આય એમ પ્રાઉડ ઓફ યુ!
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે
પ્રતિક કાંકરીયા નજીક આવેલી શિવસાગર રેસ્ટોરન્ટમાં બેઠો હતો. સાંજના સાડાસાત વાગ્યા હતા. ટેબલ પર પીળા બલ્બનો ઝાંખો ઉજાસ મનને શાંતિ આપતો હતો.
આજે મારી બર્થડેના દિવસે હું મારી જીગીષાને લગનની કરીશ. એ મને ખૂબ પ્રેમ કરે છે. ત્રણ વર્ષથી અમે મળીએ છીએ, પણ બધાથી છુપાઈને. જો કે હવે મેરેજ કરી લેવા જોઈએ. પ્રતિક વિચારતો હતો, મારા દાદી તો ના પાડે જ નહીં. હા, પપ્પા ભડકવાના અને કહેશે પહેલાં સારી નોકરી શોધ. જીવનમાં સુખી થવા કમાવવું પડે, તું ભણ્યો નથી અને કંઈ કમાતો નથી તો લગ્ન કેવી રીતે કરીશ. પ્રતિકની વિચારધારા અટકી ગઇ. એની આંખ સામે પપ્પાનો કડક ચહેરો ઉપસી આવ્યો. દાદીમાનો પ્રેમાળ ચહેરો અને ચૌદ વર્ષ પહેલાં પોતાને છોડીને ગયેલી મમ્મીનો ચહેરો પણ તરી આવ્યો.
પ્રતિકના મનમાં જાણે કાળું ધુમ્મસ છવાઈ ગયું. મા તે મા આવું બધા કહે છે, પણ મારી મા મને છોડીને કેમ ગઈ? એણે જરા ય મારો વિચાર ન કર્યો. હા, મારા દાદી જેવું કોઈ નહીં. દાદી એટલે મારી રીઝર્વ બેંક. નવા કપડા લેવા હોય, શુઝ જોઈએ કે જીગીશાને ખુશ રાખવી હોય દાદી પાસેથી જોઈતા પૈસા મળી જાય. દાદી પાસે પૈસા લેવા હોય તે દિવસે હું સવારે વહેલો ઉઠીને ઘરમાં વધારે પૂજા કરું, પછી શિવમંદિરે આંટો મારી આવું. દાદી ખુશ થઈ પપ્પાથી છાનામાના મને જોઈતા પૈસા આપે. પપ્પાની ઈન્કવાયરી તો ચાલુ જ હોય. એ કમાંડીંગ ઓફીસરથી તો દૂર રહેવું જ મને ગમે.
સાહબ કોફી લાઉં .. ..-, પ્રતિકે વેઈટરને તો દૂર ધકેલ્યો પણ જીવનના આ દુ:ખના વાદળોનું શું?
ત્યાં જ વાવાઝોડાની જેમ જીગીશા આવી. ગૌરમુખ પર સેટીંગ કરેલા પણ થોડા વિખરાયેલા વાળ, માદક સુગંધ ફેલાવતા તેના પરફ્યુમે એક નવી જ તાજગી ફેલાવી દીધી. લાલ ચૂડીદાર પર શોભતી નકશીદાર ચૂંદડીમાં સજ્જ જીગીશાના હાથમાં બર્થડે બોય માટે ફૂલનો ગુચ્છો અને કેકનું નાનું પેકેટ હતું.
ટેબલ નજીક આવતાં જ પ્રતિકે તેને બાથમાં લેતાં હૈયાસરસી ચાંપી દીધી. હાથમાંના ફૂલ પ્રતિકને આપીને ટેબલ પર કેકનો બોકસ મૂકતાં જીગીશાએ કહયું- હેપી બર્થડે, લવ યુ.
થેંક્સ, જીગુ. આજે તું ખૂબ સુંદર લાગે છે. કહેતા જીગીશાનો હાથ હાથમાં લઈ પસવારવા લાગ્યો, જીગીશા રોમાંચિત થઈ ગઈ.
વેઈટરે એક ડીશમાં કેક મૂકી, અને ઓર્ડરની રાહ જોતો ઊભો રહયો. કોર્નસુપ-ટુ ઈન વન, એક વેજ કોલ્હાપુરી એન્ડ ટુ બટર રોટી.કહેતા પ્રતિકે ઓર્ડર આપ્યો..
જીગુ , શું થયું તારા પ્રમોશનનું? પ્રતિકે પૂછયું.
ના રે, પ્રમોશન શોભાને મળ્યું. એને બોસને મસકા મારતા આવડે, જીગીશાએ દુ:ખી ચહેરે કહયું.
અરે, તું જોજે ને, આપણી પોતાની એસ્ટેટ એજન્ટની ઓફિસ હશે. એમાં તારી અલગ કેબિન- બધા તને મેડમ કહીને સલામ ભરશે. બસ, મારા પાર્ટનર સાથે મોટું ડિલિંગ થઈ જાય એટલે મારો ભાગ લઈ છૂટો થઈ જઈશ. મારી પોતાની સ્વતંત્ર એસ્ટેટ કંપની શરૂ કરીશ. પ્રતિકે જીગુને ખુશ કરતા કહયું.
