ઉત્સવ

પેઢીઓથી ભારતમાં, છતાં લાખો ભારતીયોને પરદેશી જેવું કેમ લાગે છે?

કેનવાસ -અભિમન્યુ મોદી

ભારતનો નકશો મનમાં વિચારો, નકશાની ફક્ત આઉટલાઈન વિચારવાની છે. ઓફ કોર્સ, આપણે ભારતીય છીએ એટલે આપણા નકશામાં કાશ્મીર આખું દેખાશે. કાશ્મીરથી લઈને કેરળ સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની ચોક્કસ આકારમાં એક રેખા આપણાં મનમાં અંકિત થઈ ને? 

શું આ ખરેખર ભારત છે? શું માત્ર આ નકશો જ ભારત છે? દિલ ઉપર હાથ રાખીને જાતને જવાબ આપજો કે મનમાં દોરેલા ભારતના નક્શામાં લક્ષદ્વીપ – આંદામાન -નિકોબાર ટાપુ સમૂહનો આપણે સમવેશ કરેલો ખરો?

આ જ મુદ્દો છે. ‘ભારત’ શબ્દ કાને પડે એટલે ૨૮ રાજ્ય એટલે ભારત એવું જ ચિત્ર ખડું થાય છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આવ્યું એ પહેલા તો ભારત એટલે માત્ર ઉત્તર ભારત- મધ્ય ભારત અને દક્ષિણ ભારત એવું જ જનમાનસના સજ્જડ ગોઠવાઈ ગયું હતું. પૂર્વીય ભારતને બહુધા ભારતવાસીઓ અવગણતા. આસામ કે નાગાલેન્ડના લોકોને નેપાળી કે ચાઇનીઝ કહીને ઘણા ભારતીયોએ વર્ષો સુધી ચીડવ્યા છે. હવે આસામમાં હિંસા થાય કે ત્યાંના કોઈ સમાચાર આવે તો પૂર્વીય ભારતની નોંધ લેવાય છે અને સામૂહિક જનમાનસમાં સેવન સિસ્ટર્સનાં સાત રાજ્યો પણ અંકિત થાય છે. તો પણ લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર તો ભુલાઈ જ જાય છે.

મુંબઈથી અનેક સેલેબ્સ- સેલિબ્રિટી વાર-તહેવારે માલદીવ્સ દોડી જાય છે. એના સમાચાર એટલી બધી વખત આવે છે કે કોઈ બાળક કે અજાણ્યા બિનભારતીયને તો એમ જ થવા લાગે કે માલદીવ્સ તો ભારતનો એક ભાગ છે.

ચાઇના વિશ્ર્વનો નકશો રજૂ કરે અને એમાં અરુણાચલ પ્રદેશનો ભાગ પોતાનામાં સમાવી લે તો આપણને ગમતું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે વાંધો પણ ઉઠાવીએ છીએ. પાકિસ્તાન કે બીજા કોઈ દેશ જ્યારે ભારતના નક્શામાંથી અડધું કાશ્મીર કાપી નાખેલું બતાવે ત્યારે આપણને વાજબી ગુસ્સો આવે છે, પણ ખુદ ભારતીયો જાગૃતપણે કે અર્ધજાગૃતણે ભારતની બન્ને બાજુ આવેલા ટાપુસમૂહોને ગણતરીમાં જ ન લે એ મોટો વાંક નહીં? લાખો લોકો એ ટાપુસમૂહ ઉપર રહે છે. ત્યાં ગાંધીજીની તસ્વીર ધરાવતી નોટનું જ ચલણ ચાલે છે. ત્યાં પણ તિરંગો ફરકે છે. ત્યાં પણ વાહન ડાબી બાજુ જ ચલાવવામાં આવે છે અને ત્યાં પણ ‘જન -ગણ- મન’ જ ગાવામાં આવે છે. આમ છતાં….

