ઉત્સવ

ઇલજામ

વાર્તા -મધુ રાય

અનુજ સિન્હા ઉપર ઇલજામ હતો શચી ગુપ્તા ઉપર દુષ્કર્મ કરવાનો.

વાત હજી કાલેજના કેમ્પસની બહાર ગઈ નહોતી. પ્રોફેસરોના કોમન રૂમમાં ચર્ચા થતી હતી, પોલીસને જાણ કરવી જોઈએ યા કાલેજમાં ને કાલેજમા પતાવટ કરવી જોઈએ, તેની. આવો બનાવ પહલાં કદી બનેલો નહીં એટલે તેના નિકાલ માટે શો શિષ્ટાચાર હતો તે બાબત કોઈને સ્પષ્ટતા નહોતી. આનાથી નાના ગુના માટે પ્રથમ આસિ. પ્રિન્સિપાલ પાસે, પછી પ્રિન્સિપાલ પાસે વાત જતી અને મોટાભાગના ગુનાનો નિકાલ ત્યાં થઈ જતો કેમકે પ્રિન્સિપાલ લોખંડી હાથે કામ લેનારા પ્રશાસક હતા.

શચી ગુપ્તા આસિ. પ્રિન્સિપાલ પાસે ફરિયાદ લઈને આવેલી ત્યારે કમરાના દરવાજે સ્ટૂલ ઉપર બેસતો પટાવાળો ઊભો થઈ ગયેલો. શચી આસિ. પ્રિન્સિપાલ પરકાશજીના ટેબલ પાસે ઊભી રહી,
ગુડ મોર્નિંગ, સર.

યસ. બેસો. પણ શચી ઊભી રહી. પરકાશજીએ તેની તરફ પ્રશ્ર્નાર્થ ચિહ્નની જેમ જોયું. શચીએ બારણે ઊભેલા પટાવાળા રામખેલાવન તરફ ડોકું ફેરવી ડોળા કાઢ્યા.
રામખેલાવન, તમે બહાર બેસો. પરકાશજીએ કહ્યું. પટાવાળા રામખેલાવને નમન કરી બારણું બંધ કર્યું. સહેજ ફાંટ રહી ગયેલી તો શચી ગુપ્તાએ જઈ જાતે બંધ કરી. પાછી પરકાશજીના ટેબલ પાસે આવી શાંતિથી બોલી:
સર, અનુજ સિન્હાએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે.

પરકાશજી સર હસવા લાગેલા કેમકે દુષ્કર્મ કોઈની સાથે થાય? કે કોઈના ઉપર થાય? શિક્ષક તરીકે પરકાશજીને અચરજ થયું. અને અનુજ સિન્હા તો કાલેજનો સમાદૃત ઇસ્ટુડેન્ટ હતો. તેથી શચીએ જ્યારે અનુજ ઉપર બળાત્કારનો આરોપ મૂકતો કાગળ પરકાશજી સાહેબના ટેબલ ઉપર મુક્યો ત્યારે શચી મજાક કરતી હોય તેમ પરકાશજી સાહેબ મુસ્કુરાવા લાગેલા.

કાંઈ ટંટો થયો છે તમારી વચ્ચે? પરકાશજી સાહેબે સલુકાઈપૂર્વક એક ટૂથ પીક વડે કાન ખોતરતાં પૂછ્યું.
ના, ટંટો નથી થયો.

એમ. અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો?
કાલેજની જિમમાં.

વોટ્ટ? જિમમાં? બધાની વચ્ચે?
ના. સાંજે, કાલેજ છૂટી ગયા બાદ.

સાંજે તમે લોકો જિમમાં શું કરતાં હતાં? પરકાશજીએ પૂછ્યું. પણ પરકાશજી સાહેબને ખબર હતી કે એક કાલેજ તરફથી જિમ માટે નવી નવી સાધનસામગ્રીનું અનુદાન મળેલું અને તે ઇન્સ્ટોલ કરવા અનુજ જિમમાં આવતો જતો હતો.

અનુજ જિમની મશીનરી ઇન્સ્ટોલ કરવા આવેલો.

