ઉત્સવ

વર્ષ- 2024ના પાઠ વર્ષ – 2025માં પણ યાદ રાખજો..

ગંભીર પડકારો સામે તમામે સજ્જ રહેવું જોઈશે

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા

કોઈપણ વરસ હોય કે દિવસ, એ જ્યારે વીતી જાય ત્યારબાદ કોઈને કોઈ પાઠ શીખવી ગયો હોય છે, પરંતુ ઘણીવાર એ આપણને તરત સમજાય ને ઘણીવાર મોડેથી પણ સમજાય. હમણાં જ વીતેલું 2024નું વર્ષ જે પાઠ શીખવી ગયું ને ભાવિના જે સંકેત પણ આપીને ગયું છે એના પર નજર ફેરવી લઈએ…

શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડસના રોકાણકારો માટે દ્રષ્ટિ કરીએ તો નિયમન સંસ્થા ‘સેબી’ એ 2024માં ઘણાં આકરાં અને શિસ્તના પગલાં લીધા છે, જેમાં માર્કેટનું અને રોકાણકારોનું હિત સમાયેલું હોય. આવાં કેટલાંક ચુનંદાં પગલાં પર નજર કરીએ. ‘સેબી’એ વરસ દરમિયાન માર્કેટમાં ગરબડ કરનારી વ્યક્તિઓ અને કંપનીઓ સામે સખત કદમ ભર્યા. મ્યુચ્યુઅલ ફંડસમાં નાના રોકાણકારો મોટે પાયે સામેલ હોવાથી તેમની રક્ષા અર્થે અને વધુ પારદર્શકતાની જોગવાઈના કદમ ભર્યા. નાના-મધ્યમ કદના રોકાણકારોને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ જેવા સટ્ટાકીય સોદાઓથી દૂર રહેવા ‘ સેબી’ સતત અહેવાલ બહાર પાડી તેમને ચેતવણી આપતું રહયું. રિટેલ ઈન્વેસ્ટર્સને ‘એફ એન્ડ ઓ’ સેગમેન્ટથી દૂર રાખવા આ સેગમેન્ટમાં કડક નિયમો સાથે સોદાઓની મર્યાદા વધારી દીધી. ‘સેબી’નાં પગલાં ને પરિણામ જોકે વર્ષ દરમિયાન ‘સેબી’ ચેરપર્સન ખુદ ચોક્કસ આક્ષેપોને પરિણામે વિવાદમાં રહયા. આ આક્ષેપો ‘અદાણી ગ્રુપ’ સંબંધી હતા અને તેનો રેલો ગ્લોબલ સ્તરે પણ ચર્ચાયો હતો. આ આક્ષેપો

ગંભીર હતા, પરંતુ ભારતીય નિયમન સંસ્થાની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખી નિયમન તંત્રની ચોક્કસ સ્તરે રક્ષા જરૂરી બની ગઈ. હવે 2025માં આ પ્રકરણ ‘વો ભૂલી દાસ્તા’ બની જાય તો નવાઈ નહીં. વીતેલા વરસમાં સરકારે અને ‘સેબી’એ નેશનલ સ્ટોક એક્સચેંજના અમુક વરસ પહેલાંના વિવાદાસ્પદ કો-લોકેશન પ્રકરણને પણ માફ કરી દઈ ઘણાંને મુકિત આપી દીધી.