જીગુ, હવે આપણે લગ્ન કરી લેવા જોઇએ. તારે જોબ કરવાની જરૂર નથી. હું તને રાણીની જેમ રાખીશ. પ્રતિકે કહયું.
પ્રતિક આય લવ યુ, પણ લગ્નજીવનની જવાબદારી ઉઠાવવા આપણે હજુ તૈયાર થવાનું બાકી છે.
આપણે રજિસ્ટર મેરેજ કરીશું, મારે કશું જોઈતું નથી. હવે તો બસ, પરણી જઈએ. પ્રતિકે ભાવવશ થતાં કહયું.
યસ, આપણે લગ્ન કરી લઇએ.પણ તારી ચોક્કસ કમાણી હોવી જોઈએ ને. તેં કોલેજનો અભ્યાસ અધૂરો મૂકયો, એ વાતને સાત વર્ષ થઈ ગયાં, હજુ કોઈ નોકરી કે ધંધામાં સેટલ થયો નથી. તું વિચાર કર, કયો બાપ તેની છોકરીના લગન કડકાબાલુસ સાથે કરાવે ? જીગીશાએ કહયું.
યુ આર રાઈટ જીગુ. મારી મા નથી ને એટલે મને કોણ સમજાવે. પણ, જો આ મોટા સોદાનું ડીલીંગ થઈ જાયને કેરિયર પૂરપાટ દોડશે. પ્રતિકે કહયું.
બંન્ને જણાએ ડીનર લીધું. પ્રતિકે કેક કાપી ત્યારે હેપી બર્થડેનું સૂરીલું સંગીત પણ વહેવા લાગ્યું. વેઈટર પણ પચાસ રુપિયાની ટીપ મેળવીને ખુશ હતો.
રાત્રે ૧૧.૩૦વાગે પ્રતિક ઘરે પહોંચ્યો. દાદીમાએ દૂધપાક, પુરી અને બટાટાવડા થાળીમાં મૂકયા. બેટા, કયારની રાહ જોઉં છું. તારા પપ્પા ખુબ ગુસ્સમાં છે. વરસગાંઠને દહાડે પણ મળતો નથી. તારા પપ્પાને તારા પાર્ટનરના બાપા ભીમજીભાઈ મળ્યા હતા. કહેતા હતા કે પ્રતિક એકદમ આળસુ છે. રખડ રખડ કરે છે, કામમાં ધ્યાન આપતો નથી.
દાદી,આ પાંચ તારીખે તારા હાથમાં દશ હજાર રુપિયા આપીશ. પ્રતિકે દાદીને પટાવીને થોડું ખાધું.
બેડ રૂમમાં મૂકેલા મમ્મીના ફોટાને પગે લાગતાં પ્રતિકનું હેયું ભરાઈ આવ્યું. મમ્મી, ભલે બધા કહે પણ હું જાણું છું કે તું પાગલ નથી. હું તેર વર્ષનો હતો ત્યારે ત્રણ-ચાર નર્સ તને એમ્બયુલન્સમાં પરાણે લઈ ગઇ હતી, એ બરાબર યાદ છે. મને દાદીએ એમની પાસે પકડી રાખ્યો હતો. પપ્પા પણ નીચું મોં કરીને ઊભા હતા. મમ્મી, પપ્પાએ તેને રોકી નહીં કે તારી જોડે હોસ્પીટલમાં પણ ન ગયા.
મમ્મી, તું કયાં છે? એક વાર મામા આવીને દાદીને તારા થોડા દાગીના આપી ગયા ત્યારે મારી સામે આંખો કાઢતા બોલ્યા હતા- ખબરદાર, મારી બહેનને મળવા આવ્યો છે તો ટાંટિયો જ ભાંગી નાંખીશ. એને હવે સુખેથી જીવવા દેજો.
મમ્મી, તું કયાં છે, મારે જીગુ સાથે પરણવું છે. પણ, મને કોણ પરણાવે- જીગુ સાચું કહે છે હું કંઈ ભણ્યો નહીં. મમ્મી, આજે મારો ૨૭મો બર્થડે છે પણ પપ્પાએ મને હેપી બર્થ ડે કહી વહાલ પણ કર્યું નથી. દાદી મને ખૂબ વહાલ કરે, એમની પાસેથી હું ઘણા પૈસા પડાવું છું. જીગીશા સાચું જ કહે છે. મારે ધંધામાં સ્થિર થવું જોઈએ. મમ્મી, તારા વગર હૂં ભણ્યો નહીં. ભણ્યો નહીં એટલે નોકરી નહીં. નોકરી નહીં એટલે છોકરી નહીં. હું શું કરું ? જીગુ સાચું કહે છે, કયો બાપ તેની છોકરીના લગન કડકાબાલુસ સાથે કરાવે ? મને હવે બધું સમજાઇ ગયું. આળસ ખંખેરીને મારે ધંધામાં ચીત્ત ચોટાડવું જોઈએ. હું મન દઇને કામ કરીશ. હું ખૂબ મહેનત કરીશ. પૈસા કમાઈશ. પછી પપ્પા કેટલા ખુશ થશે.
જીગુ કહેશે- આય એમ પ્રાઉડ ઓફ યુ.