ફિલ્મો અને વાર્તામાં પણ એ બંને ટાપુઓને બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. હિન્દી ફિલ્મોનું બેકડ્રોપ પંજાબ હોઈ શકે, લખનૌ કે કાનપુરની ગલીઓ હોઈ શકે, અનુરાગ કશ્યપ જેવાની ફિલ્મ હોય તો બિહારની ભૂમિ ઉપર એની ફિલ્મ બને, બંગાળ કે ગુજરાત પણ ફિલ્મો/સિરિયલોની વાર્તાનો ભાગ બની શકે અને દક્ષિણ ભારતની ફિલ્મો તો ડબ કરીને હિન્દીમાં આખું ભારત જુવે છે તો પોર્ટ બ્લેર કે હેવલોક ટાપુ ઉપર આકાર લેતી ફિલ્મો કે વાર્તા કેમ ન બને? ત્યાંની પશ્ર્ચાદભૂમાં વાર્તા કેમ રચી ન શકાય? ભલું થજો ‘ટીવીએફ’ના લેખક બિશ્ર્વપતિ સરકારનું કે એમણે એક એવી સિરીઝ બનાવી જે સંપૂર્ણપણે પોર્ટ બ્લેર અને આજુબાજુના ટાપુ ઉપર આકાર લે છે. સિરીઝ પણ એવી કે આપણે સૌ આવી હોનારતમાંથી તાજેતરમાં નીકળ્યા છીએ. એ સિરીઝમાં બ્યૂરોક્રેસી તથા હિપોક્રેસી ઉપર વ્યંગ પણ કરવામાં આવ્યા છે. એ સિરીઝનું નામ છે ‘કાલાપાની’, જ્યાં સાવરકર જેવા ઘણા ભારતીયોને અંગ્રેજોએ કાળાપાણીની સજા આપવા જેલમાં પૂર્યા હતા.
‘ફ્લિપ સ્વીચ થિયરી શું છે?’ ટાપુના વડા એક ઇવેન્ટમાં આ થિયરી બધાને સમજાવે છે. એક ટ્રેન પાટા પર પૂરપાટ વેગે આવી રહી છે. એ પાટા પર હેડફોન પહેરીને પાંચ કારીગર કામ કરી રહ્યા છે. ટ્રેનના ડ્રાઈવરને બહુ મોડી ખબર પડી એટલે હવે તે બ્રેક મારી શકે એમ નથી. તમે કંટ્રોલ રૂમમાં છો. તમે ધારો તો એક સ્વીચ દબાવીને ટ્રેનનો ટ્રેક ચેન્જ કરી શકો છો. ટ્રેન બીજા ટ્રેક ઉપર જતી રહેશે, પણ બીજા ટ્રેક પર પણ એક માણસ છે તો તમે શું કરશો?

આ સવાલનો બધાએ જવાબ આપ્યો કે
પાંચ માણસનો જીવ બચાવવા એક વ્યક્તિનો ભોગ આપવો ઉચિત સમજીશું…
ઓકે. ફાઈન. બીજો સવાલ: ‘બીજા ટ્રેક પર જે એક જ વ્યક્તિ છે તે તમારો દીકરો છે… હવે શું કરશો? તમે હજુ પણ સ્વીચ ફ્લિપ કરશો?’

જિંદગીમાં ઘણી વખત સાચું કે ખોટું કંઈ નથી હોતું, પણ સંપૂર્ણ અયોગ્ય કે થોડું ઓછું અયોગ્ય હોય છે. માણસે એ બંનેમાંથી કોઈ એકને મને કે કમને પસંદ કરવાનું હોય છે. આ વાત જ્યારે ‘કાલાપાની’ વેબસિરીઝમાં આવે છે ત્યારે સિરીઝની અંદર રહેલા પાત્રો તો ઠીક, સિરીઝ જોઈ રહેલાં દર્શકો પણ વિચારવા પ્રેરાય છે. સહેજ અતકીને -પોઝ કરીને આપણે પણ વિચારવું પડે કે વાત સાચી છે. ઘણી વખત સાચા અને ખોટા આ બે ઓપ્શન- વિકલ્પથી પર થઈને આપણે રસ્તો શોધવો પડે છે…