અને તમે? તમે સાંજે ત્યાં શા માટે ગયેલાં?
શચી કશું બોલી નહીં. તે ક્ષણે પરકાશજીને લાગ્યું કે શચીની આંખોમાંથી જાણે ભાલા છૂટે છે. સહસા પરકાશજીને સંસ્કૃત સુભાષિત યાદ આવ્યું: દેવો ન જાનન્તિ, કુતો મનુષ્યા! સ્ત્રીના મનની દેવોને પણ જાણ નથી હોતી, તો માણસનું શું ગજું? મતલબ કે ચાર વર્ષમાં બાળકી જેવી દેખાતી શચી આજે ભલે સિનેમાની નટી જેવી સેક્સી ન દેખાતી હોય પણ આવી દુષ્કર્મની વાતથી જાણે યુવતી બનવા માંડી હતી.

હું ત્યાં શા માટે ગઈ હતી તે અગત્યનું નથી. અનુજે મારા ઉપર દુષ્કર્મ કર્યું છે તેની ફરિયાદ હું કરું છું. આ પહેલાં પરકાશજીને આ છોકરી સાથે વાત કરવાનો કોઈ મોકો આવ્યો નહોતો. અત્યારે આ છોકરી પટપટ પટપટ આટલું બધું બોલે છે તેની પણ પરકાશજીને નવાઈ લાગતી હતી.

બરાબર. ભલે તમે સાંજે કોઈ કારણસર ત્યાં ગયાં હતાં; પણ તમે એકલાં ગયાં હતાં?
ના, સલમા દીવાન, મારી સહેલી મારી સાથે હતી.

તેની હાજરીમાં આ બનાવ બન્યો?
ફરી શચી ચૂપ રહી.


લાંબો સમય બંને ચૂપ રહ્યાં, જાણે ન બોલવાથી આ વાત ફાસ્ટ ફોરવર્ડ થઈ જશે, અને નિત્યક્રમ પાછો સ્થપાઈ જશે અને દુષ્કર્મ-ફુષ્કર્મની કડાકૂટમાંથી પરકાશજી ને શચીને આપોઆપ રિહાઈ મળશે. અલબત્ત, રિહાઈ જેવું કાંઈ બન્યું નહીં. આખરે બીજું કાંઈ ન સૂઝતાં શચી બોલી:
અને સર, અનુજે મને છૂરો બતાવેલો. છૂરો બતાવીને હેરાન કરી છે. શચીએ કહ્યું. પરકાશજીને લગભગ ખ્યાલ આવી ગયો હતો કે કદાચ મજાક નથી કરતી આ છોકરી. પણ હજી અમુક સતહ ઉપર આ છૂરો અને દુષ્કર્મ અનુજ સિન્હાના કર્તાપદ સાથે મેળ ખાતાં ન દેખાયાં; અનુજ? શચી ઉપર કે સાથે દુષ્કર્મ કરે; અને સબસે મહત્ત્વપૂર્ણ બાત યેહ કિ એમની સુચારુ ત્રીકે સે ચાલતી પ્રતિષ્ઠિત કાલેજમાં કરે; તે સઘળું….એમનું મન તે માનવા તૈયાર ન હોય તેમ પરકાશજી ફરી હસી પડ્યા.

છૂરો બતાવીને, એમ? પરકાશજી સાહેબને હજી અરધું અરધું ભાસતું હતું: ભરોસો પડતો નહોતો કે શચી મજાક નથી કરતી. શચી રડતી નહોતી, શચી રડી રડીને ફરિયાદ કરવા આવી હોય એવું બિલકુલ લાગતું નહોતું. પણ શચી હસતી પણ નહોતી. તો વાસ્તવમેં, સહી માનોંમેં વાત સાચી છે? હટ્, પરકાશજીએ કાન ખોતરેલી ટૂથ પીક ફેંકતાં મનોમન કહ્યું. શચી મજાક નથી કરતી તો અનુજ ઉપર એને કોઈ કારણસર ક્ધિનો થયો છે. અનુજ સિન્હા શચી ઉપર કે બીજા કોઈ ઉપર બળાત્કાર કરે તે કોઈ માને નહીં. પરકાશજીસાહેબ સહેજ અટક્યા. માણસના ચારિત્ર્ય વિશે કોઈ ખાતરીથી કાંઈ કહી શકે નહીં, પરકાશજીસાહેબના મનમાં વિચાર આવ્યો, હવે આ વિચારના ડાળીડાંખળાં ફટફટ બહાર નીકળશે અને શી ખબર કયા સ્થાને જઈ અટકશે.

