માર્ચ, ૧૮૯૨માં ભારતના વાઈસરોય લેન્સડાઉને તાનાસા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા
આવતા માર્ચ મહિનામાં જયારે મુંબઈને પાણી પૂરું પાડનારા તાનસા સરોવરની શતાબ્દી ઉજવવામાં આવી રહી છે ત્યારે એ શતાબ્દી ઉજવણી મુંબઈ માટે એક મોટા ગૌરવરૂપ થઈ પડે છે. માર્ચ ૧૮૬૦ પહેલાં મુંબઈને પાણી કૂવાઓ અને તળાવોમાંથી પૂરું પાડવામાં આવતું હતું. તળાવો તો એવાં હતાં કે જયાંથી પીવાનું પાણી ભરવામાં આવતું હતું અને ત્યાં જ જાનવરો પાણી પીવા આવતાં હતાં અને ત્યાં જ ધોબીઓ અને સ્ત્રીઓ વગેેરે કપડાં ધોતાં હતાં; જયારે વૈશાખ – જેઠ જેવા ઉનાળાના મહિના બેસતા ત્યારે કૂવાનું અને તળાવનું પાણી પણ સૂકાઈ જતું હતું અને લોકો કાદવ ખસેડી ખસેડીને કાદવિયું પાણી પીવા માટે લઈ જતા હતા. ત્યારે ગટર જેવી કોઈ યોગ્ય યોજના પણ નહોતી. પાણીનો દુકાળ તો મુંબઈને વારે ઘડીએ અનુભવવો પડતો હતો.
ઈ. સ. ૧૮૫૪ માં મુંબઈમાં પાણીનો એવો જબરો દુકાળ પડ્યો હતો કે જી. આઈ.પી રેલવેની ટ્રેનમાં અને દેશી વહાણોમાં કે હોડીઓમાં પાણી બીજી જગ્યાએથી લાવવું પડયું હતું. જી.આઈ.પી રેલવે તે આજની સેન્ટ્રલ રેલવે. પાણીના દુકાળ અને ગંદા પાણીના કારણે મુંબઈમાં વારે ઘડીએ કોલેરાનો રોગચાળો ફાટી નીકળતો હતો. ઈ.સ ૧૮૫૫માં તો પાણીની એવી તીવ્ર અછત ઉપસ્થિત થવા પામી કે બ્રિટિશ સરકારે મુંબઈના કૂવાઓનું સર્વેક્ષણ કરવા એક સમિતિની સ્થાપના કરી હતી. તે વખતે ઈલાજની એવી તાકીદ જરૂર હતી કે સમિતિના સભ્યોએ રાતદિવસ કામ કરીને બીજા જ દિવસે અહેવાલ સરકારને સુપ્રત કર્યો હતો.
ઈ. સ. ૧૮૯૨ના માર્ચ મહિનાની ૩૧મી તારીખે ભારતના વાઈસરોય માર્કવીસ ઓફ લેન્સડાઉને તાનાસા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું.
તે વખતે તાનસા સરોવરની જળભંડારની ક્ષમતા ૧૮,૦૦૦ મિલિયન ગેલન હતી. ઈંટનો એક માઈલનો ઘેરાવો ધરાવતો હતો. અને એની વધુમાં વધુ ઊંચાઈ ૧૧૮ ફૂટ હતી. એની ઊંચાઈ એવી રીતે બાંધવામાં આવી હતી કે ૩૩ હજાર મિલિયન ગેલન પાણી સમાવી શકાય, એટલે ૧૫ ફૂટ વધુ ઊંચાઈ રાખવામાં આવી હતી. તાનસામાંથી દરરોજ ૮૦૦ લાખ ગેલન પાણી ત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું હતું. તાનસા અને મુંબઈ વચ્ચેનું એતર ત્યારે પાઈપ-લાઈન માટે ૫૫ માઈલ હતું.
તાનસા અને ઘાટકોપર વચ્ચે જમીન ઉપર જ પાઈપ લાઈન નાખવામાં આવી હતી. વસઈની ખાડી ઉપરથી એ પાઈપ લાઈન ત્રણ લોખંડી પુલો પરથી લાવવામાં આવી છે. વસઈ ખાડી માત્ર પશ્ર્ચિમ રેલવેના પુલ પૂરતી જ મર્યાદિત નથી. માટુંગા પછી જમીનમાં પાઈપ લાઈન નાખવામાં આવી છે.
