પર કેવી રીતે લઈ જઉં, જો, તું અસલ ગામડિયણ જ રહે.
મારે આવું કલ્ચર નથી જોઈતું, જયાં બધા મળી એક જણની મશ્કરી કરે, અને મમ્મીજી પણ બધાની જેમ હસે. હું કયારેય આવી પાર્ટીમાં નહીં જઉં. સ્નેહાએ નજીકની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે એપ્લાય કર્યું. ઈંટરવ્યુ આપવા જતી હતી ત્યારે સુનીતાબેને કડક અવાજે બોલ્યાં- લો, હવે આ પંતુજી બનશે. આટલા મોટા સમૃદ્ધ ઘરની વહુ વીસ હજાર રૂપરડી માટે નોકરી કરશે.
હર્ષિલ અને સસરાજી સામે જ હતા પણ બંને ચૂપ. સ્નેહા ઈંટરવ્યુ આપવા ગઈ , તેની પસંદગી પણ થઈ. આખરે સ્નેહાએ નમતું જોખ્યું કારણ કે એને કોણ સમજે? હર્ષિલ અને સ્નેહાના દાંપત્ય જીવનમાં ન દેખાય તેવી તિરાડ પડી હતી. લગ્ન પછીની પહેલી દિવાળીમાં તો હું અને હર્ષિલ સિંગાપુર ફરવા જઈશું એવું સ્નેહાએ નક્કી જ કર્યું અને હર્ષિલે પણ હા પાડી હતી. ત્યાં જ સુનીતાબેને ફરમાન કર્યું કે મેં વૈષ્ણોદેવીની બાધા રાખી છે, મારે તમને પગે લગાડવાના છે. હર્ષિલ, આપણા ચાર જણની વ્યવસ્થા કર.
પણ મમ્મી, અમે સિંગાપુર જવાના છીએ. અમે એટલે ?તમે બે જણાં જ નકકી કેવી રીતે કરી શકો? મારે બાધા પૂરી કરવાની કે નહીં- કાલે ઊઠીને મને કંઈ થઈ ગયું તો- કહેતા રડવા જ લાગ્યાં.બીજી તરફ સ્નેહાએ પણ બળાપો કાઢયો. હંમેશાં મમ્મી કહે તેમ જ કરવાનું- હું નથી આવવાની- હું મારા મમ્મી-પપ્પા પાસે જઈશ. એવું ન કરાય સ્નેહા. મારાં મા-બાપનું આપણા સિવાય કોણ છે, મમ્મીની બાધા પૂરી કરવા આપણે જવું જ પડશે. આખરે મહેતા ફેમિલી ભારે હૈયે સાથે ગયાં. હર્ષિલે મુંબઈથી જમ્મુ એરપોર્ટની ટિકિટ લીધી. બેસ્ટ હોટલ અને વૈષ્ણોદેવીના દર્શન માટે પણ ચાર્ટડ પ્લેન કર્યું. મા બાપને જાત્રા કરાવવાનો આનંદ હતો.બીજી તરફ સ્નેહાની નારાજગી અને મમ્મીની કેટલીક જોહુકમીનો સામનો કરવો પડતો. કુટુંબમાં કલેશ ન થાય એટલે મહેન્દ્રભાઈ મૌન સેવતા. સ્નેહાના મનનો અજંપો કયારેક ઝગડાનું રૂપ લેતો. વૈષ્ણોદેવીના દર્શન અને પૂજા સરસ થઈ. પણ, મનમેળ ન થયો.હવે એક સમૃદ્ધ કુટુંબ અજંપાના અડાબીડ જંગલમાં અટવાઈ ગયું. હર્ષિલે પોતાના એક ખાસ મિત્ર કેતન ભટ્ટ સાથે ખુલ્લા મને વાત કરી.
હર્ષિલ, આનો તારે જ ઉકેલ આણવાનો છે. લાગણી સાથેના અતૂટ સંબંધને તારે સમૃદ્ધ કરવાના છે. તમે બધા એકમેકને ખૂબ ચાહો છો પણ એકમેકની લાગણીને સમજવાની ખાસ જરૂર છે. તું સ્નેહાની લાગણીને પણ સમજ એને પણ ખુશ રાખ. બીજું, ખાસ તું મમ્મીને પણ સમજાવ કે સ્નેહાને પ્રેમથી આવકારે, એ તો પ્રેમની જ ભૂખી હોય. મને લાગે છે કે દરેકે પોતાનો ઈગો છોડીને થોડા પોઝીટીવ માઈંડથી વર્તન કરવું જોઈએ. પરિસ્થિતિને સમજીને સમભાવથી રહેવું.
થેંકસ દોસ્ત તેં માં ટેન્શન દૂર કર્યું. સુખની શોધમાં આપણે ભટકીએ છીએ, પણ, કામ-ક્રોધ-મદ-મોહ અને મત્સરને છોડીને સમભાવથી રહીએ તો કેવું? તારી સલાહ મને ગમી, હું મારી મમ્મીને પણ સમજાવીશ.