પરકાશજી હવે ગંભીર બનીને સોચવા લાગ્યા. પછી ગંભીર અવાજે શચીને કહ્યું: જો બેટા. આજકાલ જે પવન વાયો છે તેમાં છોકરીઓ કેટલીક વાર ઇલજામ મૂકવામાં ઉતાવળ કરી નાખે છે. આટલું બોલ્યા પછી તરત પરકાશજીને સમજાયું કે ગલ્ત, ગલ્ત, ગલ્ત! તરત કુશળ વક્તાની કુનેહથી વાત વાળતાં ઉમેર્યું, પણ તારા જેવી શાણી છોકરી વિના કારણે આવો ગંભીર આરોપ ના મૂકે.
જી.

કેટલા દિવસ પહેલાં આ બનાવ બનેલો?
ગયા શુક્રવારે.
ઓહ. તમે કાંઈ દાક્તરી તપાસ કરાવી છે? પરકાશજીને થયું કે ખરેખર જો દુષ્કર્મ થયું હોય તો તેના સબૂત બધા હવે તો નષ્ટ થઈ ગયા હોય.

શચી જવાબ આપે તે પહેલાં પટાવાળા રામખેલાવને બારણું ખોલી ડોકું કાઢ્યું: પરકાશજીએ હા પાડી, રામખેલાવને પરકાશજીને ચિઠ્ઠી આપતાં જણાવ્યું કે બહાર સલમા દીવાન તમને મળવા રાહ જુએ છે. સલમાના નામ સાથે પરકાશજીએ શચી સામે જોયું. શચી કાંઈ બોલી નહીં.

ઓકે, હું તમારી ફરિયાદ આધિકારિક તૌર પે નોંધી લઉં છું અને ઘટતી કારવાહી હાથ ધરું છું. શચી પીઠ ફેરવીને પટાવાળા રામખેલાવનની સામે જોયા વિના પરકાશજીની ઓફિસની બહાર નીકળી ગઈ. નો રોના, નો ધોના, નો થેંક્યુ, પોતાનું શીયળ ગુમાવ્યા બદલ નો સર પટકના. નથિંગ. પરકાશજીને થયું જમાનો ખરેખર સાંગોપાંગ બદલાયો છે. ત્યાં સલમા દીવાનએ પ્રવેશ કર્યો. શચીએ બ્લૂ જિન્સ પહેરેલું. સલમાએ સલવાર કમીઝ. આ વખતે રામખેલાવન પોતાની જાતે બહાર નીકળી ગયો, બારણું બરાબર વાસી દીધું. તેના ગયા બાદ સલમા સામે પરકાશજીએ જોયું.

ગુડ મોર્નિંગ, સર. સલમાએ કહ્યું. પરકાશજી તેનો જવાબ આપે તે પહેલાં સલમાએ પોતાની પર્સમાંથી બેવડ વાળેલો કાગળ કાઢીને પરકાશજીના હાથમાં મૂક્યો.

વોટ્ટ? ક્યા હૈ યેહ? પરકાશજી લગભગ ચિલ્લાઈ ઊઠ્યા. અનુજ સિન્હા કે બારે મેં હૈ ક્યા?

જી. સલમાએ મૂંગા મૂંગા કાગળ તરફ હાથ લંબાવી સૂચવ્યું કે તમે જ વાંચી લો કે કિસકે બારે મેં હૈ યેહ. કાગળમાં સલમાએ લખ્યું હતું કે શુક્રવારે હું શચીની સાથે જિમ ઉપર ગયેલી તે વાત સાચી. પણ તે પછી શું થયું તેની તેને કોઈ માહિતી નથી. સલમા ભારપૂર્વક જણાવે છે કે આ કિસ્સામાં તે ગવાહ નથી અને તેને કોઈ પણ પ્રકારે સંડોવવામાં ન આવે તેવી તેની વિનંતી છે.