તે વખતે ભંડારવાડા અને મલબારહિલ રેઝરવોયર જળશાયમાં પાણીની ક્ષમતા ૧૧૦ લાખ ગેલન અને ૨૨૦ લાખ ગેલન અનુક્રમે હતી. બધી રીતે કુલ પાઈપ લાઈનની લંબાઈ ૨૬૦ માઈલ હતી. તે વખતે મુંબઈનાં લગભગ ૨૫,૦૦૦ મકાનોને પાણીનાં જોડણો આપવામાં આવ્યાં હતાં, ૧૮૯૨માં તાનસા સરોવરમાંથી દરરોજ માથાદીઠ ૩૮ ગેલન પાણી આપવામાં આવતું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૯૧૩ના ફેબ્રુઆરી મહિનામાં રૂા. ૯૨ લાખના ખર્ચે સમાંતર તાનસા સરોવર બનાવ્યું હતું એ માટે તાનસા બંધનો કોન્ટ્રેકટ મેસર્સ પાલનજી એદલજી એન્ડ સન્સને આપવામાં આવ્યો હતો. આ કંપનીએ રૂા. ૪,૩૦,૦૦૦ ના ખર્ચે ૧૯૧૫ના મેં મહિનામાં આ બંધ બાંધી ઊેચાઈ આપી હતી. આથી તાનસા સરોવરની લગભગ ૨૭,૦૦૦ મિલિયન ગેલન પાણીની ક્ષમતા થઈ હતી.
૧૯૧૪ના ફેબુ્રઆરીમાં સ્ટીલ પાઈપ લાઈન નાખવામાં આવી આવી હતી. એ માટેનો ખર્ચ ૩૪ લાખ આવ્યો હતો અને ૫૦ ઈંચ ડાયામીટરની એ પાઈપલાઈન ૧૯ માઈલની લંબાઈ ધરાવતી હતી. તાનસા સરોવરનું શરૂઆતનું ક્ષેત્રફળ ૬ ચોરસમાઈલનું અને એની પહેલી ડિઝાઈન મેજર હેકટર ટલોક, આર. ઈ. એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર-મુંબઈ મ્યુનિસિપાલિટીમાં ૧૮૭૨ તૈયાર કરી હતી.
સંપૂર્ણ ખર્ચ ત્યારે રૂા. ૧,૫૦,૦૦,૦૦૦ આવ્યો હતો અને ત્યારે મી. એચ. એ. એકવર્થ મ્યુનિસિપલ કમિશનર હતા.
તાનસાની સપાટી ત્યારે મુંબઈથી લગભગ ૩૦૦ ફૂટ ઊંચી હતી.૧૮૯૨માં તાનસા સરોવરનું પાણી પૂરું પાડવામાં આવ્યું ત્યારે મુંબઈની વસતી લગભગ ૮,૨૧,૭૬૪ હતી. ૨૭,૩૫૭ મકાનો હતાં અને પાણીનાં જોડાણ ૧૮,૧૧૩ હતાં. દરરોજ ૩૧ લાખ ગેલન પાણી અપાતું હતું. પાણીમાંથી વાર્ષિક આવક રૂા. ૧૪,૦૭,૮૧ મળતી હતી.
આપણા કનૈયાલાલ મુનશી ૧૯૦૭માં મુંબઈમાં એલ. એલ. બી.ની ટર્મ ભરવા આવ્યા હતા અને સ્મોલ કોઝીસ કોર્ટના ન્યાયધીશ શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરી ભરૂચના હતા એટલે તેમના કુંભાર ટુકડાના નિવાસસ્થાને જઈ ને ભલામણ ચિઠ્ઠી લીધી હતી. પણ…..લો કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિનશા મુલ્લાએ ટર્મ માટે દિલગીરી દર્શાવી હતી અને શ્રી કનૈયાલાલ મુનશી ખાલી હાથે ભરૂચ પાછા ફર્યા હતા અને વડોદરા કોલેજમાં જોડાયા હતા. પણ મુંબઈ આવી ગયા હતા.
૧૯૦૭માં મુનશી મુંબઈમાં હતા ત્યારે તેમનું પ્રેરણાસ્થળ કોટમાં ફલોરાફાઉન્ટન પરિસરમાં પિટિટ લાઈબ્રેરી હતી. મુનશી ગેઈટી નાટક થિયેટરમાં આઠ આનાના કલાસમાં નાટક જોવા જતાં.‘ઝેરી સાપ’ નાટક એમણે પંદર-સત્તર વખત જોયું હતું અને અભિનેત્રી ગોહરના ‘દેખુંગી પ્યારે અબ્બા કા મુખડા’ ઉપર ફીદા હતા
‘કામલત્તા’ ગુજરાતી નાટકમાં જયશંકર સુંદરી સ્ત્રીનો અભિનય કરતા ત્યારે લોકો સ્ટેજ ઉપર સોનાનાં કડાં અને વીંટીઓ વરસાવતા હતાં. શ્રી મુનશી એમનું એક ગીત છેલ્લે સુધી યાદ રાખી શકયા હતા.
જેવી મને દીધી ત્યજી
તેમ બીજીને ત્યજશો નહિ,
કોઈ પ્રીતિવશ અબળા
બિચારી ભોળીને ઠગશો નહિ. (ક્રમશ:)