ગયા વરસે અદાણી પ્રકરણ પણ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું, જેને લીધે બજારમાં અને અદાણી ગ્રુપના સ્ટોકસમાં પણ ભારે ઊથલપાથલ થઈ. મામલો અમેરિકાના નિયમન તંત્ર તેમ જ યુએસ કોર્ટ સુધી ગયો. હવે 2025 માં તેનું પરિણામ શું આવે છે એ જોવાનું બાકી છે. બાય ધ વે, આ મામલો પણ ‘રાત ગઈ બાત ગઈ’ જેવો બની જાય એવી શકયતા ઊંચી છે, કારણ કે આવા પ્રકરણમાં આંતરરાષ્ટ્રિય રાજકારણ તેમ જ સ્થાપિત હિતોની બહુ મોટી સત્તા કામ કરતી હોવાથી સત્ય સુધી પહોંચવાનું આમ પણ બહુ જ કઠિન હોય છે. રિઝર્વ બેંકના કદમ ને ચિંતા વીતેલા વરસમાં રિઝર્વ બૅન્કે ચોકકસ પ્રકારના ઓનલાઈન પ્લેયર્સ તેમ જ માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ સામે લાલ આંખ કરી હતી. એમાં મોટાં -મોટાં નામ પણ સામેલ હતા. રિઝર્વ બૅન્કે જિઓપોલિટિકલ સંજોગોને ધ્યાનમાં રાખી બહુ સાવચેતીપૂર્વક પગલાં ભરી ઈકોનોમીની જાળવણી કરી છે. ઈન્ફ્લેશન (ફૂગાવા) ને નિયંત્રણમાં રાખ્યા છે. વ્યવહારું નાણાંનીતિને જાળવી રાખી છે. કરન્સી મેનેજમેન્ટની પણ કાળજી લીધી. ભલે વિતેલા વરસમાં રૂપિયો ડોલર સામે સતત ઘસાતો રહી નીચલા સ્તરે ગયો, પણ અન્ય કરન્સી સામે રૂપિયો બહેતર રહયો એમ કહી શકાય. રિઝર્વ બૅન્કે ગયા વરસે ગોલ્ડ લોન્સની પ્રવૃત્તિ કરતી જાણીતી કંપનીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા અને તેમને અંકુશમાં રાખવા તથા શિસ્ત જાળવવા કડક પગલાં ભર્યા.

કેટલીક મહત્ત્વની ઘટનાઓ… વીતેલા વરસની બે મહત્ત્વની ઘટનામાં એક જનરલ ઈલેકશન અને બીજી ઘટના બજેટને ગણી શકાય. આ વખતે ઈલેકશને નવા રંગરૂપ બતાવ્યા અને નવા સમીકરણો-પરિમાણો પણ રચાયાં. આ વરસમાં ભારતે યુએસ ઈલેકશનના આટાપાટા અને બદલાયેલી સત્તા પણ જોઈ. હવે તેની ખરી અસરો નવા વરસમાં જોવા મળશે. વિતેલા વરસમાં ભારતે વિવિધ દેશોના યુધ્ધ જોયા, જે નવા વરસમાં પણ શાંતિ પામ્યા નહી હોવાથી ભારતે તેની ચિંતા કરતા રહેવાની છે. નવા વરસે અમેરિકાના નવા તેવર જોવાના આવશે અને તેની સંભવિત અસરો સામે ભારતે સજજ રહેવું પડશે. વિદેશ વેપાર મામલે ભારતે હજી પોતાની સ્પર્ધાશકિત વધારવાની છે.

ગત વર્ષમાં ભારતીય મૂડીબજારે આઈપીઓની વણઝાર જોઈ-તેની કથિત ગરબડો અને સિધ્ધિ પણ જોઈ. રોકાણકારોની કમાણી અને ભારે નુકશાની પણ જોઈ. નવા વરસમાં આ ચિત્ર સંભવત જુદી રીતે જોવા મળશે. આ માટે યુએસની નવી સત્તાના અભિગમ અને ભારતના કેન્દ્રિય બજેટની રાહ જોવાની રહેશે. ક્રિપ્ટોકરન્સીના પણ નવા વેશ જોવા મળે તો નવાઈ નહી. મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે નવા આઈડિયા, પ્રવેશ, નવી યોજનાઓ, વગેરે પરિવર્તન પણ જોવા મળી શકે છે.

આમ નવા વરસના ગંભીર પડકારો માત્ર ભારતે જ નહી, બલકે સમગ્ર જગતે અઈં – આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વ્યાપક અને ગહન અસર જોવાની છે. આ અઈં એક ક્રાંતિ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, જે 2025માં વધુ વેગ સાથે આગળ વધશે એવા એંધાણ છે. જેના સારા-નરસા બંને પરિણામ માટે જગતે તૈયાર રહેવું જોઈશે. 2025માં સાયબર ક્રાઈમ- સ્કેમનો સામનો કરવા વધુ સજજ અને સક્ષમ બનવું પડશે.. આવા આ તમામ પડકારો સામે સૌ સજ્જ રહે એવી શુભેચ્છા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button