પરકાશજી ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. હવે? શચીની વાતનું કોઈ સબૂત નથી. કોઈ ગવાહ નથી. પણ તેનો આરોપ હસી કાઢી શકાય તેમ નથી. વાતનો નિકાલ કાલેજમાં ને કાલેજમાં ન આવે તો આ ગુનો ફોજદારી ગુનો છે અને આખરે તેની જાણ પોલીસને કરવાની તેમની ફરજ છે. આરોપ સાચો હોય કે ખોટો, બળાત્કારની વાત બહાર આવતાં જ એમની કાલેજની આબરૂ ધૂળધાણી થાય. સહી ઉપાય તે છે કે છોકરા-છોકરીને સામસામે બેસાડીને સાચેસાચી ચોખવટ કરવી જોઈએ.

પરકાશજીએ રામખેલાવનને અનુજ સિન્હાને પોતાની ઓફિસમાં લઈ આવવા જણાવ્યું.

જી, અનુજ સિન્હાજી બહાર જ બેઠા છે, તમને મળવા માગે છે. પટાવાળાની પાછળ પાછળ જ અનુજ સિન્હા ઓફિસમાં પ્રવેશ્યો. બ્લૂ ટ્રેક સૂટ. બે દિવસની ફેશનેબલ દાઢી. સંજીદગી ટપકતી રીતભાત. આવો શાલીન છોકરો દુષ્કર્મ કરે? પણ આમે શચી જેવી શાણી છોકરી આવડું મોટું આળ કેમ મૂકે આ શાણા છોકરા ઉપર? એકાએક પરકાશજીના જેહનમાં આવ્યું કે અનુજ અને શચી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતાં, અથવા એવી અફવા હતી. તો પછી રૂમાની કલહ?

ત્રીજી વાર તેનું તે જ કૌતુક. અનુજ આવી ઊભો. રામખેલાવન બહાર ગયો. બારણું બંધ.

ગુડ મોર્નિંગ, સર. અનુજ સિન્હાએ કહ્યું.

તેને બેસવાનું સૂચવી પરકાશજીએ ખોંખારો ખાધો. પણ તે કાંઈ બોલે તે પહેલાં અનુજે કહ્યુ, સર, હું હા પણ નહીં પાડું કે ના પણ નહીં પાડું. તમે જે નિર્ણય લો તે મને મંજૂર છે.

શાનું મંજૂર છે, પરકાશજીએ મનોમન ઝલ્લાઈને કહ્યું. દુષ્કર્મની વાત બહાર આવે તો અનુજની જિંદગી બરબાદ થઈ જાય તેની તેને ખબર છે? બસ? લડકા બોલા, લડકી બોલી? કોઈ ગવાહ નથી, અને કમબખત ઇસ પે તો યેહ કે અનુજ આ આરોપનો વિરોધ પણ કરતો નથી?
તમે બરાબર સોચી વિચારીને કાલે આવો. પરકાશજીએ અનુજને જણાવ્યું. હું શચીને પણ બોલાવું છું. આપણે આનો ઘરેલુ નિકાલ ન લાવી શકીએ તો તમને ખ્યાલ જ હશે કે પોલીસને જાણ કરવાની રહે. અને તમને જેલ થઈ શકે.
જી.
જોકે કોઈ સબૂત નથી એટલે ગુનો સાબિત કરવો મુશ્કેલ બને. પરંતુ તોપણ ફક્ત બળાત્કારની વાત આવે એટલે અમુક બદનામી તમારા માથે ચોંટી જાય. જે તમને જીવનભર હેરાન કરી શકે.
જી.
જી? બસ જી? પરકાશજી મનોમન બહુ અકળાયા. આ બેવકૂફને પોતાની આબરૂની પડી નથી, તો કાલેજની આબરૂની શી પડી હોય?


એકાએક ફોન વાગતાં પરકાશજી છળી પડ્યા. વહેલી પરોઢે પોણા ચાર વાગ્યે વિજિયા હૉસ્પિટલ ઉપરથી પ્રિન્સિપાલનો ફોન હતો: સલમા દીવાનએ આપઘાતનો પ્રયત્ન કરેલો. આઈસીયુમાં છે, તમે આવો.

પરકાશજી કાન ઉપર મફલર વીંટીને ટેક્સીમાં બેઠા. પોતાનો ફોન તપાસી જોયો. કોઈએ વીડિયો મોકલાવેલો. લા હૌલ વિલાકૂવત! પરકાશજી આંખો ફાડીને જોઈ રહ્યા. વીડિયોમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની ઉન્મત્ત બનીને લવ કરતા દેખાતાં હતાં.