‘તમારો પોતાનો દીકરો એ ટ્રેક ઉપર હોત તો તમે સ્વીચ ફ્લિપ કરી હોત?’ -નો કોઈ પણ જવાબ આપીએ, પણ એ જવાબમાં દર્દ જરૂર ઘૂંટાતું હશે…

આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુસમૂહને આસામ અને અરૂણાચલ પ્રદેશ કરતાં પણ વધુ અવગણવામાં આવે છે. કોરોનાકાળ તાજો છે અને ભૂલાયો નથી. એમાં પણ ફરીથી અમુક કેસ વધી રહ્યા છે એટલે લોકડાઉનની સારી-નરસી યાદો આંખો સામે આવી રહી છે. એવા સમયે આ કાલાપાની’ સિરીઝ ખરા સમયે આવી છે.

આ સિરીઝ એક રોચક કલ્પના રજૂ કરે છે કે માની લો કોઈ પેન્ડેમિક ટાપુ ઉપરથી શરૂ થાય તો એ મેઈન લેન્ડ એટલે કે ભારત સુધી પહોંચે? કેન્દ્ર સરકાર કેટલી મદદ કરે? લોકોની પ્રતિક્રિયા કેવી હશે? મેડિકલ સ્ટાફ કઈ રીતે પહોંચી વળે? કોર્પોરેટ કંપનીઓ કેવી ગેમ રમે? લેભાગુઓ પોતાની સ્વાર્થવૃત્તિ કઈ રીતે સાધે? ટૂરિસ્ટો ફસાઈ જાય એનું શું થાય? સ્થાનિક લોકો પ્રવાસીઓ સાથે કેવો વ્યવહાર કરે? સામાન્ય માણસ કે ગુંડા જેવા માણસનું હૃદય પરિવર્તન થાય ખરું ?

‘કાલાપાની’એ કોરોના સમયની વાસ્તવિકતાનું સ્મોલ સ્કેલ ફિક્શનલ પ્રતિબિંબ છે. માણસ કુદરત સાથે કેવા ચેડાં કરે છે અને કુદરતને ગાંઠતો જ નથી તેની કડવી બાજુ અસરકારાક રીતે દર્શાવવામાં આવી છે. કુદરતની નજીક તો આદિવાસીઓ રહે છે, પણ આપણને સૌને એવો ભ્રમ છે કે આપણે તો એનાથી વધુ સુધરેલા. હકીકતમાં તો તે લોકો આ દુનિયાને ઓછું નુકસાન કરે છે ને ખરા ઉપદ્રવી તો આપણે છીએ. કોર્પોરેટ માફિયા કેટલાં ક્રૂર થઈ શકે છે… બ્યૂરોક્રેસી કેટલી બધી હિપોક્રેટ-દંભી બની શકે છે. આવા સમયે પણ માણસ પોતાની વફાદારી કે બેઈમાની છોડી શકતો નથી. પાણી શું કામ કાળું લાગવા માંડે અને એ પાણી કાળું લાગે ત્યારે જીવતર કેવું કાળું થઈ જાય એ સિરીઝમાં સચોટ બતાવ્યું છે.

     સિરીઝ જવા દો, ફક્ત એ કલ્પના પણ કેટલી બિહામણી છે કે આપણા ઘરના નળમાં આવતું પાણી ઝેરી થઈ ગયું છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં ચોવીસ કલાક સુધી હવા ઝેરી થઈ ગઈ હતી. આપણે કુદરતનું અપમાન હજુ કર્યા કરશું તો કુદરત આ સ્વરૂપમાં બદલો નહીં વાળે એની ખાતરી તમને-મને-આપણને  છે  ખરી..?
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…