ઉત્સવ

સફળ થવું હોય તો ગમતી પ્રવૃત્તિ જ કરવી જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટની

આજે વાત કરવી છે વિચક્ષણ ઓસ્ટ્રેલિયન સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટની.. . જાન્યુઆરી ૩૧, ૧૭૯૭ના દિવસે વિયેનામાં જન્મેલા શુબર્ટ નવેમ્બર ,૧૯, ૧૮૨૮ના માત્ર ૩૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા, પણ સંગીત ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કરી ગયા અને નાની ઉંમરમાં અકલ્પ્ય સફળતા મેળવી ગયા. સંગીતજગતમાં એમનું નામ માઇલસ્ટોન સમાન ગણાય છે. વેસ્ટર્ન કલાસિકલ મ્યુઝિકમાં એમણે જે પ્રદાન આપ્યું એને કારણે એમનું નામ દુનિયાના સૌથી અદ્ભુત સંગીતકારોની અત્યંત ટૂંકી યાદીમાં પણ હકપૂર્વક સ્થાન પામે છે.

શુબર્ટ જો દુનિયાની વાત સાંભળીને ચાલ્યા હોત તો નિષ્ફળ શિક્ષક તરીકે મરી ગયા હોત. એમની ઇચ્છા સંગીતક્ષેત્રે આગળ વધવાની હતી, પણ પિતાએ એમના માટે જુદું વિચાર્યું હતું. એમણે દીકરાને આદેશ કર્યો કે આપણી પોતાની સ્કૂલ છે એટલે તારે સ્કૂલમાં શિક્ષક તરીકે જોતરાઈ જવાનું છે (મજાની વાત એ છે કે શુબર્ટ નાના હતા ત્યારે પિતાએ જ એમને વાયોલિન વગાડતા શીખવ્યું હતું)!

શુબર્ટે દબાતા અવાજે પિતાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો તો પિતા રોષે ભરાયા. કહ્યું: ‘તારે શિક્ષક ન બનવું હોય તો વાંધો નહીં, પણ તો પછી તારે ફરજિયાત આર્મીમાં જવું પડશે. બોલ, શું કરવું છે?’
શુબર્ટને માટે પાછળ આગ અને આગળ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ એટલે નાછુટકે એ પિતાની શાળામાં વ્યાકરણના શિક્ષક તરીકે જોડાઈ ગયા. ૧૮૧૩ના વર્ષમાં એમણે ૧૬ વર્ષની ઉંમરે વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. ભણાવવામાં તો કોઈ રસ હતો નહીં એટલે આપણી ગુજરાતી કહેવત જેવો ઘાટ થયો: ‘માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં!’

શુબર્ટને તો પિતાએ પરાણે શિક્ષક બનાવી દીધા હતા એટલે એમને વિદ્યાર્થીઓને ભણાવવામાં ખાસ રસ પડતો નહીં માટે ભલે એ શાળાના વર્ગમાં બેઠા હોય, પણ આખો દિવસ પોતાના વિચારોમાં મગ્ન હોય. આને લઈને એમની સામે ફરિયાદો આવવા માંડી કે આ શિક્ષક તો કંઈ ભણાવતા જ નથી અને પૂતળાની જેમ બેસી રહે છે.

પિતાએ શુબર્ટને ખખડાવી નાખ્યા. શુબર્ટે પિતાને કહ્યું: ‘મને તો સંગીતમાં જ રસ છે એટલે હું મારા સંગીતના વિચારોમાં ખોવાઈ જાઉં છું. છોકરાઓ જેમ ભણે એમ એમને ભણવા દઉં છું!’
એ દિવસે એમણે પિતાનો બહુ ભારે ઠપકો સાંભળવો પડ્યો. એને કારણે શુબર્ટ ડિપ્રેશનમાં સરી પડ્યા.

આ રીતે એમના તકલીફભર્યા દિવસો પસાર થઈ રહ્યા હતા, પણ એ સમયમાં અચાનક એમના જીવનમાં એક છોકરીનું આગમન થયું. થેરીસા ગ્રોબ નામની એક રૂપાળી છોકરી સાથે મુલાકાત થઈ. એ સિલ્કના વેપારીની દીકરી હતી. થોડા સમયમાં જ બંને ખૂબ નજીક આવી ગયા. એ યુવતી એમનાથી પણ નાની હતી. થેરીસી એમના જીવનમાં આવી એ પછી શુબર્ટના જીવનમાં નવો ઉમંગ જાગ્યો. થેરીસાએ જોયું કે આ માણસ સંગીતનો જીવ છે, શિક્ષણનો નથી. એણે કહ્યું: ‘ફ્રાન્ઝ, આ રીતે તો તું તારી જિંદગી બરબાદ કરી નાખીશ. તું પોતાને અન્યાય કરી રહ્યો છે. તને જે ગમતું નથી એ શા માટે કરી રહ્યો છે? તને જે ગમે છે એ જ કર. સંગીતક્ષેત્રે જ આગળ વધ.’

શુબર્ટ પેલી યુવતીને પરણવા ઇરછતા હતા, પણ એમની પ્રેમકહાણી અધૂરી રહી ગઈ. જો કે થેરીસાની પ્રેરણાથી શુબર્ટે પોતાને ગમતી જિંદગી જીવવાનો મક્કમ નિર્ણય કર્યો. પિતાની સામે એમણે અવાજ ઉઠાવ્યો : ‘મને મારી રીતે જીવવા દો’

એમણે સંગીતના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં એમને જબરી સફળતા મળી ને ચોતરફ વાહ-વાહ થવા લાગી.

શુબર્ટને સંગીતકાર તરીકે ખ્યાતિ મળી એટલે પિતાને ભરોસો બેઠો કે શુબર્ટ ખરેખર સંગીતકાર બનવા જ સર્જાયો છે એટલે પિતાએ ખુશ થઈને એમને પિયાનોની ભેટ આપી.
એ પછી તો ફ્રાન્ઝ શુબર્ટ ખૂબ આગળ વધ્યા અને સંગીતકાર તરીકે પોતાનું નામ અમર કરી ગયા.

દોસ્તો, સાર એ છે કે સાચું માર્ગદર્શન આપવાવાળી કોઈ વ્યક્તિ મળી જાય તો જિંદગી બદલાઈ જતી હોય છે. ફ્રાન્ઝ શુબર્ટના જીવનમાં થેરીસાને બદલે કોઈ ભમરાળી-ભૌતિકવાદી છોકરી આવી હોત તો શુબર્ટને કોઈક બીજી દિશામાં વાળ્યા હોત, પણ થેરીસાએ સાચી સલાહ આપી. શુબર્ટને કહ્યું.

કે ‘તું એ જ કર જે તારું દિલ તને કહેતું હોય.’
આપણને ગમે એ પ્રકારની જ પ્રવૃત્તિ કરવી જોઈએ. અંદરથી જે અવાજ આવે એ પ્રમાણે જ જીવવું જોઈએ. આપણને ગમતી પ્રવૃત્તિ કરીએ તો જીવન બોજરૂપ લાગવાને બદલે આનંદમય બની
જાય. એ પ્રવૃત્તિ માત્ર પ્રવૃત્તિ ન રહેતા ધ્યાન સમી બની જશે.

અને એવું કરીએ તો તો આપણે કશુંક અકલ્પ્ય પરિણામ લાવી શકીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…