વિદ્યાર્થિની સલમા જેવી લાગતી હતી. વિદ્યાર્થી
કાલેજમાંથી પાસ થઈને અમેરિકા ચાલ્યો ગયેલો મુબારક દામાની હતો.

હૉસ્પિટલ ઉપર પ્રિન્સિપાલ સિંઘાનિયા ચુપચાપ અદબ વાળીને બેઠા હતા. તેમના ચહેરા પરથી સમજાતું હતું કે ફોનવાળો વીડિયો એમને ભી મિલ્યો છે. એમના ચહેરા ઉપર સલમાના સ્વાસ્થ્યની ચિંતા દેખાતી હતી. ડૉક્ટરો કહે છે કે સલમાનું સ્ટમક પંપ કરાવ્યું છે; સલમા બેભાન છે; રૂમ નંબર ૧૨બી. પોલીસ આવશે; તમે હાજર રહેજો. હું બાર વાગ્યાથી બેઠો છું.

આ કૌભાંડ તો કાલે જ છાપાંમાં આવી જશે. અને પછી તરત અનુજ-શચીનો સોપ ઓપેરો. પરકાશજી ચાલતા ચાલતા આપોઆપ સલમાના કમરામાં આવી પહોંચેલા. સલમાની મૌસીજી તેની પાસે બેઠાં હતાં. મૌસીજી ભી કાલેજ કી છાત્રા રહી થીં અપને જમાને મેં. પરકાશજીએ મુસ્કુરાઈને આદાબ અર્જ કીધા. મૌસીજીનો ચહેરો આ ઉંમરે પણ કેટરિના કૈફ જૈસી ખૂબસૂરત લાગી રહેલ.

મૌસીજીએ આંખોથી સૂચવ્યું, આવો. બેસો. હોઠ ઉપર આંગળી મૂકી સૂચવ્યું, કશું બોલશો નહીં. પરકાશજીને લાગ્યું કે મૌસીજીની આંગળી ભી કેટરિના કૈફ જૈસી ખૂબસૂરત છે.

મૌસીજીની સામે નેતરની ખુરશી ઉપર પરકાશજી બેઠા. અને તે જ ક્ષણે એમનાં નસકોરાં બોલવા લાગ્યા.
-૩-
સપનાં ભી એક અજીબ ચીઝ છે, ભાઈસાહબ. આપકી કાંડાઘડી ખો ગઈ હૈ ઔર આપ દિનભર ઢૂંઢી ઢૂંઢીને પરેશાન હો જાતે હો લેકિન રાત કો સપનાં આપકો બતા દેતા હૈ કિ આપ અપની કાંડાઘડી દિનકર ડાક્ટરકે યહાં ભૂલ આયે હો. અને તે જ સપનામાં આગે ચાલીને ખયાલ આવે છે કે તમારે ફ્લૂના શાટ લેવાના બાકી છે વગૈરાહ. પરકાશજીનું સપનું બહુ લાંબું ચાલેલુ નહીં. પણ મૌસીજીની ખુરશીની સામેની ખુરશીમાં એમની આંખ ખૂલી ત્યારે એમના મનમાં તય થઈ ગયેલું કે હવે શું કરવાનું છે. પોલીસના બે માણસો આવેલા. બ્લડ પ્રેશરની દવાઈનો એક્સિડેન્ટલ ઓવરડોઝ એવો રિપોર્ટ હમણાં લખી ગયા. મતલબ કે હજી ફોન વીડિયો પોલીસની પાસે ગયો નથી.

બે દિવસ કાલેજમાં રજા હતીં. ત્રીજા દિવસે રામખેલાવનને બોલાવી પરકાશજીએ સૂચના આપી. તે મુજબ પહેલાં અનુજ સિન્હાને બોલાવાયો. સૂચના મુજબ રામખેલાવન બારણા પાસે તેના સ્ટૂલ ઉપર બેઠો હતો. અનુજે તેની તરફ નજર કરી તો પરકાશજીએ કહ્યું, કોઈ બાત નહીં ઉસકો કુછ સુનાઈ નહીં દેગા. રામખેલાવન કાલેજકા સબ સે પુરાણા યિમ્પલાઈ હૈ. પછી પરકાશજીએ અનુજને ફોન વીડિયો વિશે પૃચ્છા કરી.

