જસવંત સિંહની સલાહની અવગણના, દુર્ગાદાસને અનન્ય પ્રેમ-લાગણી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
હકીકત દીવા જેમ સ્પષ્ટ હતી. મોગલોએ મહારાજા જસવંતસિંહ સહિતના રાજપૂતોનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો હતો, શોષણ કરવું હતું. મોગલોમાં લઘુતાગ્રંથિ એટલી ભયંકર હદે ઘૂસી ગઇ હતી કે જસવંતસિંહ જેવા વીરના બાહુબળ અને યુદ્ધ કૌશલનો ખપ હતો પણ એમની બુદ્ધિ-સલાહનો નહીં. એટલે જ તો મહારાજા જસવંતસિંહે મોગલોના સેનાપતિ સુજાત ખાનને પેશાવરમાં જ રોકાઇને પઠાણ સરદારોની રાહ જોવાની સલાહ આપી એ માનવામાં ન આવી.
ઊલટાનું ઇ. સ. ૧૬૭૪ની ૧૪મી ફેબ્રુઆરીને સુજાત ખાને લશ્કર સાથે કાબુલ તરફ આગળ વધ્યો અને ૨૧મી ફેબ્રુઆરીએ કડાપાની ઘાટી સુધી પહોંચી ગયો. સુજાત ખાન ફાંકા ફોજદારીમાં મશગૂલ હતો. મોગલો જેવા પેશાવરથી નીકળ્યા તેવો જ પઠણોને સંદેશો મોકલાવાઇ ગયો હતો. એટલે મોગલોને ‘પ્રેમપૂર્વક’ આવકારવા ગયો પઠાણો પોતાની સેના સાથે જમા થવા માંડયા હતા.
દૂર રાહ જોઇ રહેલા મહાસંકટથી સાવ અજાણ મોગલ સેના એ સમયે જ એક કુદરતી આફતનો સામનો કરી રહી હતી. અચાનક ભારે વરસાદ શરૂ થઇ ગયો અને બરફ પણ પડવા માંડ્યો. ઠંડી કહે મારું કામ. વરસાદ, બરફ અને ઠંડી વચ્ચે પદપરતી સેના ગભરાટ વચ્ચે જાણે આગળ ઢસડાતી જતી હતી.
અને લો, ૨૨મી ફેબ્રુઆરીએ કડાપા ઘાટીમાં વહેલી સવારે પઠાણો એકદમ મોગલો પર તૂટી પડયા. મોગલોની સેના મોટી હતી પણ આટલી ઠંડીમાં પહાડ પર ઓચિંતા આક્રમણ માટે જરાય તૈયાર નહોતા. સવાલ આબરૂનો અને જીવ બચાવવાનો હતો એટલે મોગલો જીવ સટોસટની લડાઇ લડવા માંડયા.
આ આક્રમણની માહિતી મળતાવેંત મહારાજા જસવંતસિંહે અલગ વ્યૂહ અપનાવ્યો. તેમણે રઘુનાથ બકશી અને બછરાજ પંચોલીની આગેવાની હેઠળ પાંચસો સૈનિકો અને એક તોપખાના સાથે કુમક સરદાર સુજાત ખાનની મદદ માટે રવાના કરી. એ પોતે પણ યુદ્ધ મોરચે પહોંચ્યા, બીજી દિશામાંથી. તેઓ સાથે બસો અશ્ર્વ સવાર અને થોડા તોપચીઓ લઇને ગયા હતા.
આ યુદ્ધમાં મહારાજા જસવંતસિંહ પહોંચ્યા એ અગાઉ સુજાત ખાન માર્યો ગયો હતો. હવે બધો દારોમદાર જસવંતસિંહ પર આવી ગયો. તેમણે અફઘાન સેનાને બે તરફથી ઘેરી લઇને જોરદાર હુમલો કર્યો. ધમાસણ યુદ્ધમાં અફઘાનો ધડાધડ વઢાવા માંડયા. સામે પક્ષે ૩૦૦ જેટલાં રાજપૂત વીરો પણ યુદ્ધમાં કામ આવી ગયા. ઘણાં આગેવાનોને ગુમાવવા છતાં જસવંતસિંહ બચેલી મોગલ સેનાને સલામત પણે મોગલ છાવણી સુધી પાછાં લાવવામાં સફળ રહ્યાં હતા. તેમણે જીવ બચાવવા ભાગીને આ
હાંસલ નહોતું કર્યું પણ પૂરેપૂરું વિચારીને પગલાં ભર્યા
હતાં.
જસવંતસિંહે વિવિધ સ્થળે સુરક્ષા ચોકી બનાવવાનો આદેશ આપ્યો. અમુક સ્થળે કામચલાઉ નાના થાણા પણ બનાવડાવ્યા, પરંતુ અફઘાનોનું ઝનૂન હારવા-હણાવા છતાં ઓછું થયો નહોતું. બધા અફઘાન જૂથોએ એક થઇને જસવંતસિંહને નિશાન બનાવ્યા પણ તેમને ખદેડી મૂકાયા. એ સમયે તો અફઘાનો ભાગી છૂટયા જીવ બચાવીને, પણ રાતે પાછા બિલ્લી પગે ત્રાટકીને ઘણાં રાજપૂત વીરોને ખતમ કરી નાખ્યાં.
પોતાના સૈનિકો ભારે સંખ્યામાં મરાયાનો ઔરંગઝેબને ગમ નહોતો. રઘુનાથના નેતૃત્વમાં વધુ સેના મોકલાવી. આને પગલે ઘણી ચોકીઓ જ ન સ્થપાઇ પણ અફઘાનોનેય પરાસ્ત કર્યાં.
અલબત્ત, અફઘાનિસ્તાનમાં પઠાણોને પરાસ્ત કરવાનું કેટલું મુશ્કેલ હતું એનો અનુભવ દાયકાઓ બાદ સોવિયેત સંઘ અને અમેરિકા જેમ મહાસત્તાઓને ય થવાનો હતો. તાત્કાલિકપણે તે ઔરંગઝેબ વિચારમાં પડી ગયા કારણકે એનો મુખ્ય વિશ્ર્વાસુ સુજાત ખાન માર્યો ગયો હતો. સાથી તેણે પોતે કાબુલ જવા માટે પ્રસ્થાન કર્યું.
ઇ. સ. ૧૬૭૪ની સાતમી એપ્રિલે અકબરે જમરૂટ પહોંચીને જસવંતસિંહને વિશેષ પ્રશસ્તિપત્ર વીસ હજાર રૂપિયાનો મૂલ્યનો હાથી, સોનાની મૂંઠ અને વાળી તલવાર અને સાત હજાર રૂપિયાનો પોશાક ભેટ આપ્યા. આ સાથે ઔરંગઝેબે અફઘાનોને ખતમ કરવા માટે અલગ વ્યૂહ વિચારવા માંડ્યો.
હવે અફઘાનો પર ત્રિપાંખિયા હુમલાનો વ્યૂહ ઘડાયો. પૂર્વમાં જલાલાબાદથી અકબરને ખૈબર ઘાટી પર, હસન બેગ ખાનને કડાપા ઘાટી પર અને આગરખાનને પશ્ર્ચિમ તરફથી આગેકૂચ કરવાનો હુકમ અપાયો. નેતૃત્ત્વ ભલે ભાવિ સુલતાન અકબરને સોંપાયું હતું પણ એમની સાથે જસવંતસિંહ જેવા આગેવાનોને રખાયા હતા. જસવંતસિંહ સાથે પોતાના એક માત્ર પુત્ર જગતજીતસિંહ, દુર્ગાદાસ રાઠોડ અને અન્ય આગેવાનો પણ હતા.
આ આક્રમણ મહારાજા જસવંતસિંહ માટે નવો ખૂબ જ વિષાદ લાવવાનું હતું. સાથોસાથ તેમનો દુર્ગાદાસ પ્રત્યેના અનન્ય પ્રેમ-લાગણી-વિશ્ર્વાસ બહાર આવવાના હતા.
(ક્રમશ)