જી, મારી પાસે ને શચી પાસે તે વીડિયો આવ્યો છે પણ બીજા વિદ્યાર્થીઓ પાસે ગયો નથી, અનુજે જણાવ્યું. પરકાશજીએ એક બાત નોટ કરી: અનુજે કહ્યું મારી પાસે ને શચી પાસે. યાને ક્યા? રામખેલાવન! શચીજી કો બુલવાઓ.

શચી આવી. પરકાશજીના ટેબલની સામે અનુજ અને શચી બેઠાં. શચીએ રામખેલાવન તરફ જોઈ પરકાશજી સામે પ્રશ્ર્નાર્થ ચિહ્નની જેમ જોયું. પરકાશજીએ કહ્યું, કોઈ બાત નહીં ઉસકો કુછ સુનાઈ નહીં દેગા. રામખેલાવન કાલેજ કા સબ સે પુરાણા યિમ્પલાઈ હૈ.

સહસા રામખેલાવન બારણા પાસેથી ઊભો થઈ પરકાશજી પાસે ઝડપથી આવ્યો: સાહબ કાલેજમાં પોલીસ આવી છે!

પરકાશજીએ કહ્યું, બરાબર છે. મેં બોલાવી છે. ત્યાં પેલા બે પોલીસવાલા પરકાશજીની ઓફિસમાં આવ્યા. પરકાશજીએ પોલીસવાલાઓને અનુજ અને શચીની ઓળખાણ આપી. પછી પરકાશજીએ હાથ લંબાવી રામખેલાવનને બોલાવ્યો.
સાહબ, ચાય લાઊં ક્યા? રામખેલાવને વિનયથી પૂછ્યું.

પરકાશજીએ પોલીસવાલાઓને કહ્યું કે યેહ છે હમારા પટાવાલા રામખેલાવન મિસ્ત્રી. એક પુલીસવાલાએ રામખેલાવનની પાછળ જઈને તેના ખિસ્સામાંથી તેનો મોબાઇલ ફોન બહાર કાઢ્યો. પછી તેણે પટાવાલાને હથકડી પહેરાવી. બીજા પુલીસવાલાએ પરકાશજી સાથે હાથ મિલાવ્યા. પુલીસવાલા રામખેલાવનને હથકડી પહેરાવી બહાર લઈ આવ્યા. કાલેજના વિદ્યાર્થીઓની ભીડ થઈ ગઈ. પુલીસવાલા ભીડ વચ્ચેથી રામખેલાવનને દોરી ગયા એમની જીપ તરફ.
-૩-
પતા નહીં કૈસે, મગર સલમા ઔર શચી ઔર અનુજ જિસ તરાહ સે પટાવાલા કી ઔર દેખતાં હતાં તે ઉપરથી મને અંદાજો આવી ગયેલો કે ઇન સબ કા કોઈ કનેક્શન હૈ, રામખેલાવન સે.
પરકાશજી સલમાની મૌસીજીને સમજાવતા હતા કે આજથી બે વર્ષ પહેલાં સલમા અને તેના બોયફ્રેન્ડ મુબારકને લવ કરતા જોઈ ગયેલો રામખેલાવન. તેણે વાત જાહેર કરવાની ધમકી પીને પોતે પણ સલમા સાથે લવ કરવાની ડિમાન્ડ કરેલી.
અને?

આ વખતે રામખેલાવન અનુજ અને શચીને લવ કરતાં જોઈ ગયો. તેણે ફરી શચી સાથે લવ કરવાની ડિમાન્ડ કરી. શચી અને અનુજે નક્કી કર્યું કે તેના કરતાં શચી અનુજ ઉપર દુષ્કર્મનો ઇલજામ લગાવે તે જ બહેતર રહેશે.

મૌસીજી પરકાશજીની સામે શરારતભરી નજરોં સે દેખી રહ્યાં. શુકર હૈ ખુદા કા કે હમારે જમાને મેં રામખેલાવન ભી નહીં થા, ન હી વીડિયોવાલા મોબાઇલ ફોન થા.
સમાપ્ત

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો